સ્પષ્ટતા: ચપ્પલ પહેરીને વાહન ચલાવવા પર મેમો ફાટે ખરો?

0
281
Photo Courtesy: zeebiz.com

નવા મોટર વેહિકલ એક્ટ અંગે કેટલીક હાસ્યાસ્પદ બાબતો આજકાલ ફેલાવવામાં આવી રહી છે જેમાંથી પ્રતિષ્ઠિત મિડિયા હાઉસીઝ પણ બાકાત નથી. વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ આ અફવાઓ અંગે સ્પષ્ટતા કરી છે.

Photo Courtesy: zeebiz.com

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી એટલેકે જ્યારથી ટ્રાફિકના નિયમોમાં ફેરફાર થયો છે અને દંડની રકમ વધારી દેવામાં આવી છે ત્યારથી રોજેરોજ કોઈને કોઈ પ્રકારની અફવા ફેલાવાઈ રહી છે. આ અફવાઓને કારણકે કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીને અત્યંત દુઃખ થયું છે અને તેમણે આ અંગે ખુલાસો કર્યો છે.

એક અફવા અનુસાર અડધી બાંયનું શર્ટ, લુંગી, બનિયાન કે પછી પગમાં ચંપલ કે સ્લીપર પહેરીને વાહન ચલાવવાથી ગુનો બને છે અને તેનાથી વાહનચાલકનો મેમો ફાટી શકે છે અને તેને ભારે દંડ થઇ શકે છે. પરંતુ નીતિન ગડકરીએ જનતાને આ પ્રકારની અફવાથી દૂર રહેવાનું કહ્યું છે અને તેને ચેતવી છે.

ગડકરીની ઓફિસના આધિકારિક Twitter હેન્ડલ પરથી કરવામાં આવેલી Tweet અનુસાર નવા મોટર વેહિકલ એક્ટમાં ઉપર દર્શાવેલી કોઇપણ પરિસ્થિતિમાં વાહન ચલાવવાથી કોઇપણ પ્રકારનો ગુનો બનતો નથી અને આથી તે માટે કોઇપણ પ્રકારનો મેમો ફાડવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ ઉપરાંત કારમાં એક્સ્ટ્રા બલ્બ ન રાખવાથી કે પછી કારનો અરીસો જો ગંદો હોય તો પણ દંડ થશે તે અફવાને પણ સદંતર નકારી કાઢવામાં આવી છે.

અગાઉ પણ નીતિન ગડકરીએ જાહેરમાં આ પ્રકારની પાયાવિહોણી અફવાઓ ફેલાવવા બદલ મિડિયાની ઝાટકણી કાઢી હતી. તેમણે પણ એક પ્રતિષ્ઠિત મિડિયા હાઉસના અફવાને ઉત્તેજન આપતા એક સમાચારનો સ્ક્રિનશોટ Tweet કરીને કહ્યું હતું કે,

મને દુઃખ છે કે આજે ફરીથી આપણા મિડીયાના કેટલાક મિત્રોએ સડક સુરક્ષા કાયદા જેવા ગંભીર વિષયની મજાક ઉડાવી છે. મારી લોકોને અપીલ છે કે લોકોની જિંદગી સાથે જોડાયેલા ગંભીર મામલાઓ અંગે આ પ્રકારે ખોટી માહિતી ફેલાવીને લોકોમાં ભ્રમ ઉભો ન કરે.

નવો મોટર વેહિકલ એક્ટની મોટાભાગની જોગવાઈઓ રસ્તા પર વાહન હંકારતા તેમજ તેના પર ચાલતા લોકોની સુરક્ષા વધારવા તેમજ તેમને કાયદાનો ભંગ કરતા અટકાવવા માટે કડક બનાવવામાં આવી છે. પરંતુ મિડિયાના કેટલાક લોકો તેમજ કેટલાક અસામાજીક તત્વો તે અંગે અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરી સરકાર વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે. સામાન્ય લોકો માટે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીને જ્યારે પણ આ પ્રકારની કોઈ વાત વહેતી થાય ત્યારે તેની ખરાઈ કરી લેવી જરૂરી બને છે.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here