इन आँखों की मस्ती के मस्ताने (3): વિન વિન વિનોદ અને કિન કિન કિરણ

1
603
Photo Courtesy: thebridalbox.com

રેખાને નાની ઉંમરે સફળતા તો મળી ગઈ, પરંતુ તેનામાં શિસ્તનો અભાવ ભરપૂર હતો એટલું જ નહીં પરંતુ તેનામાં ગેરશિસ્ત વધતી જ ચાલી. આ ઉપરાંત રેખાના વિવિધ લફરાઓએ તેની ગેરશિસ્તમાં એટલો તો વધારો કર્યો કે ફિરોઝ ખાન જેવા દિગ્ગજ નિર્માતા-નિર્દેશક પણ કંટાળી ગયા.

Photo Courtesy: thebridalbox.com

જે વર્ષે ‘સાવન ભાદો’ રિલીઝ થઈ તે જ વર્ષે, એટલે કે 1970માં બે હીરોઈનોએ પણ રૂપેરી પડદે મોટે પાયે પદાર્પણ કર્યું:

1) હેમા માલિનીઃ જો કે હેમા માલિનીએ પહેલાં જ રાજ કપૂર સાથે ‘સપનોં કા સૌદાગર’ ફિલ્મ સાથે બોલીવુડમાં પ્રવેશ કરી લીધેલો પણ 1970માં હેમાની પાંચ ફિલ્મો રિલીઝ થઈ. (‘તુમ હસીન મૈં જવાન’, ‘શરાફત’, ‘અભિનેત્રી’, ‘આંસુ ઔર મુસ્કાન’ અને ‘જોની મેરા નામ’). દેવ આનંદ સાથેની ફિલ્મ ‘જોની મેરા નામ’ એ વર્ષની મોટામાં મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ.

2) હ્રિશીકેશ મુખર્જીએ FTIIની ગોલ્ડ મેડલ મેળવનારી એક છોકરીને ફિલ્મમાં કામ આપ્યું. તે છોકરી ભોપાલના લેખક, પત્રકાર અને સ્ટેજ-કલાકાર તરુણ કુમાર ભાદુડીની દીકરી હતી. તેણીનું નામઃ જયા ભાદુડી (ગયા અંકમાં પૂછેલા સવાલનો જવાબ). જયાની પહેલી ફિલ્મ ‘ગુડ્ડી’માં તેણીએ એક શાંત 14 વર્ષની છોકરીનો રોલ કરેલો અને ધર્મેન્દ્ર ફિલ્મના હીરો હતા.

સાવન ભાદોની સફળતાને કારણે રેખા ઘણી પોપ્યુલર બની ગઈ. એક સાથે તેની પચ્ચીસ ફિલ્મોનું શૂટીંગ ચાલુ થયું. તેણી ડબલ શિફ્ટ કરતી પણ એમાંથી એક પણ ફિલ્મ વખાણવા લાયક નહોતી. 1971માં રેખાની ત્રણ ફિલ્મોઃ ‘સાઝ ઔર સનમ’ (હીરોઃ પ્રેમેન્દ્ર), ‘હસીનોં કા દેવતા’ (હીરોઃ સંજય ખાન) અને ‘ઐલાન’ (હીરોઃ વિનોદ ખન્ના અને વિનોદ મહેરા) ક્યારે આવી ને ગઈ, લોકોને ખબર ન પડી.

ફિલ્મોથી નહીં પણ રેખા પોતાના ઈન્ટરવ્યુથી લોકોની અને બોલીવુડની નજરમાં રહેતી. ‘લગ્ન પહેલાં સેક્સ’ બાબતે તેણી ક્યારેય આંખ આડા કાન કરતી નહીં. એકાદ ઈન્ટરવ્યુમાં એવું પણ નિવેદન આપેલું કે કોઈ પણ પુરુષની નજીક આવવું હોય તો તેને પ્રેમ કરવો જરૂરી છે. આ તો મારા નસીબ સારા છે કે હું હજી સુધી એક પણ વાર ગર્ભવતી નથી થઈ.

***

1972ની ફિલ્મ ‘એક બેચારા’ માટે નિર્માતાએ રેખા અને જીતેન્દ્રને સાઈન કરેલા. એ વખતે ‘જંપીંગ જૅક’ તરીકે ઓળખાતો જીતેન્દ્ર 1967ની ફિલ્મ ‘ફર્ઝ’ના કારણે સુપરહીટ હીરો હતો. રેખાની સામે જીતેન્દ્ર પહેલો-વહેલો A-સ્ટાર હીરો હતો પણ હજી સુધી કુંવારો હતો. જીતેન્દ્રની ફિલ્મો રેખાએ જોયેલી અને તે રેખાને ગોઠી ગયેલો.

‘એક બેચારા’ ફિલ્મનું શૂટીંગ શિમલામાં હતું અને એક પ્રેમાલાપનો સીન હતો. ઠંડા શિખરોમાં ‘માહોલ’ બનાવવા જીતેન્દ્ર રેખાની નજીક આવવામાં અચકાયો નહીં. જ્યારે આખી ઈન્ડસ્ટ્રી રેખાને ગણકારવા તૈયાર નહોતી ત્યારે જીતેન્દ્રની નિકટતા રેખાને સદી ગઈ. બંનેનો રોમાન્સ શરૂ થયો અને બોમ્બે આવીને પણ તેઓ એકબીજામાં મશગૂલ રહેવા લાગ્યા. લોન્ગ ડ્રાઈવ અને કેન્ડલ-લાઈટ ડીનર માટે બંને હંમેશા તૈયાર રહેતા.

‘એક બેચારા’ ફિલ્મ સફળ રહી અને રેખા-જીતેન્દ્રની જોડીએ બીજી એક ફિલ્મ સાઈન કરી – ‘અનોખી અદા’.

પણ જીતેન્દ્રની લાંબા સમયથી એક ગર્લફેન્ડ હતી, શોભા, જે એ વખતે એર-હોસ્ટેસ હતી. રેખા અને જીતેન્દ્ર વચ્ચે શોભા બાબતે ઘણી બોલાચાલી થતી પણ જીતેન્દ્ર શોભાને છોડવા તૈયાર નહોતો. છેવટે રેખા અને જીતેન્દ્ર એકમેકથી અલગ થયા. ‘અનોખી અદા’ની શૂટીંગ વખતે તે બંનેનું બ્રેક-અપ થયેલું એટલે એકબીજાની સામે પણ નહોતા જોતા. જેમ-તેમ ફિલ્મનું શૂટીંગ પૂરું થયું.

આ એ જ સમય હતો જ્યારે રેખા ફરીથી એકલવાયું જીવન જીવવા લાગી અને તેણીનો ભેટો વિનોદ મહેરા સાથે થયો. 1971માં વિનોદ મહેરાએ ‘એક થી રીટા’ ફિલ્મથી પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ઈમાનદાર અને ઉત્સાહી વિનોદ એ સમયે ફિલ્મોમાં પોતાનો સિક્કો જમાવવા માંગતો હતો અને રેખાની થોડી-ઘણી ફિલ્મો રિલીઝ થયેલી હતી. બંને એકબીજાની નિકટ આવ્યા. રેખા વિનોદને પ્રેમથી ‘વિન વિન’ કહેતી.

રેખાના જીવનમાં વિન વિન એ પહેલો પુરુષ હતો જે એક ખરો અને વાસ્તવિક (genuine) પ્રેમી હતો. બંને એકબીજાની સાથે હરતાં-ફરતાં, જાહેરમાં હાથ પકડતાં, ચુંબન કરતાં, વિનોદની ફોક્સવેગન કારમાં તાજ હોટેલના શામિયાના રેસ્ટોરેન્ટમાં ડીનર માટે જતાં. રેખા લગભગ વિનોદના બોમ્બેના પાલી હીલના બંગલામાં સાથે જ રહેતી. વિનોદની બહેનના લગ્ન વખતે વિનોદની સાથે રેખાએ પણ યજમાનની ભૂમિકા ભજવેલી. મેગેઝીન Star and Styleના એક ઈન્ટરવ્યુમાં રેખાએ કહેલું: હું ફક્ત એક હીરોઈન નથી, હું તો એક ‘બદનામ’ હીરોઈન છું જેને લોકો સેક્સ માટે પાગલ ગણે છે. લગ્ન પહેલાં સેક્સ એ એક સામાન્ય વાત છે, એમાં સુહાગરાતની વાટ ન જોવાની હોય. વિનોદે મને મારા જન્મદિવસે ચુંબન કરેલું – એ પણ મારા બેડરૂમના એકાંતમાં!

આ વાંચીને વિનોદની માતા કમલા મહેરા ભડકી ઊઠી. તેણી એક ટિપિકલ હિન્દી ફિલ્મની સાસુ જેવી હતી. દીકરાની વહુ પરંપરાગત, સંસ્કારી અને આજ્ઞાંકિત હોય એવી તેણીની ઈચ્છા હતી. રેખા તદ્દન વિરોધી સ્વભાવની લાગતી હતી. સૌથી મોટી મુસિબત એ હતી કે રેખા પુષ્પાવલ્લી અને જેમિની ગણેશનનું એક ગેરકાયદેસરનું સંતાન હતી. વિનોદના કહેવા પર રેખાએ કથિત ‘સાસુમા’ને મનાવવાની ખૂબ કોશિશ કરી. વિનોદના ઘરે તે કમલા મહેરા માટે જમવાનું બનાવતી. નણંદ અને સાસુમા સાથે સમય વીતાવતી.

વિનોદને પણ એમ થતું કે રેખા ફિલ્મોમાં બોલ્ડ સીન અને ઈન્ટરવ્યુમાં વિવાદાસ્પદ નિવેદનો ન આપે, અને એ બાબતે બંને વચ્ચે ઝઘડાઓ પણ થતાં. 1973માં એક વાર રેખાએ Tik-20 નામનું વંદા મારવાનું ઝેર પીધેલું એવા સમાચાર મળ્યાં. મિડીયામાં આ વાત આગની જેમ ફેલાઈ. જે નિર્માતાઓએ પોતાની ફિલ્મોમાં રેખાને સાઈન કરેલી તેઓ ડરી ગયા. છેવટે વિનોદ અને રેખાએ એક પ્રેસ-કોન્ફરન્સ બોલાવવી પડી. તેમાં એવું કહેવામાં આવ્યું કે રેખાએ આત્મહત્યાની કોશિશ નથી કરી, પણ તેણીએ ઉપમા ખાધેલો જેમાં ભૂલથી વંદો પડી ગયો હતો.

રેખા અને વિનોદના આવા હાસ્યાસ્પદ નિવેદન બધાંને સમજાઈ ગયા અને આવી અરાજકતા વચ્ચે રેખા અને વિનોદે લગ્ન કરવાનું વિચાર્યું. કલકત્તાના એક મંદિરમાં રેખા અને વિનોદ પરણી ગયા. કમલા મહેરાને આ બાબતની કોઈ જાણકારી નહોતી. લગ્ન પછી બંને કલકત્તાથી બોમ્બે આવ્યા. ઘરે પહોંચીને જેવી રેખા સાસુમાના પગે પડવા ગઈ, કમલા મહેરાએ તેને ધક્કો માર્યો. પોતાના ઘરમાંથી બહાર કાઢીને રેખાને ગાળો ભાંડી. વિનોદે મધ્યસ્થી કરવાની હિંમત કરી પણ સાસુમા એટલા ગુસ્સે હતા કે પોતાનું ચપ્પલ કાઢીને રેખા વહુને મારવા દોડેલા.

છેવટે રેખાને થોડા દિવસ પોતાના ઘરે રહેવાનું કહીને વિનોદે પોતાની માતાને મનાવવાની કોશિશ કરી, પણ બધું જ વ્યર્થ. છેવટે, બંનેનું બ્રેક-અપ થયું. એ વખતે રેખા અને વિનોદના લગ્નનો ટોપિક દરેક ફિલ્મ મેગેઝીન અને સિનેમા જગત માટે ‘હોટ ટોપિક’ હતો. ઓક્ટોબર 1974ના ફિલ્મફેર મેગેઝીનના કવર પર રેખા અને વિનોદ મેહરાનો ફોટો હતોઃ શીર્ષક હતું ‘Rekha: Just a good time girl?’

જો કે 2004માં Rendezvous with Simi Garewal નામના શો દરમિયાન રેખાએ ખુલાસો કર્યો કે તેણે વિનોદ મહેરા સાથે ક્યારેય લગ્ન કર્યા જ ન હતા. તે બંને તો ફક્ત સારા મિત્રો હતા.

***

1972 અને 1973માં રેખાની 16 ફિલ્મો રિલીઝ થઈ. તેમાંથી ફક્ત ચાર જ ફિલ્મો યાદ રહે તેવી હતીઃ ‘રામપુર કા લક્ષ્મણ’ (હીરોઃ રણધીર કપૂર), ‘કીમત’ અને ‘કહાની કિસ્મત કી’ (બંનેના હીરો ધર્મેન્દ્ર) અને ‘નમક હરામ’ (હીરોઃ રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન). આટઆટલી ફિલ્મોમાં કામ કરતી છતાં રેખાને કોઈ તેની ‘એક્ટિંગ’ની કુશળતા માટે જાણતું નહોતું. લોકો તેને ફક્ત લફરાં અને ગેરશિસ્ત માટે ઓળખતાં.

આ જ વર્ષોમાં બોલીવુડના પ્રસિદ્ધ વિલન જીવનના દીકરા કિરણ કુમારે પણ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. FTII માંથી પાસ થઈને 1971માં ‘દો બૂંદ પાની’ ફિલ્મ તેની પહેલી ફિલ્મ બની. એ પછી ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં કિરણે કામ કર્યું (જેમ કે ‘જંગલ મે મંગલ’, ‘ફ્રી લવ’, ‘ગાલ ગુલાબી નૈન શરાબી’) પણ એક પણ ફિલ્મ સફળ ન રહી.

એ વખતે કિરણ કુમાર અને યોગીતા બાલીનું પ્રેમ-પ્રકરણ ચર્ચામાં હતું. યોગીતા અને રેખા ખૂબ નિકટની સખીઓ હતી. રેખા યોગીતાને સારા-નરસાં દિવસોમાં ખૂબ જ સાથ આપતી અને દરેક નાની બાબતોમાં રેખાની સલાહ લેતી. આવામાં કિરણ અને રેખા એકમેકની કયારે નિકટ આવ્યા તેનું ભાન ન રહ્યું અને બંને વચ્ચેના લફરાંની અફવાઓ ફેલાવા લાગી. રેખા કિરણ કુમારને ‘કિન કિન’ કહેતી. બંને યોગીતાથી છૂપાઈને બહાર મળતાં. ફિલ્મ પાર્ટીઓમાં બંને સાથે જતાં. યોગીતા બાલીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણીએ વિચાર્યું કે એક હાથે તાળી વાગે નહી, આ બાબતે રેખા અને કિરણ બંને ગુનેગાર છે – અને તેણે કિરણ સાથે સંબંધ તોડી દીધા.

રેખા અને કિન કિનના સંબંધને છૂટ મળી ગઈ. કિરણ કુમાર ઘણી વાર રેખાની શૂટીંગમાં પહોંચી જતો અને રેખા શૂટીંગ અધવચ્ચે મૂકીને કિરણના બંગલે જતી રહેતી. મિડિયાને તો ભાવતું’તું ને વૈદે કીધું. મેગેઝીનોમાં રેખા અને કિરણની વાતો થવાં લાગી.

એક વાર ફિરોઝ ખાનની ફિલ્મ ‘ધર્માત્મા’ની શૂટીંગ વખતે એકાદ શોટ પછી લાઈટનું સેટીંગ કરવા માટે નાનકડો બ્રેક પડ્યો ત્યાં તો રેખા મહાબળેશ્વરથી બોમ્બે આવી ગઈ. બે દિવસ સુધી કિરણ સાથે રહી અને પછી નિર્માતાને કહ્યું કે તેણી ‘કિન કિન’ને મિસ કરતી હતી. ગેરજવાબદાર, પ્રવર્તક, બેદરકાર – આવી છાપ રેખાની પડી ગઈ અને તેણી કોઈ દિવસ સુધરશે કે કેમ એ સવાલ હતો.

‘વિન વિન’ અને ‘કિન કિન’ – બંને સાથેના સંબંધ વખતે રેખાનું વર્તન નિર્માતાઓને પસંદ ન પડતું. ના સમયનું ભાન અને ના તો નિર્માતાઓના રૂપિયાની કદર. નિર્માતાઓને આ સમયમાં મોટી ખોટ પણ ગઈ, પણ રેખાને ફરક નહોતો પડતો. રેખા પ્રેમમાં પડતી તો ઊંધે કાંધ પડતી. પ્રેમની સામે કશું જ દેખાય નહીં. કેટલીય શૂટીંગ અને ફિલ્મો આ કારણે રદ્દ કરવી પડતી કે પછી મુલતવી રાખવી પડતી.

કિરણના પિતા જીવન એ હિન્દી ફિલ્મોના દિગ્ગજ કલાકાર હતા અને જમાનાને ઘોળીને પી ગયેલા. તેમને રેખાનો ઈતિહાસ ખબર હતો એટલે જ રેખા સાથેના કિરણના અવૈધ્ય સંબંધ પણ તેમણે રોક લગાવી. ફાઈનલી, ‘કિન કિન’ સાથે પણ રેખાનું બ્રેક-અપ થઈ ગયું.

ક્યા જવાબ હૈ આપકા?

રેખા અને વિનોદ મહેરાએ કલકત્તામાં જ્યારે લગ્ન કર્યા ત્યારે તેમનો સાથ એક દંપતિએ આપ્યો હતો. આ દંપતિ એ 1950-60-70ના દાયકાઓના હિન્દી અને બંગાળી ફિલ્મોના ખ્યાતનામ ગાયક અને સંગીતકારના પુત્ર અને પુત્રવધુ હતા અને તેમની આ પુત્રવધુ એ હિન્દી અને બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. પોતાની પહેલી ફિલ્મમાં આ હીરોઈને આંધળી છોકરીનો અભિનય કરેલો અને બેસ્ટ હીરોઈનના ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ પણ થયેલી. જાન્યુઆરી 2019માં આ હીરોઈન ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. તે હીરોઈનનું નામ શું?

જવાબ આવતાં અંકે…

इन आँखों की मस्ती के मस्ताने: ભાગ 1 | ભાગ 2 

eછાપું 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here