Recipe: મંદિરોનું અને સાવ નવી છતાં રસપ્રદ વાનગીઓનું રાજ્ય એટલે ઓરિસ્સા

0
389
Photo Courtesy: odishastory.com

ભારતના પૂર્વમાં પશ્ચિમ બંગાળની નીચે આવેલું ઓડિશા અથવાતો ઓરિસ્સા ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તો જાણીતું છે જ પરંતુ અહીંની રસપ્રદ પાકકલા એવી છે કે જેના વિષે આપણે સહુ અજાણ છીએ.

ભારત એના વિવિધ મસાલા અને મસાલેદાર ખાનપાનને લીધે દેશભરમાં મશહૂર છે. પરંતુ આ જ ભારતનો એક ભાગ, એટલે કે પૂર્વમાં આવેલું રાજ્ય ઓરિસ્સા (ઓડિશા) અત્યંત ઓછા તેલ અને મસાલાના ઉપયોગથી તેઓની એક અત્યંત રસપ્રદ, છતાંપણ ઓછી જાણીતી એવી પાકકલા ધરાવે છે.

ઓરિસ્સા દરિયાકિનારાનું રાજ્ય હોવાથી ચોખા અને સી-ફૂડ નો સમાવેશ સ્ટેપલ ફૂડ એટલેકે સમતોલ આહાર તરીકે કરવામાં આવે છે. અહી બે પ્રકારનું ફૂડ સામાન્ય રીતે જોવા મળે છે – ટેમ્પલ ફૂડ અને સામાન્ય ફૂડ.

ઓરિસ્સા તેના મંદિરો માટે પ્રખ્યાત છે. દરેક મંદિરમાં જે-તે દેવી-દેવતાઓને પ્રસાદ ધરાવવામાં આવે છે. ખાસ કરીને પુરી શહેરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ધરાવવામાં આવતો ‘પ્રસાદમ’ ઘણો પ્રસિદ્ધ છે. અહી ભગવાનને ધરવામાં આવતો મહાપ્રસાદ કે છપ્પનભોગ શુદ્ધ ઘીમાંથી બને છે. આ પ્રસાદમનો ભોગ દિવસમાં છ વખત ધરાવાય છે અને તેમાં વિવિધ પ્રકારના પીઠા (લોટમાંથી બનાવવામાં આવતી હાંડવા જેવી વાનગી), વિવિધ શાકભાજી, ભાત અને દાળનો સમાવેશ થાય છે તથા તેને કેળના પાનમાં પીરસવામાં આવે છે. ભગવાનને ભોગ ધરાવ્યા બાદ આ જ વાનગીઓને પ્રસાદ સ્વરૂપે દર્શનાર્થીઓમાં વહેંચવામાં આવે છે.

ટેમ્પલ ફૂડ બનાવવામાં ઘી વપરાય છે તો તેના થી વિરુદ્ધ સામાન્ય ફૂડ બનાવવામાં સરસિયું એટલે કે રાઈના તેલનો ઉપયોગ થાય છે. ઓરિસ્સાની કુલ વસ્તીના 5% થી પણ ઓછી વસ્તી શાકાહારી એટલેકે ‘નિરામીશ’ ભોજન લે છે, બાકીનો લગભગ 95% જનસમુદાય માટે ‘આમિશ’ ભોજન એક સમતોલ આહાર છે.

ઉડિયા રાંધણકળામાં વપરાતી સામગ્રીઓ આ પ્રદેશમાં સામાન્ય રીતે મળી આવતી સામગ્રીઓ જ હોય છે જેમકે કાચા કેળા, ફણસ અને પપૈયા છે. વાનગીઓમાં સૂકવેલી કાચી કેરી કે જેને અમ્બુલા કહે છે તેનો તથા  આમલીનો ઉપયોગ ઘણો કરવામાં આવે છે. આ ઉપરાંત નાળિયેર પણ અનેક વાનગીઓમાં ઉપયોગમાં લેવાય છે. મસાલાની વાત કરીએ તો “પંચ ફોરન”નો વ્યાપકપણે ઉડિયા રાંધણકળા ઉપયોગ થાય છે જે પાંચ મસાલાનું મિશ્રણ છે. પંચ ફોરન રાઈ, જીરું, મેથી, શાહજીરુ અને કલોંજીના મિશ્રણથી બનાવવામાં આવે છે. ટેમ્પલ ફૂડ પ્રચલિત હોય એવા વિસ્તારોને બાદ કરતા લસણ અને ડુંગળી પણ વપરાય છે, ટેમ્પલ વિસ્તારમાં સાત્વિક ભોજનનો જ આગ્રહ રાખવામાં આવે છે. હળદર અને લાલ મરચાં પણ સામાન્ય રીતે ઉપયોગમાં આવે છે.

પરંતુ બાર ગાઉ એ બોલી બદલાય એટલે કે એક જ રાજ્યના અલગ અલગ પ્રદેશમાં સ્વાદની માત્રામાં ફેર હોય. જેમકે પુરી-કટક બાજુના પ્રદેશમાં ટેમ્પલ ફૂડના પ્રભાવને કારણે ખોરાકમાં ગોળ કે ખાંડના ગળપણનો એહસાસ આવે છે. જયારે બંગાળ બાજુના સીમાંત પ્રદેશમાં રાઈ અને કલોંજીની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આંધ્રપ્રદેશ બાજુના સીમાડાના વિસ્તારમાં કરી પત્તા અને આમલીનો ઉપયોગ વધારે થાય છે તો બ્રહ્મપુરા વિસ્તારની ખાણીપીણીમાં સાઉથ ઇન્ડિયન ક્વીઝીનનો પ્રભાવ જોવા મળે છે.

આજે આપણે ઉડિયા ક્વીઝીનની બે વાનગીઓ પખાલ અને દાલમા જોઈશું. પખાલ એ પકવેલા ભાતમાં પાણી ઉમેરીને બનાવવામાં આવતી એક પરમ્પરાગત વાનગી છે જયારે દાલમા એ દાળ અને શાકભાજીમાંથી બનાવવામાં આવતી વાનગી છે.

પખાલ

Photo Courtesy: odishastory.com

સામગ્રી:

1  કપ ચોખા
½  કપ દહીં
2 લીલા મરચા, બે ટુકડામાં કાતરેલા
1 ડાળખી મીઠો લીમડો

1 ટીસ્પૂન રાઈ
1 ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ
1 ટીસ્પૂન તેલ
મીઠું સ્વાદ મુજબ

રીત

  1. સૌપ્રથમ ચોખાને રાંધીને ઠંડા પાડવા દો.
  2. હવે એક પેનમાં તેલ લઇ તેને ગરમ થવા દો, તેમાં રાઈ, કરી પત્તા, કાતરેલા મરચા અને સમારેલું આદુ ઉમેરો અને તરત જ ગેસ પરથી પેનને હટાવી લો.
  3. પકવેલા ભાતમાં, ભાત ડૂબે એટલું ઠંડુ પાણી ઉમેરો.
  4. તેમાં વઘાર માટે સાંતળેલી વસ્તુઓ, મીઠું અને દહીં ઉમેરી બરાબર મિક્સ કરો.
  5. ગરમાગરમ સર્વ કરો.

દાલમા

Photo Courtesy: YouTube

સામગ્રી

200 ગ્રામ કાચા પપૈયા
100 ગ્રામ બટાકા
75 ગ્રામ રીંગણ
80 ગ્રામ સરગવો
120 ગ્રામ અળવી

20 ગ્રામ ફણસ
2 નંગ કાચા કેળા
120 ગ્રામ કોળુ
80 ગ્રામ ટમેટા
100 ગ્રામ ડુંગળી
150 ગ્રામ અડદ દાળ
2 ટેબલસ્પૂન રાઈ
4 ટીસ્પૂન જીરું
2 ટીસ્પૂન હળદર પાવડર
2 નંગ તમાલ પત્ર
૩ નંગ સૂકા મરચાં
૩ ટેબલસ્પૂન તેલ
સ્વાદમુજબ મીઠું

રીત

  1. સૌપ્રથમ બધા શાકભાજી વ્યવસ્થિત  ધોઈમધ્યમકદનાટુકડાઓમાંતેમને કાપવા, ફણસી અને સરગવાની શીંગને2ઇંચલાંબીટુકડાઓમાંકાપો. ડુંગળીને પાતળી ચીરીઓમાં સમારવી.
  2. દાળને લગભગ એક કલાક માટે પલાળો.
  3. 3 ટીસ્પૂન જીરું અને 2 નંગ સુકા મરચાને એક પેનમાં સહેજ સાંતળીને તેનો પાઉડર બનાવો.
  4. એક તપેલામાં 6 થી 7 કપ પાણી લઇ તેમાં દાળ અને હળદર ઉમેરો અને તેને પકવવા દો.
  5. દાળ થોડી ચડવા લાગે એટલે તેમાં શાકભાજી અને મીઠું ઉમેરો. શાકભાજી લગભગ ચડવા આવે એટલે તેમાં ટામેટા ઉમેરો. બધું જ બરાબર ચડી જાય ત્યાં સુધી પકવો.
  6. હવે એક બીજી ઊંડી કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, તમાલ પત્ર અને સુકા મરચા ઉમેરો.બરાબર તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળો.
  7. તેમાં પકવેલા દાળ અને શાકભાજીનું મિશ્રણ ઉમેરો. તેમાં ઉપરથી જીરા અને મરચાનો તૈયાર કરેલો પાઉડર ઉમેરો.
  8. રોટલી કે ભાત જોડે ગરમાગરમ પીરસો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here