કોંગ્રેસ આવી કેમ છે?: કોંગ્રેસના કોફીનમાં છેલ્લો ખીલ્લો ઠોકનાર કોણ હતું?

0
251
Photo Courtesy: dnaindia.com

કોંગ્રેસના પતનને લગતી સિરીઝના આજના છેલ્લા ભાગમાં આપણે જાણીશું કે કોંગ્રેસ કેમ સતત બે વખત સત્તા સાંભળ્યા બાદ અચાનક જ 2014માં માત્ર 44 બેઠકો પર જ સમેટાઈ ગઈ?

Photo Courtesy: dnaindia.com

ગઈકાલથી આગળ…

સંભવતઃ આ પરિસ્થિતિનુ નિર્માણ કરવા પાછળ પણ પેલી પેંધી પડેલી કિચન કેબિનેટનો જ હાથ હોવો જોઈએ. જે લોકોએ ઈંદિરા-સંજયના સમયથી રાજીવના શાસનકાળ સુધી ચાર હાથે લૂંટ્યુ હોય એમને નરસિંમ્હારાવ જેવા જ્ઞાની અને સિધ્ધાંતવાદી વડાપ્રધાનના કાર્યકાળમાં પોતાને ભાગે કંઈ જ નહીં આવે એવી પહેલેથી ખબર હતી જ. એટલે જ એમણે કદાચ સોનિયાના દિલ-દિમાગમાં ઉંડે-ઉંડે પડી રહેલી મહત્વાકાંક્ષાને જગાડી અને ત્રણેક મહિનાના નવી સરકારના કાર્યકાળ બાદ નરસિંમ્હારાવને દર અઠવાડીયે 10, જનપથના દરબારમાં હાજર થવાની પરંપરા પાડી દીધી (હા, આ નરસિંમ્હારાવે જાતે કબૂલાત કરી છે કે એમને દર અઠવાડીયે એકવાર 10, જનપથમાં હાજરી આપીને સોનિયાને બ્રિફિંગ કરવુ પડતુ હતુ અને હુકમો પણ લેવા પડતા હતા.

એમને લાગ્યુ કે એમની સરકાર ટકાવી રાખવાનો એકમાત્ર માર્ગ આ જ છે. એટલે એમણે એ સ્વીકારી પણ લીધુ હતુ. આ પીઢ અને સ્વચ્છ કૉંગ્રેસીએ અને એના કુટુંબે સત્તા પરથી ઉતર્યા બાદ ગાંધી કુટુંબની આ વિદેશી વહુને કારણે એક આમ-આદમી કરતાં પણ ઘણુ સહન કરવુ પડ્યુ હતુ જે જગજાહેર છે). એ સમયે કૉંગ્રેસના ઘોર પતનનું એક વધારાનુ પગથિયુ સત્તાની ગલીઓના પાછળના ભાગે થઈને ઉતરી જવાયુ હતુ. અહીંથી કૉંગ્રેસ પતનના પગથિયા નહોતી ઉતરતી પણ રીતસર પતનના ઢાળ પર દડવા લાગી હતી.

એ તો ભલુ થજો ભાજપાના અતિ-મહેનતુ નેતાઓ અને કાર્યકરોનુ જેમણે પહેલા તો કન્યાકુમારીથી કશ્મીરની અને ત્યારબાદ  સોમનાથથી અયોધ્યાની યાત્રા કરી અને ભાજપાને પ્રથમ 13 દિવસ; ત્યારબાદ 13 મહિના અને ત્યાર બાદ એક સંપૂર્ણ કાર્યકાળ માટે સત્તા અપાવી. જેને લીધે કૉંગ્રેસની આ પતન યાત્રામાં પાંચ-સાત વર્ષોનુ મોડું થયુ. પણ, 2004માં ફરીથી જ્યારે કૉંગ્રેસ એના સાથી પક્ષો સાથે બહુમતિ મેળવીને સત્તા પર આવી ત્યારે એનો અતિ બદસૂરત ચહેરો બહુ જ ખરાબ રીતે પ્રજા સમક્ષ આવી ગયો. એ સરકારના પ્રથમ દિવસથી જ પ્રજાને સમજમાં આવી ગયુ હતુ કે એમણે કૉંગ્રેસને સત્તા આપીને બહુ મોટી ભૂલ કરી છે. એક તરફ સર્વોચ્ચ સત્તા સ્થાને કઠપૂતળી પ્રધાનમંત્રી મનમોહન સિંહને બેસાડ્યા અને પડદા પાછળથી 10, જનપથમાં બેસીને સોનિયા ગાંધી દેશનુ સંચાલન કરવા લાગ્યા.

બંધારણની ઐસીતૈસી કરીને દેશની સંસદ અને કેબિનેટને પણ કંટ્રોલ કરનારી એક કમિટી બનાવવામાં આવી – નેશનલ એડવાઈઝરી કમિટી – જે દેખીતી રીતે તો સોનિયા ગાંધીને સલાહો આપતી હતી પણ વાસ્તવમાં એ સરકારની કેબિનેટને સલાહો આપતી હતી. વડાપ્રધાન કે એમની કેબિનેટનો કોઈપણ સભ્ય આ કમિટીને પૂછ્યા વગર કે એને જાણ કર્યા વગર કોઈ નિર્ણય ન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. અરે, સંસદમાં રજૂ કરવામાં આવતા લગભગ દરેક ખરડાઓ કેબિનેટ અને એમનો સ્ટાફ નહીં પણ આ એડવાઈઝરી કમિટીના સભ્યો બનાવતા અને અક્ષરશઃ રજૂ થાય એવુ દબાણ 10, જનપથ દ્વારા કરાવડાવતા.

આ કમિટી કોઈ જ રીતે દેશના નાગરિકોને રિપ્રેઝન્ટ નહોતી કરતી એમાં રહેલા બધા જ સભ્યો ચૂંટી કાઢેલા નહીં પણ સોનિયા અને એની કિચન કેબિનેટ દ્વારા એપોઈન્ટ કરેલા હતા. જેમાં એવી કોઈ ગેરન્ટી નહોતી કે એ લોકો કોઈ દબાણ હેઠળ કે કોઈ ચોક્કસ પ્રકારના હિતોને સાચવવા કામ નહીં કરે. વાસ્તવમાં આ કમિટીના સભ્યો એવી જ રીતે પસંદ કરેલા હતા કે એ બધા કોઈને કોઈ અંગત હિતો માટે જ કામ કરે. 2004 થી 2009 સુધી આ રીતે કૉંગ્રેસના નેતૃત્વ વાળી સરકારે બે હાથે દેશને લૂંટાય એટલો લૂંટ્યો. લૂંટના નવા-નવા રસ્તાઓ શોધી કાઢવામાં આવ્યા અને દુનિયાની સૌથી મોટી લોકશાહીના સર્વોચ્ચ પદ એવા વડાપ્રધાનની ગરિમાને ભરપૂર લાંછન લગાડ્યુ.

પરંતુ….. તે છતાંય… 2009માં ફરીથી પાછી કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ મોરચા સરકાર આવી. આને દેશની પ્રજાનુ બદનસીબ ગણો કે દેશની પ્રજાની મજબૂરી ગણો કે પછી પ્રજાની મૂર્ખામી ગણો એમણે ફરીથી એકવાર દેશનુ સૂકાન સોનિયા ગાંધીના હાથમાં સોંપી દીધુ હતુ. અહીં ખાસ નોંધવાની બાબત એ છે કે સોનિયા કહેવામાત્ર પૂરતી કૉંગ્રેસની માર્ગદર્શક હતા. વાસ્તવમાં કૉંગ્રેસને તે સમયે પણ ચલાવનાર આખી એક ટોળકી હતી. જેમાં ભ્રષ્ટથી અતિભ્રષ્ટ અને કૌભાંડીથી સવાયા કૌભાંડીઓ જ ભેગા થયા હતા.

આ ટોળકીએ વર્ષોથી કૉંગ્રેસના સંગઠન પર કોઈ જ ધ્યાન નહોતું આપ્યુ. કૉંગ્રેસનો જનાધાર એની રહી-સહી આઝાદીના લડવૈયાની ઈમેજ, નહેરુ-ગાંધી ખાનદાનના બે શરૂઆતના નબીરા જવાહરલાલ નહેરુ અને ઈંદિરા ગાંધીના જે કંઈ સારા કામો હતા એના પર અને ખાસ તો જે પેલી બિનરાજકિય ઈકો-સિસ્ટમ બનાવી રાખી હતી એના પર જ ટકી રહ્યો હતો. જો કે એમાં કેટલોક ફાળો પાછલા વર્ષોમાં કરેલા કૌભાંડોની કટકી પર નભનારાઓનો પણ હતો કે જે લોકો કૉંગ્રેસની સરકાર કોઈપણ ભોગે ટકી રહે અને એમને એ રીતનું રળવા મળે એને માટે પ્રતિબધ્ધ હતા.

2009થી કૉંગ્રેસની આ દિશા-વિહીન ટોળકી કૌભાંડો પર કૌભાંડો કરતી રહી અને દેશની પ્રજાને એક યા બીજી રીતે મૂર્ખ બનાવવાના પેંતરા રચતી રહી. પણ, જે પક્ષનુ સુકાન એક કાબેલ અને સ્વચ્છ વ્યક્તિને બદલે અનેક લંપટ લોકોના હાથમાં આવી ગયુ હોય એ પક્ષને 2014ની ચૂંટણીમાં કોઈકાળે બચી શકાય એમ નહોતું. અને સંજય-ઈંદિરાના સમયથી ચાલી આવતી દિશા-વિહીનતા અને સિધ્ધાંતહિનતાનો ઈચ્છિત અંત જ આવ્યો. એક સમયની ભવ્ય કૉંગ્રેસ લોકસભામાં 583માંથી માત્ર 44 સીટ જ જીતી શકી. ભલે એમાં ભાજપાનો પાછલા દશ વર્ષનો સંઘર્ષ અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હોય પણ કૉંગ્રેસની દિશા હિનતા અને 125 વર્ષ જૂની પાર્ટી માટે સુયોગ્ય કેપ્ટનનો અભાવ પણ એક પ્રમુખ કારણ હતુ.

કૉંગ્રેસના દુર્ભાગ્યે અને દેશના સદભાગ્યે કૉંગ્રેસ ત્યારબાદ પણ પોતાનો યોગ્ય કેપ્ટન ન શોધી શકી અને આજની તારીખે પણ કૉંગ્રેસની પાસે કોઈ એક પોતાનો કહી શકાય એવો અને ખાત્રીપૂર્વક પક્ષને આવા ઘોર પતનમાંથી બહાર કાઢી શકે એવો કોઈ સ્વચ્છ છબી ધરાવતો કેપ્ટન નથી સાંપડ્યો. ગાંધી-નહેરુ કુટુંબથી કૉંગ્રેસ એકસૂત્રે બંધાઈ રહી છે કે ટકી રહી છે એ એક બોદુ અને વિચારહીન બહાનુ છે. વાસ્તવમાં રાજીવ ગાંધીથી માંડીને અત્યારસુધીના ગાંધી કુટુંબના વારસોના મહોરા હેઠળ કૉંગ્રેસના કૌભાંડી નેતાઓ પોતાના ગંદા હીતો અને દેશના અહીતોને જ પોષતા આવ્યા છે. પાછલા વર્ષોમાં જ્યારે ગાંધી કુટુંબના ફરજંદ રાહુલને કૉંગ્રેસની જીવાદોરી સંભાળવા આપી ત્યારે હદબહારની ગંદકીથી ખદબદતી કૉંગ્રેસ એના પતનના કદાચ છેલ્લા પગથિયે ઉભી હતી. રાહુલ ભલે રાજકારણનો જીવ ન હોય પણ એ કદાચ જાણતા હતા કે કૉંગ્રેસમાં પિતાના સમયથી જ કંઈ નહોતુ બચ્યુ અને માતાના હાથમાં જ્યારે કૉંગ્રેસનુ સંચાલન આવ્યુ ત્યારે તો જે કંઈ રહ્યુ સહ્યુ હતુ એ પણ તળિયા ઝાટક થઈ ગયુ હતુ. એને ભાગે તો માત્ર સાવરણી મારીને સૂપડી ભરવાનુ જ કામ છે.

તે છતાંય આ માણસની હિંમતને દાદ દેવી પડે કે એણે નરેન્દ્ર મોદી જેવા મહા-કદાવર નેતાની સામે બે બે ચૂંટણીઓમાં બાથ ભીડી અને ભાજપાના મહત્વના ગઢ એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢને પોતાને અંકે કર્યા. રાહુલને કદાચ કૉંગ્રેસનુ સુકાન પોતાના હાથમાં લેતી વખતે જ જાણ હતી કે આ સઢ વગરની નૌકાને સુકાન પણ નથી એના હાથમાં સુકાનને નામે ખાલી એક ડંડો જ પકડાવી દેવામાં આવ્યો હતો જેનુ કોઈ કહેતા કોઈ મહત્વ નહોતુ. એવી કૅપ્ટન વગરની કૉંગ્રેસ અને કૉંગ્રેસી નેતાઓના વર્તમાન ભાજપાના નેતૃત્વ વાળી સરકાર પ્રત્યેની પ્રતિક્રિયા જે કંઈ આવી રહી છે એ ઈંગિત અને ઈચ્છિત જ છે. પણ, વાસ્તવિકતા એ છે કે એ કૉંગ્રેસને ગર્તના નવા આયામો દેખાડી રહી છે.

આવનારા લેખમાં કૉંગ્રેસના સંભવિત ભવિષ્યની વાત કરીશુ.

નોંધ : આ લેખમાં સમય / તારિખો / નામો અને ઘટનાઓની વિગતો આપવાનું ઈરાદા પૂર્વક અધ્યાહાર રાખ્યુ છે — સમય અને જગ્યાને ધ્યાને લઈને. જો કે, દેશના અને કૉંગ્રેસના ઈતિહાસને જાણનાર લોકો મારી વાત અને મારા તર્ક સાથે હકિકતોના ઉલ્લેખ વગર પણ સહમત થશે જ.

કોંગ્રેસ સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here