આજે જઈએ દક્ષિણ ભારતના શહેર હૈદરાબાદની પ્રવાસ મુલાકાત પર

3
713
Photo Courtesy: treebo.com

જો ભારતના મહત્ત્વના શહેરોની વાત કરીએ તો તેમાં હૈદરાબાદ અતિશય મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ હૈદરાબાદમાં કયા કયા સ્થળો જોવાલાયક છે અને ગુજરાતી તરીકે તમે અહીં ક્યાં ખાઈ શકો તેની માહિતી મેળવીએ.

Photo Courtesy: treebo.com

1995માં ગુજરાત સમાચારે એક પ્રવાસ પૂર્તિ બહાર પાડી તેમાં ભારતનાં શહેરો વિશે ટૂંકમાં માહિતીઓ હતી. એક ‘પ્રવાસીનો ભોમિયો’ નામે સાહિત્યસંગમ સુરતના પુસ્તકમાં સ્થળો અને ત્યાં જોવાની જગ્યાઓનાં માત્ર લીસ્ટ જેવું હતું. એટલે મારા આ પ્રવાસની માહિતી જે ન ગયા હોય તેમને માટે રસપ્રદ રહેશે, ગયા હોય તેમને અનુભવ ફરી મમળાવવા મળશે.

હું હાલ બેંગલોર હોઈ દક્ષિણનાં અન્ય શહેર જોવાના જ ઈરાદાથી; બેંક ઓફ બરોડા નો નિવૃત્ત અધિકારી હોઈ તેનું હોલીડે હોમ બુક કરાવી મૈંસુર-કાચિગુડા એક્સપ્રેસ ટ્રેનમાં બેંગ્લોરથી સાંજે 6.20 ના નીકળ્યો અને હૈદરાબાદ સવારે 5.40 ના; 650 કી.મી.  મુસાફરી કરી પહોંચ્યો.

બેંકનું હોલીડે હોમ હોટેલ ક્વોલિટી ઇન રેસિડેન્સી, નામપલ્લી મેટ્રો સ્ટેશન પાસે હતું. હૈદરાબાદમાં હૈદરાબાદ સેન્ટ્રલ, કાચીગુડા અને સિકન્દ્રાબાદ એમ ત્રણ સ્ટેશન છે. કાચિગુડા સ્ટેશનથી નામપલ્લી 6 કી. મી. દૂર છે.

હોટેલ ખૂબ ભવ્ય  અને સારી સજાવટવાળી છે. ચા ના 80 રૂ., એક ફ્રૂટ જ્યુસ, બે ઈડલી, ઉપમા અને ચા કે કોફી ના બ્રેકફાસ્ટ પેકેજના 225 રૂ. જોઈ સામે જ સુપ્રભાત ટીફીન્સ નામની હોટેલમાં  બે મોટી ઈડલી 30 રૂ., ઉપમા 35, કોફી 14 રૂ.માં બે વ્યક્તિઓનો 100 રૂ.ની અંદર બ્રેકફાસ્ટ પતાવ્યો.

દક્ષિણનાં દરેક રાજ્યમાં ‘ટિફિન’ એટલે નાસ્તો. આપણે નાસ્તો, ઉત્તરમાં જલપાન કે ઉપહાર કહે તે.

સારામાં સારા ગાઈડ એટલે સ્થાનિકો. ત્યાં જ કોઈએ કહ્યું કે બિરલા મંદિર એક કી.મી. દૂર, ચાલીને જવાય એટલું છે એટલે ચાલ્યા. દોઢેક કી.મી. તો લાગ્યું.

બિરલામંદિર ટેકરી ઉપર છે અને જવાનો રસ્તો સીધા ઢાળ વાળી શેરીમાંથી પસાર થાય છે. સફેદ આરસનું મંદિર કોમ્પ્લેક્સ છે જ્યાં રાધાકૃષ્ણ, સાઈબાબા, ગણપતિ, શંકરદાદા, હનુમાન મંદિરો હતાં. મુખ્ય મંદિર વેંકટેશ ભગવાનનું છે. ઉપરથી આસપાસનાં હૈદ્રાબાદનો વ્યુ સારો દેખાય છે. નજીકમાં જ હુસેનસાગર લેક ઉપરથી દેખાય છે. ભીંતો ઉપર ગીતાના પ્રસંગો, સમુદ્રમંથન, ઋષિઓનું ગુરૂકુળ, વેદકાલીન ઐતિહાસિક પ્રસંગોનું કોતરણી દ્વારા આલેખન હતું.

ચપ્પલ તેમ જ મોબાઈલ પણ ઉપર જતા પહેલાં જમા કરાવી દેવા પડે છે એટલે ઉપરના વ્યુ ના કે કોતરણીના ફોટા લઈ શકાયા નહીં.

એક નવું જોયું. લાઈન (બધી ટુરિસ્ટ બસો અને ટુરિસ્ટને બતાવવાનું સવારે 9-9.30 આસપાસ જ ત્યાંથી શરૂ થાય એટલે સરખી ગિરદી એ સમયે થાય. સાડાદસ પછી તડકો થાય એટલે ઓછી) માં નંબર આવતાં ક્યા સ્ટેટથી આવો છો એ પૂછે. બંગાળીને એક તરફ, ગુજરાતને બીજી તરફ, મારવાડીઓને ત્રીજી તરફ એમ અલગ રેક માં જૂતાં રખાવે. જૂતાં રાખવાનું તો મફત પણ ટોકન આપી પરત માંગો એટલે ચા પાણી માટે હાથ ધરાય જ.

મંદિરમાંની મૂર્તિઓના ફોટા ન લઈએ એ સમજાય પણ સુંદર વ્યુના કે બહારની કોતરણીના શા માટે નથી લેવા દેતા એ રહસ્ય છે.

મંદિર અસરે 150 પગથિયાંની સીડી ઉપર છે. નીચે ઉતરો એટલે રિક્ષાઓ ઘેરી વળે. ‘ચાલો મોતી ખરીદવાની દુકાને લઈ જાઉં’ એમ ધરાર આગ્રહ કરે. અમે રીક્ષા કરી હુસેનસાગર લેઈક ગયાં.

બાજુમાં જ લુમ્બિની પાર્ક નામનો બગીચો છે અને એમાં થઈને જ હુસેનસાગર બોટિંગ માટે જઈ શકાય એટલે બાગની એન્ટ્રી ફી 20 રૂ. વ્યક્તિદીઠ આપવી જ પડે. બાગ સુંદર ફુલો અને રંગીન પાંદડાંઓ વાળી વનસ્પતિઓથી ભરેલો હતો પણ નાનો અને ટૂંકો હતો. બાગમાં જ પ્લેનેટોરિયમ અને રાત્રે લેસર શો થાય છે. અમદાવાદના પરિમલ ગાર્ડન કે લો ગાર્ડન કરતાં પણ નાનો બાગ.

ટિકિટો હતી એટલે મેઇન્ટેઇન હતો. બાળકોનાં રમવાનાં સાધનો પણ સારી હાલતમાં હતાં. બાગનો એક રાઉન્ડ લઈ અમે બોટિંગ માટે ટિકિટ લીધી. બોટિંગ 325 રૂ. સ્પીડબોટના અને જનરલ 55 રૂ. વ્યક્તિદીઠ, 20 વ્યક્તિઓની કેપેસિટીની બોટના લે છે જે બોટમાં તમને લાઈફ જેકેટ પહેરાવી, પ્લાસ્ટિકની સારી ચેરમાં ઉપરથી કવર્ડ  બોટમાં તળાવ વચ્ચે આવેલ બુદ્ધ પ્રતિમા સુધી લઈ જાય. સાંજે પ્રતિમા અને તળાવની પાળે રોશની કરવામાં આવે છે. માત્ર સાંજે તળાવનો 5 કી.મી.. નો ચકરાવો મરાવતી 75 રૂ. ટિકિટની રાઈડ પણ છે.

અમે થોડું વેઇટ થઈ 20 વ્યક્તિઓ થઈ એટલે બોટમાં તળાવની મધ્યે પ્રતિમા પાસે પહોંચ્યાં.

હુસેનસાગર તળાવ  હૃદય આકારનું છે. તે ઇબ્રાહિમ કુલી કુતબ શાહ દ્વારા 1575માં બાંધવામાં આવેલું. તે હૈદરાબાદ અને સિકન્દ્રાબાદ શહેરને જુદાં પાડે છે તેમ કહેવામાં આવ્યું.  બુદ્ધ પ્રતિમા 58 ફૂટ ઊંચી એટલે 6 માળના મકાન જેવડી છે. આસપાસ કળશ, દ્વારપાળ, ઘોડેસવાર વ. નાં ચિત્રો હતાં.  ત્યાં પણ બગીચો સારો છે. મૂર્તિ આશીર્વાદ આપતી, ઉભી મુદ્રામાં અને પુરા વસ્ત્રમાં છે. કમળની પીઠ પર સ્થાપિત છે.

Photo Courtesy: Sunil Anjaria

અહીંથી નીકળી અમે મોતીના એક શોરૂમમાં જઈ મોતી, કિંમતી પથ્થરો અને અકીકના અલંકારો જોયાં. થોડી ખરીદી પણ કરી. મોતી સાચાં હોવાનું સર્ટિફિકેટ તો લીધું. બાકી ઈશ્વર જાણે!

અહીંથી સાલારજંગ મ્યુઝિયમ પહોંચતાં દોઢ વાગવા આવેલો. સફેદ ચમકતા પેઇન્ટવાળું ભવ્ય બહારનું બિલ્ડીંગ છે. અંદર જવા 50 રૂ. ટિકિટ છે. ટુરિઝમ કોર્પો. દ્વારા સ્પોન્સર્ડ પ્રાઇવેટ છે. ફોટા લેવા હોય, મોબાઈલથી, તો પણ ટિકિટથી બે ગણી કેમેરા ફી જોઈ ફોટા લેવાનું માંડી વાળ્યું. ટિકિટ ન હોય અને ફોટા લેતાં પકડાઓ તો 1000 રૂ. દંડ છે. મ્યુઝિયમના 15 કે 16 ભાગ છે.  નવાબો ના ફોટા, તેમનાં વસ્ત્રો, હથિયારો, ઐતિહાસિક પ્રસંગના ફોટાઓ, miniature લશ્કર, હાથીદાંત ની વસ્તુઓ જેના ઉપર કોતરણી તેમ જ પેઇન્ટ કરેલું, ચાંદી અને  કાંસાનાં પાત્રો, જાપાની શૈલી, પશ્ચિમી શૈલી, ફાર ઇસ્ટ વગેરે દેશોનાં પાત્રો, પહેરવેશો, ચિત્રો, શિલ્પો, બસો ઉપરાંત વર્ષ જુનાં સાડી, પટોળાં, નવાબના જરીવાળા ડ્રેસ, પ્રાણીઓનાં મોડેલ વગેરે ઝડપથી જોતાં પણ દોઢ કલાક થઈ ગયો. 15 માંથી 10 કે 11 ભાગ જ જોઈ નીકળી ગયાં અને ચારમીનાર પહોંચ્યાં જે ત્યાંથી માત્ર 2.5 કી.મી. છે પણ રિક્ષાઓ 50 થી શરૂ કરી 35 સુધીમાં જ આવે છે.

ચારમીનાર આમ તો અમદાવાદના ત્રણ દરવાજા જેવું જ ગીચ બઝાર વચ્ચે આવેલું સ્થાપત્ય છે. ગેટ વે ઓફ ઇન્ડિયા ની જેમ તેમાં અંદર પણ જઈ શકાય છે અને 20 રૂ. ટિકિટ લઈ સાંકડી વર્તુળાકાર સીડી ચડી ઉપર ઝરૂખામાં પણ જઈ શકાય છે. ચારે બાજુ મીનારાઓ વચ્ચે ગોળ ગુંબજ નીચે બપોરાં કરવા લોકો બેઠા હતા. સામે જ કાળા પથ્થરનો ફુવારો હતો. એ કવર્ડ સ્થળ સ્વચ્છ હતું પણ આસપાસ ગીચતા અને ગંદકી. ત્યાં કોઈક રીતે ઘસીને, લાઈટર અડાડી સળગતું નથી તેમ બતાવી 160 રૂ. માં મોતીની માળાઓ, નેકલેસ, બંગડીઓ વેંચતા ફેરિયાઓ પણ તમને ઘેરી વળે.

નજીકમાં જ લાડ બઝાર મોટી જ્વેલરી અને મોતી, હીરાની બજાર છે. અમને તેનો ખ્યાલ ન હતો.

ખાખી પથ્થરોથી ચણેલાં મકાનોથી ભરેલી બજારમાં થઈ નજીક આનંદભવન નામની લોજમાં ‘ભોજનમ’ નો ઓર્ડર આપ્યો. અહીં થાળીને ભોજનમ કહે છે. ટિપિકલ સાઉથ ઇન્ડિયન ભોજન- બીટ, દાડમ, કોઈ ભાજી નો સેલાડ, ચીખનો પાપડ, રસમ, સાંબાર, ઊંધો કટોરો ભાત સાથે મરચાં નાખેલી છાશ કે દહીં.

અહીંથી સીધા 10 કીમી ગોળકોન્ડા ફોર્ટ ગયાં. એ રસ્તો પણ ગોળ વીંટાઈ બેઠેલા આનાકોંડા જેવો ફરતો!

ગોળકોન્ડા લગભગ 700 થી વધુ વર્ષ દક્ષિણની રાજધાની હતો. ત્યાં હીરાની ખાણ હતી. કોહિનૂર હીરો જે પછી મહારાજા રણજિતસિંહ પાસે  અને છેલ્લે બ્રિટનમાં છે તે અહીંથી નીકળેલો.

ગોળકોંડા એટલે ગોવાળો નો ટેકરો. ફૂલી કુતબ શાહ એ અહીં રાજધાની રાખેલી. આપણે તાનશાહી એટલે મનમાન્યુ કરતો કહીએ પણ તાનાશાહ એક રાજાનો જમાઈ અને પછી સમજવિચારથી રાજ્ય ચલાવતો શાસક હતો.

આજે ખંડેરમાં પરિવર્તિત થઈ ચૂકેલ અવશેષોમાં મહેલ, દરબાર હોલ, રાજાની ચેમ્બર, કૃત્રિમ રીતે પાણી લાવતી અને સંગ્રહતી સિસ્ટમ, કમાનો વાળા રસ્તા, છુપા રસ્તા , કોર્ટયાર્ડ વગેરે હતાં. પથ્થરોનું 1250 આસપાસ થયેલ ચણતર લગભગ એવું જ ટકી રહેલું. 350 પગથિયાં ચડી ટેકરી ઉપર મહાકાળી, દુર્ગા નાં મંદિર અને સામેની બાજુ મસ્જિદ છે. (મંદિર થાય એટલે મસ્જીદે થવું જ પડે!) ઉપર તોપ ને એવું તો હોય જ! ઉપરથી આખા હૈદ્રાબાદનો વ્યુ  સારો હતો. સ્થળ જોવા જેવું. બહાર ગાર્ડન પણ સુંદર છે. કમાનો વચ્ચેથી ડાબે જમણે જતાં ભુલા ન પડી જવાય તે જોવું.

સાંજે સાઉન્ડ એન્ડ લાઈટ શો માં સુંદર વાર્તાઓ સાંભળી. એક પ્રધાન રામ ભક્ત. પોતાના ખર્ચ ને બદલે રાજ્યના ખર્ચે મંદિર બનાવવાની ફરિયાદ થતાં જેલ અને મૃત્યુદંડની સજા થઈ ત્યારે કહે છે રામ લક્ષ્મણ આવીને ખર્ચ ભરી તેને છોડાવી ગયેલા, એક રાજકુંવર જંગલમાં રહેતી સ્ત્રીના એટલા પ્રેમમાં હતો કે રોજ કેટલાયે ગાઉ કાપી રાત્રે તેને મળવા આવતો, ભર વરસાદે પુર વચ્ચેથી જાનના જોખમે આવી તેનીપ્રેમિકાને મળ્યો અને બાપ સુલ્તાને તેને વધુ તરીકે અપનાવી જે સારી સલાહ આપતી બેગમ થઈ, મોગલ મરાઠાઓ નાં આક્રમણો ઘોડાના ડાબલાઓ, તલવાર અથડાવના, તોપ ફૂટવાના અવાજો સાથે બતાવ્યું.

અમારે એક જ શો જોઈ શકાય એમ હતો, કાં તો હુસેન સાગર પર નો, કાં તો આ ફોર્ટનો. અમે આ જોયો. શો ગમ્યો પણ સૂર્યાસ્ત બાદ જ શરૂ થાય એટલે મચ્છર ખૂબ. શો  આયોજકો ટિકિટ સાથે તમને ઓડોમોસની ટ્યુબ આપે! તે દિવસ તડકા વાળો હોઈ મચ્છરો ઓછાં હતાં. કહે છે વરસાદ અને ઉનાળામાં ખૂબ કરડે છે.

પ્રથમ શો રાત્રે 8 વાગે પૂરો થયો. બીજો 8 થી 9 હોય છે. કોઈએ સિકન્દ્રાબાદ પેરેડાઈઝ બિરયાની જવા કહેલું પણ એટલા થાકેલા કે સીધા હોટેલ, સામે ‘ટીફન હાઉસ’ અને પથારી ભેગા.

બીજે દિવસે બ્રેકફાસ્ટ બાદ ચોવમહોલ્લા પેલેસ જોવા ગયાં. ચાર મહેલો મોટા કમ્પાઉન્ડ ફરતે છે. એક 125 વર્ષ જૂની ઘડિયાળના ટાવર વાળો (ઘડિયાળ હમણાં સુધી ચાલતી) સફેદ મહેલ, એક મુખ્ય સોનેરી કેસરી રંગનો, બીજા બે મહેલ. વચ્ચે કાર્પેટ વિદેશી લાદીની, અદભુત રંગોની. ત્યાં એ વખતની ઘોડાગાડીઓ, 1906 થી માંડી 1970 સુધીની મોટરો,ઝુમરો, લાઈટના ફાનસો, તેલંગાણા સંસ્કૃતિ બતાવતાં ડ્રેસ, મોડેલ વ. હતું. આ સરકારી મહેલ મ્યુઝિયમ હોઈ ટિકિટ 20 રૂ. જેવી જ હતી અને જોવાનું સાલારગંજ જેટલું જ.  અહીં પણ દોઢેક કલાક થયો. વળતાં n.s.road પર કરાંચી બેકરી ની મોટી શોપ ની મુલાકાત લીધી અને જાતભાતની  ખરીદી કરી. ત્યાંથી પબ્લિક ગાર્ડન ગયા.

અહીં લુમ્બિની પાર્ક કરતાં તો ઘણો વધુ જોવા જેવો બાગ છે જેમાં કોઈ ટિકિટ નથી. તે હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ નીચે છે. ત્યાં ઘણા ફોટા લીધા. બેગ ની બાજુમાં જ સરકારી SAH  મ્યુઝિયમ છે. અહીં સાવ 10 રૂ. ટિકિટ અને સાલરજંગ કરતાં ઘણું વધુ જોવાનું લાગ્યું. એક પ્રાચીન દુલ્હન નું મમી છે જેના હાથ પર મહેંદી પણ  જોઈ શકાય છે! ઇ.સ. પૂર્વેનું!

જાત જાતના લેમ્પ શેડ, ફાનસો, સુડી ચપ્પા, જૈન, વિષ્ણુ, બૌદ્ધ મૂર્તિઓ શિલ્પ, જૂનો એ વખતે સવારી અને તહેવારોમાં વપરાતો રથ, અજંતા જેવાં કુદરતી રંગોના પેઇન્ટિંગ ને એવું જોયું.  સરકારી ઇમારત હોઈ ટુરિસ્ટ બસ જે એજન્ટો અહીં લાવતા નથી પણ ઘણું સારું છે.

પેલા ‘સુપ્રભાત ટીફન્સ’માં ટોમેટો,લાઈમ રાઈસ, બિરયાની નો કોમ્બો ખાઈ, ડબલ મીઠા નામની વાનગી ટેસ્ટ કરી આખરે હોટેલમાં આરામ કરી સાંજે 7 ની ટ્રેનમાં નીકળી સવારે સવાછ એ બેંગ્લોર પરત.

રામોજી ફિલ્મ સીટી અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નજીક છે પણ ફિલ્મ સીટી સવારે 7 વાગે જઈ રાત્રે 7 થી 8 જેવા થાય અને મલ્લિકાર્જુન સાડાચાર કલાકનો રસ્તો છે, ત્યાં પણ દર્શનની લાંબી લાઈનો હોઈ એક દિવસમાં  આવવું જવું અશક્ય હોઈ જવા દીધું. આમેય રામોજી માં 1150 ખાલી એન્ટ્રી ટિકિટ છે. ટેક્ષીના મિનિમમ 2500.  કહે છે ફિલ્મ સેટ ના દર્શન જાહેરાતો થાય છે તેવા નથી. અમે જઇ શક્યાં અથવા ગયાં નથી.

આશા છે તમને સહુને આ લેખ મઝાનો અને  માહિતીપ્રદ  લાગ્યો હશે.

eછાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here