દેશના પૂર્વ નાણામંત્રી તેમજ ગૃહમંત્રી ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલવાસ ભોગવી રહ્યા છે એવામાં આ આખો કેસ શું છે એ જાણવાની ઉત્કંઠા તમામને હોય, તો ચાલો જાણીએ પી ચિદમ્બરમ, તેમના પુત્ર કાર્તી ચિદમ્બરમ અને તમામ આરોપોનું મૂળ INX મિડિયા શું છે તેના વિષે.

ભારતના ભૂતપૂર્વ નાણામંત્રી અને ગૃહમંત્રી રહી ચુકેલા કોંગ્રેસના રાજનેતા એવા પી.ચિદમ્બરમ એમની ધરપકડને લઈને ખાસા એવા ચર્ચામાં છે. મીડિયા અને ન્યુઝ ચેનલ વગેરેમાં એ કેસણી તમામ વર્તમાન અપડેટ તો તમને મળી જશે. પણ ક્યાંક ને ક્યાંક “યે દિલ માંગે મોર”નું રટણ હજીયે તમારા મનમાં ચાલુ હોય અને જો તમે આ કેસના ભૂતકાળમાં આંટો મારવા તૈયાર થઇ જાઓ.
આ આખાય ચેપ્ટરની શરૂઆત થઇ પીટર અને ઈન્દ્રાણી મુખર્જીના એક કંપની બનાવવાના વિચારથી! જેનું નામ હતું “INX મીડિયા”. હા, તમે સાચું વિચારો છો. આ એ જ કપલ છે જેમના પર તેમની જ પુત્રી શિનાના મર્ડરનું લાંછન છે.
INX મીડિયા ખાતર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે આ લોકો દ્વારા એક અરજી કરવામાં આવી. હવે, ભારતમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ માટે એક બોર્ડ કાર્યરત છે જેનું નામ છે, “ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ” (FIPB). FIPB વિદેશી રોકાણને બે રીતે એપ્રુવલ આપે છે. જો અમુક હદ સુધીનું રોકાણ હોય તો ઓટોમેટીક રૂટથી (વધુ પડતી ફોર્મલ પ્રોસેસ વગર) અને જો રોકાણ એક લીમીટથી વધારે હોય તો વાયા ગવર્મેન્ટ એપ્રુવલ.
ઇન્દ્રાણી અને પીટર મુખર્જીને પોતાની કંપની INX મીડિયા માટે FIPB એ માત્ર 4.63 કરોડ સુધીના રોકાણની પરવાનગી ડાઉનસ્ટ્રીમ ઇન્વેસ્ટમેન્ટ ન કરવાની શરત સાથે આપી. ડાઉનસ્ટ્રીમ ઇન્વેસ્ટમેન્ટ એટલે તમને જે કંપની માટે ફંડિંગની પરવાનગી મળી હોય તે જ કંપનીમાં તમે રોકાણ કરી શકો નહિ કે તે સંલગ્ન અન્ય બેબી કંપનીમાં!
ઓકે, આટલા સુધી તો સમજી શકાય કે કેસ થવા જેવું કંઈ બન્યું નહી. પણ 2008માં નાણા મંત્રાલયના જ એક વિભાગ એવા ફાયનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટ ઓફ ઇન્ડિયા (FIU-IND)ને એવા પુરાવા મળ્યા કે INX મીડિયા પ્રાઈવેટ લીમીટેડ નામની કંપનીમાં મોરેશિયસ બેઝ્ડ કંપનીઓના રોકાણની રકમ લગભગ 305 કરોડ છે. જે FIPB દ્વારા અપાયેલા એપ્રુવલ કરતાં ક્યાંય વધારે હતા.
મુંબઈના આવકવેરા (IT) વિભાગે આ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મોકલ્યો. 2010 માં, EDએ INX મીડિયા વિરુદ્ધ ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના કથિત ઉલ્લંઘન બદલ કેસ નોંધ્યો હતો.
હવે આટલું બધું કરી નાખ્યા પછી આ કપલને જરૂર હતી એક વગદાર માણસની જે તેમનું આ કૌભાંડ છુપાવી શકે. અને એ માણસ હતો પી.ચિદમ્બરમનો પુત્ર એટલે કે કાર્તિ ચિદમ્બરમ!
કેસમાં કાર્તિ ચિદમ્બરમની એન્ટ્રી
ઘણા વર્ષો પછી, પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સાથે સંકળાયેલી કંપનીની તપાસ કરતી વખતે EDને કાર્તિના CA ભાસ્કરમનના કમ્પ્યુટરમાં INX મીડિયા સાથે જોડાયેલા દસ્તાવેજો મળ્યાં. દસ્તાવેજોમાં INX મીડિયા દ્વારા કાર્તિની કથિત કંપનીને કરવામાં આવેલી ચુકવણી સૂચવવામાં આવી હતી તે સમયે નાણાં મંત્રાલયે તેને FIPB મંજૂરી આપી હતી. આ ચુકવણી INX મીડિયા કંપનીએ કાર્તિ ચિદમ્બરમની કંપનીને કથિત કન્સલ્ટન્સીના ભાગરૂપે પેમેન્ટ સ્વરૂપે આપી હોવાની શંકાશીલ નોંધણી જોવા મળી.
આ સંદર્ભમાં EDના રેફરન્સમાં, CBIએ મે 2017 માં ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો, અને કાર્તિ અને તેના પિતા પી ચિદમ્બરમ બંને સાથે સંકળાયેલ સ્થળની શોધ કરી હતી. જેને પગલે EDએ કાર્તિ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધાવ્યો હતો.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કાર્તિની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા હતા, અને હવે તેઓ તમિલનાડુના શિવગંગાથી કોંગ્રેસના લોકસભા સાંસદ છે.
CBIના હાથમાં કેસ આવ્યા બાદ….
તેની FIRમાં CBIએ જણાવ્યું હતું કે INX મીડિયાએ 13 માર્ચ 2007 ના રોજ FIP ના માર્ગે ત્રણ બિન-નિવાસી રોકાણકારોને 14.98 લાખ ઇક્વિટી શેર અને 31.22 લાખ કન્વર્ટિબલ બિન-કમ્યુલેટિવ રીડેમેબલ પ્રિફરન્સ શેર્સ ઇશ્યૂ કરવાની મંજૂરી માટે સંપર્ક કર્યો હતો.
આ શેર INX મીડિયાની ઇશ્યૂ કરેલી ઇક્વિટી મૂડીના 46.21% રજૂ કરે છે.
CBIના જણાવ્યા અનુસાર 2007 માં FIPBને આપેલી અરજીમાં મીડિયા કંપનીએ INX ન્યૂઝ પ્રા.લિ.ની ઇશ્યૂ કરેલી અને બાકી ઇક્વિટી શેર મૂડીના 26 ટકાની મર્યાદામાં ડાઉન સ્ટ્રીમ નાણાકીય રોકાણ કરવાના તેના હેતુનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે INX મીડિયાની પેટાકંપની છે.
શરૂઆતમાં જણાવ્યું તેમ 30 મે, 2007 ના રોજ, FIPBએ INX મીડિયા માટે રૂ. 4.62 કરોડની FDIને મંજૂર કરી. પરંતુ તેણે INX ન્યૂઝમાં INX મીડિયાના ડાઉનસ્ટ્રીમ રોકાણના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
CBIએ આરોપ લગાવ્યો છે કે INX મીડિયાએ FIPBની શરતી મંજૂરીને ધમકાવી હતી, અને રૂ. 4.62 કરોડની મંજૂરીની સામે 30૦થી વધુ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ લાવવામાં આવ્યું હતું તે પણ ગેરકાયદેસર!
CBI સૂત્રોએ તે સમયે કહ્યું હતું કે વિદેશી કંપનીઓએ INXના શેર 862.31માં ખરીદ્યા ખરીદ્યા હતા, જે તેમની ફેસ વેલ્યુના મૂલ્ય કરતા અધધ 86.2 ગણા વધારે છે. ઉપરથી મીડિયા સંગઠને તેની પેટાકંપની INX ન્યૂઝમાં પણ 26% ડાઉનસ્ટ્રીમ રોકાણ કર્યું હતું.
પુરાવા તો મળ્યા. હવે જોઈએ કે પી.ચિદમ્બરમ કેવી રીતે અહીં સંડોવાયા?
CBIએ આરોપ લગાવ્યો કે ‘IT વિભાગે તેની તપાસ શરૂ કર્યા પછી જ્યારે FIPBએ INX મીડિયા પાસે સ્પષ્ટતા માંગી હતી, ત્યારે મીડિયા ફર્મે ચેસ મેનેજમેન્ટ સર્વિસ (પી) લિમિટેડના પ્રમોટર ડિરેક્ટર કાર્તિ ચિદમ્બરમને “દયાપૂર્વક” નિરાકરણ માટે રોક્યો હતો. તત્કાલિન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ સાથેના સંબંધોને આધારે નાણાં મંત્રાલયના FIPB એકમના જાહેર સેવકોને પ્રભાવિત કરીને મુદ્દો રફેદફે કરવામાં આવ્યો.
CBIએ આરોપ લગાવ્યો છે કે FIPBએ આ કેસની તપાસ કરવાને બદલે INX ન્યૂઝને અગાઉથી મળેલા ડાઉનસ્ટ્રીમ રોકાણ પર નવી FIPB મંજૂરી માટે અરજી કરવા કહ્યું હતું. જે અરજી રોકાણ થઇ ગયા બાદ માત્ર ફોર્માલીટી માટે કરવામાં આવી હતી અને પી.ચિદમ્બરમ નાણામંત્રી હોવાથી એ ડાઉન સ્ટ્રીમ રોકાણને મંજુરી પણ મળી ગઈ. કેવું પરફેક્ટ ષડ્યંત્ર?
હવે થયું એવું કે ઇન્દ્રાણી મુખર્જી છેલ્લે સરકારી ગવાહ બની ગઈ અને આ બધું જ CBI સમક્ષ ઓકી કાઢ્યું. એટલે પી.ચિદમ્બરમના નામનું અરેસ્ટ વોરંટ બન્યું અને હાલ તેઓ CBIના રિમાન્ડ પર છે.
આખા કેસની તવારીખ (સંક્ષિપ્તમાં)
15 મે, 2017: CBIએ 2007 માં કાર્તિ ચિદમ્બરમના પિતા પી ચિદમ્બરમ જ્યારે કેન્દ્રીય નાણાં પ્રધાન હતા ત્યારે INX મીડિયાને વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવા માટે INX મીડિયા પર એફઆઈપીબી મંજૂરીમાં અનિયમિતતા હોવાનો આરોપ લગાવતા FIR નોંધાવી હતી.
* તે જ મહિનામાં ઇડી આ મામલે મની લોન્ડરિંગનો કેસ ફાઇલ કરે છે.
16 જૂન, 2017: કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ વિદેશી પ્રાદેશિક નોંધણી અધિકારી (FRRO) અને બ્યુરો ઓફ ઇમિગ્રેશન, કાર્તિ સામે લુક-આઉટ પરિપત્ર (LOC) જારી કરે છે.
10 ઓગસ્ટ, 2017: મદ્રાસ હાઇકોર્ટે કાર્તિ અને અન્ય ચાર લોકો સામે LOC જારી કરી હતી.
14 ઓગસ્ટ, 2017: સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો.
18 ઓગસ્ટ, 2017: સુપ્રીમ કોર્ટે કાર્તિને 23 ઓગસ્ટના રોજ CBI સમક્ષ હાજર થવા કહ્યું.
11 સપ્ટેમ્બર, 2017: CBIએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેણે વિદેશમાં “સંભવિત વ્યવહારો” અને કાર્તિની 25 કથિત ઓફશોર સંપત્તિઓ અંગેની તપાસ પર સીલબંધ કવરમાં વિગતો આપી છે.
22 સપ્ટેમ્બર, 2017: CBIએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે કાર્તિને વિદેશી બેંક ખાતા બંધ કરવાના આક્ષેપ સાથે તેઓને વિદેશ પ્રવાસ કરતા અટકાવવામાં આવ્યા હતા.
9 ઓક્ટોબર, 2017: કાર્તિએ તેમની પુત્રીને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવા માટે UK ની મુલાકાત લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી માંગી.
9 ઓક્ટોબર, 2017: પી.ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર તેમના અને તેમના પુત્ર સામે “રાજકીય રીતે પ્રેરિત ષડ્યંત્ર” ચલાવી રહી છે.
20 નવેમ્બર, 2017: સુપ્રીમ કોર્ટે કાર્તિને પુત્રીના પ્રવેશ માટે UKની મુલાકાત લેવાની મંજૂરી આપી.
8 ડિસેમ્બર, 2017: કાર્તિએ એરસેલ-મેક્સિસ કેસમાં તેમની સામે CBI દ્વારા જારી કરેલા સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.
28 ફેબ્રુઆરી, 2018: કાર્તિની ચેન્નઈ એરપોર્ટ પર CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને દિલ્હી લાવવામાં આવ્યો હતો. દિલ્હી કોર્ટે તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો.
5 માર્ચ, 2018: કાર્તિએ મની લોન્ડરિંગના મામલામાં ED સમન્સને ઇસ્યુ કરવા પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.
6 માર્ચ, 2018: વિશેષ અદાલતે કાર્તિને 3 દિવસની CBI કસ્ટડીમાં મોકલી આપ્યો.
12 માર્ચ, 2018: કોર્ટે કાર્તિને 12 દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલ્યો. કાર્તિએ ભ્રષ્ટાચારના કેસમાં જામીન મેળવવા દિલ્હી હાઈકોર્ટમાં કાર્યવાહી કરી.
15 માર્ચ, 2018: સુપ્રીમ કોર્ટે કાર્તિને ED દ્વારા ધરપકડથી વચગાળાના જામીન આપ્યા.
23 માર્ચ, 2018: દિલ્હી હાઇકોર્ટે INX મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં કાર્તિને જામીન આપી.
30 મે, 2018: ચિદમ્બરમે CBI ભ્રષ્ટાચારના કેસમાં આગોતરા જામીન અરજી માટે દિલ્હી હાઈકોર્ટની કાર્યવાહી કરી.
23 જુલાઈ, 2018: આ કોંગ્રેસી નેતાએ EDના મની લોન્ડરિંગ કેસમાં આગોતરા જામીન માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી.
25 જુલાઈ, 2018: સુપ્રીમ કોર્ટે તેને બંને કેસમાં ધરપકડથી વચગાળાના જામીનની મંજૂરી આપી.
11 ઓક્ટોબર, 2018: EDએ ચિદમ્બરમના જોર બાગ બંગલાના 50% ભાગ પોતાના હસ્તક લીધો.
11 જુલાઇ, 2019: શીના બોરા હત્યા કેસના આરોપી અને INX મીડિયાના માલિક ઇંદ્રાણી મુખર્જીએ સરકારી ગવાહ બનવાનું નક્કી કર્યું.
20 ઓગસ્ટ, 2019: હાઇકોર્ટે આગોતરા જામીન અરજીઓને ફગાવી દીધી, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે તે માટે ચિદમ્બરમને 3 દિવસની રાહત આપવાનો હુકમ આપવાનીની વિનંતી પણ ફગાવી દીધી.
21 ઓગસ્ટ, 2019: સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટેની માંગણી કરતી અરજીની સૂચિ રજૂ કરી હતી જે તેમની આગોતરા જામીન અરજીને ફગાવી દે છે.
તે જ દિવસે ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી.
eછાપું