આ વાત છે ઈરાકની — એક એવો દેશ જ્યાં સદ્દામ હુસૈનની બાથ પાર્ટીનુ રાજ આવ્યુ તેની પણ પહેલાના સમયથી ઉત્તરની મૂળ નિવાસી કૂર્દ પ્રજા અને મધ્ય-દક્ષિણ ઈરાકના અરબો વચ્ચે ખટરાગ ચાલ્યા કરે છે. નિરસ પ્રકૃતિ ધરાવતા મેદાની અરબીઓ રંગીન મિજાજી પહાડી કૂર્દિશ પ્રજાને દબાવી રાખવાના બનતા બધા પ્રયત્નો કરતા આવ્યા છે. એવા કૂર્દ પ્રજા પ્રત્યે ભારોભાર નફરતથી ભરેલા ઈરાકના બગદાદની હું એક નાનકડી કૂર્દિશ છોકરી છુ — જોઆના — અને આ છે મારી વાર્તા…

સા’દ અને મુનાનો જન્મ થયો ત્યારે તો હું કંઈ એની સાક્ષી રૂપે હાજર નહોતી; પણ એમના જન્મની એ વાત મેં કેટલીય વાર સાંભળી છે. મારી માની એ બીજી પ્રેગ્નન્સી હતી, એના દેખાવ પરથી કોઈને એમ ન લાગે કે પેટમાં ટ્વીન્સ છે. અરે એના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરને પણ એનો અણસાર સુધ્ધાં નહોતો આવ્યો. ડિલીવરી સમયે જ્યારે માને વેણ ઉપડ્યુ અને એને લેબર રૂમમાં લઈ ગયા બાદ કેટલાક સમય પછી નર્સે આવીને મારા પિતાના હાથમાં સુંદર મજાનો તંદુરસ્ત બાબો આપ્યો. અહીં ઘરના બધા બીજા દીકરાની ખુશી મનાવતા હતા (પહેલો દીકરો – મારો સૌથી મોટો ભાઈ રા’દ) ત્યાં લેબર રૂમના બંધ દરવાજા પાછળ મારી માના મોટે-મોટેથી કણસવાના અવાજો આવવા લાગ્યા, અને બધા આશ્ચર્ય સહિત ચિંતામાં મુકાઈ ગયા. થોડી વારમાં પાછી એની એ જ નર્સ આવી, આ વખતે એ કંઈક વધારે જ ઉત્સાહમાં હતી, અને મારા પિતાના હાથમાં બીજુ બાળક લાવીને એણે મુકી દીધુ. નર્સે કીધુ કે આ બીજુ બાળક પણ તમારુ જ છે અને એ એના ભાઈની બહેન હતી.
બધાને નવાઈ લાગી. સા’દ કરતા અડધી સાઈઝનુ એ બાળક હતુ અને નર્સ કહેતી હતી કે એ સા’દનુ ટ્વીન છે.!!?? હાજર રહેલા બધાને આ વાત મજાક સમાન લાગી. એક તો મારી માતા કૂર્દ અને એની ડિલીવરીમાં હાજર રહેવા માટે ઉત્તરેથી બધા કૂર્દ સગા આવ્યા હતા અને હોસ્પીટલની પેલી નર્સ અરબી હતી. તે એકાદ સગાએ તો નર્સને સીધે સીધુ ચોપડાવ્યુ – “આ છોકરાની મા કૂર્દ છે એટલે તુ એની આવી ભદ્દી મજાક કરે છે?? આવુ કહેવાનુ??”
પણ નવાઈ લાગે એવી એની એ વાત સાચી હતી. એ કોઈ મજાક નહોતી પણ હકીકતમાં મારી બહેન મુના હતી. એ એટલી તો નબળી અને નાનકડી હતી કે જન્મ્યા પછી કેટલાય અઠવાડીયા સુધી એણે હોસ્પીટલમાં જ રહેવુ પડ્યુ હતુ. અને જ્યારે એને હોસ્પીટલમાંથી ઘરે લઈ જવાની રજા આપી ત્યારે પણ ડૉક્ટેરે કીધુ હતુ કે આના બચવાના ચાન્સ બહુ ઓછા છે. જો એને જીવતી રાખવી હોય તો એની ચામડી ઢાંકીને રાખવી પડશે. એના આખા શરીરને કેટલાક મહિનાઓ સુધી કપડામાં લપેટીને રાખવુ જરૂરી છે. એને ચામડી કાચ જેવી પારદર્શક અને સેન્સીટીવ હતી. અરે, આંગળી અડાડોતો લોહીનો ટશ્યો ફૂટી નીકળે એટલી નબળી હતી મારી બહેન. એને કપડાના વીંટામાં જ એટલા માટે પણ રાખવી પડતી હતી કે એની સાઈઝના કપડા પણ આખા ઈરાકમાં ક્યાંય નહોતા મળતા. મને મારી બહેન માટે અપાર હેત હતુ, મારા બાકીના કુટુંબીઓની માફક હું પણ એમ માનતી કે આ નિષ્ઠુર દુનિયાથી મારે મારી બહેનનુ રક્ષણ કરવુ જોઈએ. ભલેને હું એનાથી ચાર વર્ષ નાની હોઉ, એના રક્ષણની જવાબદારી તો મારી જ છે.
જેવા અમે શહેરની સીમા છોડીને ખુલ્લા રસ્તા પર આવી ગયા, બાકીના અમારા સાથી પેસેન્જર બધા કાંતો ઝોકે ચડી ગયા અથવા બારીની બહારના દ્રશ્યો પર નજર માંડી દીધી. પણ જન્મજાત જિજ્ઞાસુવૃત્તિ ધરાવતી હું એ બધાનુ નિરિક્ષણ કરવાના કામે લાગી ગઈ.
બે કૂર્દીશ પુરુષો બસમાં આગળની સીટો પર બેઠેલા હતા. એમણે માથે બાંધેલી પાઘડી અને પહોળા ચોરણા જેવા પેન્ટના ટ્રેડિશનલ પહેરવેશ પરથી તરત જ લાગી આવતુ હતુ કે એ લોકો મારી માફક કૂર્દ જ છે. શક્ય છે કે એ કૂર્દીશ સ્વાતંત્ર્ય સેનાની – પશમરગા – પણ હોય. મેં પશમરગાની બહુ બધી વાતો સાંભળેલી હતી. અને કદાચ એ લોકો પશમરગા હોય તો પણ શક્ય છે કે એમણે એ વાત છુપાવીને જ રાખી હોય. કારણ કે, ઈરાકમાં પશમરગાને સૌથી આકરો દંડ – દેહાંતદંડ – મળે.
બંને કૂર્દમાંથી જે નાનો હતો એ કદાવર બાંધાનો યુવાન હતો, પહોળા ખભા અને જાણે વેઈટ-લિફ્ટરના હોય એવા બલિષ્ઠ બાવડા હતા. પણ એની મોટી સ્વપ્નશીલ આંખો અને માયાળુ ચહેરો એના બળવાન શારિરીક દેખાવથી તદ્દન વિરોધાભાસી લાગતા હતા. કાળા વાંકડિયા વાળના ઝુલ્ફા એની ટ્રેડિશનલ પાઘડી માંથી નીકળીને એની ડોક પર ઝુલતા હતા. બીજો કૂર્દીશ તેના કરતા ઉંમરમાં મોટો હતો. એની કદ-કાઠી નાની હતી પણ એનુ શરીર એકદમ લવચીક હતુ – એ પાતળા પણ મજબૂત બાંધાનો લાગતો હતો. એના અસામાન્ય રીતે લબડી પડેલા પોપચા પર મારી નજર ખોડાઈ ગઈ. જો કે એ એકદમ જોલી લાગતો હતો જાણે કે એની પાછલી આખી જીંદગીની ચમક એના ચહેરા પર ચીતરાઈ ગઈ હતી.
બીજા ચાર જણમાં તો એક કપલ અને એમના બે બાળકો હતા બસ. એમની સાજ-સજ્જા પરથી જ ખબર પડી જાય કે એ લોકો અરબી છે. પતિએ સફેદ રંગનુ દીશદાશા – ઘુંટણથી નીચે સુધીનો લાંબા ઝભ્ભા જેવો પહેરવેશ, જે સામાન્ય રીતે અરબી પુરુષો પહેરતા હોય છે – પહેરેલુ હતુ. જ્યારે એની પત્નિએ વાદળી રંગના ડ્રેસની ઉપર કાળો હિજાબ (બુરખો) પહેરી રાખ્યો હતો. બાળકોએ મોર્ડન વેસ્ટર્ન સ્ટાઈલના કપડા પહેરી રાખ્યા હતા અને અમારા કૂર્દિશ ટ્રેડીશનલ પહેરવેશ તરફ વિચિત્ર રીતે જોયા કરતા હતા.
અમારા ઘરમાં મોટેભાગે હું અને મા જ કાયમ કૂર્દિશ ડ્રેસ પહેરતા હોઈએ છીએ; પણ એ દિવસે તો અમે બધા જ અમારા સારામાં સારા કૂર્દીશ ડ્રેસમાં સજ્જ હતા. સા’દ અને રા’દ બંને જણા તેમના પહોળા કેડિયા જેવા કૂર્દિશ શર્ટમાં બહુ જ સોહામણા લાગતા હતા, નીચે એમણે કૂર્દિશ ટાઈપના પહોળા ચોરણા જેવા પેન્ટ પહેર્યા હતા અને કમરે રેશમી ખેસ બાંધ્યો હતો. માથે “ક્લૉ” તરીકે ઓળખાતી કૂર્દિશ ટોપીઓ હતા તો પગમાં કૂર્દિશ સેન્ડલ “ક્લાશ” પહેરેલા હતા. બાકી અમે ત્રણેય – બે ય છોકરીઓ અને મારી મા – ભભકદાર રંગોવાળા અમારા કૂર્દિશ ડ્રેસમાં સજ્જ હતા. મેં મારો ફેવરીટ ઘેરો ગુલાબી ડ્રેસ પહેર્યો હતો, તો મુનાએ ચમકદાર વાદળી રંગનો ડ્રેસ આજ માટે પસંદ કર્યો હતો; જ્યારે મારી મા એ ચમકતા પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. અમારા બંને બહેનોના માથા ખુલ્લા હતા પણ મા એ રૂપેરી ચમકતા સિક્કા ટાંગેલો સોનેરી સ્કાર્ફ માથે બાંધ્યો હતો.
સફરમાં એકબીજા સાથે બોલચાલ રહે અને મિત્રતા થઈ રહે એ હેતુથી મારી માએ પેલા અરબી બાળકોને અમારા સાથે લાવેલા ખજૂરના બિસ્કીટ આપવા માંડ્યા. પણ, એમના મા-બાપ તો જાણે એ રીતે બિસ્કીટ લેવાની ના પાડવા લાગ્યા જાણે એમાં ઝેર હોય..!! એમના બાળકોનો પણ એમનો લાંબો થયેલો હાથ પાછો ખેંચીને પાછા તોછડાઈથી મારી માને કહેવા લાગ્યા “ના.. ના.. ના..” મારી માને તો આઘાત લાગી ગયો અને એ પોતાની સીટમાં ફસડાઈને પાછી બેસી ગઈ. દરેકે દરેક અરબી કૂર્દને નફરત કરે છે એટલુ સમજવા જેટલી તો હું સમજણી હતી જ તે છતાંય, એમની આવી બરછટ વર્તણૂકથીતો હું પણ હેબતાઈ ગઈ. મારી મા તો એ બધુ ભૂલીને પોતાના બાળકોને ખવડાવવામાં લાગી ગઈ. પણ મને એ વાતનુ એટલુ તો લાગી આવ્યુ કે વેર લેવાની ભાવનાથી હું મારા બિસ્કીટ મોટેથી અવાજ થાય એમ ચાવી-ચાવીને ખાવા લાગી; બધાને એમ બતાવવા કે કેટલા ટેસ્ટી છે. આ બધુ જોઈને અરબી બાળકો જ્યારે એમના મા-બાપ સામુ ગુસ્સાથી જોવા લાગ્યા ત્યારે મને વેર લીધાનો અનહદ આનંદ થતો.
પેલા બે કૂર્દીશ માંથી જે મોટી ઉંમરનો માણસ હતો એ પીપરમિન્ટ કેન્ડી લાવ્યો હતો અને એ પણ બધા બાળકોને વહેંચવા લાગ્યો. આ વખતે પેલા અરબી બાળકોએ ઝાટકા સાથે હાથ લંબાવીને કેન્ડી લઈ લીધી, અને ફટાફટ એનુ રેપર ઉતારીને સીધી મોઢામાં મૂકી દીધી. એ બંને બાળકોએ એટલી ઉતાવળથી આ બધુ કર્યુ કે એમના મા-બાપને એમને રોકવાનો સમય જ ના મળ્યો. એમના મા-બાપના આશ્ચર્ય અને ગુસ્સાથી ફાટેલા ચહેરા જોઈને હું મોટે-મોટેથી હસવા લાગી, અને પેલા બંને કૂર્દ માણસો પણ મારી સાથે-સાથે હસવા લાગ્યા. અરે, પેલો જુવાન કૂર્દ જે અત્યાર સુધી સૂનમૂન બેસી રહ્યો હતો એ પણ હસી પડ્યો.
અમારી સુલેમાનિયા સુધીની સફર લગભગ ૯ કલાકની હતી, અને ખાલી અમારુ કુટુંબ જ છેક સુલેમાનિયા સુધી જવાનુ હતુ. પેલા અરબી લોકો તો બગદાદાથી એકાદ કલાકના અંતરે આવેલા એક સુન્નીઓના ગામે ઉતરી જવાના હતા જ્યારે બંને કૂર્દીશ માણસો કિરકૂકની નજીકના કૂર્દીશ કોઈ ગામે ઉતરવાના હતા. અને પછી અમે પાંચ જણા એકલા પડી જવાના આખી બસમાં. વાતાવરણમાં ગરમી સખત હતી અને બસમાં મોટી-મોટી માખીઓ ઘૂસી ગઈ હતી અને બણબણાટ કરતી હતી. એને ઉડાડવા હું મારા હાથ ધીમે-ધીમે હાથ હલાવ્યે રાખતી હતી. હજુ હું ઉંઘવામાં જ હતી અને અચાનક જ પેલા અરબી બસ ડ્રાઈવરના ગુસ્સાભર્યા બરાડાથી ઝબકીને જાગી ગઈ. એ બુઢ્ઢો ટાલિયો ડ્રાઈવર શરુઆતમાંતો બહુ સારુ સારુ બોલતો હતો. ખબર નહી ગરમીના લીધે એનો પિત્તો ગયો હશે કે કેમ? પણ એ જોરથી બરાડ્યો કે – “હેય કૂર્દો..! શાંતિ રાખો..! તમારા છોકરાઓની ધમાલથી મારુ માથુ દુઃખવા લાગ્યુ.” આવા છડેચોક અપમાનથી મારો તો પિત્તો ગયો. મેં ગુસ્સાથી મારી ડોક ઉંચી કરીને પેલા આરબ કુટુંબ સામે જોયુ; તો એ પતિ-પત્નિ બંને એકબીજાની સામે જોવા લાગ્યા. મારી તો મુઠ્ઠીઓ ભીંચાઈ ગઈ, મને ખબર હતી કે મારી મા અને બીજા ભાઈ-બહેનની હાજરીમાં હું કંઈ કરી શકુ એમ નથી તે છતાં મને બદલો વાળવાની તીવ્ર ઈચ્છા થઈ આવી.
મેં આશાથી પેલા બે કૂર્દીશ પુરુષો સામે જોયુ પણ એ તો ભાવ-વિહિન ચહેરે બારી બહાર જોઈ રહ્યા હતા; જાણે કંઈ બન્યુ જ ના હોય. એ તો ચોક્કસ જણાતુ હતુ કે એમને પારકી પંચાત નહોતી વહોરવી. હું ય નિરાશ થઈ ગઈ, પણ સાથે-સાથે મને એમ પણ થયુ કે જો એ લોકો ખરેખર ‘પશમરગા’ હોય તો એમણે એમની ઓળખ છુપાવીને રાખવી જ હિતાવહ છે. નાહકના આવી નજીવી બાબતમાં એમની ઓળખ છતી કરે તો એમને માથે મોટી આફત આવી જાય.
ઈરાકના કુર્દ લોકોની અનોખી વાર્તા ‘વિષાદી ધરાનો પ્રેમ’ શ્રેણી: પ્રસ્તાવના | ભાગ 1 | ભાગ 2 | ભાગ 3
eછાપું