રીવ્યુ: બાર્ડ ઓફ બ્લડ

0
461
Photo Courtesy: gqindia.com

આજકાલ બલુચિસ્તાન એના રાજકારણ અને અન્ય સમસ્યાના લીધે જેટલું ચર્ચામાં નથી એટલું આપણી બે સિરીઝ, એમેઝોનની ધ ફેમિલી મેન અને નેટફ્લિક્સની બાર્ડ ઓફ બ્લડ ના લીધે ચર્ચામાં છે. આ બંને બહુ નજીકના ગાળામાં રજુ થઇ હોવાને લીધે બંનેની એકબીજા સાથે સરખામણી થઇ રહી છે. પણ આ પોસ્ટમાં બાર્ડ ઓફ બ્લડ નો કોઈ પ્રકારની સરખામણી વગર રીવ્યુ કરવાનો પ્રયાસ કરવામાં  આવ્યો છે.

 

બાર્ડ ઓફ બ્લડ નું ઓફિશિયલ પોસ્ટર, Courtesy: ImDB

 

Review: Bard Of Blood(2019-)

શો રનર્સ: રિભુ દાસગુપ્તા(નિર્દેશક), મયંક તિવારી અને બિલાલ સિદ્દીકી(લેખકો)

રન ટાઈમ: 40-45 મિનિટનો એક એવા 7 એપિસોડ ની સીઝન

કલાકારો: ઇમરાન હાશ્મી (કબીર આનંદ), શોભિતા ધૂલિપાલા (ઈશા ખન્ના), વિનીત કુમાર સિંહ (વીર સિંહ), દાનિશ હુસૈન (મુલ્લા ખાલિદ), જયદીપ અહલાવત (તન્વીર શેહઝાદ), રાજિત કપૂર (સાદિક શેખ), કીર્તિ કુલ્હારી (જન્નત મરી)

વાર્તા

બલુચિસ્તાનમાં રહેલા ઇન્ડિયન ઇન્ટેલિજન્સ વિંગ(IIW- RAW થી પ્રેરિત) ના ચાર જાસૂસો તાલિબાનના હાથે પકડાઈ જાય છે. બલુચિસ્તાનમાં છુપાઈને રહેલા તાલિબાની મુખિયા મુલ્લા ખાલિદ અને એનો પુત્ર આફતાબ આ એજન્ટને મારી નાખવાની તૈયારીમાંજ હોય છે ત્યાં ISA(ISI થી પ્રેરિત) નો એજન્ટ તન્વીર શેહઝાદ આવી પહોંચે છે, જેનો પ્લાન આ ભારતીય એજન્ટનો કોઈક બીજાજ પ્લાન માટે ઉપયોગ કરવાનો છે. અને એ આ ભારતીય એજન્ટને મુલ્લાના હાથે મરતા રોકવામાં સફળ થાય છે.

અહીંયા ભારતમાં આ એજન્ટને છોડાવવા માટેની તજવીજો શરુ થાય છે. IIW ના હેડ અરુણ જોશી અને ઓપરેશનલ ચીફ સાદિક શેખ બંનેના આ એજન્ટને કઈ રીતે બચાવવા એમાં મતભેદ છે. સાદિક શેખ આ મિશન માટે IIW નાં ભૂતપૂર્વ એજન્ટ એડોનિસ એટલેકે કબીર આનંદને બોલાવવા માંગે છે. પાંચ વર્ષ પહેલા બલુચિસ્તાનમાં એક સર્ચ ઓપરેશન, જે સાદિક શેખે શરુ કરાવ્યું હોય છે, એમાં કબીર આનંદ અને એનો મિત્ર વિક્રમજીત બહુ ખોટી રીતે ભરાઈ પડે છે. અને આ ઘટનાઓના લીધે કબીર આનંદને IIW માંથી કાઢી મુકવામાં આવે છે અને એના લીધે કબીર અને સાદિક સર વચ્ચે કડવાટ ઉભી થઇ જાય છે.

આ ચાર એજન્ટને બચાવવાના મિશનમાં ચીફ એનાલિસ્ટ ઈશા ખન્નાની મદદ થી સાદિક શેખ ગમે એમ કરી કબીર ને સામેલ કરવામાં સફળ થાય છે. આ મિશનમાં સાદિકે કબીર, ઈશા અને એક એવા એજન્ટને સામેલ કર્યો છે જે પાકિસ્તાનમાં ડ્યુટી કરી રહ્યો છે પણ એને IIW લગભગ ભૂલી ગયું છે. આ મિશન માં સામેલ કરાવવા જે દિવસે કબીરને પરાણે દિલ્લી લઇ આવવામાં આવે છે એ જ રાત્રે સાદિક શેખની હત્યા થઇ જાય છે. અને શંકાની સોય કબીર પર આવે છે.

કબીર અને ઈશા IIW થી છુપાઈને એક અન્ય ઓળખ પર વાયા દુબઇ કંદહાર પહોંચે છે. અને ત્યાં એને પેલો ભુલાયેલો એજન્ટ વીર સિંહ મળે છે. વીર સિંહ એને કોઈ રીતે કવેટા પહોંચાડે છે અને ત્યાંથી બાર્ડ ઓફ બ્લડ નું મુખ્ય મિશન શરુ થાય છે, આ ચાર એજન્ટને તાલિબાનની કેદ માંથી છોડાવી સહીસલામત ભારત પહોંચાડવા.

કવેટામાં કબીર, ઈશા અને વીર ને કોઈ રીતે બાલોચિસ્તાન ની આઝાદી ચળવળ ચલાવી રહેલા BAF ના મુખિયા બશીર મરી ના સંતાનો જન્નત મરી અને એના ભાઈ નો સાથ મળે છે. ફ્લેશબેકમાં એવું દેખાડવામાં આવે છે કે પાંચ વર્ષ પહેલા ફેઈલ ગયેલા પેલા મિશન માટે કબીરે જન્નત ની મદદ લીધી હોય છે. શેક્સપિયરના પ્રેમી એવા કબીર અને જન્નત વચ્ચે ધીરે ધીરે દોસ્તી અને પછી પ્રેમ થાય છે. પણ પેલા ફેઈલ થયેલા મિશનના લીધે જન્નત અને કબીર પણ અલગ થઇ જાય છે.

બાર્ડ ઓફ બ્લડના લગભગ બધા જ મુખ્ય પાત્રો Courtesy: Mashable India

કબીર, ઈશા અને વીર કોઈ રીતે ગ્વાદર પાસેની તેલની પાઈપલાઈનમાં બ્લાસ્ટ કરવામાં સફળ જાય છે. જેના લીધે BAF ને એક અલગ જોશ મળે છે અને આ જોશ નો ઉપયોગ કબીર મુલ્લા ખાલિદ અને ચાર એજન્ટ વિષે ભાળ મેળવવામાં કરે છે. આ તરફ મુલ્લા ખાલિદ અને તન્વીર શેહઝાદ ની મુશ્કેલીઓ વધતી જાય છે. પણ કોઈ રીતે તન્વીરની મદદથી મુલ્લા અને તાલિબાન પોતાના છુપાયેલા સ્થળથી છટકવામાં સફળ થાય છે. પણ BAF, કબીર અને એની ટિમ એ લોકોની ભાળ મેળવીજ લે છે. આ દરમ્યાન (હજુ એક) ફ્લેશબેકની મદદથી આપણને ખબર પડે છે કે પાંચ વર્ષ પહેલા કબીરનું જે મિશન ફેઈલ થયું હતું એનો મુખ્ય સૂત્રધાર તન્વીર શેહઝાદ જ હતો.

છેલ્લે BAF, તાલિબાન, તન્વીર શેહઝાદ અને કબીર ની ટિમ વચ્ચે “યુદ્ધ” થાય છે. અને એના BAF અને કબીર ની ટિમ જીતે છે. કબીર આ એજન્ટ્સ ને સહી સલામત છોડાવી ભારત પરત ફરે છે જ્યાં એને એનું ખોવાયેલું માન પણ પાછું મળે છે.

રીવ્યુ

બહુ ટૂંકાણમાં કહું તો ઠીક ઠાક. બાર્ડ ઓફ બ્લડ સેક્રેડ ગેમ્સ ની પહેલી સીઝન જેટલી જોરદાર નથી, પણ બીજી સીઝન જેટલી ભંગાર પણ નથી. આ સિરીઝે ટેક્નિકાલિટી ના મામલે ઘણું સારું કામ કર્યું છે. સિનેમેટોગ્રાફી, એક્શન જેવા ટેક્નિકલ મુદ્દે ઘણું સારું કામ થયું છે. અને ખુદ લેખક બિલાલ સિદ્દીકી અને આવી જાસૂસી નવલકથાઓ લખીને નામના કમાયેલા હુસૈન ઝૈદી જેવા લોકોના કોલબ્રેશન ના લીધે બાર્ડ ઓફ બ્લડ ઘણીખરી ઓથેન્ટિક પણ લાગે છે. ભલે નામ બદલાવ્યાં હોય અને બીજા કોઈ સ્થળે શૂટિંગ કરેલું હોય પણ આ વાર્તા કલ્પના ઓછી અને સત્ય વધારે હોય એવું લાગે છે. અને એટલેજ આ સિરીઝ ભારત, પાકિસ્તાન, જાસૂસી, તાલિબાન અને એબોવ ઓલ બલુચિસ્તાનની આસપાસ ફરતી હોવા છતાં હિન્દુફોબિક અને મોદીફોબિક નથી. અન્ય સફળ સિરીઝ જેમકે સેક્રેડ ગેમ્સ અને (બાર્ડ ઓફ બ્લડ સાથે જેની સતત સરખામણી થાય છે એ) ફેમિલી મેન વાર્તાના નામે કે વાર્તા તરીકે પોતાનો એન્ટી મોદી અને એન્ટી હિન્દૂ પોલિટિકલ એજન્ડા આપણા માથે માર્યા કરે છે. અને આપણે એનો યોગ્ય જવાબ પણ આપીએ છીએ.

પણ બાર્ડ ઓફ બ્લડ સહેજેય હિન્દુફોબિક નથી. ઉલટું બિલાલ સિદ્દીકી, હુસૈન ઝૈદી, શાહરુખ ખાન અને (મહેશ ભટ્ટ ના ભાણા) ઇમરાન હાશ્મીના હોવા છતાંય આ સિરીઝમાં આ લોકોએ “ડરા હુઆ મુસલમાન” નું અરણ્યરુદન કરવાને બદલે ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિને જેવી છે (અથવા જેવી હોઈ શકે) એવી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. અને એટલેજ ઘણા લિબરલ રીવ્યુઅરો ને સખત મરચા લાગ્યા છે. એક રિવ્યૂઅરે એવું લખેલું કે બર્ડ ઓફ બ્લડ એક ફેલ્યર છે અને શાહરુખ ખાનને શરમ આવવી જોઈએ. તો એક બીજા રિવ્યૂઅરે આ સીરીઝને ભારતીય જિંગોઈઝમ (એક્સ્ટ્રીમ રાષ્ટ્રવાદ) નું એક્ઝામ્પલ  બતાવ્યું છે. આવી રીતે પાગલ લિબરલ લોકોને ફરી એક વાર પાગલ બનાવવા માટે બાર્ડ ઓફ બ્લડને ફુલ પોઇન્ટ.

પણ બાર્ડ ઓફ બ્લડ ની સારી વાતો અહીજ પુરી થાય છે. અને હવે શરુ થાય છે બાર્ડ ઓફ બ્લડની ખરાબ વાતો.

શેક્સપિયરને બાર્ડ ઓફ એવોન કહેવાતો, જેનો અર્થ થાય એવોન નો કવિ (શેક્સ્પિયરનો જન્મ એવોન માં થયો હતો). આ ઉપનામ થી બાર્ડ ઓફ બ્લડ બન્યું છે, જેનો મતલબ થાય લોહી નો કવિ અથવા લોહિયાળ કવિ. અને આ સિરીઝમાં કાવ્યત્વ નો સખત અભાવ છે. જોકે આવી સ્પાય સ્ટોરીઝમાં ઈરુવર છાપ કાવ્યત્વ રખાય પણ નહિ. પણ આ વાર્તા અને ખાસ તો સ્ક્રીનપ્લે પરીક્ષામાં પુછાતા એવા સવાલ જેવો છે જેનો પરાણે લખવો પડતો ચાર પાનાંનો જવાબ માત્ર એકજ માર્ક આપી શકે એમ છે. એકાદ બે એપિસોડ અને એપિસોડ ના નામ જે શેક્સપિયરના ક્વોટ્સ પરથી બનાવ્યા છે એ સિવાય આની વાર્તા અને શેક્સપિયરને કઈ સંબંધ નથી.

ઇમરાન હાશ્મીનો એડોનિસ (સુંદરતા અને ઇચ્છાનો ગ્રીક ભગવાન) IIW નો બેસ્ટ એજન્ટ હતો એવું પહેલા એપિસોડમાં ઘણી વાર આપણા માથે મારવામાં આવે છે. પણ બીજા કે ત્રીજા એપિસોડ પછી ઇમરાન હાશ્મીને ક્યાંક એડોનિસ તરીકે બોલાવવામાં આવતો નથી. ઉલટું એની સાચી ઓળખ, કબીર આનંદ તરીકે જ આખું પાકિસ્તાન એને ઓળખે છે. એક સિક્રેટ એજન્ટની સાચી ઓળખ વિષે એના દુશ્મનો જાણે છે, છતાંય એ સિક્રેટ એજન્ટ પાંચ વર્ષ સુધી શાંતિ થી મુંબઈમાં બેઠો બેઠો શેક્સપિયર ભણાવી શકે છે. અને આ વાત હાજમોલા ખાધા પછી ય હજમ નથી થતી. અને એનાથી વધારે મજા આવે એવી વાત એ છે કે કબીર આનંદ IIW નો બેસ્ટ એજન્ટ છે છતાંય એક જુનિયર કહેવાતા વીરસિંહને એનો કોઈ અહોભાવ નથી અને એક સીનમાં લિટરલી એ કબીરને હાંકી લે છે.

ભારતીય એજન્ટ છુપાવાને બદલે ખુલ્લેઆમ પોલીસ સાથે ભીડાય છે. બલુચિસ્તાનના ઇમામ સાયબર કાફેમાં બેઠા બેઠા ઓપન નેટવર્કથી ડેટા અપલોડ કરે છે (NDTV ગેજેટ્સ ના રીવ્યુઅરને આ ઇમામ સાયબર કાફે સામે ય વાંધો હતો, બોલો). પોતાનો જીવ ખતરા માં હોવા છતાંય આ જાસૂસો તાલિબાનના લીડરના દીકરાને ઇસ્લામ વિષે લેક્ચર આપે છે. જ્યાં વર્ષોથી કોઈ ન રહેતું હોય ત્યાં, આ લોકોને ખુલ્લે આમ અને કોઈ રોકટોક વગર ઇન્ટરનેટ મળે છે. લોકોને ગોળીઓ તો હાલતા ચાલતા વાગે છે અને પછી કઈ ન થયું હોય એમ તરત ઉભા થઇ જાય છે. આખી જિંદગી ગોખેલા અને કૃત્રિમ પશ્તોમાં બોલતા બાપ દીકરા અચાનક જ કબીર આનંદ ના દર્શન થતા હિન્દીમાં બોલવા માંડે છે (ઇસસે અચ્છે દિન કહા સે લાઓગે). અને આખી વાત માં મેઈન પોઇન્ટ એ છે કે 2019માં ભારતની ટોપ જાસૂસી એજન્સીએ ઇમેઇલ બેકઅપ વિષે કઈ વિચાર્યું નથી હોતું. બાર્ડ ઓફ બ્લડમાં પ્લોટ હોલ એટલે મોટા છે કે એમાંથી આખા ને આખા ટ્રક પસાર થઇ જાય અને કોઈને ખબર ય ન પડે.

કાસ્ટિંગ પણ બાર્ડ ઓફ બ્લડનો બીજો નેગેટિવ પોઇન્ટ છે. ઇમરાન હાશ્મી ની એક્ટિંગ થોડી ઘણી સારી લાગે છે, પણ એને કોઈ ખાસ ભાવ દેખાડવાનું આવ્યું નથી. 80% સીઝન એ દુઃખી, થોડો ઉત્સાહિત, ગુસ્સે અને કન્ફ્યુઝ રહીને કાઢે છે. જે ગણ્યા ગાંઠ્યા સીનમાં એને કૈક બીજું કરવાનું આવ્યું છે ત્યાં એ સારી રીતે નિભાવી જાણે છે. ઈશા ખન્નાનો રોલ શોભિતા ધૂલિપાલા ને બદલે ઉદય ચોપરાને આપ્યો હોત તો ય કઈ ફરક ન પડત, કારણકે બંને એક્ટિંગની બાબતે સાવ એક્સપ્રેશન વિહીન છે. મુક્કાબાજ ફેમ વિનીત કુમારને શરૂઆતમાં જોવાની મજા આવે છે, પણ સ્ટોરી આગળ વધતા એ પણ કાંટાળા જનક થઇ જાય છે. મુલ્લા ખાલિદ બનતા દાનિશ હુસૈન અને એના દીકરા બનતા અશેઇશ નિઝવાન થોડા ઘણા ડરાવના લાગે છે પણ એની પશ્તો માથાના દુખાવા જનક લાગે છે.

પણ સીઝનનું બેસ્ટ કામ કર્યું હોય તો તન્વીર શેહઝાદ બનતા જયદીપ અહલાવતે. જ્યારથી અને જેટલો સમય એ સ્ક્રીન પર દેખાય છે એટલો સમય સ્ક્રીન પર એ જ છવાઈ જાય છે. જેટલી મહેનત કબીર આનંદ પાછળ થઇ છે એનાથી વધારે મહેનત તન્વીર શહેઝાદ પાછળ થઇ છે અને એ બહુ સરસ રીતે દેખાય છે.  અને એક નાનકડા પણ મહત્વના રોલમાં કીર્તિ કુલ્હારી પણ જોરદાર છવાય છે.

અને હા કબીરના મિત્ર બનતા સોહમ શાહ (શિપ ઓફ થીસીયસ અને તુમ્બડ જેવી વખણાયેલી ફિલ્મોના એક્ટર-પ્રોડ્યુસર) એક નાનકડા અને મહત્વના રોલમાં જામે છે. અને એના મૃત્યુ સાથે સંકળાયેલો એક રાઝ આગળની વાર્તા માટે કામનો છે.

ટૂંકમાં

બાર્ડ ઓફ બ્લડ એક સિમ્પલ વાર્તા છે. અને અમુક મોટા પ્લોટ હોલ અવગણો તો એક સારી વાર્તા છે. એક સામાન્ય જાસૂસી વાર્તા તરીકે આને જોશો તો તમને થોડી ઘણી મજા આવશે, પણ આની સરખામણી મિશન ઇમ્પોસિબલ સિરીઝ, કે બીજી કોઈ વાર્તા સાથે કરશો તો સો એ સો ટકા નિરાશ થશો. લીલા અને  સેક્રેડ ગેમ્સ ની બીજી સીઝન જેવી હિન્દુફોબિક અને મોદીફોબિક નેટફ્લિક્સની સિરીઝ કરતા બાર્ડ ઓફ બ્લડ બહુ ક્લીન છે, જે બેશક મારા માટે આ સીઝન જોવાનું એક અગત્યનું કારણ હતું.

મારું રેટિંગ: 3.5/5 (એક આખો માર્ક સ્પેશિયલી નોન હિન્દુફોબિક હોવાનો છે)

ફરીવાર મળીએ ત્યાં સુધી

મે ધ શક્તિ બી વિથ યુ…..

eછાપું 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here