રામમંદિર – ગઈકાલ, આજ અને આવતીકાલ – એક અલગ વિશ્લેષણ – 3

0
288
Photo Courtesy: patrika.com

ભારતના સ્વતંત્ર થયા બાદ ૭૦ વર્ષ સુધી એવી ઘણી તકો તે સમયની સરકારો પાસે આવી હતી જે રામ મંદિરનો વિવાદ ઉકેલી શકતી હતી, પરંતુ રાજકીય કારણોસર એમણે એમ ન કર્યું. શું હતા એ કારણો?

Photo Courtesy: patrika.com

આમ જોવા જઈએ તો ૧૮૫૦માં જ્યારે તત્કાલિન સરકાર દ્વારા હિંદુ વિભાગ અને મુસ્લિમ વિભાગને વાડ બાંધીને અલગ કર્યા હતા ત્યારે જ વિવાદનો અંત આવી જવો જોઈતો હતો. પરંતુ, માની શકીએ કે બંને પક્ષો અડધી જમીન નહીં પણ સંપૂર્ણ પરિસર પર કબજો મેળવવા ઈચ્છતા હોવા જોઈએ જેને લીધે વિવાદનો અંત ન આવી શક્યો હોય. પરંતુ, ૧૯૪૯ના ડિસેમ્બરમાં થયેલ વિવાદ બાદ તત્કાલિન કેન્દ્ર અને રાજ્ય સરકાર ચોક્કસથી હસ્તક્ષેપ કરીને બંને પક્ષોને સમજાવીને કે પછી બળજબરીથી પણ મંદિર અને મસ્જિદની જમીનો અલગ પાડી અને એમને એમની રીતે જમીનનો ઉપયોગ કરવા સમજાવી શક્યા હોત અને પરવાનગી પણ આપી શક્યા હોત. પરંતુ, મેં ઉપર કહ્યુ તે મુજબ બંને ઠેકાણે તે સમયે સ્વાભાવિક રીતે જ કૉંગ્રેસની સરકારો હતી. અને જ્યારે આ તાજા – મૂર્તિ સ્થાપિત કરવાના – વિવાદની ખબર દિલ્હીમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સુધી પહોંચી ત્યારે એ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને એમણે યુનાઈટેડ પ્રોવિન્સની રાજ્ય સરકારના મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભપંતને તાત્કાલિક આદેશ કર્યો કે એ મૂર્તિઓ સરકાર દ્વારા હટાવી લેવામાં આવે.

મુખ્યમંત્રીએ અયોધ્યાના સ્થાનિક પ્રશાસનને આદેશ કર્યો જ્યાં મુખ્ય પ્રશાસનિક અધિકારી કે કે નાયર હતા અને એ પોતે રાષ્ટ્રવાદી હિંદુ સંગઠનો સાથે જોડાયેલા હતા તેમણે એવો જવાબ આપ્યો કે હાલમાં પરિસ્થિતિ ખૂબ જ નાજૂક છે; હિંદુઓ લડી લેવાના મૂડમાં છે અને જો પ્રશાસન કોઈપણ પગલુ ભરશે તો અહીં હિંદુ-મુસ્લિમ રમખાણો ફાટી નીકળશે જેને કાબુમાં કરવા ભારે પડી જશે. એમ કહીને એમણે મૂર્તિઓ હટાવવાની અક્ષમતા જાહેર કરી અને એ મૂર્તિઓ આજ સુધી રામચબૂતરા પર બિરાજમાન છે. હા, ત્યારથી એ સ્થળ પર સરકારે તાળુ માર્યુ અને ભાવિકોના દર્શન માટે એ જગ્યા પ્રતિબંધિત કરવામાં આવી, માત્ર પુજારીનો પ્રવેશ માન્ય રાખ્યો. આ પરિસ્થિતિ છે…ક ૧૯૮૬ સુધી રહી, ૧૯૮૬માં હરિશંકર દૂબેની અરજી પર ડિસ્ટ્રીક્ટ કૉર્ટે તાળુ ખોલીને દર્શન માટે પરવાનગી આપી પણ મુસ્લિમોએ તાત્કાલિક “બાબરી મસ્જિદ એક્શન કમિટી”ની રચના કરી અને કોર્ટ દ્વારા અપાયેલ આદેશ પર સ્ટે લીધો અને થોડા જ કલાકોમાં ફરી આ સ્થળ બંધ કરવુ પડ્યુ.

જો કે, જે તે સમયે તત્કાલિન કૉંગ્રેસી વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા એક બહુ જ ચર્ચાસ્પદ નિર્ણય મુસ્લિમોના પક્ષમાં લેવાયો હતો અને એમણે કેબિનેટના નિર્ણયથી સુપ્રિમ કૉર્ટે શાહબાનો કેસમાં આપેલો ચુકાદો ફેરવી તોળ્યો હતો; જેને પગલે હિંદુઓ બહુ જ મોટા પ્રમાણમાં કૉંગ્રેસથી વિમુખ થયા હતા તેમને મનાવવા માટે રાજીવ ગાંધીએ આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિવાદાસ્પદ સ્થળે મારેલુ તાળુ ખોલાવ્યુ હતુ અને ભાવિકોને દર્શનની અનુમતિ આપી હતી. પરંતુ, તે પહેલાં જ ૧૯૮૦થી વિશ્વહિંદુ પરિષદ અને ત્યારબાદ ભાજપા દ્વારા રામમંદિર મુદ્દે દેશવ્યાપી અને કંઈક અંશે વિશ્વવ્યાપી આંદોલન છેડી દીધુ હતુ. રાજીવ ગાંધીના પગલાંનુ એ પણ એક કારણ હોઈ શકે કે એમને ઉત્તરપ્રદેશ અને દેશમાં પણ હિંદુઓના મતો ભાજપા તરફી ફંટાવાનો ભય લાગ્યો હોય. રામમંદિર મુદ્દે ઓફિશિયલ રીતે રાજકારણનો પ્રવેશ આ પ્રકરણથી થયો કહેવાય.

તો શું રામમંદિર નહીં બનવા માટે અને એ જમીન વિવાદનો કેસ આટલે લાંબે સુધી ખેંચાવા માટે કોઈ રાજકિય કારણ જ હતુ?? હા અને ના. જેમ આપણે જોયું કે આઝાદ ભારતમાં રામમંદિર મુદ્દે રાજકારણનો પ્રવેશ તો ૧૯૮૦ના દશકમાં થયો એના પહેલાં લગભગ ૩૦ વર્ષો સુધી સરકારો પાસે સમય હતો કે એ કોઈ સર્વમાન્ય ઉકેલ શોધી લે અને વિવાદ પર પૂર્ણવિરામ મૂકે. પણ, તે સમય દરમ્યાન લગભગ બધો સમય ઉત્તરપ્રદેશમાં યા તો કૉંગ્રેસની સરકાર રહી કે પછી રાષ્ટ્રપતિ શાસન રહ્યુ. જ્યારે કેન્દ્રમાં તો મોરારજી; ચરણસિંહ અને ચંદ્રશેખરની અલ્પજીવી સરકારોને બાદ કરતા સતત કૉંગ્રેસી સરકારો જ રહી હતી અને એમાં પણ લાલબહાદૂર શાસ્ત્રીની અર્ધ કાર્યકાળની સરકારને બાદ કરતા નહેરુ-ગાંધી કુટુંબની જ સરકારો રહી હતી. ઉત્તરપ્રદેશમાં જે થોડા સમય માટે અન્ય સરકાર આવી હતી તેને પણ ઉથલાવીને કેન્દ્ર સરકારે યા તો રાષ્ટ્રપતિ શાસન લાદ્યુ અથવા તો પોતાની સરકાર બનાવી.

હવે, નહેરુનુ શરૂઆતનુ – ૧૯૪૯નુ – વલણ જોતાં જ ખ્યાલ આવી જાય છે કે એમની નિતી હિંદુ વિરોધી અને મુસ્લિમ તુષ્ટીકરણની જ રહી હતી. એમનો અભિગમ સોમનાથ મંદિર માટે પણ કંઈક આવો જ રહ્યો હતો એ પણ સર્વવિદિત છે. અને જ્યારથી ઈંદિરા ગાંધી અને ત્યારબાદ રાજીવ ગાંધીની સરકારો આવી ત્યારે પણ આ વલણ એમનુ એમ જ રહ્યુ હતું. ઈંદિરા કે રાજીવની સરકારો આવી તે પહેલાથી જ નહેરુના કાર્યકાળમાં દેશમાં શિક્ષણના સ્તરે, બૌધ્ધિક સ્તરે અને સેવા-સંસ્થાઓના સ્તરે વામપંથી વાતાવરણ જડબેસલાક રીતે પોતાનો ભરડો બનાવીને બેસી ગયું હતું. ભારતમાં ભણાવાતા ઈતિહાસથી માંડીને ભારતની એડમિનિસ્ટ્રેટીવ સંસ્થાઓ અને ન્યાયપાલિકા સુધ્ધાં પર એમનો અદ્રશ્ય ભરડો છવાઈ ગયેલો હતો. એમાંય, જ્યારે ભાજપાએ રામમંદિર માટે દેશવ્યાપી આંદોલન શરૂ કર્યુ ત્યારે કૉંગ્રેસના આ વલણમાં મુસ્લિમ તરફી કટ્ટરતામાં વધારો થયો.

૧૯૮૬થી ૧૯૯૨ સુધીના ગાળામાં જ્યારે આંદોલન એના ચરમ પર હતુ અને ૧૯૯૨માં જ્યારે હિંદુ કારસેવકો દ્વારા બાબરી મસ્જિદનો ધ્વંસ કરવામાં આવ્યો ત્યારથી કૉંગ્રેસનુ વલણ બહુ જ સ્પષ્ટરીતે મુસ્લિમ તરફી થયુ. અને કૉંગ્રેસી વકિલોની ફોજે રામમંદિર જન્મભૂમિ કેસને પોતાના હસ્તક લઈ લીધો. આ વકિલોનુ મુખ્ય કામ એક જ હતું કે યેનકેન પ્રકારે કેસના ચુકાદાને લંબાવ્યે જ રાખવો. એને માટે એમણે બધા જ કાવાદાવા કરી જોયા અને કોઈને કોઈ રીતે મુસ્લિમોને થાબડતા અને પંપાળતા રહ્યા. તો સામેની તરફે તો ભાજપાને કૉંગ્રેસે જ બહુમતિઓ એના તરફ ઝુકાવ લે એવું વાતાવરણ પૂરું પાડી દીધુ હતુ જેનો એણે પણ ભરપૂર લાભ ઉઠાવ્યો.

હિંદુઓ તો ૧૮૫૩થી (કે એના પણ પહેલાના સમયથી) સ્પષ્ટ જ હતાં કે જે સ્થળ પર આ મસ્જિદ બની છે ત્યાં પહેલા રામ-જન્મભૂમિ મંદિર હતું અને આ મસ્જિદ તોડીને એના પર ફરી એકવાર એવું જ ભવ્ય મંદિર બનાવવુ છે. એટલે એમને કોઈ રીતે ફેરવી શકવાનો સવાલ જ નહોતો ઉભો થતો; તો મુસ્લિમોમાં પણ ખાસ કરીને સુન્ની વક્ફ બોર્ડ આ મામલે બહુ જ સંવેદનશીલ વર્તન અપનાવી રહ્યું હતુ. એનુ એક કારણ એ પણ હતું કે આ મસ્જિદ અને એની જમીન બ્રિટીશ કાળમાં જ એક વિવાદ થયા બાદ સુન્ની વક્ફ બોર્ડની માલિકીની બની હતી. શિયા વક્ફ બોર્ડને કંઈ ગુમાવવાનુ નહોતુ કેમ કે, શિયા મુસ્લિમો સુન્નીઓની મસ્જિદમાં નમાજ પઢવા નથી જતાં હોતા એટલે એમને ન તો મસ્જિદથી કોઈ લગાવ હતો કે ન તો જમીનની માલિકી એમની હતી એટલે એમણે ખુલીને હિંદુઓનો સાથ આપ્યો અને સતત એમ કહેતા રહ્યા કે વિવાદાસ્પદ સ્થળે મંદિર હતું અને મંદિર જ બનવું જોઈએ.

આમ જોવા જઈએ તો આ સ્થળે વિવાદ શરૂ થયાના પણ દાયકાઓ પહેલાથી નિયમિત રીતે નમાજ નહોતી પઢાતી એટલે સુન્નીઓને પણ આટલી મિલ્કત જતી કરવામાં કંઈ વાંધો ન હોવો જોઈએ; અને જો એમની મિલ્કત પેટે એમને વળતર જોઈતુ હોય કે પછી એના બદલામાં એમને બીજી જમીન જોઈતી હોત તો એનો ઉકેલ બહુ જ ઝડપથી આવી શક્યો હોત અને ૧૯૫૦થી ૧૯૮૦ સુધીના સમયગાળામાં સરકારે પણ ઈચ્છયું હોત તો આવા પ્રકારનો કોઈ સર્વમાન્ય ઉકેલ લાવી શકી હોત. પરંતુ, ૧૯૯૨માં કારસેવકો દ્વારા મસ્જિદના ધ્વંસ બાદ આમાંની બધી જ શક્યતાઓ પર પાણી ફરી વળ્યુ. જો કે, મસ્જિદ ધ્વંસનુ એક મુખ્ય કારણ એ પણ હતું કે વર્ષોના વર્ષો સુધી ન સરકાર દ્વારા કે ન તો ન્યાયપ્રણાલી દ્વારા આ કેસમાં કોઈ રીતે ઉકેલ લાવવાના પ્રયાસો પણ નહોતા કરવામાં આવ્યા.

હવે, બંને તરફના પક્ષો પોતાનો એક ઈચ જેટલો પણ હક્ક જતો કરવા નહોતા માંગતા અને ન્યાયપાલિકા એકબીજાના દાવાના પૂરતા પૂરાવા માંગી રહી હતી. એમને એમ આ પ્રક્રિયા જટીલ બનતી ગઈ, લિબરહાન પંચ પણ નિમવામાં આવ્યુ અને છેવટે સ્થાનિક હાઈકોર્ટનો ચુકાદો પણ આવી ગયો. પણ, એ ચુકાદા સામે હિંદુ અને મુસ્લિમ બંને પક્ષકારો સુપ્રિમ કોર્ટમાં લડવા માંગતા હતા એટલે ફરીથી વિલંબ થયો. જેનો હમણાં અંત આવવામાં છે.

હવે, આ વિવાદનુ એક બીજુ પાસુ પણ જોઈએ. મુસ્લિમો રામજન્મભૂમિ પર બનેલી (આ વાત હવે આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડીયા દ્વારા પણ સાબિત થઈ ચૂકી છે માટે અહીં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે) મસ્જિદનો પોતાનો દાવો જતો કરવા એટલા માટે પણ તૈયાર નથી કારણ કે, વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કેટલાક વર્ષો પહેલાં જ જાહેર કરવામાં આવ્યુ હતું કે અયોધ્યા વિવાદ ઉકેલાઈ જાય એટલે એમને માટે પ્રાથમિક મુદ્દા મથુરામાં કૃષ્ણ જન્મભૂમિને અડીને આવેલી શાહી ઈદગાહ અને કાશીમાં વિશ્વનાથમંદિરને અડોઅડ બનાવેલી જ્ઞાનવાપી મસ્જિદનો કબજો મેળવીને એને જમીનદોસ્ત કરીને હિંદુ ધર્મસ્થાનમાં ફેરવવાના રહેશે. યાદ રહે કે આ બંને મસ્જિદો પણ મુસ્લિમ શાસકો દ્વારા ત્યાં બનેલા મંદિરો તોડી પાડીને બનાવવામાં આવેલી હતી અને સમય જતાં એ સ્થળે નાણાકિય જોરે હિંદુઓ દ્વારા જમીનો ખરીદીને મંદિરોનુ પુનઃનિર્માણ કરવામાં આવ્યુ હતું.

તે સમયે પણ વિવાદો થયા હતા અને એ વિવાદો આજે પણ હિંદુઓના દિલ અને દિમાગમાં અકબંધ પડ્યા છે. જો કે, આમ જ થઈ શકવાનુ હોય તો ભારતમાં મુસ્લિમ કાળ દરમ્યાન જે હજ્જારો ના હજ્જારો હિંદુ આસ્થા સ્થળોને તોડી નાખવામાં આવ્યા છે અને મોટાભાગના સ્થળે મસ્જિદો બનાવવામાં આવી છે એ વિવાદો પણ પૂરજોશ પકડે અને મુસ્લિમોને માટે સૌથી મોટી ચિંતા હોય તો એ આ જ છે, કે જો એમણે એક મહત્વના સ્થળેથી કબજો જતો કર્યો તો હિંદુવાદીઓને જોર સાંપડશે અને અન્ય મસ્જિદો પરના એમના દાવાનુ જોર અનેકગણુ વધી જશે.

શાહી ઈદગાહ અને જ્ઞાનવાપીના રક્તરંજિત ઈતિહાસની વાત આવનારા લેખમાં કરીશુ.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here