ઈરાકના કુર્દ લોકોની અનોખી વાર્તા ‘વિષાદી ધરાનો પ્રેમ’: પશમરગા – 3

0
194
Photo Courtesy: againstthecompass.com

વાત છે ઈરાકની — એક એવો દેશ જ્યાં સદ્દામ હુસૈનની બાથ પાર્ટીનુ રાજ આવ્યુ તેની પણ પહેલાના સમયથી ઉત્તરની મૂળ નિવાસી કૂર્દ પ્રજા અને મધ્ય-દક્ષિણ ઈરાકના અરબો વચ્ચે ખટરાગ ચાલ્યા કરે છે. નિરસ પ્રકૃતિ ધરાવતા મેદાની અરબીઓ રંગીન મિજાજી પહાડી કૂર્દિશ પ્રજાને દબાવી રાખવાના બનતા બધા પ્રયત્નો કરતા આવ્યા છે. એવા કૂર્દ પ્રજા પ્રત્યે ભારોભાર નફરતથી ભરેલા ઈરાકના બગદાદની હું એક નાનકડી કૂર્દિશ છોકરી છુ — જોઆનાઅને છે મારી વાર્તા…

Photo Courtesy: againstthecompass.com

જેમ જેમ અમારી ટેક્સી ઘરથી દૂર થતી ગઈ, હું ડોક લંબાવીને ટેક્સીના કાચમાંથી જ્યાં સુધી એમનો ચહેરો દેખાયા કર્યો ત્યાં સુધી એમની તરફ જોતી રહી. એમની ભૂરી આંખો પટપટાવીને એ પણ મારી સામે છે..ક સુધી હસતા રહ્યા. છેલ્લે જ્યારે નીચેથી કંઈક લેવા એ વાંકા વળ્યા ત્યારે એમનુ માથુ મારી સામે દેખાયુ. એમના ખુલ્લા ઝુલ્ફામાંથી કેટલાક વાળ એમના માથે ચોંટી ગયેલા લાગ્યા. શક્ય છે, ભારે બેગો લાવીને મૂકવામાં એમને મહેનત કરવી પડી હશે અને એને લીધે એમને માથે પરસેવો વળી ગયો હશે. મને ક્ષણભર માટે તો એમની તબિયત માટે ચિંતા થઈ આવી. પણ, બીજી જ ક્ષણે મેં એ વિચાર ખંખેરી નાખ્યો, મને ખાતરી હતી કે એમની તબિયત સારી જ રહેશે, અમારે ચિંતા કરવા જેવુ કંઈ નથી. અને આમેય તે અમારી ટેક્સી હવે બગદાદના બપોરના ભારે ટ્રાફિકમાં દાખલ થઈ ચૂકી હતી.

બગદાદ બીજા મોટા શહેરોની માફક નાનકડા ગામમાંથી વિકસીને બનેલુ શહેર નથી. બગદાદની બાંધણી સુનિયોજીત રીતે કરવામાં આવી છે. ઈ.સ. 762માં તે સમયના ખલીફા અબુ જફર અલી-મન્સુરને રાજધાની માટે એક ખાસ અલાયદુ વિશાળ શહેર બનાવવાનો ખ્યાલ આવ્યો અને એમણે તૈગ્રીસ નદીને કિનારે એકબીજાની અંદર આવેલા ત્રણ વિશાળ વર્તુળોની બાંધણીમાં આ બગદાદ શહેર વિકસાવ્યુ. સૌથી અંદરના વર્તુળમાં રાજકર્તાની બેઠક હતી અને સૌથી બહારના વર્તુળમાં સામાન્ય પ્રજા રહેતી, તો વચ્ચેના વર્તુળમાં બજારો અને ઉચ્ચકૂળના લોકોને રહેવાના આવાસો હતા. જો કે, આજનુ બગદાદ તો આ વ્યવસ્થિત બાંધણીથી કંઈ કેટલુય વિસ્તરી ચૂક્યુ છે. પણ, એમાં એ એની મૂળ ખુબસૂરતી પણ ગુમાવી ચૂક્યુ છે. આજના બગદાદમાં માત્ર કેટલાક મુખ્ય રસ્તાઓ છોડીને બાકીનુ આખુ શહેર અંધાધૂંધીથી ભરેલુ છે. અમારા ટેક્સી ડ્રાઈવરને પણ એની ટેક્સી ચલાવવા બીજી ગાડીઓ, માણસોના ટોળા, ગધેડા-ગાડીઓ અને મીની બસો જેવા કેટલાય વાહનોની અંધાધૂધીમાંથી કરવો પડતો હતો.

બગદાદના રસ્તાઓ પર ઠેકઠેકાણે પશ્ચિમી કંપનીઓની પ્રોડક્ટની જાહેરાતોના બોર્ડ લાગેલા હતા, તો કેટલાક હોર્ડિંગોમાં સરકારી વાહ-વાહી પણ દર્શાવી હતી કે અત્યારની બાથ પાર્ટીની સરકારમાં પ્રજા કેટલી ખુશ છે. ચારેક વર્ષ પહેલા 1968માં બાથ પાર્ટીએ બળવો કરીને દેશમાં પોતાની સરકાર રચીને સત્તા હાસિલ કરી હતી. મારો ભાઈ રા’દ આ પાર્ટીને મજાકમાં “કમ-બેક કીડ્સ” કહેતો કારણકે આ પહેલા 1963માં પણ બાથ પાર્ટી સત્તામાં આવી હતી પણ અરાજક વહીવટ અને લોકોની નારાજગી; દ્વેષ-પ્રેરિત દેખાવોને પગલે પાર્ટી એ થોડા જ સમયમાં સત્તા ગુમાવવી પડી હતી. પણ, લોકોનુ માનવુ હતુ કે આ વખતે તો પાર્ટીએ જબરો અડીંગો જમાવ્યો છે. અને કોઈ કાળે સત્તા છોડે એમ નહોતુ લાગતુ.

આટલી નાની ઉંમરમાં મને રાજકારણમાં તો કંઈ ગતાગમ નહોતી પડતી પણ એટલી ચોક્કસ ખબર હતી કે 1958ની ક્રાંતિકારી ચળવળના ઘણા માઠા પરિણામો દેશને ભોગવવા પડ્યા હતા. અમારા જ કુટુંબની વાત કરીએ તો અમારા કેટલાય કુટુંબીઓએ એ ચળવળમાં પોતાના જીવથી હાથ ધોઈ નાખ્યા હતા તો મારા પિતાએ પણ પોતાનો ધીકતો ધંધો ગુમાવવો પડ્યો હતો. હું નાની તો હતી, પણ મારી ઉંમરના બીજા બાળકો કરતા આવા વિષયોમાં કંઈક વધારે પડતો ચંચૂપાત કરતી હતી. બીજી કંઈ તો નહી પણ એ બાબતની ખાસ ખબર પડતી હતી કે, અમારા મોટેરાઓને આ વખતની આ બાથ-પાર્ટીની સરકાર માટે ઘણી આશાઓ હતી. બીજુ ભલે કંઈ ના થાય પણ વારેઘડીએ થતા સત્તાપલટા  અને તે સમયે થતી ઉથલપાથલો બંધ થઈ જાય એ પણ ઘણુ હતુ. પણ, 1972ના જુલાઈના એ બળબળતા દિવસે કોઈને પણ એ વાતની કલ્પના નહી હોય કે આ જ આશાસ્પદ બાથ-સરકાર ઈરાકીઓ માટે કેવા કેવા ત્રાસદાયી અને હ્રદયદ્રાવક દિવસો લઈને આવવાની છે.

બગદાદથી સુલેમાનિયા જવા માટે ઉત્તરી ઈરાકના બીજા મોટા શહેર કિરકૂક થઈને જ જવુ પડે. પહેલાના વેકેશનોમાં તો અમે બગદાદથી કિરકૂક સુધી ની સફર ટ્રેઈનમાં કરતા અને ત્યાંથી આગળ સુલેમાનિયા સુધી પ્રાઈવેટ કારમાં જતા. પણ, આ વખતે પૈસા બચાવવા જરૂરી છે, એટલે અમે ભાડાના પૈસા બચાવવા માટે થઈને બગદાદથી છે….ક સુલેમાનિયા સુધીની મુસાફરી મીનીબસમાં જ કરવી એમ મા એ નક્કી કર્યુ. બગદાદના ડાઉનટાઉન વિસ્તારમાં આવેલા નાહ્દા બસસ્ટેશનથી અમને સુલેમાનિયાની બસો મળી રહે. અમે ટેક્સી સીધી નાહ્દા લેવડાવી અને જેવા ટેક્સીની બહાર નીકળ્યા કે અમે બહારના ઘોંઘાટથી ઘેરાઈ ગયા. સા’દ; રા’દ અને અઝીઝમામા એ થઈને અમારો સામાન ટેક્સીમાંથી નીચે ઉતાર્યો અને ક્યાંકથી એક મજૂર-કૂલી પણ આવી ગયો ને એણે નજીવી રકમના બદલામાં અમારો સામાન છેક બસની અંદર સુધી મુકવાની જવાબદારી લઈ લીધી અને અમારી સવારી ચાલી સુલેમાનિયા જતી બસોના સ્ટેશન પર.

ત્યાં ઘણી બધી મીની બસો આડી અવળી પાર્ક કરેલી હતી.. અમે એના પર નજર ફેરવતા હતા એવામાં એક ટાલિયા બુઝૂર્ગ ડ્રાઈવરે અમને ઝડપી લીધા. એના મોં પર ભરાવદાર લાંબી મુછો એના ગાલથી યે નીચે ઢળી પડતી હતી. એની વાત કરવાની રીત બહુ જ વિવેકી હતી; થોડો મળતાવડો પણ હતો. એણે અમને કીધુ કે એને આ રૂટનો ઘણો અનુભવ છે; અમને બીજા ડ્રાઈવરો કરતા કલાક વહેલા પહોંચાડવાની વાત પણ એણે કરી. એણે અમને એની બસમાં મુસાફરી કરવા માટે મનાવવાના બધા પ્રયત્નો કર્યા.. અરે એણે તો 12 વર્ષથી નીચેના બાળકો માટે મફત મુસાફરી ની ઑફર કરી. અને અમે એની વાતો માની પણ ગયા. અને એની બસમાં રાજીખુશીથી મુસાફરી કરવા તૈયાર થઈ ગયા. અમારે આર્થિક તકલીફતો કાયમને માટે રહેતી હતી; મારી ઉંમર અને દેખાવને લીધે મારુ ભાડુ તો ચુકવવાનુ જ નહોતુ. મારી મોટી બહેન મુના ભલે 12 વર્ષથી મોટી હતી પણ એ એટલી બધી નબળી હતી કે સાવ નાની લાગતી હતી એની ટિકીટ પણ મફત થઈ જાય એમ હતુ. પણ, મારી મા જૂઠ્ઠુ બોલવાની તદ્દન વિરોધી હતી એણે મુના સહિત બાકીનાનુ ભાડુ ચૂકવી દીધુ.

અને ભલે પુરતા પેસેન્જર નહોતા થયા પણ અમારી બસેય તે ચાલવા લાગી. એ બસ સાવ જૂની ને ખખડધજ હતી, હજુ તો સ્ટેશનની બહાર પણ નહી નીકળ્યા હોઈએ, પણ બસનો ખડખડાટ ચાલુ થઈ ગયો હતો. ફરી એકવાર અમે બગદાદ શહેરની ધમાલમાંથી માર્ગ કરવા લાગ્યા. નાહ્દા અને એની આસપાસનો ડાઉનટાઉન વિસ્તાર બગદાદની સૌથી પુરાણી બજારો અને જૂની ધુમાડા ઓકતી ચીમનીઓવાળી ફેક્ટરીઓનો વિસ્તાર પણ છે. જલ્દીથી આ બધા ધમાલ ભર્યા વાતાવરણમાંથી બહાર નીકળીને નવા જ બનેલા કિરકુક હાઈવે નં 4 પર આવી ગયા. આ હાઈવે આધુનિક હતો અને છેક સુલેમાનિયા સુધી અમારે આ જ હાઈવે પર સફર કરવાની હતી… મને તો મારે મોસાળ જવાની તાલાવેલી હતી… જાણે એ મને સાદ પાડતુ હોય.!!

અમારી આ ખખડધજ મીની બસમાં આરામથી 25 જણા મુસાફરી કરી શકે એમ હતા પણ ડ્રાઈવરે અમારા સહિત માત્ર 11 મુસાફરો લઈને બસ ચલાવી દીધી. મારી માને અને મોટાભાઈ રા’દને આમાં કંઈક તો અજૂગતુ લાગ્યુ અને રા’દે તો લાગલુ ડ્રાઈવરને પૂછી પણ લીધુ કે “આમ કેમ?”. પણ ડ્રાઈવરે આંખ મિચકારીને જવાબ ઉડાવી દીધો.

“કંઈ નહી, એમાં શુ? આપણને બેસવા માટે એટલી વધારે જગ્યા મળશે”, મુના હળવુ સ્મિત કરતા ધીમે સાદે બોલી ઉઠી. અને આમે ય તે એની વાત કંઈ ખોટી નહોતી. મારી મોટી બહેન મુના બહુ જ નાજૂક; શરમાળ અને બીકણ છે. અમારા આખાય કુટુંબમાં બધાયને સતત એમ લાગ્યા કરતુ કે મુનાને એમના કાયમી રક્ષણની જરૂર પડશે. પણ એનો જ જોડીયો ભાઈ સા’દ તેનાથી તદ્દન વિરોધાભાસ ધરાવતો હતો. સા’દ વાને શામળો, મજબૂત બાંધાનો અને જોરદાર જિગર વાળો હતો. તો સામે છેડે મુના રૂની પૂણી જેવી ધોળી, નાજૂક અને હદની બહાર કહ્યાગરી હતી. એ બંને એકબીજાથી એટલા વિરૂધ્ધ દેખાવ અને સ્વભાવના હતા કે જ્યારે અમે કોઈને કહીએ ને કે આ બંને જોડિયા ભાઈ-બહેન છે તો લોકો અમારી પર હસતા.. અને જાણે અમે એમની મજાક કરતા હોઈએ એવુ સમજતા.

ઈરાકના કુર્દ લોકોની અનોખી વાર્તા ‘વિષાદી ધરાનો પ્રેમ’ શ્રેણી: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here