આપણા જૂથ – સંપ્રદાય – વાડાની માનસિકતાનું પૃથ્થક્કરણ

0
111
Photo Courtesy: indiafacts.org

જો સનાતન હિંદુ ધર્મની સ્થાપના આદિ શંકરાચાર્યએ કરી તો પછી વિવિધ સંપ્રદાયોની જરૂર કેમ પડી? જો જરૂર પડી તો તે ફેલાયા કેમ? તેના મૂળિયાં ક્યાં છે? જાણીએ આ વિસ્તૃત વિશ્લેષણમાં.

Photo Courtesy: indiafacts.org

હમણાંથી એક વિવાદ બહુ જ ચગ્યો છે… હિંદુ ધર્મના સંપ્રદાયોનો. ખાસ કરીને સોશ્યલ મિડિયામાં એને વિષે વિરૂધ્ધ અને તરફેણમાં બહુ બધુ લખાય – બોલાય છે.

આનું આપણે જરા જડથી વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરીએ. સંપ્રદાયો કે ધર્મના વાડા કે પછી કોઈ ગ્રુપ કે મંડળ કે પછી વર્તુળ કે સર્કલ માણસો કેમ બનાવે છે? પાછું આવુ સર્કલ-વાડો-સંપ્રદાય બનાવે અને એનો કોઈ પ્રમુખ/વડો/નેતા પણ બનાવે!! આવુ કેમ?

ચાલો આપણે લેખિત/જાણિતા ઈતિહાસની પહેલાના સમયમાં જઈએ જેને પ્રાગૈતિહાસિક કાળ(Prehistoric era) પણ કહેવાય છે. જે સમયે સ્થાપિત ધર્મોનો કે કોઈ રાજકિય પક્ષનો કે પછી એવા પ્રકારની કોઈ સંસ્થાનો ઉદભવ પણ નહોતો થયો. એ સમયે તો સંપ્રદાય-વાડા-જૂથ-મંડળ હોવાની કોઈ શક્યતા જ ન હોઈ શકે ને? પણ, હકિકત એનાથી તદ્દન વિરૂધ્ધ છે. માનવ સ્વભાવ કે પછી પ્રાણિજ સ્વભાવ મુજબ સંઘમાં શક્તિ છે એ દરેક સજીવના DNAમાં વણાઈ ગયેલી હકિકત છે અને એના મૂળીયા પ્રાગૈતિહાસિક કાળના માનવીથી પણ ઘણા પહેલાના નખાઈ ચૂકેલા છે. પ્રાગૈતિહાસિક કાળનો માનવી તો હોમો સેપિયન્સ કે હોમો ઈરેક્ટસ હતો પણ એનાથીય પહેલાનો માનવી નિયેન્ડરથલ માનવી કે જેને આપણે સાચા અર્થમાં આદી-માનવ તરીકે માની શકીએ એ પણ જૂથો બનાવીને રહેતો એના પુરાવા મળી ચૂક્યા છે.

પ્રારંભિક રીતે આવા જૂથો એકાદ કુટુંબના સભ્યોના રહેતા જેમાં કોઈ એક શક્તિશાળી મુખિયાની સંતાનો અને તેની પણ સંતાનો રહેતી. અને એમાં પ્રારંભિક રીતે બચ્ચાં પેદા કરવાનો એકાધિકાર પણ એ મુખિયાનો (જેને આપણે આલ્ફા-નર કહી શકીએ) જ રહેતો; મતલબ જૂથની બધી માદાઓ-સ્ત્રીઓ એની પત્નિઓ જ કહેવાતી. જૂથના પુરુષોનુ કામ લડાઈઓ કરીને પોતાના આવાસના વિસ્તારનુ રક્ષણ કરવાની અને સ્ત્રીઓની જવાબદારી ખોરાક પેદા કરીને કે પછી ભેગો કરીને એ ખોરાકને રાંધીને જૂથના બધા સભ્યોનુ પેટ ભરવાનુ તેમજ બાળકો પેદા કરીને એમનો ઉછેર કરવાનુ રહેતુ. લડાઈઓમાં પોતાના જેવા અન્ય જૂથો સાથેની લડાઈઓ તેમજ અન્ય શક્તિશાળી પ્રાણીઓ(અને તેમના જૂથો) સાથેની લડાઈઓ સામેલ હતી. આવી લડાઈઓમાં શિકાર માટેની લડાઈઓ પણ આવી જાય.

પણ આવુ કેમ?? એ સમયે પણ જૂથોમાં રહેવુ કેમ જરૂરી હતુ?? એક અને માત્ર એક જ જવાબ છે આનો — સલામતિ. જૂથના દરેક સભ્યોની સલામતિ. જૂથના મુખિયાને માટે જરૂરી હતુ કે એનો વંશ આગળ વધે; એના કરતાં પણ વધારે એ જરૂરી હતુ કે એનો જ વંશ આગળ વધે. પણ, વંશ આગળ વધારનાર તો શક્તિશાળી સંતાન જ હોય; અને જે સંતાનો પેદા થતા એ શક્તિશાળી પણ હોઈ શકે અને નબળા પણ હોઈ શકે. શક્યતા બંને તરફ હતી. તો જો પોતાનો વંશ આગળ વધારવો હોય તો વધારે ને વધારે સંતાનો પેદા કરવી જરૂરી હતી જેથી કરીને શક્તિશાળી સંતાનની સંભાવના વધે. એટલે એને માદાઓના મોટા જૂથની જરૂર હતી. તો સામે પક્ષે જૂથના અન્ય સભ્યોને પોતાના અસ્તિત્વ માટે જૂથની જરૂર હતી. જો જૂથમાં રહેશે તો સંઘ-શક્તિને કારણે કોઈપણ નાની-મોટી કુદરતી/અકુદરતી આપદામાં બીજા બધાની સાથે એનુ પણ રક્ષણ થશે અને એના જીવતા રહેવાની સંભાવનાઓ વધશે. આમ, બંને પક્ષે એક રીતે જોવા જઈએ તો અસ્તિત્વની લડાઈ જ હતી. નબળા સભ્યોને પોતાના વર્તમાન અસ્તિત્વને ટકાવી રાખવા માટેની અને સબળા મુખિયાને પોતાના “બીજ”ના અસ્તિત્વને ટકાવી રાખવાની.

જેમ જેમ માનવીનો વિકાસ થતો ગયો એમ જૂથના અન્ય શક્તિશાળી પુરુષો જે મુખિયાને અન્ય જૂથો સાથે લડાઈમાં અને શિકારમાં મદદરૂપ થતા એમને પણ પોતાના જૂથની અમુક સ્ત્રીઓ સાથે “સંસાર” માંડીને પોતાનુ કુટુંબ બનાવવાની પરવાનગી મળતી ગઈ. આમાં પણ સ્વાર્થ બંને પક્ષે હતો. મુખિયાને અન્યો પર તેમજ પોતાના જૂથ પર પણ કાબુ રાખવા માટે પેલા (બીટા – અલ્ફા પછીના) પુરુષોની જરૂર હતી; તો એ “બીટા-નરો”ને પોતાનુ ‘બીજ’ પણ આગળ વધે એવી જીવ સહજ તીવ્ર ઈચ્છા હતી. જો કે મુખિયાને ભવિષ્યમાં આ બીટા-નરોના બીજથી પેદા થયેલી સંતાનો દ્વારા નેતાગીરીના પડકારનો સામનો થવાની સંભાવના હતી પણ, હાલની પરિસ્થિતિ માટે એ જોખમ લેવુ પણ અનિવાર્ય હતુ. એટલે જૂથનો વ્યાપ-વિસ્તાર અને સંખ્યાબળ વધતાં ગયા.

એમાં પણ જ્યારથી માનવીએ નવી નવી અને ખાસ કરીને યાંત્રિક શોધો કરવાનુ શરૂ કર્યુ ત્યારથી એના જીવનની સુખાકારી વધતી ચાલી અને હવે અસ્તિત્વના જોખમ માટે ખોરાક-પાણી-જમીનને બદલે અન્ય માનવીઓથી આવનારા ખતરાનો જ મુખ્યત્વે સામનો કરવાનો હતો. આવા સંજોગોમાં મુખ્ય જૂથમાં પણ અન્ય પેટાજૂથો બનવા સ્વાભાવિક છે. અને એમ જ થયુ. જૂથના પેટા જૂથ અને એના પણ પેટા જૂથ બનતા ગયા. કારણ, સવાલ સલામતિ અને એની સાથે જોડાયેલા અસ્તિત્વનો હતો. પહેલા જે સલામતિનો ભય માત્ર શારિરીક સલામતિ સુધી સિમિત હતો તે ધીમે ધીમે સામાજિક અને કૌટુંબિક તેમજ કંઈક અંશે ઈજ્જતની સલામતિ સુધી વિસ્તર્યો. જ્યારે માનવીએ વિનિમયનુ ચલણ શરૂ કર્યુ; અને પૂર્વજો કે પછી અન્યોને આરાધ્ય માનવાનુ ચાલુ કર્યુ ત્યારથી એ ભય આર્થિક, સંપત્તિ અને ધાર્મિકતા સુધી પણ વિસ્તર્યો.

જે આજ સુધી એમને એમ અકબંધ છે. હા…. વાડા-સંપ્રદાય-જૂથ-ગ્રુપ-મંડળ-સર્કલ-વર્તુળ એ બધાનુ મૂળભૂત કારણ છે કોઈને કોઈ પ્રકારની અસલામતિનો ભય અને અસ્તિત્વ ટકાવી રાખવાની અવિરત લડાઈ. જૂથો-વાડા બનવાના ક્યારેય બંધ નહીં થાય અને એમની વચ્ચેની લડાઈઓ પણ ક્યારેય બંધ નહીં થાય.

હવે, આજની વાત પર આવીએ.. સમાજના જે લોકો બહોળી દ્રષ્ટી દરાવે છે એવા લોકોને હાલના હિંદુ ધર્મના સંપ્રદાયો – વાડા સનાતન ધર્મ પરના કલંક કે ખતરા રૂપ લાગે છે. અને એના માટે ઉદાહરણરૂપે સદીઓ પહેલા આદી શંકરાચાર્યે સ્થાપેલ સનાતની ધર્મની રૂપરેખાની યાદ અપાવે છે. એમને એમ પણ લાગે છે કે જો એક જ જૂથમાં (એટલે કે સનાતની ધર્મના જૂથમાં) બંધાયેલા રહીશુ તો અસ્તિત્વની લડાઈ લડી શકશુ પણ જો અલગ-અલગ જૂથોમાં વિખેરાઈ જઈશું તો અન્ય જૂથો (મતલબ અન્ય ધર્મીઓ) સાથેની લડાઈમાં આપણુ અસ્તિત્વ જોખમાશે. અને એમનો ડર અસ્થાને પણ નથી.

પણ, વિચિત્ર અને સંપૂર્ણ તાર્કિક હકિકત એ છે કે આ શક્ય નથી. વ્યક્તિને પોતાને સલામતિનો અનુભવ થાય એવા નાના જૂથમાં જોડાઈ જવુ એ દરેક વ્યક્તિનો સાવ સામાન્ય અને DNAજન્ય સ્વભાવ છે. જે થઈને જ રહેવાનુ છે. આ જૂથ ધાર્મિક – સામાજિક – જ્ઞાતિનુ – કૌટુંબિક – રાજનૈતિક કે પછી અન્ય કોઈપણ પ્રકારનુ હોઈ શકે. અસ્તિત્વ અને પ્રભુત્વ બે પરિબળો જૂથના ગઠન; એના વડાની જોહુકમી અને એના અસ્તિત્વ માટે જવાબદાર છે.

તો નાના-નાના જૂથો કદાપી ન બને એનો કોઈ ઉપાય ખરો?? હા અને ના. એનો ઉપાય એ જ હોઈ શકે કે મોટુ જૂથ એના દરેક સભ્યોને સલામતિ અને અસ્તિત્વના જોખમ સામે રક્ષણ આ બે પૂરાં પાડે અને જૂથમાંના મહત્વાકાંક્ષીઓને કડક હાથે દબાવી દે. આવુ થાય તો મોટા જૂથમાંથી નાના જૂથો બનવાની પ્રક્રિયા બંધ થઈ જાય. પણ, એ શક્યતા જૂથના સભ્યોની સંખ્યા અને એમની પ્રામાણિકતા પર નિર્ભર છે. એ કદાચ આજની પરિસ્થિતિમાં શક્ય નથી.

તો શું બીજો કોઈ વિકલ્પ ખરો જે નાના-નાના જૂથો હોવાની સાથે-સાથે મોટા જૂથનુ અસ્તિત્વ પણ ટકાવી રાખે?? હા, આનો ઉપાય છે અને એ જ ઉપાય આખરી અને સનાતન છે. જેને માટે કોઈપણ જૂથની સામૂહિક માનસિકતા જાણવી જરૂરી છે. આમ તો જૂથની રચના જે તે હેતુ – કારણથી થઈ હોય અને જે પ્રમાણેની એમની સામૂહિક જરૂરિયાત હોય એ પ્રમાણે એમની સામૂહિક માનસિકતા બંધાતી હોય છે. પરંતુ, એક વાત સનાતન સત્ય છે કે એ માનસિકતા ત્રણમાંથી એક “પ્રકાર”ની ચોક્કસ હોવાની. 1) જમીન-સંપત્તિ પર આધિપત્ય; 2) જનસમૂહ પર આધિપત્ય કે પછી 3) જૂથના મુખ્ય (પુરુષ)કારકોની પોતાના ‘બીજ’ને વધુમાં વધુ સ્ત્રી-ગર્ભોમાં રોપીને વંશ આગળ વધારવાની મહત્વાકાંક્ષા. આ માનસિકતા સંતોષાય એવી રીતે જુદા-જુદા પેટા જુથો પોતાની સીમારેખા બાંધી લે અને એક વણલખ્યા નિયમ મુજબ એકબીજાની સીમારેખાનુ ઉલ્લંઘન ન કરે તો પેટા-જૂથોના સહઅસ્તિત્વ સાથે મુખ્ય જૂથનુ અસ્તિત્વ પણ ટકી રહેશે.

હવે આ વાતો જરાક ઉટપટાંગ લાગે એવી થઈ રહી છે એમ તમે વિચારશો. તો ચાલો આપણે ઉદાહરણો સહિત આને જોઈએ. આપણા સમાજમાં ધાર્મિક જૂથો એકદમ હાથવગા હોવાને લીધે આપણે ધાર્મિક જૂથોના ઉદાહરણો અહીં લઈશું. હવે, આપણે સૌથી પહેલુ ઉદાહરણ બીજા પ્રકારની માનસિકતા વાળા જૂથનુ જોઈએ. એ છે – સાંઈબાબાના ભક્તોનુ જૂથ. સાંઈબાબા એક એવા “સંત” હતા જેને સનાતની તો ચોક્કસથી ન કહી શકાય; એમને હિંદુત્વ સાથે પણ કંઈ લેવાદેવા નહોતી તો એમને પ્રવર્તમાન ઈસ્લામ સાથે પણ કંઈ લેવાદેવા નહોતી. એમની મુખ્ય તાકાત જનસેવા હતી અને જનસેવાને કારણે એમણે જનસમૂહના માનસ પર એક અદ્રશ્ય આધિપત્ય જમાવ્યુ હતુ. આ જૂથે મુખ્ય જૂથ – મતલબ સનાતન ધર્મ અને અન્ય જૂથો સાથે કેટલાય વર્ષો સુધી ઘર્ષણમાં ન ઉતરાય એવા પ્રકારનું જ વર્તન કર્યે રાખ્યુ હતુ; જેને પગલે સહ અસ્તિત્વ અકબંધ ટકી રહ્યુ હતુ. પણ, પાછલા કેટલાક વર્ષોમાં એમની વર્તણૂક બદલાતી જણાવા લાગી અને ટકરાવની શરૂઆત થઈ.

પહેલા પ્રકારના અને ત્રીજા પ્રકારના જૂથનુ એક ભેગું ઉદાહરણ લઈએ તો આશુમલ સિંધી કે જેને બધા લોકો આશારામ તરીકે ઓળખે છે એનુ જૂથ. એમની અને એમના જૂથની પ્રકૃતિ વ્યક્તિ કેન્દ્રીત હતી અને હજુ પણ છે. એમના જૂથનો મૂળભૂત ઉદ્દેશ્ય જમીન-સંપત્તિ પર આધિપત્યની સાથે સાથે સ્ત્રીઓ પર આધિપત્ય જમાવી જૂથના મુખિયા(આલ્ફા નર)ના બીજનુ મહત્તમ સ્ત્રી-ગર્ભમાં રોપણ એ રહ્યો હતો. જ્યાં સુધી એમણે પણ સ્વયંભૂ રીતે આધિપત્ય સ્વીકારનારને જૂથમાં સામેલ કર્યા ત્યાં સુધી એમના જૂથના અસસ્તિત્વ પર જોખમ નહોતુ; પણ જ્યારે અન્ય જૂથ પ્રેરિત માનસિકતા વાળી સ્ત્રીઓને પોતાના આધિપત્યમાં લાવવાની શરૂઆત કરી ત્યારે પરિણામો ગંભીર આવ્યા અને જૂથનુ અસ્તિત્વ જોખમમાં આવી ગયુ.

એટલે જ કોઈ દેશ-રાજ્ય કે રજવાડું હોય યા તો પછી પોતાનુ નાનું કે મોટુ જૂથ હોય સીમા રેખાનુ ઉલ્લંઘન હંમેશા સંઘર્ષ નોતરે છે નહીં તો સહ-અસ્તિત્વ એકદમ સારી રીતે ટકી રહે છે. આ અદ્રશ્ય સીમારેખાઓને માન આપીએ અને એનુ ચુસ્તપણે પાલન થતુ રહે એ જ પ્રાર્થના!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here