इन आँखों की मस्ती के मस्ताने (7): ‘ઉમરાવ જાન’ થી ‘ખૂન ભરી માંગ’ જેવી હટકે ફિલ્મો

0
310
Photo Courtesy: zeenews.india.com

અમિતાભ સાથે બ્રેકઅપ થયા બાદ રેખાએ થોડો સમય વિરામ લીધો પરંતુ વિરામ બાદ તેણે જે પ્રકારની ફિલ્મો સ્વીકારી અને તેમાં અભિનય કર્યો તેણે રેખાને અને તેની અદાકારીને એક અલગ જ સ્તર પર સ્થાપિત કરી દીધી હતી. જો કે આ પ્રકારના રોલ સ્વીકારવા પાછળ વધતી ઉંમર પણ જવાબદાર હતી.

Photo Courtesy: zeenews.india.com

‘સિલસિલા’ માટે પસંદગીનો કળશ રેખા-જયા પહેલાં પરવીન બાબી-સ્મિતા પાટીલ પર ઢોળાયેલો પણ તે પૂર્વે એક વાર યશ ચોપડાએ પદ્મિની કોલ્હાપૂરે અને પૂનમ ધિલ્લોં સાથે આ રોલ માટે વાત કરી હતી. પૂનમને યશ ચોપડાએ જ ‘ત્રિશૂલ’ અને ‘નૂરી’માં 1978-79માં પહેલી વહેલી વાર ચાન્સ આપેલો.

રેખાનું અમિતાભ સાથે બ્રેક-અપ થયું પછી રેખાએ મસાલા ફિલ્મોથી બ્રેક લીધો અને થોડી ‘હટકે’ ફિલ્મો કરી જેની શરૂઆત 1981માં થઈ. મુઝફ્ફર અલીએ ‘ઉમરાવ જાન’ માટે રેખાને પસંદ કરી. રેખાની પસંદગી કરતી વખતે નિર્દેશકે ફક્ત રેખાના ફોટા જ જોયા હતા. કોઈ ઓડિશન નહીં કે કોઈ સ્ક્રિપ્ટનું વર્ણન નહીં. ફિલ્મનો રોલ જ એવો હતો કે કોઈ પણ હીરોઈન ના ન પાડે. ફિલ્મમાં રેખા સિવાય કોઈ પણ બીજો મોટો સ્ટાર નહોતો, તેણીને ખબર હતી કે આખી ફિલ્મનો ભાર પોતાની પર છે છતાંય રેખાએ ફિલ્મ માટે હા પાડી કારણ કે રોલ અઘરો અને પડકારવાળો હતો.

આ ફિલ્મ 1905ની મિર્ઝા હદી રુઝવાની નવલકથા ‘ઉમરાવ જાન અદા’ પરથી બનાવવામાં આવી હતી. ફિલ્મમાં 1840ના કાળનું અવધ, તે સમયની તેહઝીબ, સંગીત, કવિતા અને નૃત્ય પર ખાસ્સુ ધ્યાન આપવામાં આવેલું. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને ફારુખ શેખ પણ હતા અને આ ફિલ્મથી જ રેખા ગ્લેમર, પ્રેમ-ઈશ્ક અને કોમેડી ફિલ્મોની બીજી તરફ આકર્ષણ, લાવણ્ય અને તીવ્ર રોલ તરફ વળી.

રેખાએ ‘ઉમરાવ જાન’ માટે ખુદમાં પણ બદલાવ લાવ્યા. રેખાએ આ ફિલ્મ માટે ઘણી તૈયારી કરીઃ ઉર્દૂ શીખી, કવિતાઓ વાંચી, વાંચવાની અને સંભળાવવાની પ્રેક્ટિસ કરી. એમ કહીએ તો અતીશયોક્તિ નહીં થાય કે રેખા ‘ઉમરાવ જાન’ની સ્ક્રિપ્ટને ઘોળીને પી ગયેલી. રેખાનો ઉમરાવનો એ લાજવાબ રોલ વર્ષો અને પેઢીઓ સુધી લોકોને યાદ રહેશે.

ફિલ્મની શૂટીંગ વખતે મુઝફ્ફર અલી અને રેખા વચ્ચે લગભગ રોજ એક વિષય પર બોલાચાલી થતી – કપડાં અને ઘરેણાં. રેખા તે સમયે ગ્લેમરની રાણી હતી. પોતાની સાથે એક આખી ટીમ લઈને ફરતી જે તેને મેક-અપ અને દેખાવમાં મદદ કરતી. મુઝફ્ફરને આ ન ગમતું. ફિલ્મમાં રેખાનું પાત્ર 1840ના જમાનાનું હતું, તે સમયનો પોશાક અને મેક-અપ અલગ હતો. મુઝફ્ફરને રેખા અને અમિતાભ વિશે ખબર હતી કારણ કે એક ઈન્ટરવ્યુમાં મુઝફ્ફર અલીએ એવું પણ કહેલું કે ઉમરાવ જાનના શૂટીંગ વખતે અમિતાભ સેટ પર આવીને કલાકો સુધી બેસતો (આ વાત ‘સિલસિલા’ રિલીઝ થઈ તે પહેલાંની છે). ‘સિલસિલા’ વાળા લેખમાં આપણે જાણ્યું કે રેખા તે વખતે ડબિંગની પણ રાણી ગણાતી. કોઈ પણ ફિલ્મ રેખા 3-4 કલાકમાં ડબિંગ કરી દેતી. ‘ઉમરાવ જાન’ માટે પણ રેખાએ 6 કલાક ફાળવવાનું નક્કી કર્યું પણ ઉર્દૂ શાયરી અને ડાયલોગને કારણે રેખાને 36 કલાક લાગ્યા.

‘ઉમરાવ જાન’ માટે રેખાને બેસ્ટ હીરોઈનનો નેશનલ એવોર્ડ એનાયત થયો. આ જ ફિલ્મ માટે કલા નિર્દેશક મંઝૂર, સંગીતકાર ખય્યામ અને ગાયિકા આશા ભોસલેને પણ નેશનલ એવોર્ડ મળ્યા. ‘ઉમરાવ જાન’માં મુજરાની કોરિયોગ્રાફી માટે મુઝફ્ફર અલીએ કથ્થક નૃત્યગુરુ ગોપી કૃષ્ણ (જેમણે મુગલ-એ-આઝમના મુજરાની પણ કોરિયોગ્રાફી કરેલી) અને કુમુદિની લાખિયાને નક્કી કરેલા.

ફિલ્મના બે ગીતોની નોંધ લેવી જરૂરી છેઃ ‘दिल चीज क्या है, आप मेरी जान लिजिये…અને ‘इन आँखों की मस्ती के मस्ताने हजारों हैं…’ આ એ જ ગીત છે જેના પરથી આ શ્રેણીનું શીર્ષક આપવામાં આવ્યું છે.

***

જ્યારે ‘ઉમરાવ જાન’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હિન્દી ફિલ્મજગત એક અલગ જ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું. ફિલ્મોના વિષય બદલાયા અને ત્રણ હીરોઈનોએ હટકે ફિલ્મો કરવાનું શરૂ કર્યું: શબાના આઝમી, સ્મિતા પાટીલ અને રેખા. રેખાએ આવી ઓફબીટ ફિલ્મોની એક હરોળ શરૂ કરીઃ શ્યામ બેનેગલની ‘કલયુગ’, ગોવિંદ નિહલાનીની ‘વિજેતા’, ગિરીશ કર્નાડની ‘ઉત્સવ’ અને ગુલઝારની ‘ઈઝાજત’!

‘કલયુગ’ના નિર્માતા શશી કપૂર હતા અને નિર્દેશક શ્યામ બેનેગલ. આ ફિલ્મ મહાભારતની કથા પર આધારિત હતી. રેખાનું પાત્ર દ્રોપદીના પાત્રને મળતું હતું. આ ફિલ્મની ડબિંગ વખતે રેખા લગભગ બે કલાકમાં જ બધું કામ કરી લીધેલું. કોઈ લખેલા ડાયલોગ નહીં, ફક્ત પોતાના હોઠ અને ચહેરાના હાવભાવથી રેખા ડબિંગ કરી લેતી. ‘કલયુગ’નો એક સીન દ્રોપદીની નજરથી ફિલ્માવવામાં આવ્યોઃ ચીરહરણ. આ સીનમાં રેખાના ઘરે ઇન્કમ ટેક્સ ઓફિસરના દરોડા પડે છે અને તેણીના બેડરૂમના કબાટમાંથી ઓફિસર બ્રા ફગાવી દે છે. આ સીન માટે રેખાનો અભિનય ખૂબ જ વખણાયેલો. શશી કપૂર, રાજ બબ્બર, કુલભુષણ ખરબંદા, ઓમ પૂરી, અમરીશ પૂરી જેવા દિગ્ગજ કલાકારો આ ફિલ્મમાં હતા અને આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ એનાયત થયેલો.

***

જ્યારે શશી કપૂરે ‘ઉત્સવ’ ફિલ્મની તૈયારી કરી ત્યારે લીડ-રોલમાં તેમની પહેલી પસંદ રેખા જ હતી. આ ફિલ્મ બે સંસ્કૃત નાટકો પરથી બનાવવામાં આવેલીઃ મૃચ્છકટિકમ્ અને દરિદ્ર-ચારુદત્ત. બંને નાટક એક ગણિકા વસંતસેનાના બ્રાહ્મણ ચારુદત્ત સાથેના પ્રેમસંબંધની વાત કરે છે.

આ ફિલ્મ માટે શશી કપૂરે ગિરીશ કર્નાડને નિર્દેશક તરીકે પસંદ કર્યા. ગિરીશ કર્નાડ ઓલરેડી ‘કલયુગ’ ફિલ્મની પટકથા લખી ચૂક્યા હતા. ફિલ્મને કાવ્યમય અને સંવેદનશીલ બનાવવા માટે કર્નાડે એક નવા હીરોને આ ફિલ્મમાં લેવાનું નક્કી કર્યું. એ હીરોનું નામઃ શેખર સુમન. ‘ઉત્સવ’ રિલીઝ થવા પહેલાં જ મિડીયામાં એવી વાત ફેલાવી દીધી કે આ ફિલ્મમાં રેખા અત્યાર સુધીનો સૌથી બોલ્ડ રોલ કરવાની છે. ફિલ્મ શૃંગારિક છે અને કાવ્યાત્મક રીતે રજૂ થશે, એવું પણ લોકોને કહેવામાં આવ્યું. શેખર સુમનને ખબર પડી કે રેખાની સામે તેનું કાસ્ટિંગ થયું છે ત્યારે વો સાતવેં આસમાન પર થા. શશી અને ગિરીશે શેખરને પસંદ કરેલો પણ તેને એવું કહેવામાં આવેલું કે આ પસંદ પર છેલ્લી મહોર રેખાની લાગશે. રેખાને મળવા બોમ્બેના પૃથ્વી થિયેટરમાં શેખર દિવસો સુધી રાહ જોતો પણ રેખાના દર્શન દુર્લભ હતા. છેવટે, શેખરને શશી કપૂરની ઓફીસમાં બોલાવીને રેખા અને ગિરીશે પસંદગીની મહોર લગાવી.

‘ઉત્સવ’નું શૂટીંગ મેંગ્લોરની બાજુમાં આવેલા એક નાનકડા ગામ કુંદાપુરમાં થયેલું. ત્યાં 400 વર્ષ જૂના એક મકાનને નવાજેવું બનાવીને આખો સેટ બનાવવામાં આવેલો. ફિલ્મની શૂટીંગ 1984માં શરૂ થઈ ત્યારે રેખાના બોમ્બેના ઘરમાં આયકર વિભાગે છાપો માર્યો હતો. કોઈ બીજું હોત તો તરત જ શૂટીંગ રોકીને બોમ્બે રવાના થઈ જાત પણ રેખાએ વિચાર્યું કે શશી કપૂર મારા મિત્ર છે અને આ સેટ લગાડવામાં ઘણી મહેનત અને સંપત્તિ લાગી છે. પોતાની શૂટીંગ પૂરી કરીને પછી જ રેખા બોમ્બે ગઈ.

બોમ્બેના મેટ્રો થિયેટરમાં (અને બીજા ચાર શહેરોમાં) 26 સપ્ટેમ્બર 1985ના રોજ ‘ઉત્સવ’નું પ્રિમિયર યોજવામાં આવ્યું. ઉત્સવ ફિલ્મે ઘણો ગણગણાટ કર્યો પણ ગાજ્યા મેઘ વરસ્યા નહીં. It failed miserably. ફિલ્મ એકદમ ફ્લોપ ગઈ. બિનભારતીયો માટે આ ફિલ્મને અંગ્રેજીમાં પણ બનાવાયેલી – છતાં લોકોએ ફિલ્મને પસંદ ન કરી.

***

આ દરમિયાન રેખાના વ્યક્તિગત જીવનમાં પણ ચડતી-પડતી થતી રહી. રેખાનું નામ બીજા પુરુષો સાથે પણ જોડાયું: શૈલેન્દ્ર સિંઘ, કમલ હાસન, નિર્માતા રાજીવ કુમાર અને સંજય દત્ત. એક અફવા એવી પણ હતી કે રેખા અને સંજય દત્તે છૂપાઈને લગ્ન કરી લીધેલા. થોડા દિવસો પછી ‘સંસાર’ ફિલ્મની શૂટીંગ દરમિયાન રેખા અને રાજ બબ્બરના અફેરની વાત મિડીયામાં ફેલાયેલી. એવું લાગતું હતું કે જે ફિલ્મમાં રેખા કામ કરવાની હોય તે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન વધારવા તે જ ફિલ્મના હીરો સાથે તેને લીંક કરવામાં આવતી.

રેખાની ફિલ્મ કારકિર્દીની ટોપ-5 ફિલ્મોના નામ લઈએ તો તેમાં ત્રણ તો ગુલઝારની જ ફિલ્મો હતીઃ ‘ઘર’, ‘ખૂબસૂરત’ અને ‘ઈજાઝત’. રેખા અને રાખીને ઘર જેવા સંબંધો હતા માટે ગુલઝાર સાથે રેખા હંમેશા આદરપૂર્વક વર્તન કરતી.

1987માં રેખાની ફિલ્મ ‘ઈજાઝત’ આવી જેને ગુલઝારે નિર્દેશ કરેલી. ‘ઈઝાજત’ એ સુબોધ ઘોષ નામના લેખકની એક બંગાળી વાર્તા ‘જતુગૃહ’ પરથી બનાવવામાં આવેલી, જેમાં રેખા અને નસીરુદ્દીન શાહે પતિ-પત્નીનો રોલ કરેલો. ફિલ્મમાં રેખા વગર બોલ્યે, ફક્ત પોતાની આંખો અને મૌનથી દરેક દર્દ અને લાગણી વ્યક્ત કરવામાં સફળ રહેલી. રેખાની ફિલ્મી કારકિર્દીમાં ‘ઈજાઝત’ એક અતિમહત્વની ફિલ્મ બની રહી.

Filmfare મેગેઝીને લખ્યું: ‘ઈજાઝત’ એ ગુલઝારની સૌથી સંવેદનશીલ ફિલ્મોમાંની એક છે. એક પઝેસીવ પત્ની તરીકે રેખાનો પણ ખૂબ જ દિલગીર અને યાદગાર અભિનય બની રહ્યો, જેણે અન્ય સ્ત્રી (અનુરાધા પટેલ) સાથે શેર કરવાને બદલે પોતાના પતિ (નસીરુદ્દીન શાહ) ને છોડી દીધેલો.

***

આ સિવાય પણ રેખાની ફિલ્મોની વણઝાર ચાલુ રહી.  ‘જમીન આસમાન’ (1984), ‘ફાંસલે’ (1985), ‘જાલ’ (1986), ‘પ્યાર કી જીત’ (1987) અને ‘સંસાર’ (1987). રેખાનો સિતારો ધીમે ધીમે ઝાંખો પડતો હતો કારણ કે બીજી યુવા હીરોઈનો ફિલ્મજગતમાં પ્રવેશી રહી હતી. જે વર્ષે ‘ઈજાઝત’ રિલીઝ થઈ તે જ વર્ષે શેખર કપૂરની ‘મિસ્ટર ઈંડિયા’ રિલીઝ થઈ જેણે શ્રીદેવીને એક અલગ જ ઊંચાઈ પર મૂકી દીધી. બીજે વર્ષે નિર્માતા મન્સૂર ખાને ‘કયામત સે કયામત તક’ નામની એક મ્યુઝિકલ હીટ આપી, જેમાં જૂહી ચાવલા નામની હીરોઈન હતી અને 1988માં એન. ચંદ્રાએ ‘તેઝાબ’ નામની સુપરહીટ ફિલ્મ આપી જેમાં મોહિની માધુરી દિક્ષિત હતી.

1988માં રેખાએ ‘બીવી હો તો ઐસી’ નામની ફિલ્મથી ફરી કમબેક કર્યું. આ ફિલ્મમાં રેખાએ એક એવી વહુનો રોલ કર્યો જે પોતાના આખા શ્વસુરપક્ષના પરિવારને સીધાદોર કરી દે છે. આ એ જ ફિલ્મ હતી જેમાં આપણા ‘ભાઈ’ સલમાન ખાને હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું.

1988માં લગભગ છેલ્લે રેખાને લાઈફટાઈમ યાદગાર રહે તેવો રોલ મળ્યો અને ફિલ્મનું નામ હતું: ‘ખૂન ભરી માંગ’. રાકેશ રોશને ઓસ્ટ્રેલિયાની એક મિની-સિરીઝ Return to Eden (1983) પરથી એક બદલાની ભાવના પ્રગટ કરે તેવી રોમાંચક ફિલ્મ બનાવવાનું વિચાર્યું અને રેખા-કબીર બેદીને લઈને ‘ખૂન ભરી માંગ’ બનાવી. આ ફિલ્મથી રેખા ‘લેડી અમિતાભ’ તરીકે લોકો સમક્ષ આવી. આ ફિલ્મ માટે રેખાને બેસ્ટ હીરોઈનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.

મેગેઝીનમાં એમ.એલ.ધવને લખ્યું: ‘ખૂન ભરી માંગ’ સાથે જ રાકેશ રોશને એક દંતકથાનો નાશ કર્યો કે ફિલ્મનો નાયક હીરો/પુરુષ/મર્દ જ હોવો જરૂરી છે અને નાયિકાઓ ફક્ત નાચવા-કુદવા અને પૂતળાઓ તરીકે સેવા આપે. આ ફિલ્મ રેખા માટે એક ગૌરવનો તાજ બની રહી, જેમાં પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી. રેખાનો તેજસ્વી અભિનય અને ડાયલોગ બોલવાની ઢબ તેણીને ‘લેડી અમિતાભ’ બનાવી દીધી.

યોગાનુયોગ, 1988માં રેખાનું જ નહીં પણ અમિતાભનું પણ કમબેકનું વર્ષ રહ્યું. આ જ વર્ષે અમિતાભની ફિલ્મ ‘શહેનશાહ’ રિલીઝ થઈ. જો કે ‘શહેનશાહ’ ફિલ્મને ખરાબ રીવ્યુ મળ્યા પણ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની રહી.

ક્યા જવાબ હૈ આપકા?

શશી કપૂર ‘ઉત્સવ’ ફિલ્મના નિર્માતા હતા, જેમાં શેખર સુમને મુખ્ય નાયક ચારુદત્તનો રોલ કરેલો. સામસ્થાનક (જે રેખાના પ્રેમમાં હોય છે) નો સપોર્ટીંગ રોલ જે હીરો કરવાનો હતો તે ઈજાગ્રસ્ત હોવાને કારણે કરી ન શક્યો. છેવટે શશી કપૂરે તે રોલ માટે ઝંપલાવ્યું. કોણ હતું તે જેના બદલે શશી કપૂરે આ રોલ કર્યો?

જવાબ આવતાં અંકે…

इन आँखों की मस्ती के मस्ताने: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here