હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓમાં મુસ્લિમ મહિલાઓ ખુલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં બહાર આવી છે અને આ માટે તેમણે એક ખાસ અને અનોખા પ્રકારનું પોસ્ટર અભિયાન શરુ કર્યું છે.

અંબાલા: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર ચરમ પર છે અને આવા સમયે અંબાલામાં લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેનું સમર્થન સ્વયંભુપણે બહાર આવ્યું છે. અંબાલાના મુસ્લિમ વિસ્તારોમાં ઘરની બહાર એક મજેદાર પોસ્ટર લગાવવામાં આવ્યું છે.
અંબાલાના કેટલાક મુસ્લિમ વિસ્તારોમાં એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે, “ડોરબેલ બગડી ગઈ છે, દરવાજો ખોલવા માટે કૃપા કરીને મોદી મોદીની બુમ પાડો.” એક તરફ જ્યારે ભારતના લિબરલો દેશમાં મુસ્લિમો નરેન્દ્ર મોદીના શાસનમાં ભય હેઠળ જીવતા હોવાનો દાવો કરતા જોવા મળે છે ત્યારે મુસ્લિમો દ્વારા જ આ પ્રકારનું પોસ્ટર લગાવવાથી તમામને સત્ય શું છે તેની જાણ થઇ છે.
હકીકત એ છે કે અંબાલાની મુસ્લિમ મહિલાઓએ પોતપોતાના ઘરની બહાર આ પોસ્ટર લગાવ્યું છે. તેમનું કહેવું છે કે અહીં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હોવાથી વિવિધ પક્ષોના ઉમેદવારો વાંરવાર પ્રચાર માટે આવે છે અને ડોરબેલ વગાડતા હોવાથી તેમને તકલીફ થાય છે.
આ તકલીફમાંથી દૂર થવા માટે આ મહિલાઓએ આ પ્રકારનું પોસ્ટર લગાવ્યું છે. આ પાછળનું કારણ આપતા તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો લાવીને તેમને ખૂબ મોટી રાહત આપી છે અને આ કાર્ય માત્ર નરેન્દ્ર મોદી જ કરી શકે તેમ હતા.
અંબાલાની આ મુસ્લિમ મહિલાઓનું કહેવું છે કે અગાઉ તેમના વિસ્તારમાં મુસ્લિમ પતિઓ નાના નાણા કારણો આગળ ધરીને ફોન પર પણ પોતાની પત્નીઓને તલાક આપીને તેમનું જીવન ધૂળમાં મેળવી દેતા હતા. પરંતુ ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો આવતા હવે તેમનામાં પોલીસનો ડર વ્યાપ્ત થયો છે અને હવે તેઓ ટ્રિપલ તલાકથી દૂર રહેવા લાગ્યા છે.
મુસ્લિમ મહિલાઓનું કહેવું છે કે તેમનું જીવન સાર્થક બનાવવા માટે તેમનો મત નરેન્દ્ર મોદીને જ મળશે.
eછાપું