इन आँखों की मस्ती के मस्ताने (6): દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ…

0
240
Photo Courtesy: india.com

એક તરફ અમિતાભ અને રેખા વચ્ચેના અફેરની ચર્ચા જગજાહેર હોય અને તો પણ જયા તે બંને સાથે સિલસિલામાં કામ કરવા માટે તૈયાર થાય ખરા? એવું તે શું બન્યું કે અમિતાભ અને જયા કાયમ માટે એકબીજાની સાથે થઇ ગયા અને રેખા અમિતાભથી સદા માટે દૂર થઇ ગઈ? ચાલો જાણીએ.

Photo Courtesy: india.com

ગયા અઠવાડિયે પૂછેલા પ્રશ્નનો જવાબ છે ફિલ્મ ‘કસ્મે વાદે’, જેમાં અમિતાભ-રાખી હતા પણ રેખાએ એક ગણિકાનો રોલ માટે એક ગીત કરેલું. (प्यार के रंगसे तु दिल को सजाये रखना…).

1980-83ના વર્ષોમાં અવ્વલ દરજ્જાના નિર્માતાઓ રેખાને ફિલ્મોમાં લેવા તૈયાર હતા. એક આદરણીય અને બોક્સ-ઓફિસ સેન્સેશન રેખા હજી તો 25-26 વર્ષની હતી પણ તેની કારકિર્દી ગગનચૂંબી હતી. દસ-બાર વર્ષ પહેલાંની ભાનુરેખા અને આજની રેખા વચ્ચે જમીન-આસમાનનો ફરક હતો. અમિતાભ અને મિડીયાને 36નો આંકડો હતો પણ મિડીયાને રેખા માફક આવી ગયેલી. જેવી જોઈએ તેવી ક્ન્ટ્રોવર્સી અને ન્યુઝ રેખા પાસેથી મળી રહેતાં.

1980માં અમિતાભની બે ફિલ્મો ‘રામ બલરામ’ અને ‘દો ઔર દો પાંચ’ બોક્સ ઓફિસ પર લગભગ પીટાઈ ગઈ હતી. તે જ વર્ષે ‘દોસ્તાના’ પણ લોકોને ખાસ્સી ગમી નહીં. અમિતાભનો સૂરજ ઢળવાનો હતો કે કેમ, તેવી અફવા મિડીયામાં ફેલાઈ ગઈ. અમિતાભની જેમ જ પ્રતિષ્ઠિત નિર્માતા-નિર્દેશક યશ ચોપડાની છેલ્લી ફિલ્મ ‘કાલા પત્થર’ (1979) જોઈએ તેટલી પ્રસિદ્ધી મેળવી શકી નહીં. યશ ચોપડાને તે ફિલ્મ સાથે ખૂબ જ લગાવ અને આશા હતી, પણ તેમની આશા પર પાણી ફરી ગયું. હવે, યશ ચોપડાએ કંઈક અસાધારણ કરવું હતું જેથી ફિલ્મજગતમાં સોપો પડી જાય. આ જ સમયે ફિલ્મ ‘સિલસિલા’ના બીજ રોપાયા.

‘સિલસિલા’ એક પ્રણયત્રિકોણની ફિલ્મ હતી – એક પતિ, એક પત્ની ઔર એક વો.

અમિતાભે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળીને તરત જ હા પાડી દીધી. ચોપડાને ‘વો’ના રોલમાં રેખાને લેવી હતી. અમિતાભે જયાને વચન આપેલું છતાં રેખા સાથે ફિલ્મ કરવા અમિતાભે હા ભણી. અમિતાભ સાથે લગ્ન કર્યા પછી જયા ગૃહસ્થજીવનમાં વ્યસ્ત બની. અભિષેક અને શ્વેતા નામના બે સંતાન હતા. એક સમયની ફિલ્મજગતની માનનીય હીરોઈન જયાને ફિલ્મોમાં પાછા કામ કરવાનો કોઈ ઈરાદો નહોતો.

અમિતાભે ભલે ‘સિલસિલા’ માટે હા પાડેલી પણ 1981માં તે ‘લાવારિસ’ની શૂટીંગમાં વ્યસ્ત હતો. ‘લાવારિસ’ના સેટ પર અમિતાભની ઓળખાણ ઈરાનિયન હીરોઈન નેલી (Nellie) સાથે થઈ. બંનેની દોસ્તી આગળ વધી અને ફિલ્મ મેગેઝીનોના પાના સુધી પહોંચી. આ બાબતે રેખા અને અમિતાભ વચ્ચે ઝઘડો થયો અને Stardust મેગેઝીને તો એવા સમાચાર છાપ્યાં કે નેલીને કારણે અમિતાભે રેખાને લાફો પણ મારેલો. બસ, પછી તો રેખાએ ‘સિલસિલા’ માટે ના પાડી અને યશ ચોપડાએ આપેલા ‘સાઈનીંગ અમાઉન્ટ’ના રૂપિયા પાછા આપી દીધા. હવે, ચોપડા પાસે ફિલ્મની સ્ક્રિપ્ટ હતી અને હીરો હતો.

હીરોઈનોની શોધ શરૂ થઈ. પરાયી ઔરત માટે પરવીન બાબી અને અમિતાભની પત્ની માટે સ્મિતા પાટીલને સાઈન કરવામાં આવી. બધું ફાઈનલ થઈ ગયું અને આખી ટીમ શૂટીંગ માટે કાશ્મીર જવા રવાના થવાની હતી. છતાં યશ ચોપડાને મનમાં કંઈક ખટકતું હતું. તેમને જોઈતી હોય તેવી કાસ્ટિંગ અને પસંદ ફિલ્મમાં થઈ નહોતી. લગ્નેતર સંબંધ સિવાય ફિલ્મમાં એવું શું હતું કે શ્રોતા આ ફિલ્મને જોવા આવે? અમિતાભ-પરવીન-સ્મિતા આ પ્રણયત્રિકોણ કોઈ જ પ્રકારની ‘ગોસિપ’ અપાવનારી નહોતી.

1981માં અમિતાભ શ્રીનગરમાં ટીનુ આનંદની ફિલ્મ ‘કાલિયા’ની શૂટીંગ કરતો હતો ત્યારે યશ ચોપડા તાત્કાલિક ત્યાં પહોંચ્યા. 21 ઓક્ટોબરની રાત્રે બંને ડીનર પર મળ્યાં. અમિતાભે પૂછ્યું – યશજી, આપ ઈસ ફિલ્મ કી કાસ્ટિંગ સે ખુશ હૈ?

યશ ચોપડાએ ના પાડી.

અમિતાભે પૂછ્યું – ટેલ મી ઓનેસ્ટલી, ઈસ ફિલ્મ કી આઈડિયલ કાસ્ટિંગ ક્યા હોની ચાહિયે?

યશે કહ્યુંઃ મુઝે દૂસરી ઔરત કે રોલમેં રેખા ઔર તુમ્હારી બીવી કે રોલમેં જયા ચાહિયે.

અમિતાભે પાંચ મિનિટ વિચાર્યું અને કહ્યું કે આપ અગર જયા કો ઈસ ફિલ્મ કે લિયે મના લેંગે તો કામ હો જાયેગા. ભારતીય ફિલ્મ જગતમાં લગ્નેતર સંબંધની આવી વાર્તા પહેલી વહેલી જ હતી. યશ ચોપડાને ખબર હતી કે આ વાર્તામાં રેખા અને જયા કામ કરશે તો ફિલ્મની ગપસપ આકાશને આંબશે. બીજે દિવસે બંને એક જ ફ્લાઈટમાં બોમ્બે આવ્યા. સફર દરમિયાન બંને એકમેક સાથે કંઈ જ ન બોલ્યા. એક મોટું ધરમ-સંકટના આવવાના એંધાણ વર્તાતા હતા.

જયાએ યશ ચોપડાની વાત સાંભળીને પહેલી જ વારમાં ના પાડી, છતાં ચોપડાએ આજીજી કરી એટલે ફક્ત ફિલ્મની વાર્તા સાંભળવા તે તૈયાર થઈ. આખી વાર્તા વંચાઈ ત્યાં સુધી જયાએ કોઈ જ પ્રકારનો રસ દાખવ્યો નહીં. ન કોઈ વાત માટે માથું ધૂણાવ્યું. વાર્તાનો છેલ્લો પડાવ અને ફિલ્મનો છેલ્લો સીન આવ્યો – જયા હોસ્પીટલમાં બેભાન જેવી હાલતમાં દાખલ છે. ડોક્ટર અને નર્સ જયાને જગાડવાની કોશિશ કરે છે. એટલામાં અમિતાભ આવે છે અને ડોક્ટર-નર્સ બંનેને એકલા મૂકીને ચાલ્યા જાય છે. અમિતાભ જયાના કપાળ પર પોતાનો હાથ રાખે છે અને કહે છે ‘શોભા, મૈં અબ તુમ્હારે પાસ આ ગયા હું, હંમેશા હંમેશા કે લિયે’.

જયા આંખ ખોલે છે અને કહે છે – મુઝે પતા થા કે તુમ મેરે પાસ એક દિન જરૂર આઓગે.

બસ, આ જ એ પળ હતી જ્યારે જયાએ ફિલ્મ માટે હા પાડી. Super નામના ફિલ્મ મેગેઝીને કવરસ્ટોરી છાપી અને શીર્ષક આપ્યું – Jaya is back!

જયાને સ્મિતા પાટીલના રોલ માટે ફાઈનલ કરવામાં આવી. હવે અમિતાભનું ‘લાવારિસ’નું શૂટીંગ પૂરું થયેલું અને નેલીનું પ્રકરણ પણ લગભગ બંધ થઈ ગયેલું, માટે રેખાએ પણ ફિલ્મ માટે હા પાડી. રેખાનું અચાનક ‘સિલસિલા’ માટે હા પાડવું બીજા નિર્માતાઓ માટે નુકસાનકારક નીવડ્યું. રેખાએ પોતાની તારીખો બે ફિલ્મોને આપેલી – સંજીવ કુમાર સાથે ‘દાસી’ (1981) અને આમિર ખાનના પિતા તાહિર હુસૈનની ફિલ્મ ‘લોકેટ’ (1986). પણ રેખાએ ‘સિલસિલા’ને પ્રાથમિકતા આપી.

જયા અને રેખા – આ એક ફાયર બ્રાન્ડ જોડી હતી. સૂડી વચ્ચે સોપારી તેમાં અમિતાભની થવાની હતી. મિડીયાને મસાલો મળી ગયો. મેગેઝીનો અને ટી.વી.માં અફવાઓ અને ચર્ચાઓ શરૂ થઈ. લોકો તો એવું પણ કહેતાં કે અમિતાભની કારકિર્દી બચાવવા પત્ની અને મૈત્રીણ બંને સાથે આવ્યા છે. આ કન્ટ્રોવર્સી વચ્ચે ‘સિલસિલા’ની આખી ટીમ કાશ્મીરમાં શૂટીંગ માટે નીકળી.

‘સિલસિલા’નું શૂટીંગ શરૂ થયું. કોઈ મિડીયા કે મિત્રોને સેટ પર આવવાની પરવાનગી ન હતી. યશ ચોપડા દરેક પગલે સાવધાની વર્તતા. કોઈ પણ પ્રકારની અથડામણ કે ટક્કર તેમને માટે મુશ્કેલી બની રહેત. યશ ચોપડાએ અનુભવ્યું કે રેખા અને અમિતાભનું પ્રેમપ્રકરણ મિડીયાની અફવા જ નહીં પણ વાસ્તવિકતા હતી. તેમણે એક ‘રિયલ’ લાઈફ ‘રીલ’ લાઈફમાં દેખાડવાની હતી. શૂટીંગ પહેલાં રેખા અને જયાને યશ ચોપડાએ એકલામાં બોલાવીને કહેલું: देखो यार, तुम मेरे दोस्त हो। तुम मेरी फिल्ममें काम कर रहे हो, दोस्तीमें। मेरे सेट पर कोई गडबडी मत करना यार…

રેખા અને જયાએ ખરેખર કોઈ ગડબડ કરી નહીં પણ ફિલ્મના સેટ પર બંને સમય-નિયંત્રણ રાખતા. એકનો પ્રવેશ થાય તો બીજી બહાર નીકળી જાય. કોઈ સીનમાં જો ત્રણેયને સાથે આવવાનું હોય તો ‘કટ’ સાંભળતાની સાથે જ ત્રણેય એકમેકથી દૂર ખૂણા પકડી લે અને કોઈ જ પ્રકારનો વાર્તાલાપ થાય નહીં.

ફિલ્મમાં અમિતાભ અને રેખાના ઘણાં દ્રશ્યો હતા જેથી જયાને દુઃખ થતું. એક સીનમાં જયાનો રડવાનો સીન હતો. જયા જેવી હીરોઈને તે વખતે રડવાના સીન માટે ગ્લિસરીન માંગેલું. જ્યારે કોઈએ કહ્યુંઃ जयाजी, क्या आपको भी ग्लिसरीन की जरुरत है?’ ત્યારે જયાએ કહ્યુંઃ ‘ईतना रो चूकी हुं की अब और रोने के लिए आंसु ही नहीं बचे’. Cine Blitz નામની મેગેઝીને આ બનાવ લખ્યો અને શીર્ષક આપ્યુંઃ Inside the making of Silsila.

આ જ લેખમાં ફિલ્મના ડબિંગ વખતેનો પણ એક બનાવ લખ્યો છે. ફિલ્મનું શૂટીંગ પત્યું પછી ડબિંગ માટે રેખા રાજકમલ સ્ટુડિયોમાં ગઈ ત્યારે સૌથી પહેલાં ફિલ્મના ગીતો માટે પૂછ્યું. પોતાના ગીતો જોયા પછી રેખા બોલીઃ बाकी के गाने कहां है? યુનિટના મેમ્બરો રેખાને જયાના ગીતો દેખાડતા થોડાં અચકાયા ત્યારે રેખાએ કહ્યુંઃ उनके गाने तो हम जरूर देखेंगे । उसके बिना तो आज डबिंग का मूड ही नहीं बनेगा। अरे भाई लेके तो आओ, वह हमारी रिश्तेदार है। अगर उनका काम नहीं देखेंगे तो किन का देखेंगे?

‘સિલસિલા’ ફિલ્મના એક સીનમાં રેખા અને જયા સામસામે આવે છે અને જયા રેખાને પોતાના પતિને છોડી જવાનું કહે છે. જવાબમાં રેખા કહે છેઃ आप अपने विश्वास के साथ रहिये और मुझे मेरे प्यार के साथ रहेने दिजिए । આ સીન જોઈએ તો તેમની સાચૂકલી જિંદગીનો સીન હોય તેવું જ લાગે.

ફિલ્મનું સંગીત સારું ચાલ્યું અને ચાર ગીતો ખૂબ જ પ્રસિદ્ધ થયા. ‘नीला आसमां सो गया…’, ‘देखा एक ख्वाब तो ये सिलसिले हुए…’,’ये कहां आ गये हम, यूं ही साथ साथ चलते…’ અને ‘रंग बरसे भीगे चूनरवाली रंग बरसे…’ (આ ગીત તો હોળીના તહેવાર માટે જ બન્યું હોય તેમ ભારતવર્ષની એક પણ હોળી આ ગીત વગર પૂરી ન ગણાય). ફિલ્મના ગીતો યશ ચોપડાને સાહિર લુધિયાન્વી પાસે લખાવવા હતા પણ પોતાની માતાના દેહાંતને કારણે સાહિરે ગીતો લખવાની ના પાડી. આ કારણે યશ ચોપડા જાવેદ અખ્તર પાસે ગીત લખાવ્યા. ‘યે કહાં આ ગયે હમ….’ ગીત માટે જાવેદ અખ્તરની કવિતા ઉપયોગમાં લેવાઈ.

तुम होतीं तो कैसा होता, तुम होतीं तो વૈसा होता,

तुम ये कहतीं,तुम वो कहतीं

तुम इस बात पे हैरान होतीं

तुम उस बात पे कितनी हँसतीं

तुम होतीं तो ऐसा होता,तुम होतीं तो वैसा होता

‘સિલસિલા’ 14 જુલાઈ 1981ના દિવસે રિલીઝ થઈ. ફિલ્મને અત્યંત પ્રભાવશાળી ઓપનિંગ મળ્યું પણ તે જુસ્સો અને ગતિ ‘સિલસિલા’ ખમી ન શકી અને એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ. ફિલ્મનું યુનિટ અને શ્રોતા – દરેક દંગ, અવાચક અને આશ્ચર્યચકિત. સિલસિલા એ પહેલી મેઈનસ્ટ્રીમ ફિલ્મ હતી જેમાં ‘લગ્નેતર સંબંધ’ મુખ્ય વિષય-વસ્તુ હતી. યશ ચોપડાના પત્ની પામેલા ચોપડાએ કહ્યુંઃ લગ્ન એ ભારતવર્ષ માટે એક ખૂબ જ પવિત્ર વિષય છે. જ્યારે યશે એવા બંને પ્રેમીઓ પ્રત્યે સહાનુભૂતિ પેદા કરી કે તેઓ તેમના લગ્નની બહાર જઇને પોતાના પ્રેમસંબંધને ચાલુ રાખે, ત્યારે તેમણે પ્રેક્ષકોને પોતાની સાથે રાખ્યા નહીં. There was a disconnect between the audience and the theme.

ઘણાં લોકોએ કહ્યું કે ફિલ્મ તેના સમય કરતાં ઘણી આગળ હતી. જો તે એકવીસમી સદીમાં બની હોત તો વાત કંઈક જુદી હોત. પણ આશ્ચર્યની વાત છે કે આટઆટલી કોશિશ પછી બેસ્ટ કાસ્ટિંગ કર્યા બાદ યશ ચોપડાએ કહેલું કે ફિલ્મની કાસ્ટિંગ ખોટી થઈ ગઈ. લોકોની અપેક્ષા હતી કે રિયલ-લાઈફ વાર્તા પડદા પર જોવા મળે. પણ આ ત્રણેય કલાકારો માટે ‘સિલસિલા’ એક યાદગાર ફિલ્મ બની રહી. વધુ પડતાં ફિલ્મી લફરાંઓ મેગેઝીનના પાનાઓમાં જ રહે છે પણ આ રેખા-અમિતાભનું અફેર લોકોએ ફિલ્મના પડદે જોયું.

‘સિલસિલા’ તો પીટાઈ ગઈ પણ આવનારા એક વર્ષમાં અમિતાભ ફરી ફિલ્મજગતમાં છવાઈ ગયો. ‘લાવારિસ’ (1981), ‘કાલિયા’ (1981), સત્તે પે સત્તા (1982), દેશપ્રેમી (1982), નમક હલાલ (1982), ‘ખુદ્દાર’ (1982), ‘શક્તિ’ (1982) જેવી ફિલ્મો સુપરડુપર હીટ ગઈ. ‘મહાન’ (1982) અને ‘નાસ્તિક’ (1982) બોક્સઓફિસ પર ન ચાલી પણ અમિતાભ સુપરસ્ટાર બની રહ્યો.

***

તો એવો કયો બનાવ બન્યો કે રેખા અને અમિતાભ હંમેશા માટે એકબીજાથી દૂર થઈ ગયા?

1982માં 26 જુલાઈના દિવસે અમિતાભ મનમોહન દેસાઈની ફિલ્મ ‘કૂલી’ માટે બેંગ્લોર યુનિવર્સિટી કેમ્પસમાં શૂટીંગ કરતો હતો. એક ફાઈટ-સીન હતો અને સામે પુનિત ઈસ્સાર નામનો માર્શલ આર્ટ્સમાં ચાર-ડીગ્રી મેળવેલો નવો કલાકાર હતો. ફાઈટ-સીન માટે સાત વાર પ્રેક્ટિસ કરેલી અને અસલી શૂટ વખતે અમિતાભને પેટમાં વાગી ગયું. તે દિવસે શૂટીંગ ચાલુ રહી પણ બીજે દિવસે જ્યારે ડોક્ટરને દેખાડ્યું ત્યારે ખબર પડી કે અમિતાભના આંતરડામાં ભયંકર ઈજા થઈ છે. બેંગ્લોરમાં જ એક ઓપરેશન કરવામાં આવ્યું પણ પરિસ્થિતિ વધુ વણસી. અખબારોમાં આ વાત ફેલાઈ ગઈ. દેશનો સુપરસ્ટાર અમિતાભ બચ્ચન એ હદે ઘાયલ છે કે જીવન-મરણ વચ્ચે ગોથાં ખાઈ રહ્યો છે, એવા સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. અમિતાભને તરત જ બેંગ્લોરથી બોમ્બેના બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં એકાદ મિનિટ માટે અમિતાભ માનસિક અસ્વસ્થ અને કોમાની અવસ્થામાં ચાલ્યો ગયો.

અમિતાભને ICUમાં લાઈફ-સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો. જયાએ પોતાનાથી બનતી દરેક કોશિશ કરી. બોમ્બેમાં સિદ્ધીવિનાયક મંદિર, માહિમ ચર્ચ અને હાજીઅલીની દરગાહ – આ દરેક સ્થળે જયાએ પોતાનો ખોળો પાથર્યો. અખબારોમાં મોટી મોટી જાહેરાતો છપાઈ. વડાપ્રધાન ઈંદિરા ગાંધી અમિતાભને મળવા બોમ્બે આવ્યા. અમિતાભના મિત્ર રાજીવ ગાંધી તે વખતે અમેરિકા હતા પણ તરત જ હિન્દુસ્તાન આવીને અમિતાભની સાથે ઊભા રહ્યા. હોસ્પિટલમાં ભારતવર્ષના દરેક ક્ષેત્રના દિગ્ગજો અમિતાભને મળવા આવતા, ફક્ત એક જ વ્યક્તિને હોસ્પિટલમાં આવવાની મનાઈ હતીઃ રેખા!

અમિતાભ જ્યારે જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતો હતો તે વખતે રેખાને હોસ્પિટલમાં પ્રવેશ પણ આપવામાં ન આવ્યો. ખરેખર તો જયા જ રેખાને અમિતાભની આસપાસ જોવા માંગતી નહોતી. Movie નામની એક મેગેઝીને એવો રીપોર્ટ આપેલો કે એક દિવસ વહેલી સવારે પાંચેક વાગ્યે, મેક-અપ કર્યા વગર, સફેદ સાડી પહેરીને રેખાને અમિતાભ પાસે જવાની પરવાનગી મળી. તેણીએ દૂરથી કાચમાંથી અમિતાભને જોઈને મૌન રહી પ્રાર્થના કરેલી. બહાર જગતમાં રહીને રેખાએ પણ બનતી કોશિશ કરી. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં જપ કરાવ્યા અને તિરુપતી જઈને ઉઘાડા પગે મંદિર સુધી ગઈ.

લોકોની દુઆ કામ લાગી અને અમિતાભ બચી ગયો. 14 નવેમ્બર 1983ના દિવસે ‘કૂલી’ રિલીઝ થઈ અને ઓલ-ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ બની. ફિલ્મના દરેક કલાકારનું ભવિષ્ય બની ગયું, સિવાય કે પુનિત ઈસ્સારનું. પુનિતને લોકોએ અને મિડીયાએ રાષ્ટ્રીય વિલન તરીકે ચીતર્યો. એ પછી પુનિતે કદી પણ અમિતાભ સાથે કામ કર્યું નથી.

આ અકસ્માતે ત્રણેયના (રેખા, અમિતાભ અને જયા) જીવન પર એક અમીટ છાપ છોડી. આ એ જ સમય હતો જ્યારે અમિતાભ અને જયા એકબીજાની ખૂબ જ નજીક આવ્યા, અને રેખા ખૂબ દૂર ગઈ. એવું પણ સાંભળવા મળેલું કે જ્યારે અમિતાભ હોસ્પિટલમાં હતો ત્યારે રેખાએ ‘ઉમરાવ જાન’ ફિલ્મનું પ્રિમિયર યોજેલું અને દરેક આમંત્રણપત્ર પોતાના હાથે સહી કરીને મોકલેલા. જો કે તે પ્રિમિયરમાં કોઈ પણ સ્ટાર ગયો નહીં. અમિતાભની સ્થિતિ આટલી નાજૂક હોય ત્યારે આવી પ્રિમિયર પાર્ટી યોજવી, એ લોકોની આંખે આવી ગયું અને ખૂબ ટીકા થઈ. રેખા અને જયાએ આ બનાવ પછી અનેક ઈન્ટરવ્યુમાં એકબીજા પ્રત્યે ઈર્ષ્યા અને ઘૃણાનું પ્રદર્શન કર્યું. મિડીયાએ પણ બળતામાં ઘી હોમ્યું.

ફાઈનલી, અમિતાભ અને રેખાનું બ્રેક-અપ થઈ ગયું. બંને ક્યારેય સાથે દેખાયા નથી. ખરેખર, નીલા આસમાન સો ગયા….

ક્યા જવાબ હૈ આપકા?

રેખા-જયા પહેલાં પરવીન બાબી-સ્મિતા પાટીલને યશ ચોપડા લેવા માંગતા હતાં, પરંતુ તે પહેલાં ‘સિલસિલા’ માટે બીજી બે હીરોઈનનો સંપર્ક સધાયો હતો. તે બે હીરોઈન કઈ કઈ?

જવાબ આવતાં અંકે…

इन आँखों की मस्ती के मस्ताने: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here