મણિરત્નમ ની ઈરુવર (ગુજરાતી ભાષાંતર: જોડી) તમિલ સિનેમાની માઈલસ્ટોન ફિલ્મો પૈકી એક ગણાય છે. આ ફિલ્મ માત્ર પ્રેમ, પાવર અને દોસ્તીની સામાન્ય વાર્તા નથી. સાથે સાથે અત્યારે અસ્ત થઇ ગયેલા તામિલનાડુના રાજકારણના M.G. રામચંદ્રન-કરુણાનિધિ-જયલલિતા યુગની શરૂઆત ની પણ એક વાર્તા છે.

Late Review- ઈરુવર (1997)
ભાષા: તમિલ
નિર્દેશક: મણિરત્નમ
કલાકારો: મોહનલાલ(આનંદન), પ્રકાશ રાજ(તમિલ સેલ્વન), ઐશ્વર્યા રાય (પુષ્પાવલ્લી અને કલ્પના-ડબલ રોલ માં), નાસર(અય્યા વેલ્લુંથંબી), રેવતી (માર્ગથમ), તબુ(સેંથામારાઈ), ગૌતમી(રમણી), દિલ્હી ગણેશ (નામ્બી)
રન ટાઈમ: 158 મિનિટ્સ
સ્ટ્રીમિંગ લિંક(એમેઝોન પ્રાઈમ વિડિયોઝ): https://www.primevideo.com/detail/0PQHG2UTRNTKJWCSGDASY6JFQV
કથાનક
વાર્તા 1950ના દશકથી શરુ થાય છે. (M G રામચંદ્રન થી પ્રેરિત) આનંદન એક સંઘર્ષરત અભિનેતા છે, જેને એ સમયની તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવું છે. અને એના માટે એ જે તક મળે એ તક ઝડપવા તૈયાર થાય છે. એક વાર એક નવી ફિલ્મના ઓડિશન વખતે એની મુલાકાત એક ફાયરબ્રાન્ડ કવિ (અને કરુણાનિધિ થી પ્રેરિત) તમિલ સેલ્વન સાથે થાય છે. આ મુલાકાત વખતે બંને વચ્ચે એક નાનકડી ચર્ચા થાય છે અને આ ચર્ચા બાદ આનંદન અને તમિલ સેલ્વન એકબીજાને રિસ્પેક્ટ થી જોવા લાગે છે. મુખ્ય ઓડિશન વખતે આનંદન તમિલ સેલવનને પોતાના માટે ડાયલોગ લખવાનું કહે છે. અને એ ઓડિશનમાં તમિલ સેલવનના ડાયલોગની મદદથી આનંદનને હીરો તરીકેનો પહેલો બ્રેક મળે છે. અને આ એકબીજા માટેની રિસ્પેક્ટ દોસ્તીમાં બદલાઈ જાય છે.
આ તરફ તમિલ સેલ્વન આનંદનને પોતે જે પોલિટિકલ પાર્ટીનો સભ્ય છે, એની એક સભામાં લઇ જાય છે, જેમાં પાર્ટીના મુખ્ય લીડર અય્યા વેલ્લુંથંબી ભાષણ આપતા હોય છે. આનંદન આ પાર્ટીના વિચારો અને એને મળી રહેલા લોકસમર્થન થી પ્રભાવિત થઇ પાર્ટીમાં જોડાઈ જાય છે. અને આ સમયગાળામાં બંને મિત્રોના લગ્ન થાય છે. આનંદનનાં ગામડાની ગોરી પુષ્પાવલ્લી સાથે ધાર્મિક રિતીરિવાજોથી થાય છે, અને તમિલ સેલ્વન પાર્ટી પ્રમુખના આશીર્વાદથી માર્ગથમ સાથે થાય છે. લગ્નના થોડા સમયમાંજ આનંદન જે ફિલ્મમાં હીરો તરીકે કામ કરતો હતો એ ફિલ્મને પડતી મુકવામાં આવે છે. આ સમાચાર આનંદન માટે આઘાતજનક હોય છે. હીરો માંથી એક્સ્ટ્રા ના રોલ કરવા લાગેલો આનંદન ધીમે ધીમે ડિપ્રેશનમાં જવા લાગે છે. એક સમયે એ એની પત્ની પુષ્પાવલ્લીને પણ પોતાના ઘરે મોકલી દે છે. જે ત્યાંજ બીમારીના લીધે મૃત્યુ પામે છે.
આનંદનને થોડા સમય પછી એક બીજી ફિલ્મમાં હીરો બનવા માટે આમંત્રણ મળે છે. અને આ ફિલ્મમાં ફરી એક વાર આનંદન એના મિત્ર તમિલ સેલ્વનને ફિલ્મના ડાયલોગ અને ગીતો લખવા આમંત્રણ આપે છે. અને તમિલ સેલ્વન પોતાની પત્ની અને નવજાત બાળકને છોડી આનંદન ની મદદ માટે આવે છે. આનંદન અને રમણી ની આ ફિલ્મ સુપરહિટ જાય છે અને આનંદન તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જામી જાય છે, અને એની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી જાય છે. તમિલ સેલ્વન આનંદનને પોતાની આ લોકપ્રિયતાને પાર્ટીના પ્રચાર પ્રસાર માટે ઉપયોગમાં લેવા કહે છે.
આ તરફ આનંદનની અને રમણી સાથે સાથે ફિલ્મો કરતા એકબીજાની નજીક આવવા લાગે છે જે રમણીના કાકા ને પસંદ નથી. એટલે એ રમણી સાથે જબરજસ્તી કરે છે અને એને મારે છે. અને રમણી એનાથી બચવા આનંદન પાસે મદદ માંગે છે. અને એકલો રહેતો આનંદન રમણી સાથે લગ્ન કરી લે છે. આ તરફ આનંદનની લોકપ્રિયતાથી પ્રભાવિત થઇ પાર્ટીના લીડર અય્યા વેલ્લુંથંબી આનંદનને ચૂંટણી લડવાનું કહે છે, જે વાત તમિલ સેલ્વનને પસંદ નથી. એના મુજબ આનંદન એક “સામાન્ય” ફિલ્મસ્ટાર છે અને એ પાર્ટી અને એના આંદોલન માટે એટલો સમર્પિત નથી.
ચૂંટણી ના થોડા સમય પહેલા જ આનંદનને એક ફિલ્મના શૂટિંગ વખતે ગળા પાસે ગોળી વાગે છે. આ અકસ્માતનો લાભ વેલ્લુંથંબી ની પાર્ટીને ખુબ સારી રીતે મળે છે. પણ વેલ્લુંથંબી ઉંમર અને નાદુરસ્ત તબિયતના લીધે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લે છે અને આનંદનની મદદથી તમિલ સેલ્વન તમિલનાડુનો મુખ્યપ્રધાન બને છે. આ પહેલા એક આંદોલન દરમ્યાન એક સાહિત્યપ્રેમી યુવતી સેંથામારાઈ તમિલ સેલ્વન ના પ્રેમમાં પડે છે અને તમિલ સેલ્વન અને સેંથામારાઈ વચ્ચે લગ્નેતર સંબંધો પણ બંધાય છે. આ તરફ રમણી પણ લગ્ન પછી નિવૃત્તિ લઇ લે છે અને આનંદન ની નવી હિરોઈન ની શોધ ચાલે છે. આ શોધ દરમ્યાન આનંદનને એક નવી અભિનેત્રી મળે છે, કલ્પના (ઐશ્વર્યા રાય, જયલલિતા થી પ્રેરિત) જે દેખાવે એકદમ પુષ્પાવલ્લી જેવીજ હોય છે પણ સ્વભાવે પુષ્પાવલ્લી થી સાવ વિપરીત. અને આનંદન અને કલ્પના વચ્ચે પણ નજ્દીકીઓ વધતી જાય છે.
એક તરફ આ બંને મિત્રો નો પ્રેમ અને પાવર વધતો જાય છે અને બંને વચ્ચેની દોસ્તી ઓછી થતી જાય છે. મુખ્યમંત્રી બન્યા પછી તમિલ સેલ્વન આનંદનને એક ખતરો ગણતો આવ્યો છે. અને એટલે જ એ આનંદનની કેબિનેટ મિનિસ્ટ્રી ની માંગને ફગાવી દે છે જેનું વચન વેલ્લુંથંબી એ આપ્યું હતું. પહેલા તો આનંદન આ વાત ને હળવાશથી લે છે, પણ જયારે વેલ્લુંથંબી ને અંજલિ આપતી સભામાં આનંદન પાર્ટી વિષે અમુક કડવા સત્ય બોલે છે ત્યારે તમિલ સેલ્વન એને પાર્ટીમાંથી કાઢી મૂકે છે. આનંદન પોતે પોતાની નવી પાર્ટી શરુ કરે છે અને તમિલ સેલ્વન અને એની સરકાર, અને એના ભ્રષ્ટાચાર સામે જાહેર સભાઓમાં અને પોતાની ફિલ્મોની મદદથી પ્રચાર શરુ કરે છે.
આનંદનનો પ્રચાર અને તમિલ સેલ્વનના કુસાશનના લીધે તામિલનાડુમાં સત્તા પરિવર્તન થાય છે અને આનંદન ભારે બહુમતીથી તામિલનાડુનો મુખ્ય પ્રધાન બને છે. અને આના લીધે બંને મિત્રો, અને બંનેની પાર્ટીઓ વચ્ચે કડવાટ ઉભી થાય છે. એક તબક્કે આનંદન પોતાના મિત્ર-શત્રુ તમિલ સેલ્વન ને હુલ્લડ મચાવવા ના આરોપમાં જેલમાં પણ પુરી દે છે. ધીરે ધીરે લોકોને એવું ભાન થવા લાગે છે કે આ બંને મિત્રોની સરકારો કુસાશન અને ભ્રષ્ટાચારના મામલે એક બીજાને ચાર ચાસણી ચડે એમ છે.
આવા સમયે તમિલ સેલ્વન પોતાની પત્નીને છોડી સેંથામારાઈ સાથે રહેવા લાગે છે અને એ બન્નેને એક પુત્રી પણ છે. પણ આનંદન અને કલ્પના વચ્ચે દુરીઓ એ હદ ની વધે છે કે કલ્પના આનંદન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દૂર સામાજિક કાર્ય કરવા લાગે છે. એક આફતના રાહત કાર્ય દરમ્યાન આનંદન અને કલ્પના ફરીવાર મળે છે અને આનંદન પોતાના મિત્ર અને સહમંત્રી નામ્બીને કલ્પનાને લેવા મોકલે છે. રસ્તામાં નામ્બી અને કલ્પનાનું અકસ્માત દરમ્યાન મૃત્યુ થાય છે.

આ ઘટનાઓના થોડા સમય પછી વેલ્લુથંબી ની પૌત્રીના લગ્ન પ્રસંગે આનંદન અને તમિલ સેલ્વન ની મુલાકાત થાય છે. આ લગ્ન એ જ જગ્યાએ ગોઠવાયા હોય છે જ્યાં આ બંને મિત્રોની પહેલી વાર મુલાકાત થઇ હોય છે. અને આ મુલાકાત બન્ને ને યાદોના મીઠા સંભારણા આપે છે. અને આ સંભારણાંની તમિલ સેલ્વનને ખાસ જરૂર હોય છે કારણકે આનંદનનું એજ રાત્રે હાર્ટ એટેકના લીધે મૃત્યુ થાય છે.
તમિલ સેલ્વન પોતાના મિત્રને છેલ્લી વાર જોવા માંગે છે પણ એની હાજરીના લીધે ટોળાના બેકાબુ થવાના ડર ના લીધે એને ત્યાંથી જવાનું કહેવામાં આવે છે. દુઃખી તમિલ સેલ્વન એ જગ્યાએ જાય છે જ્યાં આ બંને મિત્રો પહેલી વાર મળ્યા હતા. ત્યાં જઈ એક મોનોલોગમાં પોતાના મૃત મિત્રને એક કવિતા દ્વારા અંજલિ આપે છે. અને આનંદનના અંતિમ સંસ્કાર સાથે આ ફિલ્મ પુરી થાય છે.
રીવ્યુ
મણિરત્નમની ફિલ્મ હોય એટલે એમાં અમુક તત્વો ખાસ હાજર હોય છે. જેમાં મજબૂત પાત્રો, સત્ય અને કલ્પનાનું મિશ્રણ, વાર્તાની સાથે સાથે ચાલતું સંગીત અને લાર્જર ધેન લાઈફ વાર્તા ને સૂક્ષ્મતા થી દેખાડવાની આદત ખાસ છે. અને ઈરુવરમાં પણ આવા તત્વો ભરેલા છે. બીજી બધી ફિલ્મો થી વિપરીત મણિરત્નમ ની ફિલ્મોમાં બે પાત્રો વચ્ચેનો પ્રેમ, મિત્રતા કે દુશ્મની તરત સ્થાપિત થઇ જાય છે. અને વાર્તાનો બાકીનો અને મુખ્ય સમય મૂળ મુદ્દાને મળી શકે. ઈરુવરમાં એક થી વધુ વાર આવું થયું છે. આનંદન અને તમિલ સેલ્વન વચ્ચેની મિત્રતા, આનંદનના પુષ્પાવલ્લી, રમણી કે કલ્પના સાથેના પ્રેમ સંબંધ, તમિલ સેલ્વન અને સેંથામારાઈ વચ્ચેના સંબંધ આ બધું ઈરુવરમાં બહુ જલ્દીથી અને સારી રીતે સ્થાપિત કરવામાં આવ્યું છે. અને તામિલનાડુના રાજકારણની વાર્તા ઉપર બહુ સરસ અને પૂરું ધ્યાન આપ્યું છે.
એક સરસ વાર્તાના પાત્રોને સારા કલાકારો જ ન્યાય આપી શકે. અને ઈરુવરને એક સારી કાસ્ટનો સરસ લાભ મળ્યો છે. પ્રકાશ રાજ તમિલ સેલ્વન તરીકે એકદમ જામે છે, ફાયર બ્રાન્ડ યુવાન કવિ થી લઈને એક ધીટ મુખ્યમંત્રી અને એ વચ્ચે એક સમર્પિત પાર્ટી કાર્યકર્તા તરીકે એની એક્ટિંગ સરસ છે. અભિનેત્રીઓમાં રેવતી, ગૌતમી અને તબુએ પણ એના ફાળે આવેલા નાના પણ મજબૂત પાત્રોને સારી રીતે ભજવ્યા છે. પણ સહુથી વધારે ધ્યાન ખેંચે છે પોતાની પહેલી ફિલ્મ કરી રહેલી ઐશ્વર્યા રાય જેણે ગ્રામીણ અને શાંત એવી પુષ્પાવલ્લી અને શહેરી અને કેર ફ્રી એક્ટ્રેસ કલ્પના બંને પાત્રોમાં જીવ રેડી દીધો છે.
અને આ ફિલ્મના ખરા હીરો મોહનલાલ છે જેણે આનંદનને બહુ સારી રીતે નિભાવ્યા છે. યુવાન અને આશાવાદી આનંદન, પત્નીના મૃત્યુ અને ફિલ્મ જતા રહેવાથી દુઃખી થયેલો આનંદન, પોતાના પાવરને ચાખી ગયેલો રાજકારણી આનંદન અને આ બધા વચ્ચે ફિલ્મ સ્ટાર આનંદન આ બધા લેયર્સને મોહનલાલે આત્મસાત કરી દીધા છે. મોહનલાલ ની જોરદાર એક્ટિંગનો એક નમૂનોનીચેના ગીતમાં છે જ્યાં આનંદન કલ્પનાને પહેલી વાર જુએ છે. કલ્પનાને જોયા પછી આનંદનના ચહેરા પર કઈ રીતે અગવડતા, કન્ફ્યુઝન, દુઃખ અને બીજા અનેક ભાવો આવે છે એ જોવા જેવું છે. ઈન-ફેક્ટ આનંદનના પાત્રને એવું ઝીણવટ થી બનાવવામાં આવ્યું છે કે એક સમયે આ ફિલ્મનું નામ ઈરુવર ના બદલે આનંદન હતું.
પણ ઈરુવરના ખરા સ્ટાર છે ડિરેક્ટર મણિરત્નમ, જે Show, don’t tell માં માને છે. કોસ્ચ્યુમ, સેટ્સ, રંગો ની મદદથી 1950-80 ના દશક સુધીનો સમયગાળો ઈરુવર માં બહુ સરસ રીતે દેખાડ્યો છે. કપડાના રંગ થી બે પાત્રો વચ્ચેના મતભેદ દેખાડવા, કે કેમેરાની મુવમેન્ટથી પાત્રોના મનોભાવોને દેખાડવામાં મણિરત્નમ કુશળ છે. અને ઈરુવર આ વાતનું વધુ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. સિનેમેટોગ્રાફર સંતોષ સીવન પાસે થી સ્પેશિયલ લેન્સ ની મદદથી જૂની ફિલ્મોનો સમયગાળો અને આખા ભારતના એક્સટીરિયર દ્રશ્યો બહુ સારી રીતે દર્શાવ્યા છે.
ઈરુવર પર મારુ ધ્યાન ગયું એ આર રહેમાન ના સંગીત ના લીધે. 96-97 ના સમયગાળામાં સિન્થેસાઇઝર અને વેસ્ટર્ન વાજિંત્રો થી હમસે હૈ મુકાબલા, રંગીલા, દૌડ જેવા મારફાડ અને યુવાનોને ગમે એવા ગીતો આપતા રહેમાન પાસે એ સમયગાળાનું સંગીત જેમાં સેમી ક્લાસિકલ ગીત હોય, જેઝ અને બ્લ્યુઝ જેવા 60-70 ના દશક સુધી લોકપ્રિય રહેલા જેનરના ગીતો હોય કે સાવ સંગીત વગરનું કાવ્યપઠન, રહેમાનનાં સંગીતે આ બધાને સરસ ન્યાય આપ્યો છે. ઉપર દેખાડેલું ગીત હેલો મિસ્ટર એડિરકટચ, નરમુગયે, આશા ભોંસલે એ ગાયેલું વૅનિલા વેનીલા જેવા ગીતો તમિલ નો ત ય ના આવડતું હોય તો ય સાંભળવા (અને અમુક કેસમાં જોવા) લાયક બન્યા છે.
ઈરુવર ને તમિલ સિનેમાની શ્રેષ્ઠતમ ફિલ્મો માંથી એક ગણવામાં આવે છે. ઇવન ભારદ્વાજ રંગન સાથેની મુલાકાતોમાં મણિરત્નમે ઈરુવરને પોતાની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવી હતી. પણ આ ફિલ્મ એ સમયના તમિલ એક્શન, મારફાડ કોમેડી જેનર થી દૂર એક સાદી અને અમુક લોકોના મતે “ટોકેટિવ” ફિલ્મ છે. આ ફિલ્મ દરેકને નહિ ગમે. એ સમયે પણ લોકોને ઈરુવર ગમી ન હતી. MGR, કરુણાનિધિ અને જયલલિતા ની વાર્તા સાથે સામ્ય હોવાના લીધે ઈરુવર એ સમયે બહુ વિવાદો માં ફસાઈ હતી. કદાચ એટલેજ પોંન્ગાલ જેવા મોટા તહેવારના દિવસે રિલીઝ થઇ હોવા છતાં, અને મોહનલાલ જેવા સુપરસ્ટાર ના હોવા છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઠીકઠાક પ્રદર્શન કર્યું હતું. પણ ઈરુવર અત્યારે ફિલ્મ પ્રેમીઓમાં એક કલ્ટ સ્ટેટસ ભોગવે છે. અને જો તમને ટોકેટિવ ફિલ્મો જોવામાં વાંધો ન હોય તો ઈંગ્લીશ સબટાઈટ્લ સાથે પ્રાઈમ વિડીયો પર ઈરુવર જોવાની તમને પણ મજા આવશે.
આવી બીજી કોઈ કૃતિના રીવ્યુ કે બીજા કોઈ લેખ સાથે મળતા રહીશું.
અને ત્યાં સુધી
મે ધ શક્તિ બી વિથ યુ…..
eછાપું