પંજાબ નેશનલ બેન્કનો કરોડોનો ગોટાળો કરીને ભારતમાંથી ભાગી ચુકેલા મેહુલ ચોકસીની તકલીફો હવે વધી શકે તેમ છે કારણકે તે જ્યાં છુપાયો છે તે એન્ટીગાના વડાપ્રધાને હવે તેના પગ નીચેથી જાજમ સરકાવી લીધી છે.

ન્યૂયોર્ક: પંજાબ નેશનલ બેંક ગોટાળામાં મુખ્ય સહઆરોપી મેહુલ ચોકસી હાલમાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓના એન્ટીગા એન્ડ બાર્બુડા દેશમાં શરણ લઇ રહ્યો છે. હાલમાં UNની સામાન્ય સભામાં એન્ટીગાના વડાપ્રધાન ગેસ્ટ્ન બ્રાઉને હિસ્સો લીધો હતો અને અહીં તેમણે મેહુલ ચોકસી વિષે મોટું નિવેદન આપ્યું છે.
બ્રાઉને મેહુલ ચોકસીને ઠગ બતાવતા કહ્યું હતું કે ભારતીય તપાસ એજન્સીઓ એન્ટીગામાં આવીને તેની ઉલટતપાસ કરવા માટે સ્વતંત્ર છે. ગેસ્ટ્ન બ્રાઉનના જણાવ્યા અનુસાર તેમને મેહુલ ચોકસીના કારનામાઓ વિષે પર્યાપ્ત માહિતી મળી છે.
મેહુલ ચોકસીએ થોડા સમય પહેલા રોકાણકાર તરીકે એન્ટીગાની નાગરિકતા લીધી હતી, પરંતુ ગઈકાલે ગેસ્ટ્ન બ્રાઉને કહ્યું હતું કે,
અમને બાદમાં માહિતી મળી કે મેહુલ ચોકસી એક ઠગ છે. તે અમારા દેશના વિકાસ માટે બિલકુલ ઉપયોગી નથી. હાલમાં તેની કોર્ટમાં અપીલ ચાલી રહી છે તેની સુનાવણી સમાપ્ત થયા બાદ તેને ભારત નિર્વાસિત કરી આપવામાં આવશે, પરંતુ ત્યાંસુધીમાં ભારતીય તપાસ એજન્સીઓ એન્ટીગામાં મેહુલ ચોકસીની ઉલટતપાસ કરવા માટે સ્વતંત્ર છે.
#WATCH Antigua & Barbuda PM Gaston Browne: Got subsequent information that Mehul Choksi is a crook, he doesn’t add value to our country. He will be deported ultimately after he exhausts appeals, Indian officials are free to investigate based on his willingness to participate. pic.twitter.com/FbAaIml0Fv
— ANI (@ANI) September 25, 2019
મેહુલ ચોકસી અને નિરવ મોદી પર ખોટા LOU એટલેકે લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા પંજાબ નેશનલ બેન્કની મુંબઈ સ્થિત બાર્ડી શાખા સાથે લગભગ 14 હજાર કરોડની ઠગાઈનો આરોપ છે. આ બંને મામા અને ભાણેજનો સંબંધ ધરાવે છે અને આ ગોટાળો સામે આવતા જ બંને ભારત છોડીને નાસી છૂટ્યા હતા.
નિરવ મોદી હાલમાં બ્રિટનની જેલમાં છે જ્યારે મેહુલ ચોકસી એન્ટીગાનું નાગરિકત્વ લઈને ત્યાં રહી રહ્યો છે. મેહુલ ચોકસીએ હાલમાં મુંબઈ હાઈકોર્ટમાં એફિડેવિટ રજુ કરીને કહ્યું હતું કે તે એન્ટીગામાં છે અને ભારતીય તપાસ એજન્સીઓ સાથે સહયોગ કરવા માટે તૈયાર છે.
eછાપું