ઈરાકના કુર્દ લોકોની અનોખી વાર્તા ‘વિષાદી ધરાનો પ્રેમ’: પશમરગા – 5

0
95
Photo Courtesy: againstthecompass.com

વાત છે ઈરાકની — એક એવો દેશ જ્યાં સદ્દામ હુસૈનની બાથ પાર્ટીનુ રાજ આવ્યુ તેની પણ પહેલાના સમયથી ઉત્તરની મૂળ નિવાસી કૂર્દ પ્રજા અને મધ્ય-દક્ષિણ ઈરાકના અરબો વચ્ચે ખટરાગ ચાલ્યા કરે છે. નિરસ પ્રકૃતિ ધરાવતા મેદાની અરબીઓ રંગીન મિજાજી પહાડી કૂર્દિશ પ્રજાને દબાવી રાખવાના બનતા બધા પ્રયત્નો કરતા આવ્યા છે. એવા કૂર્દ પ્રજા પ્રત્યે ભારોભાર નફરતથી ભરેલા ઈરાકના બગદાદની હું એક નાનકડી કૂર્દિશ છોકરી છુ — જોઆનાઅને છે મારી વાર્તા…

Photo Courtesy: againstthecompass.com

અમારી સુલેમાનિયા સુધીની સફર લગભગ ૯ કલાકની હતી, અને ખાલી અમારુ કુટુંબ જ છેક સુલેમાનિયા સુધી જવાનુ હતુ. પેલા અરબી લોકો તો બગદાદાથી એકાદ કલાકના અંતરે આવેલા એક સુન્નીઓના ગામે ઉતરી જવાના હતા જ્યારે બંને કૂર્દીશ માણસો કિરકૂકની નજીકના કૂર્દીશ કોઈ ગામે ઉતરવાના હતા. અને પછી અમે પાંચ જણા એકલા પડી જવાના આખી બસમાં. વાતાવરણમાં ગરમી સખત હતી અને બસમાં મોટી-મોટી માખીઓ ઘૂસી ગઈ હતી અને બણબણાટ કરતી હતી. એને ઉડાડવા હું મારા હાથ ધીમે-ધીમે હાથ હલાવ્યે રાખતી હતી. હજુ હું ઉંઘવામાં જ હતી અને અચાનક જ પેલા અરબી બસ ડ્રાઈવરના ગુસ્સાભર્યા બરાડાથી ઝબકીને જાગી ગઈ. એ બુઢ્ઢો ટાલિયો ડ્રાઈવર શરુઆતમાંતો બહુ સારુ સારુ બોલતો હતો. ખબર નહી ગરમીના લીધે એનો પિત્તો ગયો હશે કે કેમ? પણ એ જોરથી બરાડ્યો કે – “હેય કૂર્દો..! શાંતિ રાખો..! તમારા છોકરાઓની ધમાલથી મારુ માથુ દુઃખવા લાગ્યુ.” આવા છડેચોક અપમાનથી મારો તો પિત્તો ગયો. મેં ગુસ્સાથી મારી ડોક ઉંચી કરીને પેલા આરબ કુટુંબ સામે જોયુ; તો એ પતિ-પત્નિ બંને એકબીજાની સામે જોવા લાગ્યા. મારી તો મુઠ્ઠીઓ ભીંચાઈ ગઈ, મને ખબર હતી કે મારી મા અને બીજા ભાઈ-બહેનની હાજરીમાં હું કંઈ કરી શકુ એમ નથી તે છતાં મને બદલો વાળવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. મેં આશાથી પેલા બે કૂર્દીશ પુરુષો સામે જોયુ પણ એ તો ભાવ-વિહિન ચહેરે બારી બહાર જોઈ રહ્યા હતા; જાણે કંઈ બન્યુ જ ના હોય. એ તો ચોક્કસ જણાતુ હતુ કે એમને પારકી પંચાત નહોતી વહોરવી. હું ય નિરાશ થઈ ગઈ, પણ સાથે-સાથે મને એમ પણ થયુ કે જો એ લોકો ખરેખર ‘પશમરગા’ હોય તો એમણે એમની ઓળખ છુપાવીને રાખવી જ હિતાવહ છે. નાહકના આવી નજીવી બાબતમાં એમની ઓળખ છતી કરે તો એમને માથે મોટી આફત આવી જાય.

આમતો બગદાદ છોડતા પહેલા જ અમને લોકોએ ચેતવ્યા હતા કે ઉત્તરમાં કૂર્દ લોકોની જીંદગી આજકાલ ખૂબ જ કઠીન બની ગઈ છે, અરે જાનનો ખતરો પણ હોઈ શકે છે. અરબીઓની નજરે ‘કૂર્દીશો જન્મજાત અસહકારી છે અને કાયમ જનજીવન ખોરવવાનો પ્રયત્ન કરે છે’ અમને આવી રીતે જ જોવામાં આવતા, અને એટલે જ કૂર્દીશોની વિરુધ્ધમાં નવા-નવા કાળા કાયદા પણ બનાવવામાં આવ્યા હતા. કૂર્દ પાસેથી જો બાયનોક્યુલર મળી આવેતો એને ફાંસી આપવામાં આવતી, જો કૂર્દે ટાઈપરાઈટર રાખવાની પરવાનગી ન લીધી હોય અને એની પાસેથી ટાઈપરાઈટર મળી આવે તો એની ધરપકડ થતી અને એના પર કેસ ચલાવવામાં આવતો. કેમેરાતો હંમેશાને માટે શકમંદ રહ્યા છે અને જો એમાંય આજકાલ નવા-સવા આવેલા ઝૂમ લેન્સ સાથેનો કેમેરો કોઈ પાસેથી મળી આવેતો એ કૂર્દે જીંદગીથી જ હાથ ધોઈ નાખવા પડે. સાવ કારણ વગર કોઈની કિન્નાખોરી ભરેલી ખોટેખોટી ચાડી-ચૂગલીના આધારે પણ કૂર્દની ધરપકડ થઈ શકતી હતી. અરે કોઈ અરબી જઈને ખાલી એમ જ રિપોર્ટ કરી દે કે આ કૂર્દ સરકારની ટીકા કરે છે; ભલેને પછી એ હાડોહાડ જૂઠ્ઠુ બોલતો હોય, પેલા કૂર્દને તો સજા મળે જ મળે.

મારી મા અને ભાઈ-બહેનને પણ ડ્રાઈવરના બરાડા પર લાગી આવ્યુ અને એ લોકો પણ ઉત્તેજીત તો થઈ જ ગયા. પણ અમે લોકો કૂર્દ હતા અને પેલો તોછડો ડ્રાઈવર અરબી હતો એટલે કોઈએ બોલવાની હિંમત ના કરી; બધા સમસમીને બેસી રહ્યા. મારી તો સફરની મજા જ સાવ મરી ગઈ.

થોડી જ વારમાં અમે બગદાદને સિમાડે આવેલા એક ધુળિયા રસ્તાવાળા ને ભુખરી ઈંટોના ઘરોવાળા ગામે પહોંચ્યા. પેલા અરબી કુટુંબને અહીં જ ઉતરવાનુ હતુ, એમણે જલ્દીથી પોતાનો સામન લીધો અને અમારી સામુ નજર પણ કર્યા વગર ચાલવા લાગ્યા. જો કે, એ લોકો પેલા અરબી ડ્રાઈવરનો આભાર લળીલળીને અતિઉત્સાહથી માનતા ગયા. મારો આત્મા બમણા જોરથી બદલાની ભાવનાથી ઉછળવા લાગ્યો. આ અરબી લોકો સાવ નાનકડા ગામમાં સાવ સામાન્ય જગ્યાએ રહેતા હતા; ઈરાકના ગરીબ અરબીઓ જેવી જગ્યાઓમાં રહેતા હોય છે એવી જ આ જગ્યા હતી. નાના બેઠા ઘાટના એક માળીયા ઘર, માટોડી રંગની દિવાલો, સપાટ છત, એની પર એમના કપડા સૂકાતા હોય ને ભાંગેલી તૂટેલી બે-ચાર ખુરશીઓ પડી રહેતી હોય. આવા મેલા-ઘેલા અણઘડ અરબીઓ પણ કૂર્દ લોકો પર કેટલો રોબ જમાવતા હોય છે?? એ તોછડા અરબીઓ જતા રહ્યા એટલે હવે મને કંઈક સારુ લાગ્યુ.

થોડુ આગળ ગયા હોઈશુ અને અમે પાછા એક નાનકડા ને ગંદા પેટ્રોલ પંપ પર ફરી ઉભા રહ્યા. અમે જેમ જેમ કૂર્દિસ્તાન તરફ આગળ વધીશુ તેમ તેમ પેટ્રોલ મળવાનુ નહીવત્ થઈ જશે. સજાના ભાગરૂપે સરકારે કૂર્દિસ્તાનમાં પેટ્રોલનો સપ્લાય એકદમ નિયંત્રિત કરી દીધો છે. એવામાં ડ્રાઈવરે રોડને કિનારે પ્લાસ્ટીકના કેરબામાં ભરીને પેટ્રોલ વેચતા કૂર્દિશ છોકરાઓ પર આધાર રાખવો પડે. બસ જેમ આગળ વધી, બધા જ ઝોકે ચડી ગયા. છે..ક બપોરના જમવાનો વખત થયો ત્યારે મા અને મુનાએ અમને બધાને જગાડ્યા અને બધાને ચીકન સલાડ સેન્ડવીચ અને ફેન્ટા આપ્યા. આ ફેન્ટા એણે પેલા પેટ્રોલપંપ પર બસ ઉભી રહી ત્યાંથી ખરીદી હતી. પેલા બંને કૂર્દિશોએ અમારી આપેલી સેન્ડવીચ પ્રેમથી લીધી પણ અરબી બસ ડ્રાઈવરે ના લીધી જાણે કે અમે એને સડેલુ ખાવાનુ ના આપતા હોઈએ??

અમારા અરબી ડ્રાયવરની એ ખડખડ-પાંચમ બસ પોતાની મંઝીલ કાપી રહી હતી. સપાટ મેદાનો પાછળ છૂટતા જતા હતા અને અમે કૂર્દીસ્તાનની નજીકને નજીક આગળ વધતા જતા હતા. રસ્તે આવતી એક પ્રાચીર પર બનેલા લોખંડના ઝુલતા એ પુલને પાર કરતા આજની સફરમાં અમને પહેલી વાર લીલોતરીથી ઢંકાયેલા પહાડોની સુંદરતાના દર્શન થયા. હવે બસ થોડી જ વારમાં અમે કૂર્દિસ્તાનની હદમાં હોઈશુ, દુનિયા આખીમાં આ એક જ જગ્યા એવી છે જે મને આત્મવિશ્વાસ અને આનંદ બંને આપી શકે છે. એ નાની ઉંમરે પણ મને લાગતુ કે મારુ સ્થાન માત્ર અહીં જ છે; ધૂળિયા બગદાદમાં નહી.

“મારુ પ્યારુ કૂર્દિસ્તાન” હું મોટેથી પણ સ્વગત જ બોલી ઉઠી, પેલા બંને કૂર્દિશ માણસો મારી સામે જોઈને મરકી ઉઠ્યા. અરબી ડ્રાઈવર ચીડથી કરાંજ્યો પણ કંઈ બોલ્યો નહી. ઉત્તરી ઈરાકને તેના મૂળ નામ -કૂર્દિસ્તાન-થી સંબોધવુ એ ગેરકાયદેસર ગણાતુ. પણ, મને ખબર હતી કે મારા જેવી નાનકડી છોકરી પર કોઈ કેસ નથી ચલાવવાનુ અને હમણા થોડી જ વારમાં અમારી આ કંટાળાજનક સફર પણ ખતમ થઈ જશે અને અમે અમારી પ્યારી નાનીમા – અમીના – ના ઘરમાં હોઈશુ.

કૂર્દિશ પહાડીઓની ઠંડકમાં અરબી બસ ડ્રાઈવરનો મિજાજ પણ જાણે ઠંડો પડ્યો હોય એમ લાગતુ હતુ. અમારા આશ્ચર્ય વચ્ચે એણે એના ઘોઘરા ટેપરેકોર્ડર પર કૂર્દિશ લોકગીતો વગાડવાના ચાલુ કર્યા, અને અમને બધાને પણ સાથે સાથે ગાવા માટે આગ્રહ કરવા લાગ્યો. બધાને ખબર હતી કે દેશદાઝની ભાવના પેદા કરે એવા કૂર્દિશ લોકગીતો ગાવાની અને સાંભળવાની મનાઈ હતી, જો કે ક્યારેક ક્યારેક બગદાદ રેડિયો પર પણ કૂર્દિશ લોકગીતો સાંભળવા મળી જતા હતા. પેલા બે કૂર્દમાંથી જે પીઢ હતો એણે ટેપરોકોર્ડરની સાથે-સાથે ગાવાનુ ચાલુ કર્યુ. આવુ કરવાનુ મને કંઈ સારુ ના લાગ્યુ પણ મને ખબર હતી કે એ ડાહ્યો માણસ સફરમાં કોઈ બીજી બબાલ ના થાય એના માટે જ આમ કરી રહ્યો છે એટલે મેં ય મારા મનથી એને માફ કરી દીધો. પણ, હું તો કંઈ એ છટકેલ ડ્રાઈવરના કહેવાથી ગાવાની નહોતી.

એકાદ કલાકમાં બસ ફરીથી ઉભી રહી, હવે પેલા બંને કૂર્દિશ લોકોને ઉતરવાની જગ્યા આવી ગઈ હતી. કૂર્દિશ રીતે એમણે અમને “આવજો” કીધુ. જમણો હાથ છાતી પર ડાબી તરફે હ્રદય પર રાખીને અને નીચા નમીને એમણે અમારા બધાની વિદાય લીધી અને બસમાંથી ઉતર્યા. એ લોકો જલ્દીથી પહાડની સોડમાં આવેલા એ નાનકડા સુંદર ગામ તરફ ચાલવા લાગ્યા. પહાડીના ઢોળાવો પર બનેલા એ ગામના ઘરોની બાંધણી ખુબ સરસ હતી, એકની ઉપર એક એક ઢોળાવો પર બનેલા એ મકાનોની છત પણ નીચી બનાવી હતી. ગામના ઘરો એકબીજાની એટલા બધા નજીક હતા કે જાણે એ ઘરોને જ પગથિયા બનાવીને આપણે ફટફટપહાડ પર ચડી જઈએ.

બે કૂર્દીશ મુસાફરોને ઉતારીને અમારી બસ આગળ ચાલી, હવે બસમાં અમે ચાર ભાઈ-બહેન અને અમારી કૂર્દીશ માતા એમ પાંચ જ જણ બચ્યા હતા અને અમારી મંઝીલ હતી સુલેમાનિયા. અત્યારસુધીમાં અમારી છ કલાકની સફર થઈ ચૂકી હતી; આગળ લગભગ ત્રણ કલાકનો રસ્તો હજુ બાકી હતો અને હવે અમને થાક પણ વરતાઈ રહ્યો હતો. ત્યાં તો અચાનક જ મેઈન હાઈવે છોડીને બસ એક નાનકડા ને અજાણ્યા રસ્તે ચાલવા લાગી; ડ્રાઈવરે પાછો કહે કે  – આપણે આગળ થોભવુ પડશે.

મારી માને કંઈક અજૂગતુ લાગ્યુ અને એને ચિંતા થઈ આવી એટલે એ કૂર્દિશ ભાષામાં બરાડી ઉઠી ‘આ શુ?? આ ક્યાં જઈ રહ્યા છીએ આપણે?’ પણ એનો પ્રશ્ન અનુત્તર રહ્યો. એટલે મોટા ભાઈ રા’દે એ જ પ્રશ્ન અરબી ભાષામાં કર્યો; કારણકે, મારી માને અરબી બરાબર નહોતી આવડતી. તો ડ્રાઈવર બેફિકરાઈથી માથુ ધુણાવીને કહે ‘પેસેન્જર લેવાના છે…. રેગ્યુલર પેસેન્જર, એ લોકોને પણ સુલેમાનિયા જવાનુ હોય છે.’  રા’દે કૂર્દિશમાં મારી માતાને વાત સમજાવી. એણે સાંભળ્યુ પણ એનાં ભવા ચડી ગયા અને ગુસ્સામાં એના હોઠ વંકાયા. આવી અણધારી ઘટનાથી એ એકદમ નારાજ થઈ ગઈ હતી.

રસ્તો ય કાચો અને ખાડાખડિયા વાળો હતો. બસના ટાયરોથી ધૂળ ઉડતી હતી અને ખુલ્લી બારીઓમાંથી અંદર પણ બધુ ધૂળ-ધૂળ થઈ ગયુ, બધા ખાંસવા લાગ્યા. રા’દ એની સીટમાંથી ઉઠીને માની પાસે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા કંઈક વાત કરવા આવ્યો. પણ, એ જ સમયે અમને બંદૂકની ધણધણાટીનો અવાજ સંભળાયો.

ઈરાકના કુર્દ લોકોની અનોખી વાર્તા ‘વિષાદી ધરાનો પ્રેમ’ શ્રેણી: પ્રસ્તાવના | ભાગ 1 | ભાગ 2  | ભાગ 3 | ભાગ 4

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here