શું ભારતીય અર્થતંત્ર મંદીમાં ફસાયું છે કે પછી (4) – ખોરવાયેલા કેશફ્લો માટે સૂચનો

0
176
Photo Courtesy: economictimes.com

ભારતમાં મંદી હોવાની બુમરાણો વચ્ચે કોઇપણ વ્યક્તિ ખોરવાયેલા કેશફ્લો વિષે વિચારતો નથી કે તેને દૂર કરવા માટે સૂચનો પણ આપતો નથી. આજે જોઈએ કેશફ્લોની સમસ્યા સામેના કેટલાક ઉપાયો.

Photo Courtesy: economictimes.com

છેલ્લા એક સપ્તાહથી ભારતના અર્થતંત્ર મંદીના વમળમાં ફસાઈ રહ્યું છે અને મોદી સરકાર તે અંગે કોઈ પગલાં નથી લઇ રહી તે અંગે ખુબ જ વિવાદ ચાલે છે. રોજ રોજ નવા નવા આંકડા બહાર આવી રહ્યા છે. એક હકીકત છે કે ભારતના અર્થતંત્રમાં “કેશ-ફ્લો” ખોરવાયો છે. તેની તેની પાછળ ઘણાં કારણો છે. ભારતીય અર્થતંત્રમાં “રોકડાની અછત” છે તેની પાછળના સાચા કારણો કોઈપણ સમીક્ષક રજુ કરી રહ્યો નથી. મોટાભાગના એવું જ કહી રહ્યા છે કે નોટબંધી અને GSTના કારણે બજારમાંથી રોકડ અદ્રશ્ય થઇ ગઈ છે પરંતુ તેમાં ઊંડા ઉતરીએ તો હકીકત કંઇક જુદી જ દેખાઈ રહી છે. ચાલો…આજે આપણે ભારતીય અર્થતંત્રમાંથી રોકડની અછત કેવી રીતે દુર થઇ શકે તે અંગે સમીક્ષા કરીએ.

ફુગાવાનો દર છેલ્લા બાર મહિનાથી સતત 4%થી નીચે રહ્યો છે. જયારે જયારે ફુગાવાનો દર 4%થી નીચે રહે છે ત્યારે ત્યારે બજારમાં રોકડની અછત ઉભી થાય છે. એક રીતે લોકોને એવું લાગે કે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ બહુ વધતા નથી અને તે કાબુમાં છે પરંતુ બહુ ઓછાને એ ખબર હશે કે ફુગાવો 4%થી નીચે ન જવો જોઈએ તથા 5%થી વધારે પણ ન હોવો જોઈએ. આ બંને સ્થિતિમાં પ્રજાને અને અર્થતંત્રને સહન કરવું પડે છે. ફુગાવાનો દર સતત 5%થી વધારે રહે તો ભાવવધારાના કારણે સામાન્ય પ્રજાની કમર તૂટી જાય.

UPAના 2009-14 દરમિયાન ફુગાવાનો દર સતત સરેરાશ 8% થી 9%ની આસપાસ રહેવાના કારણે સામાન્ય પ્રજા ભાવવધારાથી ત્રાસી ગઈ હતી. (ઉપરના ફોટામાં Rate of Inflation 2012 to 2019નો ચાર્ટ છે). 2014માં NDAના સત્તા ઉપર આવવાનું આ પણ એક કારણ હતું. નરેન્દ્ર મોદીના સત્તા ઉપર આવ્યા પછી ફુગાવાનો દર કાબુમાં આવ્યો. પરંતુ છેલ્લા બાર મહિનાથી તે સતત 4%થી ઓછો રહ્યો છે તે પરિસ્થિતિ જો હજુ બીજા છ મહિના માટે રહે તો તે અર્થતંત્ર માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. આથી ભારત સરકારે હવે સૌથી પ્રથમ કાર્ય ફુગાવાના દરને 4% થી 5%ની આસપાસ લઇ આવવાનું રહેશે.

 


ફુગાવાના દરની જેમ જ નાણાંકીય ખાધ GDPના 4%ની અંદર રહે તો તે ખુબ જ સારી આર્થિક શિસ્ત છે તેમ કહી શકાય. UPAના 2009-14 દરમિયાન નાણાંકીય ખાધ સરેરાશ 5%ની આસપાસ (માત્ર વર્ષ 2008 સિવાય) રહી હતી. (ઉપરના ફોટામાં Fiscal Deficit 2007-08 to 2018-1નો ચાર્ટ છે). નરેન્દ્ર મોદીના સત્તા ઉપર આવ્યા પછી તે 2015માં 4.1%, 2016માં 3.9%, 2017માં 3.5%, 2018માં 3.5% અને 2019માં તે 3.4% રહી છે જે આર્થિક શિસ્તની દ્રષ્ટિએ ખુબ જ ઉત્કૃષ્ટ અને બિરદાવાલાયક કહી શકાય.
.
પરંતુ આ સમગ્ર સ્થિતિને સર્વાંગી રીતે જોઈએ તો દેશના અર્થતંત્રમાં રોકડની અછત ઉભી થઇ છે. આર્થિક મંદી નથી અને આર્થિક સ્થિતિ કાબુ બહાર નથી તેમ છતાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્ષ, ફુગાવાનો દર, GDPનો વિકાસ દર – આ બધા છેલ્લા બે થી ત્રણ ક્વાર્ટરમાં નકારાત્મક ટ્રેન્ડ બતાવી રહ્યા છે ત્યારે કેટલાંક નક્કર ઉપાયો કરવા જરૂરી છે.

શરીરમાં ગુમડું થયું હોય ત્યારે ખર્ચની પરવા કર્યા વગર ગુમડાને સર્જન પાસે જઈને કપાવવું પડે છે તે જ રીતે ભારતીય અર્થતંત્રમાં બુસ્ટર ડોઝ આપવો હવે જરૂરી બન્યો છે. તેને માટે નીચેના ઉપાયો અનિવાર્ય બની રહે છે.

ઉપાય એક

Deficit Financeનો ઉપાય અજમાવવાનો સમય હવે આવી ગયો છે. નાણાંકીય ખાધ 4%ની અંદર છે અને ફુગાવાનો દર પણ 4%થી ઓછો રહ્યો છે ત્યારે બજારમાં નવી નોટો છાપીને ઠાલવવી એ આજનો તાતો ઉપાય છે. 2018-19માં નાણાંકીય ખાધ GDPના 3.4% રહી હતી એટલે કે 6.45 લાખ કરોડ રૂપિયા હતી. ભારત સરકારે તાત્કાલિક ધોરણે 3 લાખ કરોડ રૂપિયાની રોકડ નવી છાપીને બજારમાં લઇ આવવી અનિવાર્ય છે. 3 લાખ કરોડ રૂપિયાની નવી રોકડ છાપીને આંતરમાળખાકીય પ્રોજેક્ટ દ્વારા તેને બજારમાં ઠાલવી દેવી. આંતરમાળખાકીય પ્રોજેક્ટમાં નવા રસ્તાઓ, હાઈવે, મેટ્રો રેલ, સિંચાઈના પ્રોજેક્ટ, સ્માર્ટ સીટીના પ્રોજેક્ટ – જેવા પ્રોજેક્ટમાં આવનારા છ થી નવ મહિનામાં ઓછામાં ઓછા 3 લાખ કરોડ રૂપિયા નવી નોટો છાપીને ઠાલવવા અનિવાર્ય છે. આટલું કર્યા પછી પણ નાણાંકીય ખાધ 5%ની અંદર રહેશે અને તે કાબુ બહાર નહીં જાય.

આંતરમાળખાકીય પ્રોજેક્ટમાં Deficit Financeથી રકમ ઠાલવવાથી વ્યાપક પ્રમાણમાં રોજગારી પણ ઉભી થશે એટલે તેનો સીધો રાજકીય ફાયદો સરકારને થશે. આના કારણે બેંકો પાસે પણ વધારે પ્રમાણમાં ફંડ આવશે જે બેન્કોને સમૃદ્ધ કરશે. બેંકો સમૃદ્ધ થશે તો બેંક ક્રેડિટ આપવાની રકમ વધારે પ્રાપ્ત થશે અને તે મેન્યુફેક્ચરિંગ અને MSME ક્ષેત્રોને પણ ફાયદો કરાવશે. જેવું અર્થતંત્ર વિકાસની ગતિમાં GDPનો વિકાસ દર ફરી એક વખત 7%ને પાર જાય તેની સાથે Deficit Finance બંધ કરી દેવું અનિવાર્ય છે અને તો જ આર્થિક શિસ્ત જળવાઈ રહેશે.

ઉપાય બે

રિસર્ચ ડેવલપમેન્ટમાં કોર્પોરેટ ઉદ્યોગ ગૃહો જેટલી રકમ રોકે તેને ટેક્સમાં ડિડકશન અને રિબેટ તરીકે આપવી – આટલો ફેરફાર લાંબા ગાળા માટે એટલે કે ઓછામાં ઓછા આવનારા દસ વર્ષ માટે થવો જોઈએ. કારણ કે રિસર્ચનું પરિણામ પ્રાપ્ત કરવા માટે સમયગાળો લાંબો હોવો અનિવાર્ય છે. જો આટલું કરવામાં આવશે તો કોર્પોરેટ ઉદ્યોગો રિસર્ચ પાછળ મોટી રકમનું રોકાણ કરતા થશે અને તેને કારણે આપણા દેશ પાસે જે ટેલન્ટ અને નોલેજ છે તેનો ઉપયોગ દેશમાં જ થશે. આજે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ક્ષેત્રે તથા અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર ક્ષેત્રે જે વિદ્વાનો છે તેઓ તક મળતા જ વિદેશમાં સંશોધન કરવા માટે ઉપડી જાય છે તેઓ ભારતમાં જ તક પ્રાપ્ત થતા વિદેશ જતા અટકશે અને અંતે તેઓ પેટન્ટ ક્ષેત્રે ભારતને નામના અપાવી શકશે.

ઉપાય ત્રણ

ડાયરેક્ટ ટેક્સ કોડ લાવીને વ્યક્તિગત ઇન્કમટેક્ષ નાબુદ કરવામાં આવે. આજે પાંચ લાખ સુધી ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી. ત્યારબાદ જુદા જુદા સ્લેબમાં ટેક્ષ ભરવો પડે છે અને સૌથી ઊંચા સ્લેબમાં તે 30% જેટલો ઉંચો છે. તેને કારણે કરદાતાઓ સીધી અથવા આડકતરી રીતે ટેક્સચોરી કરે છે અને તેનો ફાયદો ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ લઇ રહ્યા છે અને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.

વ્યક્તિગત ઇન્કમટેક્ષ પેટે વર્ષ 2017-18માં 4,19,998 કરોડ રૂપિયા જમા થયા હતા. ભારત સરકાર આટલી રકમ જતી કરી શકે તેમ છે. 5 લાખ કરોડ રૂપિયા અન્ય કોઇ રીતે ઉભા કરી શકાય તેમ છે. માત્ર આટલું જ કરવામાં આવશે તો ઇન્કમટેક્સ વિભાગના 70% અધિકારીઓ નવરા થઇ જશે.તેઓમાંથી અડધાને આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સમાં ટ્રાન્સફર કરીને તેઓ પાસેથી કામ લેવામાં આવે. ઉપાય એક અંતર્ગત આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સમાં 3 લાખ કરોડ થી 5 લાખ કરોડ રૂપિયા નાખીને અર્થતંત્રને વેગવંતુ બનાવવાનું જ છે એટલે તેમાં સરકારી અધિકારીઓની જરૂરિયાત ઉભી થવાની જ છે તેથી આ ફાજલ પડેલા અધિકારીઓને તેમાં ફાળવી દેવાય. આવી રીતે નિમણુક આપવા છતાં ઇન્કમટેક્ષ વિભાગના લગભગ 50,000 અધિકારીઓ ઘટી જશે અને તેમનો પગાર અને ભથ્થા તથા તેઓ દ્વારા આચરવામાં આવતો ભ્રષ્ટાચાર ઘટી જશે.

ઉપાય ચાર

વ્યક્તિગત ઇન્કમટેક્સ નાબુદ કરીને કોર્પોરેટ ટેક્સના માળખાને પણ પુન:નિર્ધારિત કરવું આવશ્યક છે. હાલમાં કોર્પોરેટ ટેક્સનો સ્લેબ ખુબ જ ઉંચો છે તેમાં રિબેટ આપીને રિસર્ચ અને ડેવલપમેન્ટમાં વ્યાપક રોકાણ કોર્પોરેટ હાઉસીસ કરે તે રીતના કાનૂની પ્રોવિઝન લાવવા અનિવાર્ય છે. 2017-18માં કોર્પોરેટ ટેક્સમાં 5,71,202 કરોડ રૂપિયા જમા થયા હતા. આ રકમ ટેક્સના સ્લેબને ઘટાડીને પણ કેવી રીતે વધારી શકાય તે અંગે યોગ્ય વિચારણા થવી અનિવાર્ય છે.

ઉપાય પાંચ

Photo Courtesy: Jayesh Shah

સરકારી દેવું GDPના લગભગ 45% છે અને સરકારનું દેશી અને વિદેશી એમ બંને થઈને કુલ દેવું GDPના લગભગ 65% જેટલું છે. (ઉપરના ફોટામાં Government Debt (% of GDD) 2009-2019)નો ચાર્ટ છે). હાલના સંજોગોમાં સરકારે આકર્ષક વ્યાજની ઓફર કરીને Sovereign Bond બહાર પાડીને GDPના ઓછામાં ઓછા 5% જેટલી રકમ (લગભગ 5 લાખ કરોડ રૂપિયા) વિદેશી બજારોમાંથી ઉભી કરવી જોઈએ. તેવી જ રીતે દેશમાંથી સરકારી બોન્ડ દ્વારા GDPના લગભગ 5% જેટલી રકમ (લગભગ 5 લાખ કરોડ રૂપિયા) બજારમાંથી ઉભી કરવી જોઈએ.

GDPના લગભગ 10% જેટલી રકમ ઉભી થશે એટલે અર્થતંત્ર ખુબ જ “વાયબ્રન્ટ” બની જશે. GDPના 10% જેટલું સરકારી દેવું વધારવામાં આવશે તો દેશ દેવાળિયો નહીં થઇ જાય. Sovereign Bond અને સરકારી બોન્ડ પાંચ થી સાત વર્ષમાં “ફેઝ”માં પરત કરવાની તૈયારી સાથે જ આ રીતનું ફંડ ઉભું કરવું જોઈએ કે જેથી જયારે પરત આપવાના આવે ત્યારે દેશના અર્થતંત્ર ઉપર વધારાનો બોજો ન પડે. હાલમાં આપણી સરકાર પાસે ગોલ્ડનું રિઝર્વ ઇતિહાસની ટોચ ઉપર છે એટલે આ રીતે રકમ ઉભી કર્યા પછી પણ દુનિયાની ક્રેડિટ રેટિંગ એજન્સી ભારતના રેટિંગને નીચું કરી શકશે નહીં.

ઉપાય છ

બેંકોમાં દેશની જનતાએ જે ડિપોઝીટ મૂકી છે તેની ઉપર વ્યાજના દર ઓછામાં ઓછા 1% જેટલા વધારવામાં આવે તથા તેની સામે જે લોન આપવામાં આવે છે તેના દર પણ 9% સુધી લઇ આવવામાં આવે. આના કારણે બેંકોની બેલેન્સશીટ બગડશે નહીં અને વધારે પ્રમાણમાં બચતો ઉભી કરી શકાશે. બેંક ડિપોઝીટ ઉપર વ્યાજના દર વધારવામાં આવશે એટલે બેન્કોમાં ડિપોઝીટ મુકવાનું પ્રમાણ વધશે અને એટલે બેન્કની લિક્વીડીટી પણ સુધરશે. બેન્કોની બેલેન્સશીટ ન બગડે તે રીતે આ કાર્ય થઇ શકે તેમ છે અને તે કરવું જ જોઈએ.

અંતે

મારું એવું પાક્કા પાયે માનવું છે કે જો આ છ ઉપાયો તાત્કાલિક ધોરણે અજમાવવામાં આવે તો ભારતના અર્થતંત્રમાં જે રોકડની અછત સર્જાઈ છે અને તેને કારણે અન્ય ક્ષેત્રો ઉપર જે નકારાત્મક અસરો પડી છે (આર્થિક મંદી નહીં) અને અર્થતંત્રની સાયકલ ખોરવાઈ ગઈ છે તે પરત આવીને ભારતનું અર્થતંત્ર આવનારા એક વર્ષમાં ફરી એક વખત 7.5% થી 8%ના વિકાસ દરને પ્રાપ્ત કરી શકે છે.

મારું વ્યક્તિગત આવું માનવું છે કે વિશ્વના પ્રખ્યાત અર્થશાસ્ત્રી એવા ડૉ. મનમોહનસિંગે સરકારની નકારાત્મક ટીકા કરવાને બદલે રચનાત્મક સૂચનો સાથે બહાર આવ્યા હોત તો તે તેમની ગરિમાને અને ભારતની લોકશાહીને ચાર ચાંદ લગાવી દેત.

શું ભારતીય અર્થતંત્ર મંદીમાં ફસાયું છે કે પછી? ભાગ 1 | ભાગ 2 | ભાગ 3

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here