કોંગ્રેસ આજે છે એવી કેમ છે? જાણીએ તેના મૂળમાં કોણ છે

0
217
Photo Courtesy: theprint.in

કોંગ્રેસના પતન વિષેની સિરીઝના ત્રીજા ભાગમાં જોઈશું કે કોંગ્રેસ જે આજે સરકારનો વિરોધ કરવાને બદલે દેશનો વિરોધ કરવા પર આવી ગઈ છે તે પાછળના મૂળિયાં ક્યાં છુપાયેલા છે.

Photo Courtesy: theprint.in

ગત બે લેખમાં આપણે કૉંગ્રેસની વિચિત્ર ને દેશદ્રોહને સ્પર્શતી પ્રતિક્રિયાના સંભવિત પાંચ કારણો જોયા.

 

1) રાજકિય જમીન ખસી રહી છે. 2) કૉંગ્રેસની બિન-રાજકિય ઈકો-સિસ્ટમ ખોખલી થઈ ગઈ છે. 3) કૌભાંડોના પૈસાને સહારે ટકાવી રાખેલ સંગઠન નબળુ પડી ગયુ છે. 4) મુસ્લિમ તુષ્ટીકરણની નિતી અને 5) વિરોધના મુદ્દા જ નથી મળતા. પાછલા લેખમાં મેં કહ્યુ હતુ કે છઠ્ઠુ સંભવિત કારણ હોઈ શકે — કેપ્ટન વગરની કૉંગ્રેસ. તો એને આજે છણાવટ પૂર્વક જોઈએ.

આજે આપણને સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે કે કૉંગ્રેસ કેપ્ટન વગરની છે. કોઈ કહેતા કોઈ એનુ રણીધણી નથી અને સરવાળે કૉંગ્રેસને ટકાવી રાખવા માટે હરીફરીને ગાંધી કુટુંબના વંશ-વારસો પર કૉંગ્રેસની નજર જાય છે. એટલે જ જ્યારે સોનિયાએ કૉંગ્રેસનુ અધ્યક્ષ પદ છોડ્યુ ત્યારે એ રાહુલને આપવામાં આવ્યુ અને હવે જ્યારે રાહુલે જીદ કરીને પણ અધ્યક્ષપદ છોડી દીધુ ત્યારે મેરેથોન મિટીંગો બાદ પણ અધ્યક્ષ પદનો કળશ પાછો સોનિયા પર જ ઢોળવામાં આવ્યો. સોનિયા કે રાહુલ કે પછી અત્યારના કૉંગ્રેસીઓને આવી પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવતા પહેલા આપણે એ સમજવુ પડશે કે કૉંગ્રેસની આવી હાલત કેમ અને ક્યારથી થઈ??

આમ તો જોવા જઈએ તો આઝાદી પહેલાના સમયે જ્યારે મોતીલાલ નહેરુએ મોહનદાસ ગાંધી સમક્ષ પ્રસ્તાવ રાખ્યો કે હું મારી બધી સંપત્તિ કૉંગ્રેસને આપવા તૈયાર છુ માત્ર એક જ શરતે કે કૉંગ્રેસ પ્રમુખ મારો દિકરા જવાહરને બનાવવામાં આવે; ત્યારથી કદાચ કૉંગ્રેસમાં આ તુષ્ટીકરણની કે પછી સાદા શબ્દોમાં કહીએ તો લાગવગની પરંપરા ચાલુ થઈ હશે. સરવાળે મોતીલાલે કૉંગ્રેસને ચરણે સંપત્તિ ધરી અને જવાહર કૉંગ્રેસ પ્રમુખ બન્યા. જો કે, ત્યારબાદ પણ કૉંગ્રેસ પ્રમુખની ચૂંટણીઓ થતી રહી અને લોકશાહી પધ્ધતિથી કૉંગ્રેસ પ્રમુખ ચુંટાતા રહ્યા. જેમાં બિન નહેરુ-ગાંધી કુટુંબના સભ્યો કંઈ કેટલીયવાર કૉંગ્રેસ પ્રમુખ બન્યા.

પણ, જ્યારથી ઈંદિરા અને ખાસ તો ઈમરજન્સી બાદનો જે ઈંદિરા ગાંધીનો કૉંગ્રેસના અધ્યક્ષ પદનો તેમજ દેશના વડાપ્રધાનનો કાર્યકાળ રહ્યો ત્યારથી કદાચ કૉંગ્રેસની આ ગાંધી-નહેરુ કુટુંબની પ્રગાઢ ભક્તિની પરંપરા એકદમ દ્રઢ બની. એમાંય ઈંદિરા ગાંધીની હત્યા બાદ જ્યારે રાજીવ ગાંધીને બળજબરીથી વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા ત્યારે તો એ સ્પષ્ટ થઈ ગયુ કે કૉંગ્રેસે ચુસ્તપણે માની લીધુ છે કે ગાંધી કુટુંબ સિવાય એમનો કોઈ ધણી ધોરી નથી.

જરા વિચારો — રાજનિતીનો ‘ર’ પણ નહીં જાણનાર; દૂન-સ્કુલ અને વિદેશમાં રહીને ભણતર કરનાર અને દેશની જમીનથી તદ્દન વિખૂટો; આવડત અને વ્યવસાયે પ્લેનનો પાયલટ; વિદેશી સ્ત્રી સાથે લગ્ન કરનાર; રાજકારણતો છોડો પણ કોઈ નાનકડી સંસ્થાના પણ એડમિનિસ્ટ્રેશનનો પણ કોઈ જ જાતનો અનુભવ નહીં ધરાવનાર તદ્દન બિન-અનુભવી; ભારતથી તદ્દન અજાણ; કંઈક અંશે બેવકૂફ અને કાચા કાનના એવા રાજીવ ગાંધીને માથે વડાપ્રધાન તેમજ કૉંગ્રેસ અધ્યક્ષનો કળશ ઢોળનારી કૉંગ્રેસની એવી તો કેવી મજબૂરી હશે. જ્યારે એ જ સમયમાં કેટલાય બીજા સક્ષમ, અનુભવી, કાબેલ, રાજકારણમાં નીચેથી ઉપર આવનારા અને શિયાળ જેવા ખંધા; વિરોધીઓને મ્હાત આપનાર તેમજ ઉત્તમ પ્રશાસક એવા અઢળક નેતાઓ નજર સામે મોજૂદ હતા તે છતાં ઉપર કીધા મુજબ ગમાર એવા રાજીવ ગાંધીના હાથમાં ન કેવળ પોતાના પક્ષનુ પણ દેશનુ પણ સુકાન સોંપી દેવામાં આવ્યુ — કઈ લાયકાતને આધારે??

એકમાત્ર લાયકાત — એમની માતા ઈંદિરા ગાંધી હતા. એ નહેરુ-ગાંધી ખાનદાનનુ ફરજંદ છે એ જ એની સૌથી મોટી લાયકત ગણાય. હવે, આવો તદ્દન બિન અનુભવી અને રાજકારણ નો ‘ઢ’ નેતા માત્ર પોતાના વંશ; દેખાવ અને અંગ્રેજી લઢણના હિંદીમાં કરવામાં આવતા ભાષણોને આધારે પક્ષને કે દેશને શું આપી શકવાનો છે?? કદાચ જૂના-રીઢા ખાઈબદેલા કૉંગ્રેસીઓને માટે એટલા જ માટે રાજીવ ગાંધી એમની પહેલી પસંદગી હતી.

ઈમરજન્સી અને પોસ્ટ-ઈમરજન્સીના સમયે ઈંદિરા ગાંધીની આસપાસ આભાસી કેબિનેટ (જેને પાછળથી કિચન કેબિનેટ એવુ નામ આપવામાં આવ્યુ) બનાવીને; અડ્ડો જમાવીને જે કૉંગ્રેસીઓ સજ્જડપણે ચોંટીને બેસી ગયા હતા એ બધેબધા જ ખાઈબદેલા રાજકારણીઓ હતા. (ઈંદિરાની હત્યા બાદના શીખ હત્યાકાંડમાં આ જ કૉંગ્રેસીઓની મુખ્ય ભૂમિકા રહી હતી અને એ જ લોકો ત્યારબાદ પણ લગભગ દરેક કૌભાંડોના જનક કે વાહક હતા).

આ બધો મેળાવડો ખરેખર તો ઈંદિરાના બીજા નંબરના સુપુત્ર સંજય ગાંધીએ પોતાના છેલબટાઉપણાને અને અતિ-ગુનાહીત માનસને પોષવા માટે ભેગો કરેલો હતો. ઈમરજન્સીના સમયમાં સંજય ગાંધીની આ ગેંગનો આતંક કહી શકાય એ પ્રકારનો દબદબો હતો અને સંજયની માતા દેશની વડાપ્રધાન છે એનો ભરપૂર ગેરલાભ આ ગેંગ સંજય દ્વારા ઉઠાવતી હતી. એમાં, નાના-નાના ચોરી-ચપાટી કે ધોલ-ધપાટ; રાડા કરવાના ગુનાઓથી માંડીને જમીનના કૌભાંડો; સરકારી કૉન્ટ્રાક્ટ હાથ કરવાના અને અતિશય ગંભીર કહી શકાય તેવા ગુનાઓની પરંપરા આ ગેંગે કરી હતી પણ “રાજવી કુટુંબ”નો સભ્ય એમનો સાથીદાર હોવાને લીધે એમનો કોઈ વાળ પણ વાંકો નહોતુ કરી શકતુ.

જો કે સંજય ગાંધીના અકાળ અવસાન બાદ આ ગેંગની ગુનાહીત પ્રવૃત્તિઓ પર થોડી બ્રેક લાગી ગઈ હતી અને આ બધા ઈંદિરા ગાંધી દ્વારા જાણે અકરામ આપવામાં આવ્યા હોય તેમ કૉંગ્રેસમાં કે પછી સરકારમાં કે પછી એડમિનિસ્ટ્રેશનમાં કોઈને કોઈ પદો સંભાળીને બેસી ગયા હતા. જો કે, ઈમરજન્સી સમયે કંઈક અંશે નબળી પડી ગયેલી કૉંગ્રેસ પર એમની પક્કડ ધીમે-ધીમે પણ મક્કમ રીતે મજબૂત થતી જતી હતી; પણ કોઈનુ કદ એવડુ મોટુ નહોતુ કે એમને કોઈ કૉંગ્રેસના સંગઠનના કે પછી સરકારોમાં સર્વોચ્ચ પદે સ્વીકારી શકે; અને એમની ઈમેજ અને ક્ષમતા પણ એવી નહોતી કે એ કુશળ રીતે સારા-નરસા દરેક પ્રકારના કૉંગ્રેસીઓને સંગઠન સાથે જોડી રાખી શકે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here