ચોમાસું પૂરું થવાની સાથેજ અને દિવાળી આવે તે પહેલાના સમયમાં ઘેરઘેર તાવ અને માંદગી જોવા મળે છે, તેમાંય છેલ્લા અમુક વર્ષોથી ડેન્ગ્યુનો તાવ ત્રાસ ફેલાવી રહ્યો છે. ચાલી જાણીએ ડેન્ગ્યુના લક્ષણો અને પપૈયાના પાનનો રસ તેના ઉપચાર માટે કેટલો ઉપયોગી બની શકે છે.

ડેન્ગ્યુ ફિવર, જેને હાડકાતોડ તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જ્યારે “એડીસ એજિપ્ટી” મચ્છર તંદુરસ્ત માણસને ડંખે છે, ત્યારે ડેન્ગ્યુનો વાયરસ લોહીના પ્રવાહ માં પ્રવેશે છે અને ત્યારબાદ તે વાયરસ આખા શરીરમાં ગુણાકાર કરવાનું શરૂ કરે છે . ડેન્ગ્યુ તાવ એક વ્યક્તિ તેને સીધો જ બીજામાં પ્રવેશ કરી શકતો નથી. ઉષ્ણકટિબંધીય દેશોમાં ડેન્ગ્યુ એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ઉભરી રહ્યો છે અને તેની મૃત્યુ અને પરંપરાગત એલોપથી સારવારની મર્યાદાઓને કારણે સરકાર અને તમામ આરોગ્ય એજન્સીઓનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.
WHO મુજબ, ડેન્ગ્યુ એ આજે વિશ્વભરમાં મચ્છરજન્ય રોગ સૌથી ઝડપથી વિકસી રહ્યો છે, દર વર્ષે લગભગ 400 મિલિયન (એક મિલિયન એટલે દસ લાખ) લોકોને તેનો ચેપ લાગે છે. નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP)ના આંકડા મુજબ, 2017 માં ભારતમાં ડેન્ગ્યુના 15, 7220 કેસો અને રોગના કારણે 250 લોકોના મોત થયા છે. વર્ષ 2016 માં દેશમાં 129166 કેસ નોંધાયા હતા અને 245 લોકો મોતને ભેટ્યા હતા. આ ઉપલબ્ધ સરકારી આંકડો છે. બિનસત્તાવાર આંક આનાથી ઘણો મોટો હોઈ શકે.
હાલમાં, ડેન્ગ્યુની સારવાર માટે કોઈ વિશિષ્ટ એલોપથી દવા ઉપલબ્ધ નથી અને સારવાર ડેન્ગ્યુ તાવના લક્ષણોથી રાહત આપવા પર કેન્દ્રિત છે. પર્યાપ્ત હાઇડ્રેશન માટે આરામ અને પ્રવાહીનું પૂરતા પ્રમાણમાં સેવન મહત્વપૂર્ણ છે. એટલે જ જરૂર પડ્યે ડોક્ટર દર્દીને હોસ્પિટલમાં ફરજીયાત દાખલ કરી નોર્મલ સેલાઈનના “બાટલા ચડાવે” છે.
લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો અને ચામડી પર ફોલ્લીઓ થાય છે. ક્યારેક આ રોગ જીવલેણ ડેન્ગ્યુ હેમરેજિક તાવમાં ફેરવાય છે, પરિણામે શરીરમાંથી લોહી વહેવું, લોહીના પ્લેટલેટના કણોનું ઓછું થવું અને પ્લાઝ્મા લિકેજ અથવા ડેન્ગ્યુ શોક સિંડ્રોમમાં પરિણામે છે, જેમાં ખતરનાક રીતે લો બ્લડ પ્રેશર થાય છે.
તાજેતરના સમયમાં, ડેન્ગ્યુ તાવની સારવારમાં પપૈયાના પાંદડાની અસરકારકતા પર ભારે ચર્ચાઓ થઈ છે, ખાસ કરીને ઓછી પ્લેટલેટવાળા ડેન્ગ્યુના દર્દીઓમાં પ્લેટલેટની ગણતરીમાં વધારો થાય છે. ડેન્ગ્યુના તાવમાં પપૈયાના પાનના ઉપયોગની અસરકારકતા અંગે વ્યાપક અહેવાલ મળી રહ્યા છે, તે સમયે કેટલાક દર્દીઓ દ્વારા પપૈયાના પાંદડા લેવા પછી અયોગ્ય અસરો થવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે. બાયોમેડિકલ સમુદાયની પ્રતિક્રિયા મિશ્રિત છે, કેટલાક તેના ઉપયોગની હિમાયત કરે છે અને અન્ય લોકો દલીલ કરે છે કે ડેન્ગ્યુના તાવની સારવારમાં પપૈયાના પાંદડાઓના ઉપયોગની અસરકારકતા માટે કોઈ પુરાવા નથી.પબમેડ ડેટાબેઝ પર પપૈયાના પાંદડાઓના ઉપચારાત્મક પ્રભાવો અંગેના પૂર્વ-ક્લિનિકલ અને ક્લિનિકલ સંશોધન સહિતના 75 જેટલા અધ્યયનની વિગતો ઉપલબ્ધ છે.
શાસ્ત્રીય આયુર્વેદિક ગ્રંથોમાં પપૈયાનો ઉલ્લેખ નથી.પપૈયાનો છોડ ભારતીય મૂળનો નથી. જો કે, તેનો અર્થ એ નથી કે આયુર્વેદિક વ્યવસાયિકો માટે પપૈયાનો ઉપયોગ કરવાનો કોઈ આધાર હોઈ શકે નહીં. ચરક સંહિતા ભારપૂર્વક જણાવે છે કે વિશ્વમાં એવો કોઈ પદાર્થ નથી કે દવા તરીકે ઉપયોગી ન હોય. તેથી, જો શાસ્ત્રીય રીતે પૂરતા પ્રમાણમાં સમજાય તો જ પપૈયા આયુર્વેદમાં વાપરી શકાય છે.
સારા સમાચાર એ છે કે, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ (CCRSS), આયુષ મંત્રાલય અને ECMRના કર્ણાટકના બેલગામ સ્થિત પ્રાદેશિક સંશોધન કેન્દ્ર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા એ ડેન્ગ્યુ પર આયુર્વેદિક દવાના પાયલોટ સ્ટડી હાથ ધર્યા અને દવાઓની ક્લિનિકલ સલામતી અને અસરકારકતાને સાબિત કરી છે. CCRSSના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર વૈદ્ય કે એસ ધિમનના જણાવ્યા અનુસાર બેલ્ગામ અને કોલારની મેડિકલ કોલેજોમાં ડબલ-બ્લાઇન્ડ પ્લેસબો-કંટ્રોલ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે. આ દવા સાત હર્બલ તત્વોમાંથી બનાવવામાં આવી છે જે સદીઓથી આયુર્વેદ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાય છે.
CCRSS દ્વારા સંશોધિત આ દવા માર્કેટમાં આવે ત્યાં સુધી વૈદ્યો આયુર્વેદિક દ્રષ્ટિકોણ મુજબ તે મુખ્યત્વે પિત્તજ પ્રકારના અભિષંગજ જ્વરની શ્રેણીમાં તથા ડેન્ગ્યુ ના ચોથા પાંચમા દિવસ પછી ઉભી થતી કોમ્પ્લીકેશન્સ રક્તજ અને સન્નિપાતજ જ્વર અનુસાર સમજીને સારવાર આપે છે.
સારવાર
- હળવો, પૌષ્ટિક, ગરમ અને સરળતાથી પચે એવો સુપાચ્ય ખોરાક જ લેવો.
- સરખો આરામ કરો અને સમયસર નિયમિત સૂઈ જાઓ.
- વ્યક્તિગત અને પર્યાવરણીય સ્વચ્છતા જાળવો.
- ફ્રીઝમાં રાખેલા ઠંડા ખોરાક (જેમ કે આજકાલ જેની ફેશન છે એવા કોલ્ડ વેજી સલાડ) અને ઠંડા પીણાં પીવાનું બિલકુલ ટાળો.
- થાક લાગે તેવી સખત મહેનત અને માનસિક તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ટાળો.
- દૂધ પૌઆ કે સાકાર નાખેલું દૂધ પીવો.
- 100 મિલી (1/2 ગ્લાસ) ઉકાળેલા પાણીમાં ૫ ગ્રામ ગુડુચી (ગિલોય) પાવડર અને 2 ગ્રામ સૂંઠ નો પાવડર ઉમેરીને થોડી વાર રહેવા દો. દરરોજ બે વખત આવું પાણી પીઓ. 6 થી 12 વર્ષની વયના બાળકો માટે ૫૦ ml અને 6 વર્ષથી નીચેના બાળકો માટે ૨૫ ml ની માત્રામાં આપી શકાય. જો કડવું લાગે તો તેમાં એક ચમચી મધ ઉમેરી શકાય છે.
અને / અથવા.
- એક લિટર પાણી 10-15 તુલસીના પાન અને 10-15 ગ્રામ ધાણાના પાવડર સાથે દસ મિનિટ માટે ઉકાળી ઓરડાના તાપમાને ઠંડુ કર્યા બાદ એ પાણી દર ત્રણ ચાર કલાકે પી શકાય.
- ચિકિત્સા
- રક્તજ જવર (હેમોરહેજિક સ્થિતિ) ના કિસ્સામાં અરડૂસી, ચંદન, જેઠીમધ સાથે સાકર લેવાથી ફાયદો થશે.
- લીમડાની ગળોમાંથી બનતી દવા સંશમનીવટી પણ ફાયદાકારક છે.
- તે ઉપરાંત સુદર્શનઘનવટી, ગોદંતી ભસ્મ,અમૃતોત્તર કવાથ, તુલસી સ્વરસ પણ લાભદાયી છે.
- ડિહાઇડ્રેશનથી બચવા માટે
- ષડંગ પાનીય, ધાણ્યકાદિ હિમ (જેમાં ધાણા, આમળા, અરડૂસી દ્રાક્ષ અને પીત્તપાપડો હોય એવું પાણી.);
- તજ, એલચી અને લવિંગનું પાણી;
- લીલા નાળિયેરનું પાણી.
આમાંના કોઈપણ પ્રવાહીઓ યોગ્ય માત્રામાં 3 – 4 કલાકના અંતરાલમાં આપી શકાય છે.

- સારવારની માત્રા અને અવધિ દર્દીની સ્થિતિ અનુસાર ચિકિત્સક વૈદ્ય દ્વારા નક્કી કરી શકાય છે.
- જો તમને ડેન્ગ્યુના નીચેમાંના કોઈ બે-ત્રણ લક્ષણો એકસાથે દેખાય છે તો તુરંત જ તમારા નજીકના વૈદ્યં/ડોક્ટર અથવા આરોગ્ય સેવા કેન્દ્રની મુલાકાત લો:
- તાવ
- ફોલ્લીઓ
- શરીરનો દુખાવો
- માથાનો દુખાવો
- સાંધાનો દુખાવો
- આંખોમાં દુખાવો
- રક્તસ્રાવ
આયુર્વેદમાં તો સદીઓ પહેલા કહેવાયું છે કે “રોગાણામ શારદી માતા”; એટલે કે શરદઋતુ (અંદાજે 15 સપ્ટેમ્બરથી 15 નવેમ્બર સુધીનો સમય) બધા જ રોગોની માતા છે અને આ જ કહેવત ને થોડી મોડિફાઇ કરીએ તો “વૈદ્યાનામ/હોસ્પિટલાનામ શારદી માતા”. કારણ કે કળિયુગી દાક્તરી ભાષામાં આ મહિનાઓને જ “સારી સીઝન” કહેવાય છે આખા વરસમાં સહુથી વધુ રોગો આ સીઝનમાં જ જોવા મળે એટલે જ આ સીઝનમાં તીખી તળેલી, આથાવાળી, બેકરી આઈટેમ વિગેરે પિત્તવર્ધક વસ્તુઓ ના લેવી એવી સલાહ આપવામાં આવે છે. દૂધ અને ઘી શ્રેષ્ઠ પિત્તશામક આહાર છે કદાચ એટલે જ પરંપરાગત રીતે શ્રાદ્ધમાં દૂધપાક, ખીર વિ. આહારનું પ્રાધાન્ય છે.
શરદઋતુમાં પંચકર્મ માંહેનું વિરેચન કર્મ પણ બધા જ પ્રકારના પૈત્તિક અને રક્તજ વ્યાધિઓથી રક્ષણ આપવામાં ઉપયોગી છે. જો વિરેચન ના કરાવી શકાય તો આ સીઝનમાં એક વાર રક્તદાન તો અવશ્ય કરવું જ જોઈએ. એમાં બીજાને જીવનદાન આપવાનું પુણ્ય તો મળશે જ પણ તમારી પોતાની ઇમ્યુન સિસ્ટમ પણ કરેક્ટ થઇ જશે.
eછાપું
Hello mam hru, Please publish in English also