इन आँखों की मस्ती के मस्ताने (2): Life માટેનું ચુંબન અને ‘સાવન ભાદો’

2
167
Photo Courtesy: lehren.com

માત્ર ચૌદ વર્ષની ઉંમરે રેખાને હિન્દી ફિલ્મોમાં કામ કરવાની તક તો મળી ગઈ પરંતુ આગળનો માર્ગ એટલો સરળ ન હતો. બોલિવુડમાં એન્ટ્રી મેળવ્યાના તુરંત બાદ જ રેખાને અહીંની અસલીયત સાથેનો પ્રથમ પરિચય કરવો પડ્યો જેમાં તે પોતાના જ નિર્દેશકની જાળમાં ફસાઈ ગઈ હતી.

Photo Courtesy: lehren.com

1969માં ભાનુરેખા બોમ્બે પહોંચી. એ જ વર્ષે રાજેશ ખન્નાની સુપરડુપર હીટ ફિલ્મ ‘આરાધના’ રિલીઝ થયેલી. શર્મિલા ટાગોર, વહિદા રહેમાન, આશા પારેખ, સાયરા બાનો, મુમતાઝ જેવી હીરોઈનોનો દબદબો હતો. આ જ વર્ષે એક લાંબો, નવો નિશાળીયો, કલકત્તાનો છોકરો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવેલો. ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’માં નાનો પણ નોંધપાત્ર રોલ તેને મળેલો. એ હીરો એટલે ‘ધી અમિતાભ બચ્ચન’!

કુલજીત પાલના કોન્ટ્રેક્ટમાં લખેલું કે ભાનુરેખાએ તેની 4 ફિલ્મ અને તેના ભાઈ શત્રુજીત પાલની 4 ફિલ્મ, એમ કુલ આઠ ફિલ્મો કરવાની રહેશે. પહેલી ફિલ્મ ‘અન્જાના સફર’ માટે રૂપિયા 25 હજાર અને પછીની બધી ફિલ્મો માટે 25 હજાર દરેક ફિલ્મે વધારવામાં આવશે. બંને પાલ ભાઈઓને ભોળી-નિષ્કપટ ટોમબૉય જેવી દેખાતી આ છોકરીમાં કંઈક તો ચમક જણાઈ. ફળસ્વરૂપે ભાનુરેખાને એક કરતાં વધુ ફિલ્મોની ઑફર મળી ગઈ.

ભાનુરેખા બોમ્બેમાં જૂહુમાં અજંટા હોટલમાં રહેતી. જ્યાં સુધી શૂટીંગ ચાલુ હતું ત્યાં સુધી બધાં જ ખર્ચા નિર્માતા દ્વારા થતાં. બોમ્બે એક અજાણ્યું નગર હતું. ભાષા સમજાતી નહોતી, કોઈને ઓળખતી નહોતી – ફક્ત ડાયલોગ ગોખીને બોલવાની ખૂબી હતી. ભરપેટ ભાત ખાનારી ભાનુરેખાને બોમ્બેનું ભોજન ગોઠતું નહીં. 14 વર્ષની છોકરી જે સમયે સ્કૂલમાં ભણતી હોય, મિત્રો-મૈત્રિણી સાથે આઈસ્ક્રીમ ખાતી હોય, રમત-ગમતમાં ગુલતાન હોય એ સમયે ભાનુરેખા નવા શહેરમાં કામ કરી રહી હતી. અજીબો-ગરીબ કપડાં, કૃત્રિમ ઘરેણાં, માથાના વાળમાં નાખવાના સ્પ્રે – બધું જ ભાનુરેખા માટે નવું હતું. પણ ધીમે ધીમે કારવાં બઢતા ગયા અને ભાનુરેખાને આની આદત પડતી ગઈ.

ભાનુરેખા જેમિની ગણેશનની ગેરકાયદેસરની દીકરી છે એ વાત જગજાહેર હતી. જેમિનીએ પણ હિન્દી ફિલ્મોમાં વૈજયંતીમાલા, મીનાકુમારી, અશોક કુમાર જેવા દિગ્ગજો સાથે કામ કરેલું. મદ્રાસમાં તો પુષ્પાવલ્લી હતી પણ અહીં બોમ્બેમાં તો કોઈ જ નહોતું. ફિલ્મ નિર્માતાઓ નવા ચહેરાની શોધમાં હતા. લો-બજેટ ફિલ્મો માટે મુખ્ય હીરોઈનો જોઈતી હતી.

યોગાનુયોગ જુઓઃ ‘અન્જાના સફર’ નામની ફિલ્મથી ભાનુરેખાના હિન્દી સિનેમામાં એક અન્જાના સફરની શરૂઆત થઈ. 7 ઑગસ્ટ, 1969ના રોજ ‘અન્જાના સફર’નું મુહુર્ત થયું અને ફિલ્મનું નામ બદલીને ‘દો શિકારી’ કરવામાં આવ્યું (ગયા અંકમાં પૂછેલા સવાલનો જવાબ). લોકોને કુલજીતની પસંદ પર સંદેહ થયો. રાજકુમારે તો એમ પણ કહ્યું: ‘તમે આફ્રિકાથી છો એટલે જ તમને આવી કાળી છોકરી ગમી ગઈ!’

એ ગાળામાં હીરોઈનો નેચરલ લૂકથી હટીને નવા મેક-અપ, હેરસ્ટાઈલ અપનાવતી થઈ હતી. પણ એ સમયની બોલીવુડની હીરોઈનો કરતાં ભાનુરેખા એકદમ અલગ હતી – શ્યામ-રંગ, મોટી કમર, હિન્દીનો કક્કો નહોતો આવડતો. લોકો તેને ugly duckling કહેતા પરંતુ આ છોકરીનો વિલપાવર જબરજસ્ત હતો.

‘દો શિકારી’ના મુહુર્તના એક જ અઠવાડિયામાં ભાનુરેખાની બીજી ફિલ્મ ‘મેહમાન’નું મુહુર્ત થયું (જે કુલજીતના ભાઈ શત્રુજીતની પહેલી ફિલ્મ હતી). એ પછી 20 ઑગસ્ટે રામ દયાળ નામના નિર્માતાએ ભાનુરેખા-સંજય ખાનને લઈને ‘હસીનોં કા દેવતા’ ફિલ્મ શરૂ કરી. અને એ જ મહિનાની 30 ઑગસ્ટે, મોહન સાયગલની ‘સાવન ભાદો’નું મુહુર્ત થયું. વિધિના લેખ જુઓ. Ugly duckling કહેવાતી ભાનુરેખાને એક જ મહિનામાં ચાર ફિલ્મોમાં કામ મળી ગયું, જે એ વખતે એક સિદ્ધી ગણાતી.

પોતાના કુટુંબની પરિસ્થિતિ સુધારવામાં ભાનુરેખાનો જબરો ફાળો રહ્યો. આ નવા શહેરમાં, નવી જિંદગી શરૂ કરતાં, પોતે નવું નામ વિચાર્યું અને ‘ભાનુરેખા ગણેશન’ હવે ‘રેખા’ નામથી ઓળખાવા લાગી.

***

1960-70ના દશકમાં આજની ફિલ્મોની જેમ ચુંબનના દ્રશ્યો સામાન્ય ન હતા. થોડા-ઘણાં અપવાદોને બાદ કરતાં, કલાકારો અને ફિલ્મમેકરો કિસીંગ સીન ટાળતા. છતાં પણ જો ચુંબનનું દ્રશ્ય દેખાડવું જ હોય તો હીરો-હીરોઈન એકમેકની નજીક આવે અને તરત બે ફૂલ, ઝરણાં, પર્વત, નદી, સૂર્યાસ્ત જેવું કંઈક બતાવી દેવામાં આવતું. આવામાં ‘દો શિકારી’ ફિલ્મ માટે નિર્માતા કુલજીત પાલ અને હીરો બિસ્વજીતને પબ્લિસિટી જોઈતી હતી.

બોમ્બેના મહેબૂબ સ્ટુડીયોમાં ફિલ્મનું શૂટીંગ ચાલુ હતું. ફિલ્મના નિર્દેશક અને સિનેમેટોગ્રાફર રાજા નવાઠે હતા. ફિલ્મની શૂટીંગના પહેલાં જ પડાવમાં બિસ્વજીત, કુલજીત અને રાજાએ મળીને એક પ્લાન ઘડ્યો જેનો શિકાર રેખા થવાની હતી. તે દિવસે રેખા અને બિસ્વજીત વચ્ચે એક રોમેન્ટિક સીનનું શૂટીંગ કરવાનું હતું. સ્ટ્રેટેજી ઘડાઈ ગઈ હતી અને કેમેરામાં નાની-મોટી દરેક વિગતો પણ શૂટ થવાની હતી.

જેવું નિર્દેશક રાજાએ ‘એક્શન’ કહ્યું, બિસ્વજીતે રેખાને પોતાના બે હાથે પકડીને હોઠો પર એક તસતસતું રસઝરતું ચુંબન કરી દીધું. રેખા તો એકદમ અવાચક! ચુંબન વિશે કોઈ ખ્યાલ નહોતો. કેમેરો ચાલુ જ હતો. ના નિર્દેશક ‘કટ’ બોલે અને ના બિસ્વજીત રેખાને છોડે. 5 મિનિટ માટે બિસ્વજીત લગાતાર રેખાને ચૂમતો રહ્યો. શૂટીંગના ક્રૂ અને યુનિટના મેમ્બરો ત્યાં તાળીઓ અને સીટીઓથી ઉત્તેજન આપતા રહ્યા. આ કિકિયારીઓ વચ્ચે રેખાની આંખોમાંથી આસુ સરી પડ્યા.

રેખા ત્યારે 15 વર્ષની હતી. તેણીને થયું કે આ તો વિશ્વાસઘાત થયો કહેવાય. પરંતુ વિરોધ કરવાની હિંમત ન ચાલી. રેખાને ખબર હતી કે જો આ બાબતે અવાજ ઊઠાવશે તો પરિણામ સ્વરૂપ તેણી ફિલ્મમાંથી બહાર ફેંકાઈ જશે. ફિલ્મોમાં રેખાનું ભવિષ્ય શરૂ થતાં પહેલાં જ ફંગોળાઈ જશે! રેખાનું મૌન લોકોએ તેણીની પરવાનગીના અર્થમાં લીધું. દક્ષિણ ભારતની એક હીરોઈન છે જે ‘બોલ્ડ’ અને ‘કિસીંગ’ સીન કરવામાં જરાય અચકાતી નથી – આવા ન્યુઝ વાયુવેગે પ્રસરી ગયા. કુલજીત પાલે આગમાં વધુ ઘી રેડ્યું અને ફિલ્મ મેગેઝીનોમાં રેખા વિશે અફવાઓ ફેલાવી દીધી.

દરમિયાન બિસ્વજીતે મેગેઝીનોને કહ્યું કે આ બધો પ્લાન રાજા અને કુલજીતનો હતો. કુલજીતે એવી વાત જાહેર કરી કે રેખાને સીનની એક એક વિગત અમે આપેલી. તેણીએ ચુંબન માટે હા પાડી એટલે જ અમે એ શૂટીંગ કર્યું. સાચી વાત જે હોય તે, પરંતુ હવે તેણીની ઈમેજ સેક્સ સિમ્બોલ બનવા જઈ રહી હતી. Ugly duckling હવે સેક્સ કિટન (sex kitten) તરીકે ઓળખાવા લાગી.

28 માર્ચ 1968ના રોજ ભારત સરકારે ફિલ્મોની સેન્સરશીપ માટે એક કમિટીની સ્થાપના કરી. ફિલ્મોમાં સેક્સ-સીન અને ચુંબનના દ્રશ્યો બાબતે નિયમો અને માર્ગદર્શિકા આ કમિટી દ્વારા બનાવવાના હતા. પંજાબ હાઈ-કોર્ટના રિટાયર્ડ જજ જી.ડી. ખોસલા (જેમણે નથુરામ ગોડસેની અપીલ સાંભળી હતી અને મહાત્મા ગાંધી હત્યાના કેસમાં પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો) આ કમિટીના ચેરમેન હતા. કમિટીના બીજા સભ્યો હતાઃ આર. કે. નારાયણ, ખ્વાજા અહમદ અબ્બાસ, બલરાજ સહાની અને નરગીસ!

ખોસલા કમિટીએ બિસ્વજીત-રેખાના ચુંબન દ્રશ્યની સમીક્ષા કરી અને 1969માં એક રીપોર્ટ ભારત સરકારને સોંપ્યો જેમાં લખ્યું હતું:

If, in telling story, it is logical, relevant or necessary to depict a passionate kiss or a nude human figure, there should be no question of excluding the shot, provided the theme is handled with delicacy and feeling, aiming at aesthetic expression and avoiding all suggestion of prurience or lasciviousness.

ટૂંકમાં જો ફિલ્મમાં ચુંબનની જરૂર હોય અને તેને કુશળતાથી બતાવવામાં આવે તો કોઈ વાંધો નથી. આ રીપોર્ટને મિશ્ર પ્રતિસાદ મળ્યો. કેટલાકે વખાણ્યો તો કેટલાકે વખોડ્યો!

આ જોઈને આંતરરાષ્ટ્રીય મેગેઝીન Life ની કવરસ્ટોરીનું શીર્ષક બન્યું – India’s Kissing Crisis: To Kiss or Not To…

અમેરિકન પત્રકાર જેમ્સ શેફર્ડ એ વખતે આ કવરસ્ટોરી માટે ભારત આવેલા અને એવી હીરોઈનોની શોધમાં હતા જે તેને વધુ વિગત અને ફોટો પાડવાની પરવાનગી આપે. રણધીર કપૂરે તેને રેખાનું નામ સૂચવ્યું અને તેના ‘દો શિકારી’ના ચુંબન બાબતે જાણ કરી. રેખાને આ એક સોનેરી તક લાગી. ફિલ્મ જગતમાં જેટલી બદનામી થયેલી તેને સુધારવાનો આ મોકો રેખા ગુમાવવા માંગતી ન હતી. તેણી આ ઈન્ટરવ્યુ માટે તૈયાર થઈ અને મેગેઝીને આ સ્ટોરી છાપી.

Photo Courtesy: thequint.com

મેગેઝીને રેખા અને બિસ્વજીતના કિસીંગ કરતાં બે ફોટો છાપ્યા – એક ‘દો શિકારી’ના શૂટીંગ વખતનો અને એક મેગેઝીન માટે ખાસ પડાવેલો. ધ્યાન રહે, રેખાની એક પણ ફિલ્મ હજી સુધી રિલીઝ નહોતી થઈ પણ તેણી ઓલરેડી એક આંતરરાષ્ટ્રીય મેગેઝીનના કવરફોટામાં હતી. રેખાની ‘સેક્સ સિમ્બોલ’ની ઈમેજ વધુ સોલિડ બની. મેગેઝીનની વાર્તામાંથી વધુ માઈલેજ મેળવવા કુલજીતે બોમ્બેની શાલીમાર હોટલમાં એક પ્રેસ કોન્ફરન્સ ગોઠવી. એવી કોન્ફરન્સ જે મિડીયાએ ક્યારેક જોઈ કે અનુભવી નહોતી જેમાં રેખાએ આપેલા બોલ્ડ જવાબો લોકોને આકર્ષિત કરતા ગયા.

આખી ઈન્ડસ્ટ્રીમાં આ દક્ષિણ ભારતીય કલાકારા પ્રસિદ્ધ થઈ ગઈ.

***

હવે વાત કરીએ ફિલ્મ ‘સાવન ભાદો’ની!

પ્રસિદ્ધી તો મળી ગઈ પણ મહિનાઓ સુધી રેખાની એક પણ ફિલ્મ રિલીઝ નહોતી થઈ. તે સમયે થોડાં વધુ રૂપિયા કમાવા માટે રેખાએ જાહેરાતો (advertisement) કરવાનું નક્કી કર્યું અને તેની પહેલી બે જાહેરાતો એ વખતના જાણીતા ઍડ-મેકર શ્યામ બેનેગલે નિર્દેશ કરી. શ્યામ બેનેગલે રેખાને જે ‘ગોલ્ડ સ્પોટ’ની પ્રિન્ટ ઍડ માટે તૈયાર કરી, ગૂગલ પર એ પ્રિન્ટ ઍડના ફોટા હજુ પણ ઉપલબ્ધ છે.

રેખા જ્યારે બોમ્બે આવી ત્યારે મોહન સાયગલ નામના નિર્માતા-નિર્દેશક પોતાની ફિલ્મ ‘સાવન ભાદો’ માટે હીરોઈન શોધતા હતા. બોમ્બેની એક હીરોઈન જયશ્રી ટી. ને તેમણે ઓલરેડી સાઈન કરેલી હતી પણ ગામડાની એક કન્યાના રોલમાં જયશ્રી જામતી નહોતી. રેખામાં સાયગલને એક ચંચળ-નિર્દોષ છોકરી દેખાઈ જેથી તેમણે રેખા અને પુષ્પાવલ્લીને પોતાના ઘરે બોલાવ્યા.

બોમ્બેમાં ગોઠતું નહીં એટલે રેખાને નવી ફિલ્મો મેળવવામાં ઓછો રસ હતો. સાયગલના ઘરે જવાનું મન નહોતું, છતાં પુષ્પાવલ્લીનું મન રાખવા બંને સાયગલના ઘરે પહોંચ્યાં. સાયગલ અને રેખાનો વાર્તાલાપ શરૂ થાય છેઃ

‘શું તું મારી ફિલ્મમાં કામ કરીશ?’

‘ના.’

‘તને હિન્દી બોલતા આવડે છે?’

‘ના.’

‘હું તને ટ્રેનિંગ અને સારા કપડાં આપીશ તો પણ નહીં?’

‘ના.’

‘તને શું મારી ફિલ્મમાં ફક્ત ‘ના’ – શબ્દ બોલવો છે?’ કહીને સાયગલે પુષ્પાવલ્લીને કહ્યું કે આ મારી ફિલ્મની હીરોઈન છે.

સાયગલે ‘સાવન ભાદો’ માટે એક નવો હીરો પહેલેથી શોધી રાખેલો – નવિન નિશ્ચલ. તેણે તાજેતરમાં જ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા (FTII), પુણેમાંથી એક્ટિંગ માટે સુવર્ણ પદક મેળવેલું. પણ તેનો ગુસ્સો સાતમા આસમાને હતો (કદાચ ગોલ્ડ મેડલનો મદ હોય). જ્યારે સાયગલે રેખાને ફિલ્મ માટે સાઈન કરી ત્યારે નવિને કહ્યું: મોહનજી, યે નમૂના કહાં સે ઊઠા લાયે? ઈતની કાલી-કલૂટી હીરોઈન?

11 ઓક્ટોબર 1969ના દિવસે ‘સાવન ભાદો’ની શૂટીંગનું મુહુર્ત થયું અને પહેલે જ દિવસે રેખા આશ્ચર્યચકિત થઈ ગઈ. રેખાને એ વખતે મેક-અપની કોઈ ગતાગમ નહોતી. વૅક્સિંગ કે બ્લિચીંગ વિશે કંઈ ખબર નહોતી. રેખાના વાળ કાળા અને લાંબા હતાં પણ પહેલે જ દિવસે તેણીને એક બનાવટી વાળની વિગ પહેરવાનું કહેવામાં આવ્યું. વિગ બરાબર ફીટ બેસતી નહોતી તો હેરડ્રેસરે રેખાના વાળ જ કાપી નાખ્યા. એ સિવાય નવિન નિશ્ચલ સામે કાળી દેખાતી રેખાને માથાથી પાની સુધી પાવડર લગાડીને ગોરી કરવાની કોશિશ પણ કરવામાં આવી. આજે પણ એ ફિલ્મ જોશો તો રેખાના શરીર પરનો મેક-અપ ચોખ્ખો દેખાઈ આવશે. ગળા સુધી ગુલાબી રંગના થથેડા અને પછી આખા શરીરે ચોકલેટી રંગ. હીરો-હીરોઈન બંનેએ વિગ પહેરેલી.

‘સાવન ભાદો’માં રેખાએ ગામડાની કન્યા ચંદાનો રોલ નિભાવ્યો અને જયશ્રી ટી.એ નવિનની બહેન એવી શહેરની મોડર્ન છોકરી ડોલીનો રોલ કર્યો. ફિલ્મમાં રેખા લંડનથી આવેલા નવિનને લોકલ ગુંડાઓથી બચાવે છે અને નવિન રેખાના પ્રેમમાં પડે છે. ઉત્તર ભારતીયોની આખી ટીમમાં ફક્ત રેખા જ એક ‘મદ્રાસણ’ હતી પણ એકે હજારા હતી. કેમેરાની સામે આવતાં જ તેની ડાયલોગ-ડિલીવરી, એક્ટિંગ અને હાવભાવ લોકોને મંત્રમુગ્ધ કરી દેતાં.

ફિલ્મનું ગીત कान में झुमका, चाल में ठुमका, कमर पे चोटी लटके ખૂબ જ પ્રસિદ્ધ થયેલું. સપ્ટેમ્બર 1970માં સાવન ભાદોનું પ્રિમિયર બોમ્બેની નોવેલ્ટી ટોકિઝમાં રાખવામાં આવ્યું. ફિલ્મમાં એક 33”ની કમર વાળી, શ્યામ હીરોઈન અને ગોરા હીરોને જોઈને શ્રોતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. શશી કપૂરે તો ત્યાં સુધી કીધું કે આ હીરોઈન કેટલુંક ટકી રહેશે બોલીવુડમાં! પણ ઈશ્વરની ઈચ્છા કંઈક બીજું જ કરવાની હશે!

સાવન ભાદો સુપરડુપર હીટ થઈ. દરેકે દરેક થિયેટરમાં સિલ્વર જ્યુબિલી! નવા આવેલા હીરો-હીરોઈન બંનેએ આ ફિલ્મ પછી થોકના ભાવમાં ડઝનો ફિલ્મ સાઈન કરી. રેખાની ફિલ્મ મસાલા ફિલ્મ હતી અને તેણીને હજી સુધી એક ‘સિરીયસ’ કલાકારા કે હીરોઈન તરીકે લોકોની નજરમાં આવી નહોતી.

ક્યા જવાબ હૈ આપકા?

જે વર્ષે ‘સાવન ભાદો’ ફિલ્મ રિલીઝ થઈ, એ જ વર્ષે હ્રિશીકેશ મુખર્જીએ નવિન નિશ્ચલની જેમ જ FTIIમાં ગોલ્ડ મેડલ મેળવનારી એક છોકરીને ફિલ્મમાં કામ આપ્યું. તે છોકરી ભોપાલના એક લેખક, પત્રકાર અને સ્ટેજ-કલાકારની દીકરી હતી. (તે હીરોઈન અને રેખા પછી મુંબઈના જૂહુમાં એક જ બિલ્ડીંગમાં રહેતા). બોલો તે હીરોઈન કઈ?

જવાબ આવતાં અંકે…

इन आँखों की मस्ती के मस्ताने: ભાગ 1

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here