ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીની વિદાય બાદ કોંગ્રેસની કમાન રાજીવ ગાંધીએ સાંભળી અને એમનું પણ થોડા સમય બાદ દેહાવસાન થયું પરંતુ એ સમય દરમ્યાન તેમના પત્ની કોંગ્રેસની કામગીરીથી અવગત થઇ ચૂક્યા હતા.

એકવાત ચોક્કસ હતી કે એ સમયગાળામાં કૉંગ્રેસ પોતાની વિચારધારાથી બહુધા વેગળી થઈ ચૂકી હતી અને મોટે ભાગે લંપટ – કૌભાંડકારી – લાલચુ – નઠારા રાજકારણીઓનો અડ્ડો બની રહી હતી. કૉંગ્રેસમાંથી બહુ જલ્દીથી સ્વચ્છ છબી ધરાવતા; જનતામાં એમની ઈમેજ અને કાર્યો માટે સ્વીકાર્ય હોય; અને જનતાની સેવા કરવા તત્પર રહેતા હોય એવા રાજકારણીઓ બહુ ઝડપથી ઓછા થઈ રહ્યા હતા. આવી કૉંગ્રેસને કોઈ અનુભવી અને સ્વચ્છ છબીવાળા નેતા સંભાળવાની જવાબદારી લે પણ નહીં અને જો લે તો એ એને માટે શક્ય બને પણ નહીં. જ્યાં ટોચના નેતૃત્વની આસપાસ કિચન કેબિનેટ તરીકે ઓળખાતી સ્વાર્થી અને લંપટ ગેંગની સજ્જડ જમાવટ થઈ ગઈ હોય ત્યાં સ્વચ્છ અને જનાધારવાળા નેતાઓનુ કંઈ ન ઉપજે એ બધા જ કૉંગ્રેસીઓ હવે સમજવા લાગ્યા હતા.
તો વાસ્તવમાં સંજય ગાંધીના કારનામાઓથી આધારભૂત રીતે કૉંગ્રેસના સંગઠનને મવાલી-સંગઠનમાં ફેરવવાનુ કામ શરૂ થયુ. જો આમ જ હોય તો ત્યાર પછી કૉંગ્રેસ કેવી રીતે આટલુ બધુ – લગભગ અડધી સદી – ટકી શકી? કૉંગ્રેસનુ ટકવુ શક્ય હતુ અથવા કહો કે કૉંગ્રેસનુ ટકી રહેવુ દેશની પણ મજબૂરી હતી; દેશની પ્રજાની પણ મજબૂરી હતી. પ્રથમ કારણ — કૉંગ્રેસ પોતાની સાથે આઝાદીના લડવૈયાની અમીટ અને મજબૂત છાપ લઈને ચાલતી હતી અને એ સમયમાં હજુ પણ જૂની પેઢીના લોકો ટક્યા હતા જેમણે આઝાદીની લડાઈ યા તો લડી હતી કે પછી એના સાક્ષી રહ્યા હતા. એમનો અખૂટ વિશ્વાસ માત્ર કૉંગ્રેસ સાથે જ હતો. બીજું — કૉંગ્રેસને દેશવ્યાપી લડત આપી શકે એવી એકપણ રાજકીય પાર્ટી દેશમાં હતી જ નહીં; જેની પાસે પાયાના કાર્યકર્તાઓ હોય, જમીન સાથે જોડાયેલા નેતા હોય અને સાથે સાથે સૈધ્ધાંતિક મજબૂતી હોય અને એવા સિધ્ધાંતો જે કૉંગ્રેસને મ્હાત કરવા માટે બન્યા હોય.
આવો કોઈ વિપક્ષ – રાજકીય દળ દેશમાં હતો જ નહીં સિવાય ડાબેરી પક્ષ. (એમાં પણ બે ઉભી ફાડ થઈ ગઈ અને એનુ વર્ચસ્વ નહેરુના સમયમાં જ નહીંવત જેવુ બની ગયુ, જો કે, ઈમરજન્સી સમયે અને ત્યારબાદ પણ એકમાંથી અનેક બનેલા ડાબેરી (વામપંથી-સામ્યવાદી) પક્ષોએ પોતાનુ કદ ઘણુ વધારી દીધુ અને જનાધાર પણ સારો એવો મેળવ્યો પરંતુ સમય જતાં એમની વિચારધારા વૈશ્વિક કક્ષાએ જ સાવ વામણી બની ગઈ તો પછી દેશમાં તો એમનુ કેવી રીતે ઉપજે?? એમનુ રાજકિય કદ ધીમે ધીમે એકાદ બે રાજ્યો પૂરતું સિમિત રહી ગયું પણ એમની ન્યુસન્સ વેલ્યુ (દેશદ્રોહી કક્ષાની નક્સલવાદી મૂવમેન્ટ) ઘણા રાજ્યોમાં અસરકારક રહી પરંતુ સ્પષ્ટ રાજકિય જમીન એમને બહુ ઓછી મળી.
તો રામમનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ જેવા જનનાયકોના આંદોલને કૉંગ્રેસને હચમચાવી તો દીધી પણ એમના આંદોલનોએ કોઈ નક્કર મૂલ્યો ધરાવતા પક્ષો કે નેતાઓ ના પેદા કર્યા જે કૉંગ્રેસને એના ઘરમાં જ મ્હાત આપી શકે. આ બંને આંદોલનમાંથી પેદા થયેલા પક્ષો માત્ર ક્ષેત્રિય રાજકિય પક્ષો બનીને રહી ગયા અને વખત જતાં એના શિર્ષસ્થ નેતાઓએ કૉંગ્રેસ; કૉંગ્રેસની વિચારધારા અને કૉંગ્રેસના નેતૃત્વ સાથે સત્તા અને સંપત્તિની લાલચને લીધે પોતાના મૂલ્યોનુ અને પોતાના સિધ્ધાંતોનુ સમાધાન કરી લીધુ.
એક રીતે જોવા જઈએ તો કૉંગ્રેસમાં જે રીતે સંગઠનમાં સડો પેસેલો હતો એવો જ સડો બહુ જ ઝડપથી કાળક્રમે આ નવા કૉંગ્રેસ વિરૂધ્ધ આંદોલનમાંથી જન્મેલા સિધ્ધાંત આધારિત પક્ષોમાં પેસી ગયો અને એનુ પ્રમાણ તો કૉંગ્રેસી સડા કરતાં પણ બહુ વધારે હતુ. સામે પક્ષે કૉંગ્રેસે પોતાની ગંદી – ખંધી અને સિધ્ધાંતહીન માત્ર સત્તાની લાલચની રાજનિતી ખેલીને જ્યાં જ્યાં આ પક્ષોને કારણે એની રાજકિય જમીન સાવેસાવ ખસી ગઈ હતી એ બધા જ પ્રદેશોમાં આ પક્ષોની સાથે સાંઠ-ગાંઠ કરવાનુ ચાલુ કર્યુ.
આ બધા જ ઘટનાક્રમ સમયે દેશનો એકમાત્ર રાજકિય વિપક્ષ કે જેના સિધ્ધાંતો કૉંગ્રેસથી તદ્દન વિભિન્ન છતાં સંપૂર્ણપણે દેશહિતમાં જ હતા; એ પક્ષનુ માતૃ સંગઠન કૉંગ્રેસની કેટલીક મૂળભૂત અને પાયાની ભારત-વિરોધી નિતીઓમાંથી ઉદભવ્યુ હતુ, એ સંગઠન હતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એની રાજકિય પાંખ હતી – જનસંઘ. ભારતના સમાજકારણમાં દેશની મૂળભૂત પરંપરાઓ અને “ભારત”ના ખ્યાલને મજબૂત કરવાનુ કામ કરતી સંસ્થાની રાજકીય પાંખ જનસંઘની ખાસ નોંધ અને એનુ મહત્વ પણ દેશમાં જ્યારે ઈમરજન્સી લાદવામાં આવી ત્યારે અનેકગણુ વધી ગયુ.
એમ કહી શકાય કે ઈન્દિરા ગાંધીની ઈમરજન્સીએ ન માત્ર કૉંગ્રેસને ખોખલી કરી પણ એણે એના ભવિષ્યના પ્રખર વિરોધી એવા પક્ષને પ્રબળ જનાધારની પાયાની ઈંટ નાખવાનો માર્ગ પણ મોકળો કરી આપ્યો. ઈમરજન્સી બાદ બનેલી મોરારજી દેસાઈની જનતા મોર્ચા સરકારમાં મોરચાના એક ઘટક પક્ષ એવા જનસંઘમાંથી ચૂંટાયેલા નેતાઓ મંત્રીપદે આવ્યા અને દેશના રાજકારણમાં જનસંઘની સૌથી મજબૂત નોંધ લેવાઈ. વખત જતાં જનસંઘમાંથી ભારતિય જનતા પક્ષ બન્યો અને રા. સ્વ. સંઘના દેશ વ્યાપી નેટવર્કને સહારે એણે સાવ સીધા સાદા વ્યક્તિઓમાંથી વીણી વીણીને રાજકારણીઓ પેદા કર્યા જેમની દેશની માટી સાથે મજબૂત પક્કડ હતી અને એ પક્ષ અત્યંત ધીમી પણ મક્કમ ગતિએ કૉંગ્રેસને દરેક મોરચે મ્હાત આપી રહ્યો હતો.
સૌ પ્રથમ દેશના સૌથી મોટા એવા ઉત્તરપ્રદેશમાં પોતાનુ સ્થાન મજબૂત કર્યા બાદ ભાજપાએ ગુજરાત – રાજસ્થાન – મધ્યપ્રદેશ – બિહાર જેવા હિંદીભાષી રાજ્યોમાં પોતાની પક્કડ ખૂબ મજબૂત કરી દીધી. તે છતાંય કૉંગ્રેસને સંપૂર્ણપણે મ્હાત આપવાનુ એનુ હજુ પણ ગજુ નહોતુ એનુ એક મુખ્ય કારણ હતુ. કૉંગ્રેસની પેલી લંપટ કિચન કેબિનેટ દેશના લોકોની લાલચુ પ્રકૃતિને સારી પેઠે જાણી ગઈ હતી. કૉંગ્રેસની આ ગેંગે દેશ માટે બહુ જ વિધ્વંસક અને પોતાના પક્ષને માટે (ટૂંકાગાળાની) ફાયદાકારક રણનિતી અપનાવી. સંગઠનને એક કરી રાખવા માટે ઈંદિરા – નહેરુની તાકતવર ઈમેજને વટાવી ખાવી; તો ચૂંટણીઓ જીતવા માટે દેશની પ્રજાને દર પાંચ વર્ષે ચૂંટણી ટાણે કંઈકને કંઈક “મફત” લાભો પકડાવી દેવા અને આ બધાના પ્રચાર-પ્રસાર માટે એમણે આટલા વર્ષોમાં ઉભી કરેલી બિન-રાજકિય ઈકો-સિસ્ટમને એવી રીતે કામે લગાડવી કે જનતાની આંખે કૉંગ્રેસ સિવાય કંઈ જ ન ચડે. એને માટે એમણે સૌ પ્રથમ તો ગાંધી કુટુંબના વારસદારોને જ પરંપરાગત રીતે કૉંગ્રેસનુ સુકાન સંભાળવા માટે બેસાડી રાખ્યા (પછી ભલે પડદા પાછળ આ સૂકાન પેલી કિચન-કેબિનેટના હાથમાં હોય); અને દિન-પ્રતિદિન પ્રજાને ટૂકડા કેટલા અને કેવી રીતે ફેંકવા એની જ યોજનાઓ બનાવતા રહ્યા.
દેશહિત કે સાચા પ્રજાહિતના કામો તો એ લોકો ક્યારનાય ભૂલાવી ચૂક્યા હતા. જે કંઈ નાની-મોટી યોજનાઓ પ્રજાને નામે આવતી એ વાસ્તવમાં તો બધી જ પેલા ભ્રષ્ટ-લંપટ નેતાઓ અને એમની ફેલાયેલી અભેદ્ય એવી ઈકો-સિસ્ટમની જાળને ફાયદો થાય એને માટે જ બનતી અને વર્ષોના વર્ષો સુધી ખેંચાયે પણ જતી. પ્રજાની પાસેથી ટેક્સને નામે મસમોટુ ઉઘરાણું, વિદેશમાંથી ભારે ભરખમ લોનો લેવાની અને એ બધાનો ઉપયોગ માત્ર અને માત્ર પોતાના અને પોતાના મળતિયાઓના ખિસ્સા ભરવા માટે કરવાનો. આ સ્પષ્ટ નિતી રાજીવ ગાંધીના સમયથી કૉંગ્રેસમાં અમલમાં આવી ગઈ હતી.
રાજીવના પણ અકાળ અવસાન પછી નાટ્યાત્મક રીતે કૉંગ્રેસની કમાન અને વડાપ્રધાન પદ ગાંધી પરિવારના હાથમાંથી સરકી ગયા પણ રાજીવ ગાંધીને શરૂઆતમાં ઘસીને જાહેર રાજકિય જીવનમાં આવવાની ના પાડનાર એમની વિદેશી પત્નીએ પતિના શાસનકાળ દરમ્યાન કૉંગ્રેસની કાર્યપધ્ધતિ જે રીતે નજીકથી જોઈ હતી અને જે સરળતાથી કૌભાંડો થતાં અને એમાંથી કેવી આસાનીથી બચી શકાય છે એ જોઈને એના બિન-રાજકિય દિમાગમાં પણ રાજકારણમાં પ્રવેશવાની અદમ્ય ઈચ્છા થઈ આવી અને એ બહાને જેટલુ ઉસેટી શકાય એટલુ પોતાના સાસરિયાના આ દેશ – જે એને માટે તો વિદેશ જ હતો – માંથી ઉસેટવાની ભાવના પ્રબળ થઈ. એટલા જ માટે રાજીવ બાદ આવેલી પી. વી. નરસિંમ્હારાવની સરકારને માત્ર થોડા જ અઠવાડીયા સ્વતંત્ર રીતે ચાલવા દીધા બાદ; પરોક્ષ રીતે સત્તાનુ કેન્દ્ર પોતાની આસપાસ બનાવવાનુ ચાલુ કરી દીધુ હતુ.
eછાપું