શશશઅઅઅ….. શેરબજારમાં કરવામાં આવતા રોકાણ અંગે નહીં બોલાતું સત્ય

0
212
Photo Courtesy: retailworldmagazine.com.au

જો તમને શેરબજારમાં રોકાણ કરવું હોય તો તમને બધા જ બધી સલાહો નહીં આપે, જેને કારણે તમારે શેરબજારમાં ક્યારે, કેટલું અને કેટલા સમય સુધી રોકાણ કરવું કે ન કરવું તેનો ખ્યાલ આવી શકતો નથી.

Photo Courtesy: retailworldmagazine.com.au

શેરબજાર હોય કે અન્ય કોઈપણ ક્ષેત્ર જયારે આપણે સફળ વ્યક્તિની સિધ્ધિઓ અંગે સાંભળીએ છીએ ત્યારે એમ થાય કે “ કાશ ..હું એમની જગ્યાએ હોત.” પરંતુ એમની એ સફળતા પાછળ એમણે કેટલો ભોગ આપ્યો અને મહેનત કરી એની ભાગ્યે જ કોઈને જાણ હોય છે.

તમે લિયોનેલ મેસીને તો ઓળખતા જ હશો? વિશ્વનો સૌથી મોંઘો ફૂટબોલ ખેલાડી જેની વાર્ષિક આવક 111 મિલિયન ડોલર છે એને એક પત્રકારે પૂછ્યું કે, “તમારી સફળતાનું રહસ્ય શું?” તો એણે જવાબ આપ્યો “દિવસરાત એક પછી એક વર્ષ વહેલી સવારે શરુઆત કરું છું અને છેક મોડે સુધી મેહનત કરું છું અને આમ કરતા કરતા મને સફળ થવામાં 17 વર્ષ 114 દિવસ લાગ્યા.”

ઘણાને ખબર નહિ હોય મેસીને ઘણી બીમારીઓ હતી. 10 વર્ષની ઉમરે એ ગ્રોથ હોર્મોન ડેફીસીયન્સીનો ભોગ બન્યો હતો અને એ સમયે એના કુટુંબ પાસે એની સારવારના પૈસા પણ નહોતા. પરંતુ જયારે એ 2002માં રોયલ સ્પેનીશ ફૂટબોલ ફેડરેશનમાં દાખલ થયો ત્યારે એ ગ્રોથ હોર્મન ડેફીસીયન્સીની સારવાર કરી શક્યો અને આમ યુવાનોની સ્પર્ધામાં ભાગ લેતાં લેતાં એણે ઈતિહાસ રચ્યો.

સૌથી સફળ ફૂટબોલ ખેલાડીની જેમ રોકાણની દુનિયામાં પણ વોરન બફે, પીટર લીચ, બેન્જામીન ગ્રેહામ અને ચાર્લી મુંગર જેવા ઘણાં સફળ રોકાણકારો થયા આપણે એમની અનન્ય સફળતા વિષે જાણીએ છીએ પરંતુ એમના રોકાણ દરમ્યાનની એમની ચઢઉતર ભાગ્યે જ કોઈને દેખાય છે.

ઘણાં રોકાણકારો માને છે કે શેરબજારમાં રોકાણ કરવું એ જુગારમાં જેકપોટ જીત્યા બરોબર છે અને જયારે એમાં તેઓ નિષ્ફળ જાય છે ત્યારે શેરબજારને અથવા પોતાના નસીબને દોષ આપે છે. પરંતુ તેઓ રોકાણમાં સફળ થવા પાછળનાં ઉતારચઢાવના સત્યો નથી જાણતા હોતા.

જો આપણે શેરબજારનો ઈતિહાસ જોઈશું તો ખ્યાલ આવે છે કે એ હંમેશા ચકડોળની જેમ ઉપર નીચે થયા કરે છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 3 જુન 2019માં 40,309  થયો પરંતુ એની 100 પોઈન્ટની સફરની શરૂઆતથી એણે ક્યારેય સીધી લીટીમાં ચઢાણ નથી કર્યું

સેન્સેકસને 1990માં 1000ના આંક સુધી પહોચતાં 11 વર્ષ લાગ્યા પરંતુ બીજા 3000 પોઈન્ટ પાર કરતાં એણે માત્ર એક વર્ષથી ઓછો સમય લીધો. સેન્સેક્સે 4000 થી 5000 નો આંક વટાવતા બીજા 6 થી 7 વર્ષ લીધા. આ એ સમય હતો જયારે IT ક્ષેત્રે જૂની ઇકોનોમીનું સ્થાન લીધું હતું.

2006માં સેન્સેક્સે 10,000 ની સપાટી તોડી અને 2007માં 20,000ના આંકે પહોચ્યો, પરંતુ 2008ની શરૂઆતમાં અમેરિકાના સબ-પ્રાઈમ ક્રાઈસીસે ઓક્ટોબર 2008માં 8500 અંક તુટ્યો એ પછીના પાંચ વર્ષમાં બજાર ધીમી ગતીએ વધ્યું અને 2014થી 2017ના આર્થીક સુધારાઓને લીધે 30,000ને આંબ્યો. 2019માં સ્થિર સરકાર અને મોદી સરકારની વાપસીએ સેન્સેક્સ 40,307 સુધી પહોચ્યો.

જી હા! 100 અંકથી શરુ થઇ 40,307 સુધીના એ સમય દરમ્યાન ઘણાં ત્રાસવાદી હુમલાઓ, ગ્લોબલ લીક્વીડીટી ક્રાઈસીસ, નાણાંકીય ગોટાળા, તેલના ભાવમાં વધારો, યુદ્ધ જેવા ઘણાં નકારત્મક પરિબળો આવ્યા એની વચ્ચે આ વધારો થયેલો છે.

રોકાણમાં થતી ભૂલો વાસ્તિવકતા છે અને થતી રહેવાની છે. ઘણીવાર આપણે એવા ધંધામાં રોકાણ કરીએ જે એ સમયે આકર્ષક લાગતો હોય પરંતુ કોઈક કારણોસર એ થોડાં સમયમાં નિષ્ફળ જાય આવા સમયે વાસ્તવિકતાનો સ્વીકાર કરી એમાંથી બહાર નીકળી જવું બહેતર છે પછી ભલે થોડું નુકશાન ભોગવવું પડે. વોરન બફે જેવા સફળ રોકાણકારોથી પણ ભૂલો થઇ છે અને એમણે એનો સ્વીકાર પણ કર્યો છે.

1993માં વોરન બફેએ “ડેક્સટર શુ કંપનીમાં 433 મિલિયન ડોલરનું રોકાણ કર્યું. 2007માં બફેએ શેરહોલ્ડરોને સંબોધતા કહ્યું કે એમનો એ નિર્ણય ભૂલભરેલો હતો અને એનાથી 3.5 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. રોકાણકારોને સંબોધતા એમણે કહ્યું કે “ડેક્સટર એ ખોટો નિર્ણય હતો ભૂલ હતી અને આવી ભૂલો ભવિષ્યમાં પણ થતી રહેશે.”

મારુતિ, MRF, પેજ ઇન્ડસ્ટ્રી જેવી કંપનીઓ શોધવી મુશ્કેલ છે પરંતુ એ માટે અફસોસ કરવાની જરૂર નથી. અહી વોરન બફેને ટાંકીએ તો 2017માં એમણે શેરહોલ્ડરોને કહ્યું કે “મેં ગુગલમાં શરૂઆતમાં રોકાણ નહિ કરીને ભૂલ કરી કે જયારે એ પાણીના ભાવે મળતો હતો અને એ પણ એની સાથી ગ્રુપ કંપની પાસેથી!”

વેલ્થ ક્રિએશન માટે હંમેશા લાંબાગાળાનું રોકાણ ફાયદાકારક રહે છે એ તો તમે જાણી જ ચુક્યા છો અને ક્યારેક આ લાંબોગાળો 4 થી 5 વર્ષ કરતાં વધુ રહે છે.

જયારે વોરન બફેને પૂછવામાં આવ્યું કે રોકાણ લાંબાગાળા માટે એટલે ચોક્કસ કેટલા સમય માટે ત્યારે એમણે જવાબ આપ્યો “મારો લાંબો ગાળો એટલે કાયમ માટે એમના મતે જો 10 વર્ષ સુધી તમે રોકાણ કરવાના ન હોવ તો એ શેર તમારે 10 મિનીટ પણ ન રાખવો જોઈએ.”

આમ રોકાણ માટેની ઘણી સચ્ચાઈઓ છે જે રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી છે. જેઓ આ નહિ જણાવેલી સચ્ચાઈઓ સમજે છે અને સ્વીકારે છે એ જ હંમેશા રોકાણમાં સફળ થાય છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here