આ વાત છે ઈરાકની — એક એવો દેશ જ્યાં સદ્દામ હુસૈનની બાથ પાર્ટીનુ રાજ આવ્યુ તેની પણ પહેલાના સમયથી ઉત્તરની મૂળ નિવાસી કૂર્દ પ્રજા અને મધ્ય-દક્ષિણ ઈરાકના અરબો વચ્ચે ખટરાગ ચાલ્યા કરે છે. નિરસ પ્રકૃતિ ધરાવતા મેદાની અરબીઓ રંગીન મિજાજી પહાડી કૂર્દિશ પ્રજાને દબાવી રાખવાના બનતા બધા પ્રયત્નો કરતા આવ્યા છે. એવા કૂર્દ પ્રજા પ્રત્યે ભારોભાર નફરતથી ભરેલા ઈરાકના બગદાદની હું એક નાનકડી કૂર્દિશ છોકરી છુ — જોઆના — અને આ છે મારી વાર્તા…
ડ્રાઈવરે સજ્જડ બ્રેક મારીને બસ રોકી લીધી અને મારુ માથુ આગળની સીટ પર અથડાયુ. રા’દ પણ લથડિયુ ખાઈ ગયો અને સીટમાં ફસડાઈ પડ્યો એના મોં માંથી ય હાયકારો નીકળી ગયો. હું ખુબ જ ડરી ગઈ અને માની સામે જોવા લાગી, માએ ઈશારો કર્યો “જોઆના અહીં આવી જા”. હું દોડીને એની તરફ ધસી ગઈ અને ઝીણી આંખે બારીની બહાર જોવા લાગી. ત્યાં કેટલાલ બંદૂકધારી માણસોની ટોળકી હતી અને ચોરીછૂપીથી એ લોકો અમારી બસ તરફ આવી રહ્યા હતા. આ બધુ શું બની રહ્યુ હતુ ??? મને કંઈ ખબર નહોતી પડતી.
ત્યાં તો બહારથી બૂમો પડવા લાગી “નીચે.. નીચે.. બધા બસની નીચે ઉતરો” સાદ પડતા જ ડ્રાઈવર સૌથી પહેલા કૂદકો મારીને ઉતરી ગયો. અમે પણ ઝડપથી એની પાછળ-પાછળ ઉતર્યા. રા’દે માની સામે જોયુ અને ગણગણ્યો “લુટારા”. ઓહ… લુંટારા?? ત્યારે અમે તો લુંટાઈ જવાના, મારુ હ્રદય હવે જોરથી ધડકવા લાગ્યુ. જ્યારે અમે બસથી નીચે આવ્યા, તો મેં જોયુ કે પાંચ માણસો હથિયારો લઈને ઉભા છે, અને અમારી તરફ ગુસ્સાભરી નજરે જોઈ રહ્યા છે.
ઈરાકમાં કેટલાય લોકો ભયંકર નિરાશાભરી ગરીબીમાં જીવી રહ્યા છે; એવા કેટલાક લોકો આમ લૂંટફાટનો ધંધો કરતા હોય છે. સમાજના દરેક હિસ્સામાં આવા લૂંટારા હોય જ છે. અરે કેટલાક કૂર્દિશ લોકો પણ આવી હાઈવે પરની લૂંટફાટમાં સામેલ હોય છે. પણ, અમારી સામે બંદૂક તાણીને ઉભેલા આ લોકો તો ચોક્કસપણે કૂર્દિશ નહોતા. અને આ અરબી લૂંટારાઓ અમારા પર જરાય દયા પણ નહોતા બતાવવાના એ નક્કી; પછી ભલેને અમારા પિતાજી સર્વાંગ અરબી હોય. અરે કદાચ એવી ખબર પડે કે અમે અરબી બાપ અને કૂર્દીશ માના સંતાનો છીએ તો તો આ લોકો અમારા પર બમણા જોરથી દાઝ ઉતારે એવુ પણ બને.
એમનામાંનો એક લુંટારો ડ્રાઈવર પર તાડુકવા લાગ્યો. એમની વાતચીતની ઢબ જોતાં અમને તરતજ ખબર પડી ગઈ કે આ અરબી ડ્રાઈવર પણ એમની ટોળકીનો જ માણસ છે. લાગે છે કે એ ડ્રાઈવરનું કામ જ એ હતુ કે આખા ઈરાકમાં ઘૂમીને ગમે ત્યાંથી સીધા-સાદા નિર્દોષ પેસેન્જરોને બસમાં બેસાડીને નક્કી કરેલી જગ્યાએ લૂંટાવા માટે લઈ આવવાના. પણ, લુંટારાઓની ચણભણ પરથી ખબર પડતી હતી કે એ લોકો ડ્રાઈવરથી ઘણા નારાજ છે, કદાચ એમને વધારે પેસેન્જરની અપેક્ષા હતી. એ ગમે તે હોય; એક વાત નક્કી કે આ લોકો અમને તો લૂંટી જ લેવાના છે. એ સમયે અચાનક જ મારા મનમાં બીજુ કંઈ નહીને મારી એ સુંદર મજાની કાળી ઢીંગલી ના વિચારો આવી ગયા.
મારી ફાતિમા આન્ટી મારે માટે એ છીક લંડનથી લાવ્યા હતા. બાપુજીના નાના બહેન – અમારા ફાતિમા ફઈ – ખુબ જ હોંશીયાર લેડી છે અને સારી-ઉંચા હોદ્દાની સરકારી નોકરી પર છે. એ દેશ-વિદેશ ફરતા રહે તા હોય છે. અમે કોઈએ આવી સુંદર ઢીંગલી આ પહેલા ક્યારેય નહોતી જોઈ. સરસ મજાના લીસા કાળા પૉર્સેલીનની એ ઢીંગલી નમણો ચહેરો અને લાંબી દેહાકૃતિ ધરાવતી હતી. વળી પાછુ મેચિંગ અન્ડરપેન્ટ અને એની સાથે લીલા રંગનો સિલ્કી ડ્રેસ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેતા. મારી એ ઢીંગલી બેનમૂન હતી અને ઘણી કિંમતી પણ હતી, એટલે જ મા હંમેશા કહેતી કે આ તો સાચવીને પેક કરી રાખવા જેવી જણસ છે; ક્યારેક કોઈ ખાસ પ્રસંગો એ જ બહાર કાઢવી જોઈએ. અહીં, કુર્દીસ્તાનની સફરે એને સાથે લેઈ જવા માટે મેં કેટલા દીવસો સુધી માને વિનવણી કરી હતી ત્યારે એ માંડ માંડ એને માટે તૈયાર થઈ હતી. મારે મારા કૂર્દીશ પિતરાઈઓને એ બતાવવાની ઘણી હોંશ હતી. માર્યા, હવે આ લૂંટારા મારી ઢીંગલી પણ લઈ લેશે તો?
નજર ઉપર કરીને માની સામુ જોયુ તો એના હાવભાવ પરથી સ્પષ્ટ જણાતુ હતુ કે એને મારી ઢીંગલી કરતા અન્ય વસ્તુઓની ચિંતા વધારે છે. અને બીજા બધા કરતા ય વધારે ચિંતા અમારી સલામતીની હતી. એણે પહેલાતો મુનાનો હાથ પકડીને એને પોતાની સોડમાં ઘાલી. મારી બહેન મુના નાનકડી હતી ત્યારથી એના રૂપની લોકો ખૂબ પ્રશંસા કરતા આવ્યા છે. ચોખ્ખા મધ જેવો સોનેરી વર્ણ, નાજૂક અને નમણી કાયા વાળી મુના કોઈને પણ ગમી જાય એવી સુંદર હતી. માને કદાચ એવો ડર પણ લાગી ગયો હોય કે આ લોકો નાનકડી મુનાને પત્નિ તરીકે ઉપાડી ના જાય. મુના ફરતે એક હાથ વિંટાળીને મા એ સા’દ અને રા’દ તરફ પણ સૂચક નજરે જોયુ – જાણે કહેતી હોય : “શાંતિ રાખવામાં જ મજા છે, એટલે શાંત રહેજો….”
મારી મા નો ડર કંઈ ખોટો નહોતો. લુંટારાઓ ચોક્કસપણે એમ માનવાને પ્રેરાઈ શકે એમ હતા કે આ બંને છોકરાઓ એમને માટે ખતરારૂપ થઈ શકે એમ છે. ખાસ કરીને મારો મોટો ભઈ રા’દ. એ ભલે હજુ પુખ્ત નહોતો થયો પણ એની છ ફૂટની કદ-કાઠી લુંટારાઓ પર ભારે પડી શકે એમ હતી. એનુ કદ અને બાંધો જોઈને કોઈને પણ એમ ના લાગે કે આ ફાઈટર નહી પણ ભણેશરી છે. એને ઠેકાણે મુનાનો જોડીયો ભાઈ સા’દ ચોક્કસ કંઈક બખડજંતર કરી શકે એમ હતો. એ રા’દ કરતા ઉંમરમાં નાનો હતો પણ કદ-કાઠીમાંતો એ પણ વધ્યો છે. સૌથી મોટી વાત એ હતી કે એ થોડો ગુસ્સાવાળો છે અને એનો પારો હંમેશા ઉપર જ ચડેલો હોય છે. આંખને ખૂણેથી મેં એ પણ જોઈ લીધુ કે એ એના બાવડા કસી રહ્યો છે, જાણે હુમલાની તૈયારી ના કરતો હોય.
લુંટારાઓ જો કે હજુ પણ પેલા ડ્રાઈવરની જોડે માથાકૂટમાં પડ્યા હતા. એ લોકો આવી રીતે સાવ બેકાર પેસેન્જર લઈને આવવા માટે ડ્રાયવર પર ખૂબ ચિડાયેલા હતા. ઠીંગણો અને બાંઠીયો લુંટરો જે બધાનો સરદાર હતો એ છેવટે આગળ આવ્યો અને પેલા ડ્રાઈવરની સામે પોતાની બંદૂક તાણીને એને ડારો દીધો. બીકણ ડ્રાઈવર પૂંઠ ફેરવીને ભાગ્યો ને એ ધૂળીયા રસ્તાને કિનારે આવેલી ઉંચી ઝાડીઓ તરફ ભાગ્યો. ખીજવાયેલા લુંટારાઓએ એની પાછળ, એના પગ પાસે જમીન પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો. પોતાની પૂંઠે ગોળીઓની રમઝટ સાંભળીને પેલો દોડતો ડ્રાઈવર એકદમ જ ઉભો રહી ગયો; ફર્યો અને બૂમ પાડી — “હે…ય, હે….ય” જાણે એના લુંટારા ભાઈબંધોને કહેતો હોય કે એમની બંદૂકોની ગોળીઓથી છટકવામાં એ સફળ રહ્યો છે.
સરદારે ફરીથી એને ડારો દીધો.. એટલે ડ્રાઈવરે બસને છાપરે ચડાવેલા અમારા ૮ મોટી બેગોના લગેજ સામે આંગળી ચીંધીને કહ્યુ “કદાચ તને આનાથી સંતોષ થાય; આ કૂર્દો પાસેથી કંઈક તો કિમતી સામાન નીકળશે જ”.
મને જેનો ડર હતો એ છેવટે થઈને જ રહ્યુ. સરદારના હુકમથી એમાંના બે જણા અમારો સામાન ઉતારવા બસ પાસે આવ્યા. બંદૂકો બસની દિવાલને ટેકે મૂકીને એક જણો બીજાની મદદથી ઉપર ચઢી ગયો, ઉપર ગયા પછી એણે એના સાથીદારને પણ ઉપર ખેંચી લીધો. બંને જણાએ બસની છત પરથી અમારો સામાન ધડાધડ કરતો નીચે ફેંકવા માંડ્યો. પછી બેય કુદકો મારીને નીચે આવ્યા અને અમારા સામાનની બેગ એક પછી એક ખોલી-ખોલીને બધુ ફેંદવા લાગ્યા – કે કંઈક કિમતી ચીજ મળી આવે છે??
મેં જોયુ કે મારી મા એનો હાથ મોં પર દબાવીને ઉભી હતી. મારા ભાઈઓ અને બહેન મુના પણ આઘાતમાં સરી ગયા હતા; આમારા કપડાને બીજી અંગત ચીજ વસ્તુઓ આમથી તેમ ફંગોળાતી જોઈ રહ્યા હતા. એ લુટારાઓને આવા કશામાં રસ ના પડ્યો. અમારી પાસે આવી બધી ફાલતુ ચીજ વસ્તુઓ જોઈને એ બધા એવા તો ગુસ્સે ભરાયા કે એમણે બધુ હવે આમતેમ ચારેબાજુ ફેંકવા માંડ્યુ.
દૂર ઉભેલા પેલા ડ્રાઈવરે પણ અણગમાથી ખભા ચડાવ્યા; “આખરે છે તો કૂર્દ જ ને; એમની પાસે થી હીરા-જવેરાત થોડા નીકળવાના છે??” જાણે એના સાથીદારોની નારજગી માટે અમે જવાબદાર ના હોઈએ એમ એ અમારી સામુ ઘુરકવા લાગ્યો.
એક લુંટારુએ આગળ આવીને મારી મા ને પુછ્યુ – “તારી પાસે રોકડ કેટલી છે?” મારી મા એ એની હેન્ડબેગ ફંફોસીને કેટલાક સિક્કા કાઢ્યા અને નીચે રેતમાં નાખ્યા. મારી મા જ્યારે કૂર્દીસ્તાન જાય ત્યારે ક્યારેય પણ રોકડા પૈસા સાથે ના રાખે. એના પિયરીયા જ એની બધી જરૂરિયાત પૂરી કરે એટલે એને રોકડ રકમની ક્યારેય જરૂર જ ન પડતી.
આ બધુ ચાલતુ હતુ એમાં જ એક લુંટારાએ બેગમાંથી મારી પેલી કિંમતી ઢીંગલી નીચે ફંગોળી. મારા હોઠ વચ્ચેથી ચીસ નીકળી પડી અને કશી વાતની પરવા કર્યા વગર હું મારી ઢીંગલી બચાવવા એ ગુંડા તરફ દોડી ગઈ. મારી માએ ઘણી બુમો મારી — “ના… જોઆના.. ના…” પણ કોઈનુ ય સાંભળ્યા વગર મેં દોટ મૂકીને મારી ઢીંગલી ઝડપી લીધી. જોયુ તો એના ચહેરા પર એકાદ નાનકડો ઘસરકો અને કપડામાં થોડી ધૂળ સિવાય ઢીંગલી સાવ નવી નક્કોર જ લાગતી હતી. પેલો ટાલિયો ડ્રાયવર મારી દિશામાં બંને હાથ પહોળા કરીને ભયજનક રીતે આગળ વધ્યો; પણ મેં ચીસ પાડીને ઢીંગલીને મારી પાછળ છુપાવી દીધી. લુંટારાના સરદારે ત્વરાથી અમારી સામે જોયુ અને ભારે અવાજે કીધુ — “છોડી દો એને”. હું પણ ધીમે ધીમે પાછી વળીને મારી માની પાછળ લપાઈ ગઈ.
છેવટે લુટારાઓએ અમારા સૌથી કિંમતી કપડા, સુલેમાનિયામાં અમારા સગાઓ માટે ખરીદેલી ભેટ-સોગાદો અને એવુ બધુ ભેગુ કર્યુ અને એ છ એ છ જણા અમારી સામે બરાડતા ને ગાળો દેતા બસમાં ચડી ગયા. જાણે અમે એમનો કિમતી સમય બરબાદ ના કર્યો હોય? પેલો ટાલિયો અરબી ડ્રાઈવર અમારી સામે એક છેલ્લી વાર ઘુરક્યો : “મૂરખા કૂર્દો….” જાણે કે અમે બગદાદમાં નાહ્દા બસસ્ટેન્ડમાં એની પર જે વિશ્વાસ મુક્યો એનો શિરપાવ ના આપતો હોય??
ખડખડ કરતી એ બસને હું જતા જોઈ રહી, એના ટાયરોથી ઉડેલી ધૂળથી અમારા શરીર પણ ધૂળ-ધૂળ થઈ ગયા. આ બાજુ બસ નજરથી ઓઝલ થઈને અહીં મેં રડવાનુ ચાલુ કરી દીધુ. મારી માને માટે તો સૌથી મોટી રાહત હતી કે આટલી મોટી આપદામાં એ અને એના બાળકો સહીસલામત છે. કદાચ એને લીધે જ એનુ ધ્યાન એ તરફ ના ગયુ કે હવે મારી પાસે આગળની સફર માટે કોઈ સાધન જ ન હતુ, ન હતુ કંઈ ખાવાનુ કે પછી પીવા માટે પાણી સુધ્ધાં નહોતુ; અને આવી પરિસ્થિતિમાં અમે આ ખતરનાક જંગલવાળા પહાડી વિસ્તારમાં ફસાઈ ગયા હતા, જ્યાં જંગલી પ્રાણીઓનો ભય પણ ડગલે ને પગલે હતો.
ઈરાકના કુર્દ લોકોની અનોખી વાર્તા ‘વિષાદી ધરાનો પ્રેમ’ શ્રેણી: પ્રસ્તાવના | ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5
eછાપું