આ વાત છે ઈરાકની — એક એવો દેશ જ્યાં સદ્દામ હુસૈનની બાથ પાર્ટીનુ રાજ આવ્યુ તેની પણ પહેલાના સમયથી ઉત્તરની મૂળ નિવાસી કૂર્દ પ્રજા અને મધ્ય-દક્ષિણ ઈરાકના અરબો વચ્ચે ખટરાગ ચાલ્યા કરે છે. નિરસ પ્રકૃતિ ધરાવતા મેદાની અરબીઓ રંગીન મિજાજી પહાડી કૂર્દિશ પ્રજાને દબાવી રાખવાના બનતા બધા પ્રયત્નો કરતા આવ્યા છે. એવા કૂર્દ પ્રજા પ્રત્યે ભારોભાર નફરતથી ભરેલા ઈરાકના બગદાદની હું એક નાનકડી કૂર્દિશ છોકરી છુ — જોઆના — અને આ છે મારી વાર્તા…

પ્રથમ વિશ્વયુધ્ધની સમાપ્તી થયે અને વિશાળ ઑટ્ટોમન સામ્રાજ્યના પતન બાદ બ્રિટીશ અને ફ્રેન્ચ લોકોએ મળીને ત્રણ અલગ-અલગ વિસ્તારો મેળવીને આજનો આધુનિક ઈરાક દેશ બનાવ્યો. એમાં પ્રથમ વિસ્તાર હતો – મધ્યનો ચૂના-પથ્થરોનો પથરાળ ઉચ્ચપ્રદેશ, જ્યાં દેશની રાજધાનીનુ શહેર બગદાદ વસેલુ છે. જોકે આજનુ બગદાદ તેના ભુતકાળના ભવ્ય મહેલો, વિશાળ મસ્જિદો, ધમધમતી બજારો અને સુંદર બગીચાઓની સરખામણીમાં કોઈ રીતે સુંદર ના ગણી શકાય.
બીજો વિસ્તાર એ દક્ષિણનો નિચાણવાળો મેદાની પ્રદેશ. અદભૂત વનસ્પતિઓ અને રંગબેરંગી માછલીઓ અને પ્રકાર-પ્રકારના પક્ષીઓથી ભરેલો આ પ્રદેશ હતો. પુરાણા અરેબિક સાહિત્ય પ્રમાણે; આ આખો પ્રદેશ મહાપ્રલયકારી પુરને કારણે બનેલો છે. પુર એટલુ ભયંકર હતુ કે એના કારણે ન કેવળ માટીના ઘરો નાશ પામ્યા પણ આખો પ્રદેશ જ નાના ટાપુઓમાં વહેંચાઈ ગયો. જે લોકો આ વિનાશકારી પુરમાંથી બચી ગયા હતા એ બધા પાણી પર બનાવેલા ઘરોમાં રહેતા હતા. મોટા ઘાસની પોલી સળીઓને ડામરજેવા દ્રવ્યથી જોડીને બનાવેલી પાણી પરની આ ઝુંપડીઓને માશ-હૉફ કહે છે.
ઈરાકનો ત્રીજો વિસ્તાર છે ઉત્તરનો પહાડી પ્રદેશ, જે એના બરફાચ્છાદિત શીખરો અને ગાઢ જંગલો માટે પ્રખ્યાત છે. આ પ્રદેશ મનોરમ્ય ગીરીશૃંખલા, પાણીના ધોધ અને ફળાઉ ઝાડોના જંગલોથી ભરેલો છે. એના શીતળ આહ્લાદક વાતાવરણને કારણે આ વિસ્તારમાં કેટલાય રિસૉર્ટ પણ બનેલા છે. ઈરાકના અરબી લોકોને માટે તે માત્ર ઉત્તરી ઈરાક છે; પણ અમે કૂર્દ લોકો તેને તેના સાચા નામ ‘કૂર્દીસ્તાન’ થી જ ઓળખીએ છીએ. આજની અમારી સફરનો અંતિમ પડાવ પણ આ કૂર્દીસ્તાન જ છે.

મેં ફરી એકવાર ટેક્સી માટે રસ્તા પર નજર નાખી અને મારી નજર પડોશના મહા-તોફાની છોકરાઓની ટોળકી પર પડી. એ ચારેય છોકરાઓ લગભગ મારી જ ઉંમરના હતા પણ ઘણી વખત હું કૂર્દ છુ એ કારણે મારી ઠેકડી ઉડાડીને મારી બહુ મજા લેતા. અમારી આંખો મળી એટલે તરત જ એ લોકો મારી મશ્કરી કરતા-કરતા મારી તરફ આવવા લાગ્યા. એ હસતા જતા અને ઉપહાસ કરતા બોલતા જતા – “હે…ય. કૂર્દ છોકરી…” “હે…ય.. કૂર્દોનું ઘર” એમાંનો એક સૌથી વધારે તોફાની અને કિન્નાખોર છોકરો મોટેથી બૂમો મારવા લાગ્યો “લા, લા (અરબી ભાષામાં હેય… હેય…. એવો મતલબ થાય) આંધળા-બહેરાની છોકરી..”.
મારી આંખે એ ચડી ગયો; એક પળ તો એની બુમોથી હું નિરાશ થઈ ગઈ, જાણે મારી બધી શક્તિ હણાઈ ગઈ હોય એમ હું પૂતળાની માફક ઉભી રહી ગઈ. પણ, બીજી જ પળે હું નિરાશા ખંખેરીને અમારા આંગણામાંથી દોડીને બહાર આવી ગઈ અને એને પડકાર્યો – “એ… ય…” અને પલકવારમાં મેં બાજુના ઝાડના થડ પાસેથી કેટલાક પથરા ભેગા કરી લીધા. અને પછી મારી બધી જ તાકાત ભેગી કરીને એમની તરફ પથરા ફેંકવાનુ ચાલુ કરી દીધુ. આજ પહેલા આટલી આક્રમક હું ક્યારેય નહોતી બની, પણ હમણા-હમણાથી હું પણ પિતાની માફક જુસ્સાવાળી બની ગઈ હતી, મારા પિતા એમની અસહાય પરિસ્થિતી છતાં હંમેશા પોતાનો અને કુટુંબનો બચાવ કરવા તૈયાર રહેતા; પછી ભલેને તેને માટે એમને કોઈની સાથે હાથો-હાથની લડાઈ પણ કરવી પડે!!
પેલા અરબી છોકરાઓએ તો સ્વપ્ને ય નહોતુ ધાર્યુ કે મારા જેવી શરમાળ છોકરી પણ આવુ કંઈક કરી શકે.. મારી આક્રમક પ્રતિક્રીયા જોઈને એ બધા પાછા વળ્યા અને દોટ મૂકીને મંડ્યા ભાગવા. મારુ પથરા ફેંકવાનુ ચાલુ જ હતુ અને મારો એક પથરો પેલા માથાભારે છોકરાને હાથ પર જોરથી વાગ્યો. દરદને લીધે એના મોંમાંથી રાડ નીકળી ગઈ, અને એની રાડ સાંભળીને બાકીના છોકરા બમણા જોરથી ભાગવા લાગ્યા. મને મજા પડી ગઈ, એ બાયલાઓને આવી રીતે એક નાનકડી કૂર્દીશ છોકરીથી ડરીને ભાગતા જોઈને મને એક પ્રકારનો આત્મસંતોષ થતો હતો; અને હું અનાયાસ જ જોર જોરથી હસી પડી. આજે તો મને લાગતુ હતુ કે આ મહોલ્લાની “શક્તિમાન” હું જ છુ.. એ બાયલાઓ હવે જીવનમાં ક્યારેય મારુ નામ નહી લે..
અમારા બગદાદી-ઈરાકી સમાજમાં મને આ ઉંમરે પણ એ વાતની તો ખબર પડતી હતી કે આવી વાતનો ડંકો મારાથી બધા આગળ ના વગાડાય.. મારા ઘરના લોકોથી પણ મારે મારુ આ સાહસ છુપાવવુ પડશે એની મને એ વખતે પણ સમજ પડતી હતી. અમારા કુટુંબમાં જો આની બધાને ખબર પડે તો મારી તો ધૂળ જ કાઢી નાખે – છોકરી થઈને આમ બરછટ વેડા કરે એ ના ચલાવી લેવાય. પેલા દંગલખોર છોકરા હવે નાસી ગયા છે એની ખાતરી કરવા મેં ફરી એકવાર શેરીમાં નજર માંડી.. અને મારી ખુશીની વચ્ચે મને એ રસ્તે એક ટેક્સી આવતી દેખાઈ. મેં તરત જ આગળ વધીને ટેક્સી ઉભી રખાવી અને બુમ પાડી — “ટેક્સી આવી ગઈ છે….” મોસાળ જવાના ઉત્સાહમાંને ઉત્સાહમાં દોટ મૂકી, ઘરનુ બારણુ આખેઆખુ ખોલી, હતી એટલી બધી તાકાત ભેગી કરીને મેં બરાડો પાડ્યો “ચાલો બધા…. ટેક્સી ડ્રાઈવર રાહ જૂએ છે…..”
મામા, ભાઈઓ અને પિતાજી બધા જ અમારી સામાનથી ભરેલી બેગો ફટાફટ લાવીને ટેક્સીના બૂટ(સામાન રાખવાની જગ્યા)માં ગોઠવવા લાગ્યા. અમારો ટેક્સી ડ્રાઈવર કંઈક વિચિત્ર જ હતો; અમને મદદ કરવાને બદલે બાજુ પર ઉભો રહીને અમને બધાને બરાડા પાડી-પાડીને સૂચના આપ્યા કરતો હતો. મારી નજર એના પર જ ટકેલી હતી. આમ તો મારી માએ મને શીખવ્યુ છે કે કોઈને ટીકી-ટીકીને ના જોવાય.. પણ, આ ટેક્સી ડ્રાઈવર મને ખૂબ વિચિત્ર લાગ્યો; હું જાણે એકટક એના કરચલીઓવાળા ઘેરા-બદામી ચહેરાને જ જોયા કરતી હતી. એના રાંટા થઈ ગયેલા હાથ વડે એ એનુ ઘસાઈ ગયેલુ પેન્ટ વધારેને વધારે અને વારે વારે ઘસ્યા કરતો હતો. બધી રીતે જોતા એ ચોક્કસ એક ગરીબ માણસ લાગતો હતો, અને આમેય તે એ સમયે બગદાદમાં મોટાભાગના લોકો તો ગરીબ જ હતા ને!!
પણ મારા પિતા, મામા અને ભાઈઓ કંઈ અમીર નહોતા, તે છતાંય એમના કપડા કેવા સ્વચ્છ અને સુઘડ રહેતા હતા? આવુ બધુ વિચારતા મારી નજર મારા પોતાના ભપકાદાર ગુલાબી ડ્રેસ પર પડી. અમે કૂર્દીશ લોકો બગદાદીઓ-અરબીઓથી આ બાબતે ખાસ અલગ હતા. એ લોકો આછા અને ઘેરા રંગ જેવા કે કાળા-વાદળી એવા બધા રંગોના ડ્રેસ પહેરે; પણ, અમને કૂર્દ લોકોને મેઘધનુષ્ય જેવા રંગબેરંગી કપડા પહેરવાનો શોખ. મારો આ મસ્ત મજ્જાનો ગુલાબી ડ્રેસ તાજ્જો જ ધોયેલો અને ઈસ્ત્રી કરેલો હતો.
એ બધાનુ શ્રેય આમ જોવા જઈએ તો મારી મા ને જ જાય. એને હંમેશા બધુ સાફ-સૂથરુ જ ગમે, ક્યારેય ઘર પણ ગંદુ ના રહેવા દે. અમારા ઘરની સુઘડતા તો એટલી કે આસપાસના લોકોને કે અમને મળવા આવનારાઓને ક્યારેય અમારી ગરીબીનો અણસાર સુધ્ધા નહી આવતો હોય. ઉલ્ટાનુ કદાચ એમને અમારી ઈર્ષ્યા થતી હોય એમ પણ બને.
અમારી પાસે સામાન એટલો હતો કે ટેક્સીનુ બૂટ બંધ કરવામાં તકલીફ પડતી. મેં જોયુ કે ટેક્સી એકબાજુ નમી પડી હતી, મદદની ભાવનાથી મેં મારુ અવલોકન જાહેર પણ કરી દીધુ.. અને અમારા ડ્રાઈવરે પણ મારી જેમ જ એ જોઈ લીધુ હતુ. એ તો બમણા જોરથી રાડો પાડવા લાગ્યો; એને એમ થઈ ગયુ હતુ કે એની ટેક્સીના ટાયરો પર વજન વધી ગયુ છે. મારી સાવ બીનઅનુભવી આંખોએ પણ જોઈ લીધુ કે આ ટેક્સીના ટાયરો ઘસાયેલા છે; હોવા જોઈએ એના કરતા કંઈક વધારે જ નબળા છે. પણ, મેં મારુ આ નવુ “જ્ઞાન” મારી પાસે જ રાખ્યુ. રખે ને મારી મા આ ટેક્સી કેન્સલ કરીને પાછી બીજી ટેક્સીની વાટ જોવાનુ કહે તો એટલુ વધારે મોડુ થાય. અને સુલેમાનિયાની સફરે જવા માટે હવે હું જરાય વધારે રાહ જોવા તૈયાર નહોતી. આખરે, છે…ક ગયા ઑગસ્ટથીતો હું આ ક્ષણની રાહ જોતી હતી કે પાછા ક્યારે મોસાળ ભણી જઈએ..!!
બધુ બરાબર ગોઠવાઈ ગયુ એટલે ટેક્સી ડ્રાઈવર પણ ઝટ દઈને પોતાની સીટ પર ગોઠવાઈ ગયો અને બૂમો મારવા લાગ્યો “યાલ્લા…. યાલ્લા… ચાલો ચાલો બધા બેસી જાવ, મારે પણ મોડુ થાય છે”.. હું અને મારી બહેન મુના માની સાથે પાછલી સીટમાં ગોઠવાઈ ગયા. મારા અઝીઝમામા પણ ફરીને મારી પાસેના દરવાજે આવ્યા અને મારી બાજુમાં પાછલી સીટ પર ગોઠવાઈ ગયા. મારા અઝીઝ મામાની વાર્તા પણ ઘણી જોરદાર છે. મારા જન્મના એક વર્ષ પહેલા એટલે કે ઈ.સ. ૧૯૬૨મા, અઝીઝ મામા પોતાના વતન સુલેમાનિયામાં સ્કુલમાં ભણતા હતા, એ ભણવામાં બહુ જ હોંશીયાર હતા. એક દિવસ પોલિસ એમને કોઈ કારણ વગર પકડી ગઈ, એમનો એક માત્ર વાંક એ હતો કે એ કૂર્દ હતા. જેલમાં એમના પર ઘણા અત્યાચારો ગુજારવામાં આવ્યા અને એના લીધે એમની જીંદગી સાવ બદલાઈ ગઈ. જેલમાંથી છૂટ્યા બાદ થોડો સમય સુલેમાનિયામાં કાઢ્યો.
પણ પછી એ પોતાની નાની બહેન – એટલે કે મારી મા – ની પાસે બગદાદમાં કાયમ માટે રહેવા આવી ગયા. જેલના એ અત્યાચારોની અસર એટલી ઉંડી હતી કે આજે વર્ષો પછી પણ મામા એના આઘાતમાંથી બહાર નથી આવી શક્યા. એ કયારેક ક્યારેક સાવ સૂનમૂન થઈ જતા અને પોતાના રૂમમાંથી કેટલાય સમય સુધી બહાર જ ના નીકળે એવુ બનતુ. જેલના એ પોલિસ-અત્યાચારોને લીધે એમની કામ કરવાની કે કૉલેજ ભણવાની ક્ષમતા હવે નહોતી રહી. ગમે તે હોય, મારા માટે મારા મામા સૌથી પ્યારા હતા, મારી કાલીઘેલી નાદાન રમતોમાં સાથ આપવા એ તો હંમેશા તૈયાર રહેતા. અફસોસ કે એ અમારી સાથે સુલેમાનિયા નથી આવવાના. એ તો ખાલી બસસ્ટેન્ડ સુધી જ આવશે અને ત્યાંથી પાછા બગદાદના ઘરે. સુલેમાનિયામાં અમારી નાની અમિના, માસીઓ અને અમારા પિતરાઈઓને મળવા તો અમે ચાર ભાઈ-બહેનો અને મારી મા એટલા જ જવાના હતા.
ટેક્સી ડ્રાઈવર ફરી પાછો ઉતાવળ કરવા લાગ્યો.. “… ચાલો, ચાલો બધા ઝટ ગોઠવાઈ જાવ, મારે પણ ઉતાવળ છે..” મારા બંને ભાઈઓ – સા’દ અને રા’દ ડ્રાઈવરની બાજુની સીટમાં આગળ ગોઠવાયા.. અને અમારી ટેક્સી ચાલી પડી. મને છેક ત્યારે યાદ આવ્યુ કે પિતાજીને “આવજો” કહેવાનુ તો ભુલાઈ જ ગયુ. મારા પિતા ભલે અમારી વાતો સાંભળી નહોતા શકતા પણ મને એમને માટે વિશેષ પ્રેમ હતો. આટલા વર્ષોમાં ભાગ્યે જ અમારા પિતાજી અમારી સાથે વેકેશનમાં કૂર્દીસ્તાન આવ્યા હશે. અને આમ પણ એ ક્યાં કૂર્દ હતા! અને કદાચ હોત તો પણ એમણે પોતાના કામકાજની સંભાળ માટે બગદાદમાં રોકાવુ જરૂરી હતુ. અમારી ગરીબીને કારણે પિતા પાસે ક્યારેય એટલા પૈસા નહોતા કે એ પોતાના કુટુંબ સાથે રજાઓ માણવા સફર કરી શકે.. બિચ્ચારા પપ્પા..!!
ઈરાકના કુર્દ લોકોની અનોખી વાર્તા ‘વિષાદી ધરાનો પ્રેમ’ શ્રેણી: ભાગ 1 | ભાગ 2
eછાપું