શું ભારતીય અર્થતંત્ર મંદીમાં ફસાયું છે? (2) – GDP દરની સરખામણી

0
149
Photo Courtesy: financialexpress.com

ભારતનું અર્થતંત્ર GDP દરના ઘટવાને લીધે જબરદસ્ત આર્થિક મંદીમાં સપડાયું છે એવો પ્રચાર સાચો છે કે ખોટો તે જોવા માટે ચાલો જોઈએ અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી સરકારના આંકડાઓની સરખામણી

Photo Courtesy: financialexpress.com

છેલ્લા અમુક દિવસથી ભારતના અર્થતંત્ર મંદીના વમળમાં ફસાઈ રહ્યું છે અને મોદી સરકાર તે અંગે કોઈ પગલાં નથી લઇ રહી તે અંગે ખુબ જ વિવાદ ચાલે છે. આ વિવાદમાં રાહુલ બજાજ જેવા પીઢ ઉદ્યોગપતિઓએ પણ ઝુકાવી દીધું છે ત્યારે શું આ માત્ર ઉદ્યોગોના સ્વાર્થ કે રાજકીય કે વિચારધારાના કારણોથી વિવાદ ઉભો કરવામાં આવ્યો છે કે પછી ખરેખર ભારતીય અર્થતંત્રમાં મંદી આવી રહી છે? આ અંગે મારા સ્વભાવ મુજબ ડેટા ચકાસતાં હું એવા તારણ ઉપર આવ્યો કે વિવાદમાં જેટલી હવા ભરવામાં આવી રહી છે તે બિલકુલ રાજકીય કે વિચારધારા આધારિત હોય તેમ દેખાઈ રહ્યું છે.

અર્થતંત્રના ડેટા ભારતનું અર્થતંત્ર મંદીમાં ફસાવવાનું હોય કે મંદી આવી રહી હોય તેવા સંકેતો આપતું નથી.

GDPનો વાર્ષિક વિકાસ દર (Annual Growth Rate of GDP)

Photo Courtesy: Jayesh Shah

UPA એટલે કે મનમોહનસિંગના નેતૃત્વની સરકારમાં તેમની બીજી ટર્મમાં 2009ના પહેલા ચાર ક્વાર્ટરમાં GDPનો વાર્ષિક વિકાસ દર 5.8%, 3.3%, 5.9% અને 9.4% રહ્યો. તેમની ટર્મના છેલ્લા બે ક્વાર્ટરમાં એટલે કે 2014ના પહેલા બે ક્વાર્ટરમાં તે 5.5% અને 7.5% રહ્યો (ઉપર આપેલા ફોટોમાં Annual Growth Rate of GDP ડેટા ટેબલ છે). નરેન્દ્ર મોદીએ જુન 2014થી સત્તા સાંભળી. 2014ના છેલ્લા બે ક્વાર્ટરમાં GDPનો વાર્ષિક વિકાસ દર 8.3% અને 6.0% રહ્યો. 2015ના ચાર ક્વાર્ટરમાં તે 6.8%, 7.6%, 8.4% અને 7.4% રહ્યો. 2016ના ચાર ક્વાર્ટરમાં તે 9.2%, 7.9%, 7.5% અને 7.0% રહ્યો. 2017ના પહેલાં બે ક્વાર્ટરમાં તે 6.1% અને 5.7% રહ્યો છે.

2018ના છેલ્લા બે ક્વાર્ટરમાં તથા 2019ના પ્રથમ બે ક્વાર્ટરમાં GDPનો વાર્ષિક વિકાસ દર ઘટ્યો છે એટલે કે છેલ્લા ચાર ક્વાર્ટરમાં સતત ઘટી રહ્યો છે અને તે જુલાઈ 2019માં 5.0% પર પહોંચી ગયો છે પરંતુ તે એટલી હદે નથી ઘટ્યો કે ભારતનું અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે એમ કહેવું પડે. UPAના સમય દરમિયાન 2009માં બીજા ક્વાર્ટરમાં તે 4%થી નીચે જતો રહ્યો હતો પરંતુ પછીના ચાર ક્વાર્ટરમાં તે વધ્યો હતો. અર્થતંત્રના બીજા “વેરીએબલ” સાથે તેને સરખાવીશું તો અર્થતંત્ર નબળું પડી રહ્યું છે તે માત્ર હવા ભરીને ફુલાવેલો ફુગ્ગો જ છે એમ લાગ્યા વગર નહિ રહે.
GDPનો વિકાસ દર – (GDP Growth Rate)

Photo Courtesy: Jayesh Shah

UPA એટલે કે મનમોહનસિંગના નેતૃત્વની સરકારમાં તેમની બીજી ટર્મમાં 2009ના પહેલા બે ક્વાર્ટરમાં GDPનો વિકાસ દર 0.5%, (-)1.8%, રહ્યો હતો. તેમની ટર્મના છેલ્લા બે ક્વાર્ટરમાં એટલે કે 2014ના પહેલા બે ક્વાર્ટરમાં તે 2.1% અને 1.3% રહ્યો (ઉપરના ફોટોમાં GDP Growth Rate ડેટા ટેબલ છે). નરેન્દ્ર મોદીએ જુન 2014થી સત્તા સાંભળી. 2014ના છેલ્લા બે ક્વાર્ટરમાં GDPનો વિકાસ દર 2.2% અને 1.9% રહ્યો. 2015ના ચાર ક્વાર્ટરમાં તે 1.6%, 1.7%, 2.2% અને 2% રહ્યો. 2016ના ચાર ક્વાર્ટરમાં તે 1.8%, 2.3%, 1.4% અને 1.6% રહ્યો. 2017ના પહેલાં બે ક્વાર્ટરમાં તે 1.5% રહ્યો પરંતુ છેલ્લા ક્વાર્ટરમાં 2% થયો હતો. 2018ના પહેલા બે ક્વાર્ટરમાં તે 2%થી સહેજ ઓછો રહ્યો હતો. 2019ના પહેલા બે ક્વાર્ટરમાં 1.5% થી 1.7%ની આસપાસ રહ્યો છે. આ ડેટા સરખાવીને જોશો તો ખબર પડશે કે ભારતનું અર્થતંત્ર મંદીમાં ફસાઈ રહ્યું છે તે માત્ર એક રાજકીય કે વિચારધારા આધારિત પ્રચાર માત્ર છે.

સરકારી ખર્ચ (બિલિયન રૂપિયામાં) – Government Spending in Billion Rs.

Photo Courtesy: Jayesh Shah

હવે સરકારે કેટલો ખર્ચ કર્યો તેના ડેટા જોઈએ. UPA એટલે કે મનમોહનસિંગના નેતૃત્વની સરકારમાં તેમની બીજી ટર્મમાં 2009ના પહેલા ચાર ક્વાર્ટરમાં યુપીએ સરકારે કુલ ખર્ચ 1,432; 1,410; 1,380 અને 1,620 બિલિયન રૂપિયા કર્યો. તેમની ટર્મના છેલ્લા બે ક્વાર્ટરમાં એટલે કે 2014ના પહેલા બે ક્વાર્ટરમાં તે 2,327 અને 2,853 બિલિયન રૂપિયા કર્યો (ઉપરનો ફોટોમાં Government Spending in Billion Rs. ડેટા ટેબલ છે). નરેન્દ્ર મોદીએ જુન 2014થી સત્તા સાંભળી. 2014ના છેલ્લા બે ક્વાર્ટરમાં મોદી સરકારે કુલ ખર્ચ 3,138 અને 2,546 બિલિયન રૂપિયા ખર્ચ કર્યો. 2015ના ચાર ક્વાર્ટરમાં 2,176; 2,863; 3,268 અને 2,675 બિલિયન રૂપિયા ખર્ચ કર્યો.. 2016ના ચાર ક્વાર્ટરમાં 2,291; 3,338; 3,806 અને 3,424 બિલિયન રૂપિયા ખર્ચ કર્યો. 2017ના ચાર કવાર્ટરમાં 2,892; 2,691; 3,638 અને 3,686 બિલિયન રૂપિયા ખર્ચ કર્યો છે. 2018ના ચાર કવાર્ટરમાં 3,202; 3,259; 3,876 અને 4,085 બિલિયન રૂપિયા ખર્ચ કર્યો જયારે 2019ના ત્રણ ક્વાર્ટરમાં 3,411; 3,687 અને 4,219 બિલિયન રૂપિયા ખર્ચ કર્યો છે.

આ ડેટા સરખાવીને જોશો તો ખબર પડશે કે ભારતનું અર્થતંત્ર મંદીમાં ફસાઈ રહ્યું છે તે માત્ર એક રાજકીય કે વિચારધારા આધારિત પ્રચાર માત્ર છે. GDPનો વિકાસ દર ઘટતાં સરકારે તેનો ખર્ચ વધારીને અર્થતંત્રને મંદીમાં જતું અટકાવાનો અને GDPના વિકાસ દરને પાછો ઉંચે લઇ જવા માટે પ્રયાસ કર્યો જ છે ત્યારે ભારતનું અર્થતંત્ર મંદીમાં ફસાઈ રહ્યું છે એવો પ્રચાર જ અસ્થાને છે.

સરકારી ખર્ચ (જીડીપીના ટકામાં) (Government Spending to GDP)

Photo Courtesy: Jayesh Shah

સરકારી ખર્ચની રકમ વધવા છતાં તેને GDPના 15%ની અંદર રાખવામાં મોદી સરકારે સફળતા પ્રાપ્ત કરી છે. UPA એટલે કે મનમોહનસિંગના નેતૃત્વની સરકારમાં તેમની બીજી ટર્મમાં 2009થી 2014માં સરકારી ખર્ચ GDPના 18.5%, 15.4%, 14.9%, 14.2%, 13.9% અને 13.4% હતો. (ઉપરના ફોટોમાં Government Spending to GDP ડેટા ટેબલ છે) નરેન્દ્ર મોદીએ જુન 2014થી સત્તા સંભાળી. મોદી સરકારે 2015થી 2018માં સરકારી ખર્ચ GDPના 13.1%, 12.9%, 13.2% અને 13.1% હતો. GDPનો વિકાસ દર ઘટતાં સરકારે તેનો ખર્ચ વધારવા છતાં તેને GDPના 15%ની અંદર રાખીને GDPના વિકાસ દરને પાછો ઉંચે લઇ જવા માટે પ્રયાસ કર્યો જ છે ત્યારે ભારતનું અર્થતંત્ર મંદીમાં ફસાઈ રહ્યું છે એવો પ્રચાર જ અસ્થાને છે.

સરકારી દેવું (GDPના ટકામાં) (Government Debt to GDP)

Photo Courtesy: Jayesh Shah

મોદી સરકારે સત્તા સંભાળ્યા પછી તેમની સરકારે એવું કોઈ દેવું કરેલ નથી કે જેથી સમગ્ર દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય. UPA એટલે કે મનમોહનસિંગના નેતૃત્વની સરકારમાં તેમની બીજી ટર્મમાં 2009 થી 2014માં સરકારી દેવું (GDPના ટકામાં) 70.6%, 65.6%, 67.4% અને 66.7% રહ્યું હતું. (ઉપરના ફોટોમાં Government Debt to GDP ડેટા ટેબલ છે). નરેન્દ્ર મોદીએ જુન 2014થી સત્તા સાંભળી. 2015 થી 2018માં સરકારી દેવું (GDPના ટકામાં) 68.6%, 68.2%, 68.9% અને 68.3% રહ્યું. મોદી સરકારે સરકારી ખર્ચમાં વધારો કરવા છતાં સરકારી દેવાને 70%થી નીચે રાખવામાં સફળતા મેળવી છે.

આમ જે હદે ભારતીય અર્થતંત્ર મંદીમાં ફસાઈ રહ્યું છે તેવા બુમ-બરાડા થઇ રહ્યા છે તેવું તો અર્થતંત્રના કોઈ જ આંકડા એવું દર્શાવતા નથી. આ તમામ ડેટા જોતા ક્યાંય એવું લાગતું નથી કે ભારતીય અર્થતંત્ર મંદીના વમળમાં ફસાયું છે.

ફુગાવાનો દર જોઈએ તો તે પણ એવું સૂચિત નથી કરતો. UPAના શાસન દરમિયાન ફુગાવાનો દર સરેરાશ 8% થી 9%ની આસપાસ રહ્યો છે. મોદી સરકારના શાસનમાં તે 4%ની આસપાસ રહ્યો છે જે અર્થતંત્ર માટે તંદુરસ્ત કહી શકાય. આનાથી વધારે ફુગાવાનો દર નીચો જાય તો મંદી આવવા માંડે. તેવી જ રીતે ફોરેન એક્ષ્ચેન્જ રીઝર્વની વાત કરીએ તો તેમાં તો અર્થતંત્રની તિજોરીઓ છલકાઈ રહી છે.

ખાનગી મૂડીરોકાણમાં થોડી અસર થઇ છે તે આવતા બે વર્ષમાં સુધરી જશે. ઔદ્યોગિક ઉત્પાદનનો દર ઘટ્યો છે તે અર્થતંત્રમાં બુસ્ટર ડોઝ આપ્યા પછી આવતા છ થી નવ માસમાં હકારાત્મક થઇ જશે. ખેતીનો વિકાસ દર ઘટ્યો છે તે આ ચોમાસું ખુબ જ સારું હોવાથી તે પણ આવતા બે ક્વાર્ટરમાં ખુબ જ હકારાત્મક કક્ષાએ પહોંચી જશે. તદુપરાંત સિંચાઈ અને વીજળીમાં જે સુધારાઓ આવી રહ્યા છે અને જે નવા આંતરમાળખાકીય પ્રોજેક્ટ આવી રહ્યા છે તેનાથી ખેતીનો વિકાસ દર ૨૦૨૦ સુધીમાં ઉંચાઈને આંબી જશે.

એક વાત ચોક્કસ છે કે…

હજુ છ થી નવ મહિના સુધી એટલે કે ઓછામાં ઓછા ત્રણ ક્વાર્ટર સુધી GDPનો દર 5%થી 5.5%ની આસપાસ જ રહેશે. પરંતુ તેનાથી ગભરાવવાનું કોઈ જ કારણ નથી. ટૂંકાગાળામાં એટલે કે ઓછામાં ઓછા ત્રણ ક્વાર્ટરમાં થોડું નુકશાન થશે પરંતુ તે એવું નહિ હોય કે જેનાથી ભારતીય અર્થતંત્ર મંદીમાં ફસાઈ જાય.

ભારતનું અર્થતંત્ર ખુબ જ વાયબ્રન્ટ છે અને ગમે તેવા ઝટકા પચાવી જાય તેવું મજબુત છે. તમામને જાહેર અપીલ છે કે ભારતના અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નીચું જોવું પડે તેવો કોઈ જ પ્રકારનો પ્રચાર ન કરે. તમારે તમારા રાજકીય હિતો ટકરાતા હોય, તમારી વિચારધારા ટકરાતી હોય તો તેને બીજી રીતે ટકરાવી લો પરંતુ તેને અર્થતંત્ર સાથે ન ટકરાવશો.

શું ભારતીય અર્થતંત્ર મંદીમાં ફસાયું છે? સિરીઝ: ભાગ 1

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here