વિચાર: ઉજવણીનો અતિરેક અટકાવીશું તો વિકાસ ગતિ પકડશે

0
295
Photo Courtesy: indianexpress.com

સરકાર દર મહિને નવી સિદ્ધિ હાંસલ કરે અને દર મહિને તેની ઉજવણી સરકાર કરે તો વહીવટીતંત્ર અને અધિકારીઓ પ્રજાલક્ષી કામો ક્યારે કરે? વરસાદ પૂરતો થયો એટલે સરદાર સરોવર ડેમ ભરાયો છે, એમાં સરકારી ઉજવણી પાછળનો તર્ક શો?ઉજવણીના મોડમાંથી કાર્ય-સંસ્કૃતિના મોડમાં આવી જઇએ તો કેવું?

Photo Courtesy: indianexpress.com

નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતમાં અને 2014માં કેન્દ્રમાં સત્તા ઉપર આવ્યા ત્યારથી આ દેશને સરેરાશ દર છ મહિને એક અગત્યની અને નોંધપાત્ર સિદ્ધિ જોવા મળી છે. એ દરેક વખતે સરકાર ઉજવણીના મોડમાં આવી જાય છે. સૌથી પ્રાચીન અને વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવતા આ દેશમાં ધાર્મિક તહેવારોની સંખ્યા પણ ખૂબ મોટી છે, એટલે એ તહેવારોની ઉજવણી પણ ચાલ્યા જ કરતી હોય છે.

દુનિયાના અન્ય કોઇપણ દેશની સરખામણીમાં ભારતમાં ધાર્મિક સહિત અન્ય રજાઓની સંખ્યા કામગીરીના દિવસો કરતાં વધારે છે. આ સ્થિતિમાં સરકારી તંત્ર અર્થાત સિસ્ટમ પાસે કામ કરવાનો સમય આમેય ઓછો હોય છે. ત્યારે સરકાર પણ જો દરેક નાની-મોટી સિદ્ધિને ઉજવણીમાં ફેરવી દે તો આ દેશ સાચા અર્થમાં પ્રગતિ ક્યારે કરશે?

આજે આ સવાલ ઉપસ્થિત કરવાનું કારણ એ છે કે, ગુજરાત સરકારે સરદાર સરોવર ડેમ છલકાયો એ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અર્થાત આગામી 17 સપ્ટેમ્બરને મંગળવારે “નમામિ દેવી નર્મદે ઉત્સવ” ઉજવવાની જાહેરાત કરી છે.

હે ગુજરાતના નાથ! સરદાર સરોવર ડેમ ભરાયો એમાં સરકારની શી ભૂમિકા? કુદરતી કારણોસર વરસાદ સરેરાશ કરતાં થોડો વધારે પડ્યો એટલે ડેમ છલકાયો છે, પણ એના માટે આખા રાજ્યના તંત્રને ઉજવણીના મોડમાં નાખી દેવા પાછળ કયો તર્ક છે? જો વરસાદ પૂરતો ન થયો હોત અને ડેમ પૂરો ભરાયો ન હોત તો રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરવાની સભાઓનું આયોજન કરત? કે પછી પાણીની અછત થઈ શકે તેમ છે માટે આયોજન કરવા બેસત? જો અછતની સ્થિતિમાં આયોજન કરવું પડતું હોય તો છતની સ્થિતિમાં પણ લાંબાગાળાના આયોજનમાં સમય અને શક્તિ વાપરવી જોઇએ એ યોગ્ય નથી?

ટૂંક સમયમાં પેટા ચૂંટણી આવી રહી છે. તે સમયે તમારે અધિકારીઓ અને શિક્ષકોની મદદ લેવાની જરૂર પડશે. તો પછી હાલ એ અધિકારીઓ તથા શિક્ષકોને તેમની કામગીરી કરવા દેવી જોઇએ એવું નથી લાગતું? તેને બદલે અત્યારે પણ આ બધાને ઉજવણીના મોડમાં નાખી દેવાના અને પેટા ચૂંટણી વખતે પણ તેમને કામે લગાડવામાં આવશે તો વહીવટીતંત્ર અને શિક્ષણ વ્યવસ્થા કેટલી લથડી પડશે એ વિશે કોઈ વિચાર જ નહીં કરવાનો?

હજુ થોડા સમય પહેલાં આપણે જમ્મુ-કાશ્મીરની કલમ 370માં ફેરફાર કર્યો તેની ઉજવણી કરી હતી. એના થોડા સમય પહેલાં તમારી સરકારે ત્રણ વર્ષ પૂરા કર્યા તેની ઉજવણી કરી હતી. એ પહેલાં ઉત્તરાયણ અને કાંકરિયા કાર્નિવલ ઉજવ્યા હતા. એ પહેલાં NDA સરકારની બીજી મુદતની જીતની ઉજવણી કરી હતી. હવે પછી આ મહિનાના અંતે નવરાત્રિ આવી રહી છે. પછી દશેરા, પછી દિવાળી…ઓ હો હો હો… આટલું બધું છે પછી નમામિ નર્મદાની ઉજવણીનો વિચાર આવી જ કેવી રીતે શકે?

શક્ય છે હજુ કેટલાક ગામમાં શૌચાલયનું કામ બાકી હશે. પાકા અને ટકાઉ રસ્તા હજુ આપણે આપી શકતા નથી. સ્ટ્રીટ લાઇટો હંમેશાં ચાલુ હોય એવું બનતું નથી. ગંદકીમાંથી આપણે પૂરેપૂરા મુક્ત થયા નથી. યાત્રાધામોમાં સારી રીતે આનંદપૂર્વક રહી શકાય એવી સ્થિતિ હજુ પણ નથી. ઠેર ઠેર વિકાસના (રસ્તા, બ્રિજ, મેટ્રો વગેરે) કામો ચાલતા હોવાને કારણે સવારે અને સાંજે પીક અવરમાં અસાધારણ ટ્રાફિક જામ થાય છે તેનો ઉકેલ કેવી રીતે મળે તે વિશે ચર્ચા-વિચારણા-આયોજન કરવાને બદલે નમામિ નર્મદાની ઉજવણી..?

આખેઆખી સરકાર અને આખેઆખું વહીવટીતંત્ર નમામિ નર્મદાની ઉજવણીમાં સામેલ થાય એ પાછળનો તર્ક સમજાવી શકશો? સાહેબ, મને લાગે છે કે – આ રીતે સતત અને નિરર્થક ઉજવણીઓના મોડમાંથી આપણે એક પ્રામાણિક કાર્ય-સંસ્કૃતિના મોડમાં આવી જઇએ તો કેવું! ચતુર કરો વિચાર.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here