રામમંદિર – ગઈકાલ, આજ અને આવતીકાલ – એક અલગ વિશ્લેષણ – 2

0
311
Photo Courtesy: indiatoday.in

લગભગ સો વર્ષથી પણ વધુ સમયથી દેશમાં રામ મંદિર એક મહત્ત્વનો મુદ્દો રહ્યો છે. ચાલો જાણીએ રામ મંદિર પાછળનો ઈતિહાસ તેની આજ અને હવે આવનારા સમયમાં શું થશે તેના ઉપર એક ખાસ વિશ્લેષણ.

Photo Courtesy: indiatoday.in

હમણાં ઘટેલી ઘટનાઓ તો તાજી જ છે અને લગભગ બધાને એની ખબર છે. હાલમાં, કેસની સુનાવણી દરરોજ થઈ રહી છે; કેસના ચુકાદામાં વધુ વિલંબ ન થાય એને માટે સુપ્રિમ કૉર્ટે ૧૮મી ઑક્ટોબર સુધીમાં દલિલો પૂરી કરવાની મુદત આપી દીધી છે અને તેના ચાર અઠવાડીયા બાદ ચુકાદો આપી દેવાશે તેવુ પણ દેખાઈ રહ્યુ છે.

જે લોકોએ આ કેસને કોઈ જાતના ચશ્મા ચડાવ્યા વગર — મતલબ મુસ્લિમ તુષ્ટીકરણના ચશ્મા કે પછી હિંદુત્વવાદી વોટબેંકના ચશ્મા — નજીકથી જોયો છે એમનો સ્પષ્ટ મત છે કે બાબર, તેની પહેલાના સમયમાં અને બાબર બાદના ઔરંગઝેબના સમયમાં હજ્જારો નહીં પણ લાખોની સંખ્યામાં હિંદુ ધર્મ સ્થળોનો નાશ કરીને તેની જગ્યાએ મુસ્લિમ ધાર્મિક સ્થળોનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. અને કથિત બાબરી મસ્જિદ એવી જ રીતે હિંદુઓની આસ્થાના કેન્દ્ર રામની જન્મભૂમી પર બનેલા સિમ્બોલિક મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. આને માટે એક કિંવદંતીને જાણવી જરૂરી છે.

બાબર કાબુલમાં જન્મેલ અફઘાની કબાઈલી લડવૈયો હતો. એણે હિંદુસ્તાન પર આક્રમણ કર્યુ એ પહેલા એક કલંદર(સૂફી દરવેશ) ના વેશમાં ભારતની રેકી કરવા માટે એ આવ્યો હતો; અને તે સમયે એણે અવધ – અયોધ્યાની મુલાકત પણ લીધી હતી. અહીં એ શાહ જલાલ અને સૈયદ મુસા અશીકાન નામે સૂફી સંતોને મળ્યો અને પાછા વળતા એણે હિંદુસ્તાન ફતેહ કરવાનુ પ્રણ લીધુ. એને માટે એણે આ સૂફી સંતોના આશીર્વાદ માંગ્યા, ત્યારે સંતોએ એની પાસેથી વચન લીધુ કે “જન્મસ્થાન મંદિરને જમીનદોસ્ત કરીને એને સ્થાને મસ્જિદ બનાવશે” અને એ શરત માન્ય રાખતા એમણે આશિર્વાદ આપ્યા.

આ કિંવદંતીનો ઉલ્લેખ ગઈ – ૨૦મી – સદીમાં લખાયેલ મૌલવી અબ્દુલ ગફ્ફારના પુસ્તકમાં જોવા મળે છે. જો કે, આ વાત એની અસલ પ્રત કે જે ૧૯૩૨માં છપાયેલ હતી એમાં જ છે અને ૧૯૮૧માં ફરીથી છપાયેલી પ્રતમાંથી આ વાતનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો છે.  એ પણ ઉલ્લેખનીય છે કે આઝાદી પહેલા, ૧૯૪૦ સુધી આ મસ્જિદને “મસ્જિદ-એ-જન્મસ્થાન” એવા નામથી જ સંબોધવામાં આવતી.

તો… આટઆટલુ સ્પષ્ટ હોવા છતાં કે આ મસ્જિદ એ રામજન્મભૂમિ મંદિરને તોડીને તેના પર બાંધવામાં આવી છે તો અત્યાર સુધી અયોધ્યાના તંત્ર; બ્રિટશ-હિંદના તેમજ આઝાદ ભારતના રાજકારણીઓ અને ખાસ કરીને મુસ્લિમોએ શા માટે એ મસ્જિદ પરનો પોતાનો દાવો જતો ન કર્યો અને હિંદુઓને ખુશી-ખુશી રામમંદિર બનાવવા માટે એ જમીન – મિલ્કત પાછી ન સોંપી?? એમાંય જ્યારે ભારત આઝાદ થયુ અને એના ધર્મને આધારે બે ટુકડા કરવામાં આવ્યા જેમાંથી એક ટુકડો – પાકિસ્તાન – મુસ્લિમોનો હતો અને બીજો – ભારત – સર્વધર્મ સમભાવમાં માનવા વાળા રાષ્ટ્રનો હતો. જો કે, મુસ્લિમોને એવી કોઈ જ સખ્તાઈ નહોતી કરવામાં આવી કે એ બધાએ ફરજિયાતપણે મુસ્લિમ પ્રદેશમાં જ જવુ પડશે.

એ લોકો જો સેક્યુલર ભારતમાં પણ રહેવા માંગતા હોય તો એમના ધર્મ અને આસ્થાને રાજ્યતંત્ર માન આપશે એવી એમને ખાત્રી આપવામાં આવી હતી. તો સ્વાભાવિક છે કે એવા જ મુસ્લિમોએ સર્વધર્મ-સમભાવમાં માનવા વાળા ભારત દેશમાં રહેવાનુ સ્વીકાર્યુ હોય જે પોતે બીજાના ધર્મનો આદર કરતા હોય અને એમના પોતાના ધર્મનુ પાલન કરતા હોય. ના… આ માત્ર એક માન્યતા હતી કે ભારતમાં રહી ગયેલા મુસ્લિમો દેશના બહુમતિ હિંદુઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા હશે અને એનુ સૌથી મોટુ પ્રમાણ છે દેશનુ સંવિધાન લાગુ પડ્યા પહેલા જે વિવાદિત સ્થળ પર હિંદુઓએ પોતાનો દાવો કોર્ટ દ્વારા કર્યો હતો તેને સંવિધાન લાગુ પડ્યાના ૧૧ વર્ષો બાદ, ૧૯૬૧માં સુન્ની વક્ફ બોર્ડ દ્વારા પડકારીને સામે દાવો માંડવામાં આવ્યો.

ઉપરની તવારિખથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ સ્થળ માટે બ્રિટિશ-હિંદના ઈતિહાસમાં સૌપ્રથમ વાર ૧૮૫૩માં રાજતંત્ર આગળ હિંદુઓ દ્વારા કબ્જો મેળવવા મદદની માંગ કરવામાં આવી અને ત્યારથી અત્યાર સુધી એટલે લગભગ ૧૬૬ વર્ષોથી આ વિવાદ વણઉકલ્યો ચાલ્યો આવે છે. (આશા રાખીએ આ દિવાળીએ રામના જન્મસ્થાનનો મ્લેચ્છ અને યવન હાથોમાંથી છૂટકારો થાય). ઈતિહાસની દ્રષ્ટીએ જોઈએ તો આ કંઈ એવડો મોટો સમયગાળો પણ ન કહેવાય કે જેને મહત્વ આપવુ પડે. પણ, કોઈપણ કોર્ટમાં ચાલતા જમીન વિવાદની દ્રષ્ટીએ જોઈએ તો આઝાદ ભારતનો પણ આ સૌથી લાંબો કોર્ટ કેસ કહી શકાય.

હા, પ્રથમ ફૈઝાબાદ ડિસ્ટ્રીક્ટ કૉર્ટ, ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટ અને પછી સુપ્રિમ કોર્ટ બધી જગ્યાએ આ કેસ કોઈ છેતરપિંડીની કલમ ૪૨૦નો ક્રિમિનલ કેસ નથી પણ એક જમીન વિવાદનો દિવાની કેસ છે. અને દિવાની કેસોને કેવી રીતે લંબાવી શકાય એ કૉર્ટના કર્મચારીઓ, કૉર્ટના જજસાહેબો, સંબંધિત તંત્ર અને ખાસ કરીને તો વકીલ સાહેબો બધા જ બહુ જ સારી રીતે જાણે છે. અને એમણે એમની એ તમામ જાણકારી, કારીગરી અને હથકંડા કામે લગાડીને વિવાદને દાયકાઓના દાયકાઓ સુધી લાંબો કર્યે રાખ્યો. પણ, લાંબો કરવાની વિધી ગમે તે હોય અને ભલે એને હજુ વધારે લંબાવ્યે રાખે પણ; આ વિવાદ લાંબો કરવા પાછળ મુસ્લિમ પક્ષે કારણ શું હોઈ શકે?? તો સરકાર અને તંત્રની એવી તો કઈ મજબૂરી હોઈ શકે કે જેને કારણે એમણે આ વિવાદનો સર્વમાન્ય ઉકેલ આવી જાય એવી કોઈ પહેલ ન કરી??

આઝાદ ભારતમાં સૌ પહેલી વખત આ વિવાદ ચગ્યો હોય તો એ ૧૯૪૯માં પણ જરા એની પહેલાનો ઈતિહાસ સંક્ષિપ્તમાં જોઈ લઈએ; ગઈકાલના પ્રકરણમાં આપેલી ટાઈમલાઈનમાં આ વિવાદને ૧૮૫૩થી ચાલી આવતો કહેવાય જ્યારે નિર્મોહી અખાડા દ્વારા સશસ્ત્ર હુમલો કરીને સ્થળનો કબ્જો કરવામાં આવ્યો અને મસ્જિદની બહારના ભાગે એક પ્લેટફોર્મ ચણી દેવામાં આવ્યુ જે આજની તારીખે પણ રામ-ચબુતરા તરીકે હયાત છે. જો કે ૧૮૫૫માં વિવાદ વધતા; તંત્ર દ્વારા મુસ્લિમ અને હિંદુ પક્ષોની જગ્યા અલગ પાડી વાડ કરી દેવામાં આવી; મસ્જિદના બાંધકામ વાળો ભાગ મુસ્લિમોનો અને બહારનુ પરિસર હિંદુઓનુ. ૧૮૮૩માં ફરી એકવાર હિંદુઓએ એમની “માલિકી”વાળી જગ્યા પર મંદિર નિર્માણનુ કાર્ય ચાલુ કર્યુ પણ મુસ્લિમોના સતત વિરોધને પગલે ૧૯ જાન્યુ આરી ૧૮૮૫ના રોજ તંત્ર દ્વારા એ સ્થગિત કરી દેવામાં આવ્યુ. ૨૭ જાન્યુઆરી ૧૮૮૫ના રોજ રામ ચબુતરાના મહંત રઘુવર દાસે ફૈઝાબાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જગ્યાની માલિકી માટે દાવો દાખલ કર્યો. ત્યારની ઘડીને આજનો દિવસ આ દાવો આજ સુધી એક થી બીજી કોર્ટોમાં ધક્કા ખાય છે.

ખેર, આજે લગભગ દોઢ સદી બાદ એનો છૂટકારો થવાના હવે અંદેશા વરતાઈ રહ્યા છે. પરંતુ, આ કેસ આટલો બધો લાંબો કેમ ખેંચવામાં આવ્યો? એ સમજી શકાય એમ છે કે જ્યારે દેશમાં પહેલા કંપની સરકાર અને ત્યારબાદ બ્રિટીશ હકૂમત હતી ત્યારે આ કેસને એટલુ મહત્વ ના પણ અપાય; કારણ કે, બંનેમાંથી કોઈ સરકારોને એમાં કંઈ કાઢી લેવાનુ નહોતું. વળી, આજનુ ઉત્તરપ્રદેશ કંપની સરકાર અને બાદમાં બ્રિટીશ સરકારના જે પ્રદેશમાં સમાવાયુ હતુ તે પ્રદેશ સદીઓથી મુસ્લિમ હકૂમત હેઠળ હતો. જ્યારે, કંપનીએ અયોધ્યાનુ રાજ પોતાને હસ્તક લીધુ ત્યારે અને ત્યારબાદ પણ અયોધ્યામાં અવધના નવાબનુ રાજ હતુ. મુસ્લિમો બહુમતિમાં નહોતા પણ રાજકાજમાં એમનુ પ્રભુત્વ હતુ; એટલે આવા કોઈ નિર્ણયોમાં એમને નારાજ કરવાનુ જે તે સમયની કોર્ટોને યોગ્ય નહીં લાગ્યુ હોય.

પરંતુ, ભારત આઝાદ થયા બાદ કેમ કોઈ સકારાત્મક પગલાં ન લેવાયા?? આને માટે જો હું ફરીથી કૉંગ્રેસ અને નહેરુનું નામ લઈશ તો કદાચ બધાને એમ લાગશે કે હું હિંદુવાદી હોવાને લીધે કોંગ્રેસને બદનામ કરવા માટે આવુ કરી રહ્યો છું. ઉપર જણાવેલી તવારીખમાં ૧૯૪૯ની ઘટનાનો ઉલ્લેખ અહીં મહત્વનો છે. ૧૯૪૯ના ડિસેમ્બરમાં ગોરખનાથ મઠના સંત દિગ્વીજયનાથ અખિલ ભારતિય રામાયણ મહાસભામાં જોડાય છે અને એમની જ પ્રેરણાથી રમચબુતરા પરિસરમાં નવ દિવસો સુધી રમચરિતમાનસનો પાઠ કરવામાં આવે છે જેમાં હજારો ભાવિકો પણ ભાગ લે છે. છેલ્લા દિવસની રાત્રે ગુપચુપ રીતે ચબુતરા પર રામ-સીતાની મૂર્તિઓ સ્થાપિત કરી દેવામાં આવે છે અને બીજે દિવસે પરોઢે જાહેર કરવામાં આવે છે કે આ મૂર્તિઓ સ્વયંભૂ છે અને ભાવિકોને રામજન્મભૂમિના દર્શને આવવાનુ કહેવામાં આવે છે. તે સમયે હજુ પણ એ વિસ્તાર યુનાઈટેડ પ્રોવિન્સ જ કહેવાતો હોય છે અને ત્યાં કૉંગ્રેસના ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી પદ હેઠળની રાજ્ય સરકાર કાર્યરત હોય છે. ભાવિકોનો ધસારો વધતાં લોકોમાં ખબર ફેલાઈ અને અયોધ્યાના જ એક સ્થાનિક મુસ્લિમ હાશિમ અન્સારીએ કોર્ટમાં અરજી દાખલ કરીને પરિસર માંથી મૂર્તિઓ હટાવવાની માંગણી કરી.

વધુ આવતીકાલે…

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here