ટ્રાવેલ ઉદ્યોગમાં સીધી હરીફાઈમાં ટકી રહેવા માટે ભારતીય રેલ્વેએ કરેલા એક ખાસ નિર્ણયમાં શતાબ્દી, ગતિમાન અને તેજસ જેવી ત્રણ પ્રિમીયમ ટ્રેનોના ભાડામાં અભૂતપૂર્વ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: ભારતની ત્રણ સુપરફાસ્ટ પ્રિમીયમ ટ્રેનો શતાબ્દી એક્સપ્રેસ, ગતિમાન એક્સપ્રેસ અને તેજસના યાત્રીઓ માટે ભારતીય રેલ્વે બહુ જલ્દીથી ખુશખબર લાવી રહ્યું છે. એક સમાચાર અનુસાર આ ત્રણેય ટ્રેનોમાં ભાડું નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે.
એક અંદાજ અનુસાર રેલ્વે મંત્રાલય આ ત્રણેય ટ્રેનોના ભાડાં 25% સુધી ઘટાડી શકે છે. આ પાછળનું કારણ આજકાલ રેલ્વેને રોડવેઝ અને એરલાઈન્સ તરફથી મળી રહેલી કઠીન સ્પર્ધાને ગણવામાં આવી રહ્યું છે.
આ ત્રણ ટ્રેનોના ભાડા એરલાઈન્સના ભાડા કરતા પણ ઘણીવાર વધુ હોવાને કારણે મુસાફરો તેને પ્રાથમિકતા અપાતા નથી. આ વિચાર પાછળ રેલ્વેનો હેતુ એવો છે કે આ ટ્રેનોમાં જે સીટો ખાલી રહે છે તેને ભરવામાં આવે પરંતુ કયા કયા રૂટ પર ઘટાડેલા ભાડાં ક્યારે લાગુ કરવા તેનો નિર્ણય અલગ અલગ રેલ્વે ઝોનના મુખ્ય કમર્શિયલ મેનેજરો પર છોડી દેવામાં આવ્યો છે.
રેલ્વેના સૂત્ર અનુસાર જે ટ્રેનોની અડધી સીટ ખાલી રહી જાય છે તેમાં આ ઘટાડેલા ભાવ આપવામાં આવશે. આ ઘટાડો AC ચેરકાર, એક્ઝીક્યુટિવ ચેર કારની ન ભરાયેલી બેઠકોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે અને તેના પર રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ ચાર્જ અને અન્ય ચાર્જીસ અલગથી લેવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી શતાબ્દી, ગતિમાન અને તેજસમાં અડધોઅડધ સીટો ખાલી હોવાનું જાણવામાં આવ્યું હતું અને આથી જ આ ટ્રેનોના ભાડામાં કન્સેશન આપીને આ ખાલી સીટો ભરીને રેલ્વેનું રેવન્યુ વધારવાનો પ્રયાસ આદરવામાં આવનાર છે.
જો કે જે ટ્રેનોમાં ઓછા ભાડામાં ટીકીટ લેનાર વ્યક્તિને અન્ય કોઈજ કન્સેશન નહીં મળે કે પછી ડાયનેમિક ફેર લાગુ પાડવામાં આવશે નહીં. રેલ્વે મંત્રાલયે દરેક ઝોનને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આ પ્રકારે અડધી ખાલી દોડતી ટ્રેનો વિષે એક યાદી તૈયાર કરવાનું જણાવ્યું છે.
છેલ્લા ઘણા સમયથી રેલ્વેના ભાડાં એરલાઈન્સના ભાડા કરતા વધુ અથવાતો બરોબર હોય એવું જોવા મળ્યું છે આથી પ્રિમીયમ ટ્રેનો અને ACના ભાડાને ઓછા કરવા માટે રેલ મંત્રાલય દ્વારા ઉપરોક્ત કસરત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
eછાપું