શું ભારતીય અર્થતંત્ર મંદીમાં ફસાયું છે કે પછી….?? ભાગ: 1

0
177
Photo Courtesy: dbpost.com

દેશભરમાં ચારે તરફ મંદી મંદીની બૂમો પડી રહી છે. કેટલાક આર્થિક નિષ્ણાતો પણ આ અંગે ચર્ચા કરી રહ્યા છે અને મંદી હોવાનું કહી રહ્યા છે, પરંતુ શું ખરેખર એવું છે ખરું? ચાલો જોઈએ.

Photo Courtesy: dbpost.com

વિશ્વભરની અર્થવ્યવસ્થા મંદીના સંકેત આપી રહી છે અને તેનો આગામી તબક્કો વૈશ્વિક મંદી હશે.  મોર્ગન સ્ટેનલીના અંદાજ પ્રમાણે તો આ મંદી આવતા નવ મહિનામાં જ આવશે. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ – અમેરિકા અને ચીન વચ્ચે વધતો વેપારી તણાવ એ વિશ્વને મંદી તરફ દોરી જવાનું મુખ્ય પરિબળ બની રહેશે એવા સંકેતો મળી રહ્યા છે. આવા વૈશ્વિક પરિબળો અને સંભાવનાઓ વચ્ચે શું ભારતીય અર્થતંત્ર પણ મંદીમાં સપડાઈ રહ્યું છે? ચાલો…તે ઉપર ઓથેન્ટિક ડેટા આધારિત ચર્ચા કરીએ અને તપાસીએ કે શું ભારતનું અર્થતંત્ર મંદીમાં સપડાશે?

ભારતમાં મંદીના એટલા સંકેતો દેખાતા નથી તેમ છતાં ઓટોમોબાઈલ ઉદ્યોગ જેવા કેટલાક ક્ષેત્રો ખતરનાક રીતે મંદીની નજીક છે (જો કે તેની પાછળના કારણો અલગ છે જેની ચર્ચા પછી કરીશું). જેવી રીતે અર્થતંત્રની એક “સાયકલ” હોય છે તેવી રીતે મંદીની પણ “સાયકલ” હોય છે. મંદીના ત્રણ તબક્કા છે: પ્રથમ તબક્કો ડિફ્લેશન (Deflation), બીજો તબક્કો રિસેશન (Recession) અને ત્રીજો તબક્કો ડિપ્રેશન (Depression). આ ત્રણે તબક્કામાં ડિફ્લેશન (Deflation) એ મંદીની શરૂઆત કહી શકાય.

ડિફ્લેશન (Deflation)માં દરેક વસ્તુઓના ભાવમાં સતત ઘટાડો થતો જોવા મળે છે. ડિફ્લેશન (Deflation)ની “સાયકલ” શરુ થાય તેની સાથે જ પોલિસી ઘડનારાઓ ચિંતામાં આવી જાય છે કારણ કે ભાવો ઘટતા ગ્રાહકો એમ માને છે કે હજુ વધારે ભાવો ઘટશે અને તેમ માનીને ખરીદી કરવા માટે રાહ જુએ છે. તેને કારણે માલનો ભરાવો થતાં ઉત્પાદન ઘટતું જાય છે કારણ કે જો પુરતો નફો ન મળે તો ઉદ્યોગો માલ વેચવાનું પસંદ કરતા નથી.

Photo Courtesy: Jayesh Shah

હવે આપણે આ અંગેના ભારતીય અર્થતંત્રના ડેટા જોઈએ. ઔદ્યોગિક ઉત્પાદન (ઉપરના ગ્રાફિક્સમાં) નવેમ્બર 2018થી ઘટી રહ્યું હતું તે એપ્રિલ 2019થી ફરી એક વખત વધી રહ્યું છે. ઓટોમોબાઈલ ઉદ્યોગમાં સંકટ હોવા છતાં ઉત્પાદન વધી રહ્યું છે. એપ્રિલ અને મે 2019માં તે 04%ને ક્રોસ કરી ગયું હતું તે ફરી એક વખત જુનમાં 02% પર પહોંચી ગયું છે પરંતુ તે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે 1.5%નું અનુમાન લગાવવામાં આવ્યું હતું તેના કરતા વધારે છે.

ઔદ્યોગિક ઉત્પાદનના વિકાસના ડેટા ભારતીય અર્થતંત્ર ઉપર ડિફ્લેશન (Deflation)ની “સાયકલ” શરુ થઇ હોય તેવા સંકેતો આપતા નથી. તેમ છતાં બજારમાં રોકડની અછત દેખાઈ રહી છે તે પણ એક હકીકત છે અને તે તરફ આંખ આડા કાન કરી શકાય તેમ નથી. ઉદ્યોગોમાં ઉત્પાદનને વધારવા માટે ઉદ્યોગોને બેંકો તરફથી ક્રેડીટ મળવી જોઈએ એટલે કે સરળતાથી લોન મળવી જોઈએ જે મળી રહી નથી તે વાત તરફ ધ્યાન આપવું એટલું જ અનિવાર્ય છે એમાં કોઈ બેમત ન હોઈ શકે. કારણ કે ક્રેડીટ ગ્રોથ (નીચે આપેલો ગ્રાફિક જુઓ) 2014થી સતત ઘટતો રહ્યો છે.

Photo Courtesy: Jayesh Shah

પરંતુ તેની પાછળનું એક કારણ 2009થી 2014 દરમિયાન (એટલે કે UPAના સમયગાળામાં) જે વ્યાપક પ્રમાણમાં છુટ્ટે હાથે બેંક લોનની લ્હાણી કરવામાં આવી હતી તે છે. 2009થી 2014ના ગાળામાં જે લોન આપવામાં આવી હતી તેમાંની મોટાભાગની NPAમાં ફેરવાઈ ગઈ છે. (નીચે આપેલો ગ્રાફિક જુઓ). 2014માં 3.82% એનપીએ હતી તે વધીને હાલમાં 11%ને ક્રોસ કરી ગઈ છે. તેને કારણે બેંકો સરળતાથી લોન આપી રહી નથી.

Photo Courtesy: Jayesh Shah

“દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે” તેમ બેંકો પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દબાણમાં તથા નાદારીના The Insolvency & Bankruptcy Code, 2016 આવવાના કારણે હવે બેંકો NPA ઘટાડી રહી છે અને વ્યાપક પ્રમાણમાં રીકવરી કરી રહી છે. એટલે હવે આવનારા એક વર્ષમાં ઉદ્યોગોને સરળતાથી બેંક લોન પ્રાપ્ત થઇ શકે છે.

Photo Courtesy: Jayesh Shah

બેન્કોને લોન આપવામાં મુશ્કેલીઓ આવે તેમ નથી કારણ કે બેંક ડિપોઝીટમાં ઘટાડો થયો નથી. ટોટલ ડિપોઝીટ માર્ચ 2019માં ભારતના આર્થિક ઈતિહાસમાં સૌથી વધારે છે (ઉપર આપેલો ગ્રાફિક જુઓ). માર્ચ 2019માં બેન્કોમાં કુલ ડિપોઝીટ 1782.44 બિલિયન અમેરિકન ડોલર છે જે ડિસેમ્બર 2018માં 1677.02 બિલિયન અમેરિકન ડોલર હતી.

કેટલાક અર્થશાસ્ત્રના “પાનના ગલ્લા ઉપર ઉભા રહીને” દેશના અર્થતંત્રની ચર્ચાઓ કરનારા એવું કહે છે કે હવે બેંકો પણ નુકશાન કરવા લાગી છે. બેન્કોમાં ડિપોઝીટ વધતી જાય અને બેન્કો લોન આપવાનું જોખમ ન લઈને તેને ઘટાડી દે એટલે સ્વાભાવિક છે કે બેંકની આવકમાં ઘટાડો થાય જ. પરંતુ એક વખત NPAને કાબુમાં લાવીને – ભૂતકાળની NPAની રીકવરી કરીને પછી ક્રેડીટ અને લોન સરળતાથી આપવાની શરૂઆત થશે. હવે તે સમય બહુ દુર નથી.

ભારતનું અર્થતંત્ર મંદીના પ્રથમ તબક્કામાં એટલે કે ડિફ્લેશન (Deflation)માં પણ પ્રવેશ્યું નથી. આ રોકડની અછત છે તે ટૂંકા ગાળાની છે અને આવનારા છ મહિનામાં તે દુર થઇ જશે એવું ક્ષિતિજે દેખાઈ રહ્યું છે. 2009થી 2014ના સમયગાળામાં જે આર્થિક ગેરશિસ્ત થઇ હતી તેને પહેલા કાબુમાં લાવવી પડે. અને પાંચ વર્ષ પછી હવે તે કાબુમાં આવી રહી છે. માત્ર છ મહિના માટે થોભો અને રાહ જુઓ. ભારતીય અર્થતંત્ર ફરી એક વખત ગતિ પકડવા માંડશે.

ભારતના અર્થતંત્ર ઉપર વૈશ્વિક મંદીની અસર કેમ નહીં થાય તે અંગે વધુ આવતીકાલે બીજા ભાગમાં જોઈશું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here