इन आँखों की मस्ती के मस्ताने (4): અમિતાભ સાથે ‘દો અન્જાને’

0
388
Photo Courtesy: YouTube

રેખા અમિતાભને પહેલા ક્યારે મળી? રેખાની કારકિર્દીને ધરમૂળથી બદલી નાખવા પાછળ અમિતાભનો શો ફાળો હતો? રેખા જયા બચ્ચનને પહેલીથી જ ઓળખતી હતી અને રેખા અમિતાભ વચ્ચે કશુંક રંધાઈ રહ્યું છે તેની પહેલી શંકા ક્યારે ગઈ?

Photo Courtesy: YouTube

રેખા અને વિન વિન વિનોદે જ્યારે કલકત્તામાં છૂપાઈને લગ્ન કરેલા ત્યારે મૌશમી ચેટર્જી અને તેના પતિ રાજેશ ચેટર્જીએ તેમનો સાથ આપેલો. સંગીતકાર હેમંતકુમારની પુત્રવધુ મૌશમી હિન્દી અને બંગાળી ફિલ્મોની એક સફળ અભિનેત્રી છે. 1972માં શક્તિ સામંતની ફિલ્મ ‘અનુરાગ’માં મૌશમીએ હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું અને પાંચ હીરો સાથે તેણીની જોડી ખૂબ જામી – રાજેશ ખન્ના, શશી કપૂર, જીતેન્દ્ર, સંજીવ કુમાર અને વિનોદ મહેરા!

થોડી ઘણી ફિલ્મોની સફળતા બાદ 1972માં રેખાએ બોમ્બેમાં પોતાનો ફ્લેટ ખરીદ્યો. અઢાર વર્ષની રેખા હજી સુધી હોટલમાં જ રહેતી અને હવે પછી જૂહુ બીચ પર આવેલા એક બિલ્ડીંગમાં રહેવાની હતી. આ એ જ બિલ્ડીંગ હતી જેમાં જયા ભાદુડી પણ રહેતી હતી. જયાની ‘ગુડ્ડી’ અને ‘ઉપહાર’ બે ફિલ્મો આવેલી અને તેણીને ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન પણ  મળેલું. એક અર્થપૂર્ણ અને બહુમુખી કલાકાર તરીકે જયાને ઓળખ મળી ગઈ હતી.

રેખા માટે આ બાબત તદ્દન ઊલટી હતી – ના તો ફિલ્મજગત રેખાને ગંભીર માનતું અને ના તો રેખા ફિલ્મોને એક ગંભીર કારકિર્દી માનતી. જયાના કામની વાતો થતી અને રેખાના અંગત જીવનની ચર્ચા થતી. રેખા પોતે પણ કહેતીઃ ‘હું કામને મજાની રીતે જોઉં છું. જેમ છોકરીઓ કોલેજમાં રજા પાડે એમ જ હું શૂટીંગમાં રજા પાડું છું.’ નિર્માતા અને નિર્દેશકો રેખાને ફોન કરતાં ત્યારે મિત્રોને ત્યાં છૂપાઈને રહેતી અને બીજે દિવસે બિમારીનું બહાનું બતાવતી. સુનિલ દત્ત હોય કે રાજેશ ખન્ના – કોઈ પણ સુપરસ્ટારની રેખા પરવા કરતી નહીં.

જૂહુ બીચ પરની એ બિલ્ડીંગમાં રેખા અને જયા અવારનવાર મળતાં. જયાને રેખા ‘દીદીભાઈ’ કહીને બોલાવતી. રેખા ઘણી વાર જયાના ઘરે જઈને રહેતી, જ્યાં તેણીનો પરિચય જયાના બૉયફ્રેન્ડ અમિતાભ સાથે થયો. અમિતાભ એ હરિવંશરાય ‘બચ્ચન’ નામના એક પ્રસિદ્ધ હિન્દી કવિનો પુત્ર હતો. ‘સાત હિન્દુસ્તાની’માં અભિનય કર્યા પછી પણ અમિતાભને જોઈએ તેવું કામ મળતું નહોતું. રેખા, જયા અને અમિતાભ – દરેક એ સમયે સંઘર્ષ કરતાં હતાં પણ જયા આ ત્રણેયમાં આગળ હતી. નિર્માતાઓ જયાને ફિલ્મો આપવા હંમેશા તૈયાર રહેતા. ઘણી ફિલ્મો માટે જયા નિર્માતાઓને અમિતાભના નામના સંદર્ભો આપતી. ફાઈનલી, 1973માં અમિતાભ-જયાની ફિલ્મ ‘ઝંઝીર’ રિલીઝ થઈ. And it was a blockbuster!

‘ઝંઝીરે’ અમિતાભ માટે બધી સાંકળો તોડીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા દરવાજા ખોલી આપ્યા. ‘એંગ્રી યંગ મેન’ તરીકે અમિતાભની છાપ ઉપસી આવી. અમિતાભ અને જયા બંને સુપરસ્ટાર બનવાની અણી પર હતા અને ત્યારે જ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. 3 જૂન, 1973ના દિવસે લગ્ન નક્કી થયા. આશ્ચર્યની વાત એ હતી કે આ લગ્નમાં રેખાને આમંત્રણ અપાયું જ નહીં. રેખાને આંચકો લાગ્યો. જે ‘દીદીભાઈ’ને પોતાની બહેન માનતી તેણીએ એક જ બિલ્ડીંગમાં રહેતા હોવા છતાં લગ્નનું આમંત્રણ પણ ન આપ્યું. રેખાનું મન ખાટું થઈ ગયું.

જયા હવે ‘ધ બચ્ચન ફેમિલી’ની નવવધૂ હતી. પોતાના હાથમાં રહેલી ફિલ્મો પૂરી કરીને જયાએ નવી ફિલ્મો લેવાનું ટાળ્યું. 1973 થી 1975 વચ્ચે અમિતાભે અઢળક ફિલ્મો કરીઃ ‘આનંદ’, ‘રેશમા ઔર શેરા’, ‘ગુડ્ડી’, ‘ઝંઝીર’, ‘અભિમાન’, ‘નમક હરામ’, ‘દીવાર’, ‘શોલે’, ‘ચૂપકે ચૂપકે’, ‘મિલી’…વગેરે વગેરે. આ ફિલ્મો દ્વારા અમિતાભ એક શ્રેષ્ઠ અને શિસ્તબદ્ધ અભિનેતા તરીકે સ્થાપિત થઈ ગયેલો. અમિતાભ શૂટીંગ માટે હંમેશા સમયસર આવતો અને પોતાનું કામ ખૂબ જ આદરભાવથી કરતો.

***

દુલાલ ગુહા નામના એક ફિલ્મમેકરે 1972માં ‘દુશ્મન’ અને 1974માં ‘દોસ્ત’ ફિલ્મ બનાવી જેણે બોક્સઓફિસ પર સારું એવું પ્રદર્શન કરેલું. નિહાર રંજન ગુપ્તા નામના લેખકની વાર્તા ‘રાત્રીર યાત્રી’ પરથી ગુહાને એક ફિલ્મ બનાવવી હતી. આ વાર્તામાં બે ભાઈઓ અને એક વિલન હીરોઈન (વેમ્પ)નો રોલ હતો. બે ભાઈઓ માટે અમિતાભ બચ્ચન અને પ્રેમ ચોપડાને સાઈન કરવામાં આવેલા પણ વિલન હીરોઈનની શોધ ચાલુ હતી. શર્મિલા ટાગોર અને મુમતાઝે આ ફિલ્મની ઓફર ઠુકરાવી કારણ કે આ એક નકારાત્મક રોલ હતો. બંનેને એમ હતું કે આ રોલ કરવાથી તેમની છબી ફિલ્મ પર આંચ આવશે. તે પછી ગુહાએ રેખાનો સંપર્ક કર્યો.

રેખાએ વાર્તા સાંભળીને કહ્યું કે આ તો વેમ્પનો રોલ છે. ગુહાને સમજાવ્યું: ‘આ રોલ ભલે નેગેટીવ હોય પણ તારા જીવનનો મહત્ત્વનો રોલ બની રહેશે.’ રેખા સાથે આ રીતે અત્યાર સુધી કોઈ નિર્માતા કે નિર્દેશકે ફિલ્મના રોલ માટે વાત કરી નહોતી. દરેક નિર્માતાને રેખાના ઠુમકા, ટૂંકા કપડા અને ક્લીવેજ દેખાડનારા રોમેન્ટિક સીનમાં જ રસ હતો. એ વખતે થોડી બી-ગ્રેડ ફિલ્મોમાં પણ રેખાએ કામ કરેલું જેમ કે ‘વો મૈં નહીં’, ‘ઝોરો’ અને ‘દફા 302’. ફિલ્મ ‘ધર્માત્મા’માં રેખાએ કામ કરેલું પણ તેમાં હેમા માલિની મુખ્ય હીરોઈન હતી અને રેખા સાઈડ હીરોઈન. ફિલ્મ ‘ધરમ કરમ’માં પણ રેખાએ કામ કરેલું પણ તે ફિલ્મ રાજ અને રણધીર કપૂરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી.

ફાઈનલી, રેખાએ ગુહાને આ ફિલ્મ માટે હા પાડી. ફિલ્મનું નામ હતું – ‘દો અન્જાને’!

હવે લોકોને એ વાતની પ્રતીક્ષા હતી કે નિયમિત અને પ્રોફેશનલ અમિતાભ અને અનિયમિત રેખા – બંને આ ફિલ્મમાં સામસામે આવશે ત્યારે કેવી જોવા જેવી થશે? ફિલ્મનું શૂટીંગ શરૂ થયું. અમિતાભ હંમેશા સેટ પર સમયસર આવે, પોતાના ડાયલોગનું રિહર્સલ કરી આવે, પોતાના રોલ વિશે વધુ વિચારે, શૂટીંગ પૂરી થાય એટલે વહેલા નીકળી જાય અને બીજી સવારે પાછા સમયસર આવી જાય. રેખા અમિતાભનું આ રૂપ જોઈને દંગ રહી ગઈ. એક તો અમિતાભ માટે એ સમયે ઓલરેડી એંગ્રી-યંગમેનની ભૂમિકા બંધાઈ ગઈ હતી. એટલે રેખાને અમિતાભ સાથે કામ કરવામાં ખૂબ જ ડર લાગતો. એક દિવસ શૂટીંગ દરમિયાન અમિતાભે પણ રેખાને કહેલુઃ सुनिये, जरा डायलोग याद कर लिजियेगा…

2004માં Rendezvous with Simi Garewal શો દરમિયાન પોતાના ઈન્ટરવ્યુમાં રેખાએ કહેલું: મિસ્ટર અમિતાભ બચ્ચનની સામે ઊભા રહેવું એટલું સહેલું નહોતું. અમિતાભ જેવો માણસ મેં કયારેય જોયો નહોતો. એક જ માણસમાં આટલી બધી સારી ક્વાલિટીઓ કઈ રીતે હોઈ શકે?

અમિતાભનું ફિલ્મો પ્રત્યે સમર્પણ, ઇમાનદારી, સમયપાલન – આ બધા ગુણોએ રેખાને મોહી લીધી. રેખા તદ્દન બદલાઈ ગઈ. સવારે 6 વાગ્યાનો શૂટીંગનો સમય હોય તો પણ રેખા સમયસર આવી જતી. પોતાના રોલ વિશે નિર્દેશક સાથે વાતો કરતી, પોતે કઈ રીતે ડાયલોગ બોલી એના ફીડબેક લેતી.

‘દો અન્જાને’નું શૂટીંગ કલકત્તામાં થયેલી. રેખા માટે આ શહેર નવું હતું પણ અમિતાભ માટે તે જૂનું અને જાણીતું હતું કારણ કે 1962 થી 1969 સુધી કલકત્તામાં જ એક કંપનીમાં કામ કરતો. હવે એવું થતું કે રેખા-અમિતાભ-પ્રેમ ચોપડા શૂટીંગ પછી સાથે મળતા, ડીનર માટે જતા અને મોડે સુધી વાતો કરતા. અમિતાભ કલકત્તા વિશેની વાતો કહે ત્યારે રેખા તેને જોતી જ રહેતી.

‘દો અન્જાને’ 1 જાન્યુઆરી 1976ના રોજ રિલીઝ થઈ. ફિલ્મ ઠીકઠાક ચાલી. મુખ્યત્વે અમિતાભની બીજી સુપરડુપર ફિલ્મો (જેમ કે ‘શોલે’, ‘દીવાર’ અને ‘કભી કભી’)ના પ્રભાવને કારણે ‘દો અન્જાને’ ફિલ્મને ફટકો પડ્યો. પણ આ ફિલ્મ રેખા માટે એક માઈલસ્ટોન ફિલ્મ બની રહી. Film World નામની મેગેઝીને ‘દો અન્જાને’ની રિલીઝ પછી લખ્યું:  Rekha has done it. Smoothely. Successfully.

લોકો રેખાના ગ્લેમરને બદલે અભિનયની વાત કરવા લાગ્યા. હવે રેખા એક સિરીયસ હીરોઈન તરીકે ઓળખાવા લાગી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અગ્રણી નિર્માતાઓ હવે રેખાને સાઈન કરવા તલપાપડ થવા લાગ્યા. આ એક ફિલ્મે રેખાને સન્માન અપાવ્યું અને એ વાતની ક્રેડીટ રેખાએ અમિતાભને આપી. રેખા અમિતાભને પસંદ કરવા લાગી.

રેખા પોતાને અમિતાભની લગોલગ લાવવા માગતી હતી. તે જ કારણે હવે રેખાના રૂપગુણનું પરિવર્તન શરૂ થયું. રેખાએ હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ શીખી. પોતાના દેખાવ જ નહીં પણ પોતાની આખી પર્સનાલિટી બદલવામાં રેખાએ રાત-દિવસ એક કરી નાખ્યાં. કોઈ પરીકથામાં થયું હોય એવું મેકઓવર રેખામાં દેખાયું. ક્યાં શ્યામ રંગની, શરીરમાં ભારે, પ્લેટ ભરીને ભાત ખાઈ લેતી ભાનુરેખા અને ક્યાં વયવિહીન લાગે એવી ડિવા રેખા!

રેખાએ પોતાનું સ્પેશિયલ ડાયેટીંગ શરૂ કર્યું. ખાવા-પીવાની આદતો બદલી અને રોજેરોજે કસરત કરવાનું શરૂ કર્યું. 1970માં જ્યારે લોકોને યોગ વિશે એટલી જાણકારી નહોતી, ત્યારે રેખાએ યોગ શરૂ કર્યા અને ટ્રેન્ડસેટર બની. રેખા પોતાના મેક-અપ, કપડાં, ઘરેણા – દરેક બાબતો પર ધ્યાન આપવા લાગી. મેક-અપનું મહત્ત્વ સમજાયું અને રેખા લંડનની એક મેક-અપ સ્કૂલમાં શીખવા ગઈ. મીના કુમારીના દેહાંત બાદ, તેમના મેક-અપ કરનારા રામદાદાને રેખાએ પોતાની સાથે રાખ્યા.

આ બધું બન્યું તે વખતે ભારત દેશ એક અજીબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો – રાષ્ટ્રીય કટોકટી. બચ્ચન અને ગાંધી પરિવારના સંબંધો વર્ષો જૂના હતા અને કટોકટી વખતે મિડીયા અને પ્રકાશનો પર જે બંધ મૂકવામાં આવેલું તેમાં અમિતાભ બચ્ચનનો મોટો ફાળો હતો, એવી અફવા ફેલાઈ ગઈ હતી.

કટોકટી પૂરી થઈ પછી Stardust, Cine Blitz અને Star & Style આ ત્રણેય મેગેઝીનોએ અમિતાભનો બહિષ્કાર કર્યો. અમિતાભ વિશેની કોઈ પણ બાબત, સમાચાર, ફિલ્મ વિશેની વાતો છાપવાની તેમણે ના પાડી. અમિતાભ બચ્ચને પણ પોતાના બ્લોગમાં લખેલું:

the entire press went against me, because they were informed by “sources” that I…had brought on the idea of the Emergency and a ban on the press…Nothing could have been more ridiculous. But they did not relent and banned me; no interviews, no mention or pictures, or news of mine were ever printed in any form of the media during that time.

આ જ સમયમાં અમિતાભને ગગનચૂંબી સફળતા મળી અને રેખા-અમિતાભ એકબીજાની વધુ નજીક આવ્યા. રેખા-અમિતાભની સ્ટોરી જેવો મસાલો કઈ ફિલ્મ મેગેઝીનને ન જોઈતો હોય, માટે મેગેઝીનો અમિતાભનું નામ ન છાપતાં પણ આડકતરી રીતે પોતાના લેખોમાં ‘લંબૂજી’ કે ‘સુપરસ્ટાર’ કહીને સંબોધતા. આ દરમિયાન રેખા અને અમિતાભે બીજી ત્રણ ફિલ્મો સાથે સાઈન કરીઃ ‘ખૂન પસીના’, ‘આલાપ’ અને ‘ઈમાન ધરમ’.

‘ખૂન પસીના’ની શૂટીંગ પછી નિર્દેશક પ્રકાશ મહેરાએ એક મેગેઝીનને કહેલું: अमिताभने रेखा को बनाया, उसे बोलना, चलना और लोगों के सामने अपने आप को प्रेझेन्ट करना सीखाया। अमिताभ ने रेखा को एक कल्चर दिया, उसे अहेसास हुआ के अमिताभ के साथ चलना है तो उसके स्टान्डर्ड तक आना पडेगा। उसकी अंग्रेजी, हिन्दी सुधारी। किस के साथ बोलना और किस के साथ नहीं बोलना, यह सीखाया। एक हीरोईन और एक औरत बनना सीखाया।

1977માં રેખાની અગિયાર ફિલ્મો રિલીઝ થઈઃ ‘સાલ સોલવા ચઢિયા’, ‘રામ ભરોસે’, ‘કચ્ચા દોર’, ‘ફરિશ્તા યા કાતિલ’, ‘એક હી રાસ્તા’, ‘દિલદાર’, ‘ચક્કર પે ચક્કર’, ‘આપ કી ખાતિર’, ‘ઈમાન ધરમ’, ‘ખૂન પસીના’ અને ‘આલાપ’. આ જ વર્ષે અમિતાભની પણ આઠ ફિલ્મો રિલીઝ થઈઃ ‘ચરનદાસ’, ‘અમર અકબર એન્થની’, ‘ઈમાન ધરમ’, ‘ખૂન પસીના’, ‘શતરંજ કે ખિલાડી’, ‘પરવરિશ’, ‘ચલા મુરારી હીરો બનને’ અને ‘આલાપ’.

જે ફિલ્મોમાં રેખા અને અમિતાભ જોડીમાં રોલ ન કરતાં એ ફિલ્મો બોક્સઓફિસ પર પીટાઈ ગઈ (જેમ કે ‘ઈમાન ધરમ’ અને ‘આલાપ’) પણ જેમાં બંને એકસાથે દેખાયા તે ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી (જેમ કે ‘ખૂન પસીના’). ફિલ્મ નિર્માતાઓ અને નિર્દેશકોએ આ વાત નોંધી.

રેખા અને અમિતાભ એ વખતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા માથા બન્યા એટલે તેમની વાત લોકોથી છૂપાયેલી રહે એ શક્ય નહોતું. ફિલ્મ ‘ગંગા કી સૌગંધ’નું જયપૂરમાં શૂટીંગ ચાલતી હતી ત્યારે ફિલ્મના કલાકારોને જોવા હકડેઠઠ ભીડ જામી હતી અને ઝૂંડમાંથી એક ભાઈ રેખા વિશે એલફેલ બોલવા લાગ્યો. અમિતાભને ગુસ્સો આવ્યો અને ભીડમાંથી તેને પકડીને માર માર્યો. આ વાતનું વતેસર થયું. અમિતાભ જેવો શાંત, સુસંસ્કૃત અને શિસ્તપ્રિય માણસ આવી રીતે કોઈને મારી શકે? અને તે પણ રેખા માટે?

કુછ તો ગડબડ હૈ!!

ક્યા જવાબ હૈ આપકા?

રેખા અને અમિતાભે ‘દો અન્જાને’ ફિલ્મ કરી તે પહેલાં કોઈ એક ફિલ્મ માટે બંનેને સાઈન કરવામાં આવેલા, પણ થોડા જ દિવસોમાં નિર્દેશકે અમિતાભને હટાવીને સંજય ખાનને ફિલ્મમાં લીધો, કારણ કે અમિતાભને લઈને એ ફિલ્મ ચાલશે કે નહીં તે બાબતે નિર્દેશકની ખાતરી નહોતી. એ વખતે અમિતાભ સ્ટ્રગલર હતા. રેખા અને અમિતાભે તે ફિલ્મ માટે એક ગીતનું શૂટીંગ કરેલું – જે યુટ્યુબ પર ઉપલબ્ધ છે. તે ફિલ્મ અને ગીત કયું?

જવાબ આવતાં અંકે…

इन आँखों की मस्ती के मस्ताने: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here