પક્ષ પલટો: અસંતોષ વધી જતા કોંગ્રેસે વડોદરા જીલ્લા પંચાયત ગુમાવી

0
98
Photo Courtesy: zeenews.india.com

ગુજરાતમાં કોંગ્રેસના ખરાબ દિવસો પુરા થવાનું નામ નથી લેતા. આજે એક ઘટનાક્રમમાં કોંગ્રેસે વડોદરા જીલ્લા પંચાયત પોતાના આંતરિક અસંતોષને કારણે ગુમાવી હતી અને હવે અહીં ભાજપનું શાસન આવી ગયું છે.

Photo Courtesy: zeenews.india.com

વડોદરા: કોંગ્રેસે આજે વડોદરા જીલ્લા પંચાયત પરનો કબજો ગુમાવ્યો હતો. આજે વડોદરા જીલ્લા પંચાયતના પ્રમુખ માટેની ચૂંટણી હતી જેમાં કોંગ્રેસના બળવાખોર નેતા ઇલાબેન ચૌહાણને પ્રમુખપદે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

ઇલાબેનના પક્ષમાં કુલ 36માંથી 26 મત પડ્યા હતા અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપના જીલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે ઇલાબહેનને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો.

અગાઉ વડોદરા જીલ્લા પંચાયતમાં 22 સભ્યો કોંગ્રેસના અને 14 સભ્યો ભાજપના હતા. આમાંથી 14 કોંગ્રેસ સભ્યોએ પક્ષ વિરુદ્ધ બળવો પોકારતા હાલના જીલ્લા પંચાયત પ્રમુખ પન્નાબેન ભટ્ટના હાથમાંથી પ્રમુખપદ જતું રહ્યું હતું.

સામેપક્ષે ઇલાબેન ચૌહાણે 19 સભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો અને તેમને 12 સભ્યોનું સમર્થન હાંસલ થયું હતું. નવા પ્રમુખની ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

જાણવા મળ્યા અનુસાર પન્નાબેન ભટ્ટ વિરુદ્ધ કોંગ્રેસમાં જબરો અસંતોષ વર્તાઈ રહ્યો હતો. પન્નાબેન ભટ્ટ છેલ્લા એક વર્ષથી જીલ્લા પંચાયત પ્રમુખ હતા અને તેમની સામે કોંગ્રેસના 10 અને ભાજપના 14 એમ કુલ 24 સભ્યોએ DDOને અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી.

વડોદરા જીલ્લા પંચાયતનો વહીવટ પન્નાબેનના નામે તેમના પતિ દિલીપ ભટ્ટ કરતા હોવાનો આરોપ કોંગ્રેસના બળવાખોર સભ્યો લગાવતા રહ્યા હતા. ગઈકાલ સુધી પન્નાબેન અસંતોષી સભ્યોને મનાવી લેવામાં આવશે તેમ કહી રહ્યા હતા પરંતુ તેમનો એ દાવો આજે સદંતર ખોટો પડ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here