સોશિયલ મિડિયા પર પાકિસ્તાની પ્રજા પ્રત્યે આપણી વર્તણુક કેવી હોવી જોઈએ

0
711
Photo Courtesy: parhlo.com

એ સ્વાભાવિક છે કે જે રીતે પાકિસ્તાનીઓ સોશિયલ મિડિયા પર ભારતીયો પ્રત્યે વર્તન કરે છે તેનો જવાબ એ રીતે જ અપાય, પરંતુ ખરેખર પાકિસ્તાનીઓ સાથે આપણે એવી વર્તણુક કરવી જોઈએ?

Photo Courtesy: parhlo.com

પાકિસ્તાનની અત્યારની જે હાલત છે અને ભારત તરફે એનુ જે વલણ આપણને મિડિયા અને સોશ્યલ મિડિયા પરથી દેખાઈ રહ્યુ છે એને લઈને લગભગ દરેક ભારતિયને પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ પ્રત્યે ભારોભાર રોષ છે. આ રોષ જેટલો સોશ્યલ મિડિયામાં દેખાઈ રહ્યો છે એનાથી કદાચ ઘણો વધારે અંદર ભભૂકી રહ્યો છે. પણ……….

પાકિસ્તાનમાં રહેલ સામાન્ય પ્રજાની દ્રષ્ટીએ શું આપણે વિચારી શકીએ છીએ?? પાકિસ્તાની મિડિયાના “માઈક બહાદૂરો” સમક્ષ આવીને ‘સામાન્ય જન’ તરીકે જે કંઈ એકાદ બે બાઈટ્સ આપી જાય છે એને જ આપણે આમ-પાકિસ્તાની માની લઈએ છીએ અને એમના વિચારો-વલણ પરથી આપણે આપણું ઘોર-વિરોધી રિએક્શન પણ આપી દઈએ છીએ. કદાચ નરેન્દ્ર મોદી અને એમની કેબિનેટ – એમની પાર્ટી (કે જેને આપણે ખોબલે ખોબલે મતો આપ્યા છે) એ આવી રીતે નહીં વિચારતા હોય. એટલે જ કહે છે ને કે… કૉંગ્રેસ અને બાકીની પ્રજા જ્યાં સુધી વિચારી શકે છે; ત્યાંથી તો નરેન્દ્ર મોદીનુ મગજ કામ કરવાનુ ચાલુ કરે છે.

કશ્મીરની સમસ્યા કાયમી રીતે ઉકેલવાની એમની રીત જુઓ તો આ બહુ જ સ્પષ્ટ રીતે સમજાઈ જશે. 5મી ઑગસ્ટ, 2019 પહેલા જમ્મુ-કશ્મીર-લદ્દાખનો વિશાળ પ્રદેશ ભારતના એક વિશિષ્ટ રાજ્ય તરીકે વિશેષ અધિકારો ભોગવતો હતો એટલું જ નહીં પણ પાછલા 70 વર્ષોથી ડીસ્પ્યુટેડ રીજીઅન અને પાછલા 30 વર્ષોથી ટેરરાઈઝ્ડ રિજીઅન તરીકે ઓળખાતો હતો. હવે, બહારની દુનિયા માટે આ આખો પ્રદેશ એક ભયંકર રીતે દોજખમાં જીવતી પ્રજાનો પ્રદેશ તરીકે જ ઉલ્લેખાતો પણ હકિકત કંઈક અલગ જ હતી. જમ્મુ-કશ્મીર-લદ્દાખમાંથી મોટો ભાગ — લગભગ 90% પ્રદેશ — સાવ શાંત અને કોઈ જાતની લોહિયાળ અથડામણો વિનાનો હતો. જમ્મુ કે લદ્દાખમાં આવા બનાવો નહીંવત્ હતા અને કશ્મીરનો જે પ્રદેશ હતો એમાં પણ 60-70 ટકા પ્રદેશમાં પ્રજા શાંતિથી રહેનારી હતી.

માત્ર કશ્મીર ખીણના નાનકડા પ્રદેશને પાકિસ્તાન પ્રેરિત ઈસ્લામિક આતંકીઓએ ખરાબ રીતે બરબાદ કરી નાખ્યો હતો. પણ, એના લીધે બાકીના પ્રદેશો પણ ભોગ બની રહ્યા હતાં. ચારેક વર્ષ જેટલો સમય જમ્મુ-કશ્મીરની સ્થાનિક રાજકિય પાર્ટી સાથે સંગઠનની સરકાર ચલાવીને ભાજપાએ પ્રતિત કર્યુ કે આખી સમસ્યાની જડ માત્ર અને માત્ર રાજનિતિક છે. પ્રજાને આની સાથે ખરેખર કંઈ લેવાદેવા નથી.

તો રાજનિતિક સમસ્યાનુ સમાધાન રાજનિતિક જ લાવવુ પડે અને જે રીતે કશ્મીરની સમસ્યાને વકરાવવામાં આવી હતી એ રીતે ત્યાં સૌથી સખત પગલાં લેવાની જરૂર હતી જ હતી. જે સ્થાનિક રાજકિય પક્ષોના સત્તા પર રહેવાથી કોઈ રીતે હલ નહોતી થઈ શકવાની અને પરિસ્થિતિ એવી હતી કે પછી એવી બનાવી દીધી હતી કે સ્થાનિક રાજકિય પક્ષની જ ત્યાં સરકાર બને અથવા એની સાથે ગઠબંધન કરીને કોઈ રાષ્ટ્રીય પક્ષ ગઠબંધન સરકાર બનાવી શકે. આનો સૌથી સરળ ઉપાય જમ્મુ-કશ્મીરની સરકાર બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાવી પરોક્ષ રીતે કેન્દ્રનુ શાસન લાવવુ. એને માટે સૌથી સહેલો ઉપાય ત્યાંની વિધાનસભાને રાજ્યપાલની ભલામણ પર ભંગ કરીને રાષ્ટ્રપતિ શાસન લાદી દેવું. પણ આવો ચમત્કાર એ નમસ્કાર કરાવવાનો સૌથી અધમ ઉપાય હતો. અને ભાજપા એને કોઈ સંજોગોમાં વાપરવા નહોતી માંગતી — કે બીજા શબ્દોમાં કહો તો એવી રાજકિય ભૂલ કરવા એ ક્યારેય નથી માંગતી.

એની અવેજીમાં નરેન્દ્ર મોદીની NDA-1 સરકારે કેવો ઉપાય અજમાવ્યો એ તો આપણે જોયું જ પણ એ રીતે રાષ્ટ્રપતિ શાસન લાદ્યા પછી કેટલી ઝડપથી કાયદો-વ્યવસ્થા કાબુમાં લેવા સુરક્ષા સંસ્થાઓને કેવી રીતે છુટો દોર આપવો પણ એમાં સામાન્ય પ્રજાને કોઈ રીતની હાની ન પહોંચે અને એમને કોઈ નુકસાન ન થાય એનો ખાસ ખ્યાલ રાખ્યો. ટૂંકાગાળાના આ રાષ્ટ્રપતિ શાસનમાં ભૂતકાળની બધી સરકારોથી વિપરીત નરેન્દ્ર મોદીની સરકારે કશ્મીરના પેલા 30-40 ટકા પ્રદેશ પર પોતાનુ બધુ ધ્યાન અને બળ લગાડવાને બદલે કશ્મીરના પ્રમાણમાં શાંત પ્રદેશ અને જમ્મુ તેમજ લદ્દાખના પ્રદેશને સાચા અર્થમાં વિકાસમાં લગાડ્યુ.

પેલા નાનકડા અશાંત પ્રદેશમાં રાજકિય કે શાસકિય બળની કોઈ જ જરૂર નહોતી ત્યાં તો માત્ર અને માત્ર લશ્કરી અને પોલિસની તાકાત લગાડીને એમાંના પણ જે મુઠ્ઠીભર અશાંતિ ફેલાવનારા તત્વો છે એને કાયમને માટે શાંત કરી નાખવાના હતા. જે કામ એમણે સુરક્ષાદળોને હવાલે કરીને પોતાનુ બધુ જ ધ્યાન બાકીની જનતા પર લગાડ્યુ. અને એમને દેશના મુખ્યપ્રવાહમાં આવવામાં મદદ કરી. માત્ર ત્રણ-ચાર મહિનાના ટૂંકા ગાળામાં કશ્મીરની આ શાંત પ્રજાને એ અહેસાસ કરાવી દીધો કે એમને ત્યાં માત્ર લશ્કર જ નથી પણ સરકાર અને સરકારી તંત્ર પણ છે. અને એ સરકારી તંત્ર એમની પડખે ઉભા રહીને કામ કરે છે.

એમને વિશ્વાસ થઈ જતાં જ એમના વિકાસમાં સૌથી મોટી આડખીલી એવું કશ્મીરનુ સ્પેશ્યલ સ્ટેટસ હટાવી દીધુ અને કશ્મીરને છુટું ન પાડી શકાય એવી રીતે ભારતમાં ભેળવી દીધું. આનાથી, એમની સામે સ્વતંત્ર રાષ્ટ્ર બનીને “જલસા” કરવાનુ ગાજર જે લટકતુ હતુ એ હવે ના રહ્યુ. એમણે, એ વાત સ્વીકાર્યા સિવાય છુટકો નહોતો કે એ લોકો હવે સાચા અર્થમાં ભારતિય નાગરિક બની ગયા છે અને સાથે સાથે એ બનવાના ફાયદા પણ છે એ ય એમને દેખાતુ હતુ. તો બાકી શું રહે?? કશ્મીર ખીણનો પેલો નાનકશો પ્રદેશ?? એને તો આ બાકીના નાગરિકો જ વખત રહેતા ઠેકાણે લાવી દેશે.. મારી વાત લખી રાખજો માત્ર થોડા જ સમયમાં એવી ઘટનાઓ આપણી સમક્ષ આવતી થશે.

હવે, આ જ વાત લાગુ પાડો પાકિસ્તાનની સાવ સામાન્ય પ્રજા કે જે કેમેરા પર પણ તમારી સમક્ષ નથી આવી શકતી કે એમની સરકારને પણ કોઈ રીતે સમર્થન નથી કરતી. એને માટે કશ્મીર પાકિસ્તાનમાં હોય તો પણ શું અને ન હોય તો પણ શું? એવા નાગરિકોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન પર સાર્વત્રિક ટીપ્પણી અહીં સોશ્યલ મિડિયામાં કરવી જોઈએ. મારું ચોક્કસપણે માનવુ છે કે બહુમતિ પાકિસ્તાની બેલેન્સ્ડ રીતે વિચારી શકવાને સમર્થ છે અને એમને પણ ખબર છે કે એમની સરકાર અને ભારતની સરકારમાં શું ફર્ક છે. એમની પરિસ્થિતિ અને સામાન્ય ભારતિયની પરિસ્થિતિમાં શું ફર્ક છે. પણ, પાકિસ્તાની તરીકે જન્મ્યા છે તો પાકિસ્તાનને તો પ્રેમ કરશે જ ને!!

તો નરેન્દ્ર મોદી અહીંથી વિચારવાનુ શરૂ કરે છે. અને અહીંથી છે…..ક આગળ સુધી પાકિસ્તાની નેતાગીરી અને ત્યાંની સેનાને લઈ જાય છે. પાછલા 20-25 દિવસોની ઘટનાઓ જુઓ; 7મી ઑગસ્ટે 370 અને 35A હટાવવા પર રાષ્ટ્રપતિની મહોર લાગી ગયા બાદ પાકિસ્તાની તદ્દન અવિચારી નેતાગીરી આગળ-પાછળનુ કંઈ પણ વિચાર્યા વગર એવા નિવેદનો અને ધમકીઓ આપી રહ્યા છે કે એમની આંતરરાષ્ટ્રીય કે ભારતની અંદર જેટલી બેઈજ્જતી થઈ રહી છે એના કરતાં પણ વધારે બેઈજ્જતી પાકિસ્તાનમાં થઈ રહી છે. પાકિસ્તાનીઓને માટે તો એક ઑર ભાવના બળવત્તર બની રહી હશે અને એ છે… રોષ. એમની સરકાર પ્રત્યેનો ભયંકર રોષ. (બિલાવલ જેવા “પપ્પુ” બ્રાન્ડ નેતાના નિવેદનમાં પણ એ સજ્જડ રીતે જોવા મળતો હતો)

તો આ રોષ પાકિસ્તાનને અને પાકિસ્તાનીઓને ક્યાં લઈ જશે?? સરકાર પ્રત્યેના રોષ પહેલા આપણે એક બીજી બાબત પર ધ્યાન આપીએ. પાકિસ્તાન માટે એ સર્વવિદિત છે કે ત્યાં જે કોઈ સરકાર આવે છે એ રબર સ્ટેમ્પ સરકાર જ હોય છે. અસલી રાજ તો ત્યાંની આર્મી કરે છે. એ રાજકિય નિર્ણય હોય, આર્થિક હોય કે પછી વિદેશનિતિનો નિર્ણય હોય, આખરી બોલ ત્યાંની આર્મીનો હોય છે. હવે આ આર્મી પોતાની ઈજ્જત અને ધાક એક જ વાત પર ટકાવી રાખે છે — અને એ છે ભારતની સરકાર અને ભારતની પ્રજાને એ લોકો કાયમ માટે સૌથી વધુ રંજાડે રાખે છે.

એમની વાતમાં દમ પણ હતો. 2014 સુધી એમ થતુ પણ હતુ; ખાલિસ્તાની મૂવમેન્ટ હોય કે કશ્મીરની આઝાદીની મૂવમેન્ટ બધાને પાકિસ્તાનનો જ ભરપૂર સાથ રહેતો અને તે વખતની ભારતની બંગડી પહેરેલી સરકારો પાકિસ્તાની આર્મીનો આ રંજાડ મૂંગે મોઢે સહન કર્યે પણ જતી હતી. જ્યારે, વાસ્તવિકતા એ હતી કે પાકિસ્તાન કે એની આર્મીમાં કંઈ દમ હતો જ નહીં. અને પાછલા કેટલાય વર્ષોથી એમનો મકસદ ભારત સાથે યુધ્ધ કરીને, જીતીને ભારતનો પ્રદેશ પડાવવાનો નહીં પણ દરરોજ છમકલાં કરીને ભારતને રંજાડતા રહીને પોતાનો દમ પોતાની પ્રજા પર દેખાડતા રહેવાનો હતો. જેને લીધે પાકિસ્તાનમાં એક એવો ‘હાઉ’ ઉભો થાય કે પાકિસ્તાનના કર્તાહર્તા લશ્કરી જનરલો જ છે. એ ‘હાઉ’ને સહારે ચૂંટાયેલી સરકાર પણ પોતાના કાબુમાં રહે.

હવે, ઉરી હુમલા બાદ કરેલી સર્જીકલ સ્ટ્રાઈક અને પુલવામા બાદ કરેલ બાલાકોટના હુમલાથી પાકિસ્તાની આર્મીની આ અખંડ ઈમેજમાં એવડુ મોટુ ગાબડુ પડી ગયુ કે પાકિસ્તાનના કઠપૂતળી વડાપ્રધાન ઈમરાન ખાને 370 હટાવાયા બાદ POKના કાશ્મીરની ‘સંસદમાં’ પણ ઉલ્લેખ કર્યો કે ભારત બાલાકોટથી પણ કંઈક મોટુ કરવાની તાકમાં છે. હવે, એવી કોઈ જ હીલચાલ ભારત તરફથી કરવામાં નહોતી આવી કે નહોતો એવો કોઈ રાજકિય સંકેત આપવામાં આવ્યો. અરે, બાલાકોટ હુમલા બાદ પાકિસ્તાને એને સ્વીકારવા માટે પણ નકારી દીધુ હતું. તો પછી, પાકિસ્તાનના વડાપ્રધાને એનો ઉલ્લેખ કેમ કર્યો?? ચોક્કસથી પાકિસ્તાની આર્મીની ચડવણીથી.

એ ચડવણી કરતાંય વધારે તો પાકિસ્તાની આર્મીનો ડર પણ બોલતો હતો. પાકિસ્તાની આર્મી (પાછલા વર્ષોમાં ચાર-ચાર યુધ્ધ હાર્યા પછી) બહુ જ સારી રીતે જાણે છે કે હવે ભારતનો કોઈપણ મોરચે મુકાબલો કરવો એમને માટે શક્ય નથી. 2014 પહેલાં સુધી એવી તો પરિસ્થિતિ હતી કે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય કૂટનિતિને મોરચે એ ભારતને પછાડતા આવ્યા હતા અને કોઈને કોઈ રીતે મંત્રણાના ટેબલ પર લઈ આવતા હતા અને એજન્ડામાં હોય કે ના હોય એનો નાનકડો ક્લાર્ક કક્ષાનો અધિકારી પણ કાશ્મીરની વાત છેડતો અને ભારતના હાથ-મોં બાંધેલા અધિકારીઓને ઘેરતો. પાછલા બે-ત્રણ વર્ષોથી તો આ મંત્રણાઓનુ ટેબલ જ નથી પડતુ..!!

ભારતમાં અત્યાર સુધી આવેલી બધી જ સરકારોમાં વાસ્તવમાં પાકિસ્તાનની નાડ પારખીને એનો ખરેખરો ઈલાજ જો કોઈએ કર્યો હોય તો એ નરેન્દ્ર મોદીએ. રશિયામાં એ જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યા હતા ત્યારે એમની સમક્ષ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ પ્રસ્તાવ રાખ્યો હતો કે એ પાકિસ્તાનની ચૂંટાયેલી સરકાર સાથે જ વાત કરશે અને એમના લશ્કરની દખલગીરી નહીં ચલાવી લે. જ્યારે અફઘાનિસ્તાનથી પરત આવતા અચાનક લાહોરની મુલાકાત ગોઠવીને નરેન્દ્ર મોદીએ આ વાતનો સંકેત પણ પાકિસ્તાની આર્મી જનરલોને આપી દીધો હતો કે ભારત એમની સાથે નહીં પણ ચૂંટાયેલી પાંખ સાથે દોસ્તી કરવા માંગે છે. પણ, નવાઝ શરીફની મજબૂરી હતી કે જો એને સરકાર ટકાવી રાખવી હોય તો એણે આર્મીના ખોળે બેસવું જ પડે. એણે એ કર્યુ; તે છતાંય કેમેય કરીને એ પોતાની ખુરશી ન બચાવી શક્યા.

પાકિસ્તાની આર્મીએ એટલા જ માટે આગલી ટર્મ માટે ઈમરાન ખાન પર પસંદગી ઉતારી. જેના સંસ્કારો નરેન્દ્ર મોદીને પહેલેથી જ ખબર હોવાને લીધે; ઈમરાનની સરકાર આવ્યા બાદ એકપણ વાર ગંભીર રીતે દ્વિપક્ષીય મંત્રણાઓ થઈ જ નહીં. અને એ પછીની ઘટનાઓ તો આપણી નજર સમક્ષ છે કે પાકિસ્તાની આર્મીનુ ફ્રસ્ટ્રેશન એમની આર્મીના અધિકારીઓ; ઈમરાન ખાન પોતે; ઈમરાનની સરકારના મંત્રીઓ અને પાકિસ્તાની મિડિયા દ્વારા કેવી રીતે ઉછળી ઉછળીને બહાર આવ્યા. એમાંને એમાં એમણે બે બહુ જ ખરાબ આતંકી હુમલા પણ કરી નાખ્યા અને એના એનાથી પણ ખરાબ પરિણામો પણ ભોગવ્યા. બાલાકોટ સ્ટ્રાઈક પછી પાકિસ્તાની આર્મીને એ પણ ખબર પડી ગઈ કે એમની પ્રોક્સી વૉરનો પણ જડબાતોડ જવાબ ભારત આપે છે અને એ પણ આંતરરાષ્ટ્રીય કૉમ્યુનિટીમાં કોઈપણ જાતની હલચલ થયા વગર.

પાકિસ્તાની આર્મી આ સમયે કોઈપણ રીતે ભારતની આર્મી; ભારતની સરકાર અને ભારતની જનતા પર હાવી થઈ શકે એમ નથી. અને જો એમ ન થાય તો ?? તો એની પકડ પાકિસ્તાનની જનતા પરથી પણ ઢીલી થાય અને સમયાંતરે જતી રહે. લાગે છે આવનારા બે-ત્રણ મહિનામાં જ પાકિસ્તાની આર્મી અને એના નોન-સ્ટેટ એલિમેન્ટ એવા આતંકી જૂથો ફરીથી એક મહા-મહા ભૂલ કરશે અને એનો જ્યારે ભારત જવાબ આપશે ત્યાર પછી એ પાકિસ્તાનની નહીં પણ પાકિસ્તાની આર્મીની પડતીની શરૂઆતનુ છેલ્લુ બ્યુગલ હશે.

એ પણ ચોક્કસ હશે કે હવે પછીની પાકિસ્તાની વડાપ્રધાનની ચૂંટણીમાં ભારતના પ્રભાવવાળી સરકાર ચૂંટાશે અને એણે ભારત જેમ કહે તેમ કરવુ પડશે (યાદ રહે, ભારતે માલદિવ, શ્રીલંકા, નેપાળ અને મલેશિયાની સરકારોની પસંદગીમાં પોતાનો સીધો અને આડકતરો પ્રભાવ પાડેલો છે). એ સમય બાદ જ દક્ષિણ એશિયાના આ સૌથી સમૃધ્ધ ક્ષેત્રમાં શાંતિની શરૂઆત થશે. પાકિસ્તાનની પ્રજાનુ પણ એમાં જ હીત હશે… અને મારું ચોક્કસપણે માનવુ છે કે નરેન્દ્ર મોદીની સરકાર પાકિસ્તાનના આમ નાગરિકનુ ભલું જ વિચારતી હશે. આપણે, પણ એમને કલપ્રિટને બદલે વિક્ટીમ માનીને સોશ્યલ મિડિયામાં આપણી પ્રતિક્રિયા આપીએ એ ઈચ્છનિય રહેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here