નરેન્દ્ર મોદીના જીવનમાંથી શીખવા જેવી ટોપ 10 બાબતો

0
317
Photo Courtesy: hindustantimes.com

Howdy Modi! કાર્યક્રમ પછી મોદી પર ચોતરફથી પુષ્પવૃષ્ટિ થઈ રહી છે ત્યારે તેની પાછળ રહેલા કારણો અને ખાસ કરીને વડાપ્રધાન શા માટે દેશ ઉપરાંત વિદેશમાં પણ આટલા બધા લોકપ્રિય છે તેના પર એક ટચૂકડો પણ વિશિષ્ટ લેખ…

(1) નવરા, નિષ્ફળ, મનોરોગીઓને જવાબ દેતા-દેતા ખૂદ એવા જ ન બની જઈએ તેનો ખ્યાલ રાખવો. મોદીએ કદી એવું કર્યું નથી. ગોધરા કાંડ પછી વર્ષો સુધી તેઓ મીડિયાને ઇન્ટરવ્યૂ પણ આપતા ન હતા. અહીં તો વિકૃત ઢગાઓ દરેક નાની ટીકાની સામે બટકાં ભરવા સોશિયલ મીડિયા પર શેતરંજી પાથરી ને 24×7×31×365 દિવસ બેઠા હોય છે.

(2) સપનાં ઊંચા રાખવા પણ તેનાં માટે કોઈને ધુંબા ન મારવા. ભિક્ષાવૃત્તિ ક્યારેય ન કરવી. ઘરનું ફર્નિચર કોઈ બનાવી આપશે, વિદેશ પ્રવાસ પણ કોઈ કરાવશે, મકાન પણ કોઈ લઈ દેશે… આવા શોર્ટકટ્સ ક્યારેય અપનાવવા નહિ.

(3) ચૂપ રહેવું, મૌન થઈ જવું એ મહાન કળા છે. વક્તાઓએ ખાસ શીખવા જેવું. લોકો તમને બેસાડવા તાળીઓ પાડવા માંડે એ પહેલાં પ્રવચન પૂરું કરવું. જીવનમાં શ્રોતા બનતાં પણ શીખવું, જીવનની પ્રત્યેક ક્ષણે વક્તાની ભૂમિકામાં રહેવું, એ આસપાસનાં લોકો પર અત્યાચાર છે. મોદીને એ બરાબર માલુમ છે કે, ક્યાં, ક્યારે, કેટલું બોલવું. બોલવા જેવું હોય ત્યારે જ બોલવું. કુમાર વિશ્વાસે હમણાં જ કહ્યું:

ઐસી-વૈસી બાતો સે તો

અચ્છા હૈ ખામોશ રહો,

યા કુછ ઐસી બાત કહો જો

ખામોશી સે અચ્છી હો!

(4) પુરુષાર્થનો દેખાડો ન કરો, પુરુષાર્થ કરો. તાંત્રિક-માંત્રિક વિધિઓનાં ચક્કરમાં ન પડવું. પડો તો વિસ્મયવાદી હોવાનો દેખાડો ન કરો, છાતી ઠોકી ને કહો કે, તમે તેમાં માનો છો. મોદી વટભેર કેદારનાથમાં પૂજા-અર્ચના, ધ્યાન કરે છે. જેવા છે, તેવા જ લોકો સમક્ષ પેશ થાય છે.

(5) નીડર બનો પરંતુ નીડરતાનાં નામે ગુંડાગીરી ન કરો. મોદીએ મમતાની ગુંડાગીરી સામે પણ કાયદાનાં માર્ગે પગલાં લીધા, 356નો ઉપયોગ ન કર્યો. અહીં ફાલતું આઈ-કાર્ડના જોરે ટોલ કુદાવવા વીસ વર્ષથી ઝઝૂમતા લોકો પણ નીતિમત્તા પર ઉપદેશ આપતાં હોય છે. આવાને ઇગ્નોર કરો. નીડરતાને ન્યાય સાથે વણી લો. દુષ્ટ લોકોને તેમની ઔકાત દેખાડી દો.

(6) આપણે જેમની પાસેથી કશુંક મેળવી શકીએ, તેની સાથે જ સંબંધો ન રાખો. બધાં સંબંધો કશુંક પામવા માટે નથી હોતા, આનંદ વહેંચવા માટે અને મજોમજો કરવા પણ હોય છે. મોદીના અંગત મિત્રો પણ અનેક છે. જો બધાં જ મિત્રો લાત મારી ને ભાગવા માંડે તો સમજવું કે તમે નગુણા છો અને લોકો તમને ઓળખી પણ ગયા છે.

(7) સ્વયંશિસ્ત. મોદી તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગમ્મે ત્યારે સૂવે, 5 વાગ્યે જાગી જાય. એદી કોથળાની જેમ બપોરે બે-બે વાગ્યે સુધી ઊંઘતા નથી. દરેક જગ્યાએ સમયસર પહોંચે છે, પોતાનું કામ બીજા પર છોડતાં નથી. તેઓ પરાવલંબી નથી.

(8) ગુજરાતીના ઘણાં લેખકોએ મોદી પાસેથી ખૂબ શીખવાનું છે. “પ્રિડીકટેબલ ન બનવું!” એવો સુંદર ઉપદેશ આપતા લોકો દર સંક્રાંતે પતંગ પર, દિવાળીમાં ફટાકડાં કે દીવડા પર અને દર ત્રીજા અઠવાડિયે શૃંગારરસથી લથબથ સંસ્કૃત શ્લોકો પર લેખ લખે છે. આવા દંભથી બચવાનું. મોદી ખરેખર ઝાટકો આપવાના માસ્ટર છે. 370 હોય કે બાલાકોટ કે પછી કોર્પોરેટ ટેક્સમાં કાપ… પબ્લિકને સરપ્રાઈઝ ગમે છે. સતત એક ને એક વાતનું રિપીટેશન કરતા નઘરોળ લોકોમાંથી એ શીખવું કે આપણે એમનાં જેવા નહિ, મોદી જેવા બનવાનું છે.

(9) તમે ક્યારેય મોદીને સ્ટેજ પરથી કોઈની ભાટાઈ કરતા સાંભળ્યા? ક્યારેય એવું જોયું કે, જે-તે કાર્યક્રમના આયોજકો પર તેઓ પોતાના સ્વાર્થ માટે પુષ્પવર્ષા કરતા હોય? શું તેઓ 24 કલાક કોઈ બાપુ કે કથાકારના ચરણમાં આળોટતા હોય છે? ક્યારેય નહીં. જેમનામાં દમ છે તેણે આવું કરવાની જરૂર જ નથી. કોઈની એટલી ચમચાગીરી પણ ન કરવી કે, આપણી આબરૂ શૂન્ય થઈ જાય. લોકો ઓળખી જતા હોય છે, તમે માનો કે ન માનો.

(10) ઇન્ટરવ્યૂમાં મોકળું મેદાન હોવા છતાં મોદી ક્યારેય આત્મશ્લાઘા કરતા નથી. પોતાનાં વખાણ બાબતે સ્વાવલંબી ન બનવું, અન્યોને એ દિવ્યલાભ લેવાની સુવર્ણ તક આપવી. પોતાની જાતને પ્રેમ કરવો એ સારી વાત છે, પોતાનાં પ્રેમમાં ગળાડૂબ થવું એ અધોગતિનો સંકેત છે.

(11) બોનસ મુદ્દો. સમાજના હિતાર્થે પળભરમાં પરિવારનો ત્યાગ કર્યો હોવા છતાં મોદી એક ફેમિલી મેન છે, માતા સાથે પ્રેમથી જમે છે. આપણે ત્યાં બાપને લમધારતા દંભીડાઓ પણ મમ્મી-પપ્પા પર ચોપડીયું ઢસડી કાઢે છે. આવા વર્તનથી બચવાનું છે. અર્ધો ડઝન બાળાઓએ આપણને ચોક્કસ જગ્યાએ લાત મારી હોવા છતાં આપણને આપણો સ્વકેન્દ્રી સ્વભાવ કઠે નહિ તો પ્રવચનો અને લેખો અને ઉપદેશો… સઘળું ઠાલું ગણાય. નક્કર બનવું, અન્યોને સાંભળવા, તેમને મહત્વ આપવું. આખો દિવસ “હું હું હું હું હું હું હું…” કરીએ તો છેવટે “હું” સિવાય કશું જ બચે નહિ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here