દોસ્તી-દુશ્મની : તૂર્કી અને મલેશિયા વિરૂધ્ધ ભારત

0
87

જ્યારે મોટાભાગના ઇસ્લામિક દેશો કલમ 370ની નાબુદી બાદ ભારતની પડખે ઉભા રહ્યા છે ત્યારે માત્ર તૂર્કી અને મલેશિયા જ કેમ પાકિસ્તાનની તરફેણ કરે છે? ચાલો જાણીએ કારણો.

દેશમાં બે મહત્વના રાજ્યોમાં ચૂંટણીઓ પતી ગઈ છે. સરહદ પર તણાવ વધી ગયો છે અને ભારતિય સેનાએ ભારે ભરખમ ગોળા છોડીને પાકિસ્તાનને અત્યાર સુધી ન થયુ હોય એવુ નુકસાન પહોંચાડ્યુ છે. આ બધાની વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજનિતીની બે મહત્વની ખબરો કંઈક દબાઈ ગઈ છે — એક તો ભારતે મલેશિયાથી પામ ઑઈલની આયાત લગભગ બંધ કરી દીધી છે અને તૂર્કીની કંપની જે જહાજ આપણે માટે બનાવવાની હતી એ કૉન્ટ્રાક્ટ પણ રદ્દ કર્યો છે તેમજ હમણાંની વડાપ્રધાનની તૂર્કીની મુલાકાત પણ રદ કરી દેવાઈ છે.

મલેશિયા અને તૂર્કી સાથે એવો તે કેવો વાંધો ભારતને પડ્યો કે એ બંને સામે આવા પગલા લેવાની જરૂર પડી? એનુ મૂળ બે મહિના પહેલાના ભારતની સંસદમાં લેવાયેલા એક મહત્વના ઐતિહાસિક નિર્ણયમાં રહેલુ છે. એ નિર્ણય છે – કલમ 370 અને અનુચ્છેદ 35A રદ કરવાનો નિર્ણય. આની અસર તો પાકિસ્તાનને પડવી જોઈએ અને પડી પણ છે તો પછી ભારતની સરહદ સાથે કોઈ લેવાદેવા ન હોય એવા મલેશિયા કે તૂર્કીને એ બાબતે શું લેવાદેવા?  કંઈક તો લેવાદેવા છે કારણકે, આંતરરાષ્ટ્રીય ફોરમમાં માત્ર આ બે જ મુસ્લિમ દેશો એવા છે જેમણે આ મુદ્દે પાકિસ્તાનને પડખે ઉભા રહેવાનુ પસંદ કર્યુ છે; અને એ પણ ઈસ્લામિક હોવાને નાતે. નહીં કે પોતાના કોઈ આર્થિક હીતો પાકિસ્તાન સાથે સંકળાયેલા હોય, ચીનની જેમ.

આમાં આમતો કંઈ નવાઈ પામવા જેવુ ન હોય કારણકે, ઈમરાન ખાને આખી દુનિયાના મુસ્લિમોને કશ્મીરના મુસ્લિમો સાથે ઉભા રહેવાની અપિલ કરી હતી એ બહાનુ આગળ ધરીને કે કશ્મીરના મુસલામાનો પર કલમ 370 અને અનુચ્છેદ 35A રદ કરવાને કારણે અત્યાચાર થશે અને એમની જીંદગી દોજખ બની જશે અને તમારે બધાએ મુસ્લિમ હોવાને નાતે એમને પડખે ઉભા રહેવુ જોઈએ અને અમે તો ઉભા જ રહીશું; કારણકે, અમે મુસ્લિમોના હીતેચ્છુ છીએ. આખી વાત કોઈને ગળે ઉતરે એવી નહોતી અને કોઈ મુસ્લિમ દેશ એમની પડખે ન આવ્યો સિવાય મલેશિયા અને તૂર્કી!!!

એવુ તો શું છે ઈમરાનની વાતમાં અને પાકિસ્તાનમાં કે પછી એવુ તો શું છે તૂર્કી અને મલેશિયામાં કે એ ભારત જેવા શક્તિશાળી દોસ્તને છોડીને તદ્દન ચિંથરેહાલ ભિખારી જેવા અને આતંકીઓનુ જન્મસ્થાન બની ચૂકેલા પાકિસ્તાની અડોઅડ જઈને ઉભા રહ્યા? અને એ પણ ભારતમાં નરેન્દ્ર મોદી જેવા શક્તિશાળી અને મહા-મુત્સદ્દી નેતા હોવા છતાં?? આજે ક્રમબધ્ધ અને વ્યવસ્થિત રીતે આખી ગૂંચને ઉકેલવાનો પ્રયત્ન કરીએ.

તૂર્કી અને મલેશિયા વિષે આગળ કોઈપણ વાત કરતા પહેલાં એક વાત આપણે જાણવી જરૂરી છે કે આ બંને દેશો દુનિયાના બધા જ ઈસ્લામિક દેશોમાં સૌથી વધારે પ્રગતિશીલ, આધુનિક અને ઈસ્લામિક કટ્ટરવાદથી તદ્દન વેગળા ગણાય. બાકીના ઉભરતા અને મુલ્લાંના ઈસ્લામમાંથી બહાર આવવા મથતા મુસ્લિમ દેશોમાં આ બે દેશોના ઉદાહરણો દેવાય. ઈસ્લામિક હોવાની સાથે સાથે પણ આધુનિકતા; પ્રગતિ; આર્થિક સધ્ધરતા અને સામાજિક સમરસતા કેવી રીતે કેળવાય એને માટે પહેલા તૂર્કી અને પછી મલેશિયા આ બંને દેશોને લોકો આગળ ધરે. તો બીજે છેડે જે દેશો ઈસ્લામનું અને ઈસ્લામની લગભગ દરેક કટ્ટરવાદી વિચારધારાનુ જન્મસ્થાન છે એવા મધ્ય-પૂર્વ ખાડીના દેશો સાઉદી અરેબિયા, યુનાઈટેડ અરબ અમિરાત અને કતાર આજે એમની ખુદની મૂળભૂત વિચારધારાને સામે છેડે ઉભા છે અને પાકિસ્તાનને ટેકો દેવાનો સ્પષ્ટ નન્નો ભણી દીધો છે.

યાદ રહે કે ઈસ્લામની છેલ્લી ખિલાફતની ગાદી તૂર્કી હતી; પરંતુ ત્યાં ખિલાફતના વળતા પાણી થયા પછી તદ્દન હળવી એવી ઈસ્લામની સૂફી વિચારધારાનુ જ મહત્વ રહ્યુ છે. સૂફીઝમ એક રીતે જોવા જઈએ તો તૂર્કીની જ દુનિયાને ભેટ છે. તો મલેશિયા ઈસ્લામિક બન્યુ તે પહેલા ત્યાં હિંદુ અને બૌધ્ધ પરંપરાઓનુ જ પાલન થતુ હતુ અને મલેશિયા સુધારાવાદી બન્યુ એની પાછળ પણ આ સહિષ્ણુ સંસ્કૃતિઓના બીજ કામ કરી ગયા છે. તો એવા મલેશિયા અને તૂર્કી એકદમ સામે છેડે બેઠેલા દુનિયામાં આતંકી તરીકે પંકાયેલા પાકિસ્તાનને પડખે કેમ બેઠા?

મલેશિયા માટે એકાદ સાવ આછી પાતળી શક્યતા જેવુ કારણ વિચારીએ તો – મલેશિયામાં ચીની મૂળના લોકો ઘણા છે. ચીન મલેશિયાની વર્તમાન સરકારનુ દોસ્ત પણ છે અને ચીન-પાકિસ્તાનની દોસ્તી તો જગજાહેર છે જ; કદાચ એના કારણે મલેશિયા પાકિસ્તાનનો ટેકો કરે એવુ બને. પણ, તે છતાંય પાકિસ્તાન કે ચીન કરતા મલેશિયાના વ્યાપારિક અને આર્થિક હીતો ભારત સાથે વધારે સંકળાયેલા છે. સાંસ્કૃતિક રીતે પણ મલેશિયા-ભારત બંનેમાં ઘણું સામ્ય છે. એવી જ રીતે તૂર્કી માટે – તેને ઈસ્લામના રક્ષક કરતાં પણ પોતાના મૂળના લોકો માટેના રક્ષક બનવા માટે થઈને પણ સૌથી વધારે વાંધો ચીન સાથે છે. કારણ કે, ચીન જે એની ધરતી પર રહેલા ઉઈગર મુસ્લિમોના પર તદ્દન અમાનુષી અત્યાચારો કરી રહ્યુ છે; તેનુ મૂળ તૂર્કસ્તાનમાં છે. (જે રીતે તૂર્ક લોકોએ ભૂતકાળમાં ભારત પર આક્રમણ કર્યુ હતુ એવી જ રીતે દુનિયાના બીજા પણ ઘણા ભાગોમાં આક્રમણ કરીને ત્યાંની જમીન પર વસવાટ કર્યો છે.

ઉઈગર મુસ્લિમોનું મૂળ પણ આવી રીતે તૂર્ક છે.) એટલે જ, આખી દુનિયામાં એકમાત્ર તૂર્કીએ ઉઈગરો પર થતા અત્યાચારો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. (હમણાં હમણાં અમેરિકાએ પણ એ મામલે કેટલાક હળવા પ્રતિબંધો ચીન પર લાદ્યા છે પણ ઉઈગરોનુ તાણવા વાળો દેશ એક જ છે – તૂર્કી). તો એવા તૂર્કસ્તાનને ચીનના અને માત્ર ચીનના જ પરમમિત્ર પાકિસ્તાન પર આટલો પ્રેમ ક્યાંથી આવ્યો; એમાંય જ્યારે ઈમરાન કશ્મીરના મુસ્લિમો પર થનારા કપોળ-કલ્પિત અત્યાચારો પર ઉગ્રતાથી દુનિયા આખીમાં બોલે છે અને ઉઈગરો પર થતા વાસ્તવિક અત્યાચારો પર એક હરફ પણ નથી કાઢ્યો એને ઈસ્લામ પ્રેમને કારણે કેમ ટેકો કરવો પડે?

વળી, કોકડું કેવુ ગુંચવાયેલુ છે. તૂર્કી અમેરિકાના લગભગ 50 જેટલા અણુબોમ્બ પોતાની ધરતી પર સાચવીને બેઠુ છે. (જેને પેટે અમેરિકા તૂર્કીની જૂદી જૂદી રીતે મદદ કરે છે) તૂર્કીને પોતાની ધરતી પર કૂર્દીશ લોકોની દાયકાઓ જૂની સમસ્યા છે. સિરિયાની લડાઈને લીધે પોતાને ત્યાં આવેલા લાખ્ખો શરણાર્થીઓની સમસ્યા છે. આ સિરિયાને અમેરિકા મદદ કરે છે; કૂર્દિશને પણ અમેરિકા મદદ કરે છે. અને એ બંને સીધી યા આડકતરી રીતે તૂર્કી સાથે દુશ્મની છે. અમેરિકા એક સમયે પાકિસ્તાનનુ દોસ્ત હતુ અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી એમાં ભારે ભરખમ ઓટ આવી છે. પાકિસ્તાન દુશ્મન અને ભારત દોસ્ત છે. તે છતાંય તૂર્કી અમેરિકાના દોસ્તોને છોડીને દુશ્મન સાથે થઈ રહ્યુ છે અને દોસ્તો સાથે દુશ્મની કરી રહ્યુ છે તો સાથે સાથે એના અણુંબોમ્બ પોતાના પેટમાં સાચવીને બેઠુ છે?!!

મજ્જાની વાત એ છે કે તૂર્કીને અમેરિકાના કાયમી દુશ્મન એવા રશિયા સાથે પણ સારાસારી નથી. એના વિમાનને તોડી પાડ્યુ અને પાયલોટને મારી નાખ્યા પછી એની સાથે પણ ભારે દુશ્મની છે. તો રશિયાનો પાકિસ્તાન સાથે પણ દોસ્તી-દુશ્મની જેવો જ વ્યવહાર છે. તો એવા તૂર્કી અને મલેશિયા શા માટે પાકિસ્તાન સાથે ઈલુ-ઈલુ રમી રહ્યા છે?? આંતરરાષ્ટ્રીય વેપારને ધ્યાને રાખીએ કે સ્ટ્રેટેજીક જીઓ પોઝીશનને ધ્યાને રાખીએ કે પછી સાંસ્કૃતિક વિચારધારા કે વૈશ્વિક શાંતિ જેવી વાતોને ધ્યાને રાખીએ; કોઈપણ રીતે પાકિસ્તાનની તરફેણમાં કંઈ જ આવતુ નથી તો પણ તૂર્કી-મલેશિયા પાકિસ્તાનને પડખે ઘાલે છે.

હવે એને સામે છેડે જોઈએ : મધ્ય-પૂર્વના એક સમયના કટ્ટર ઈસ્લામિક દેશો. જે ઈસ્લામને નામે પૂરેપૂરા ફનાફાતિયા થઈ જવા માટે તૈયાર બેઠા હોય છે. એમને ત્યાં તેલ મળ્યુ એ પહેલા ચિંથરેહાલ સ્થિતિમાં હતા અને મોટા ભાગની કમાણી લૂંટની જ હતી એવા “હાર્ડકોર ઈસ્લામિક” કહેવાતા દેશો સાવ ઉદારવાદી બની ગયા છે. અને એ પણ ઈસ્લામને મુદ્દે. સૌથી મોટુ ઉદાહરણ સાઉદી અરબનુ લેવાય. જેના શાસકો મક્કા અને મદિના ધર્મસ્થાનકોના રક્ષક છે અને આખી દુનિયામાં ઈસ્લામિક આતંકવાદની જનની જેવી વહાબી વિચારધારા જે જમીન પર જન્મી છે (અને જેના લીધી દુનિયામાં સૌથી વધારે ઈસ્લામિક કત્લેઆમ થઈ રહી છે) એ દેશો પાકિસ્તાનને સાવ કોરાણે મૂકી આવ્યા છે.

એટલુ જ નહીં પણ ભારતના અને ખાસ તો ભારતિય હિંદુઓના પડખે સજ્જડ રીતે ઉભા રહી ગયા છે. એક જમાનામાં (કાયમી) ભિખારી પાકિસ્તાન જ્યારે અણુબોમ્બ બનાવી રહ્યુ હતુ ત્યારે એને ઈસ્લામિક બોમ્બનુ નામ આપીને આ તેલના પૈસે સમૃધ્ધ થયેલા દેશો પાસેથી જ અબજો ડોલર પાકિસ્તાને ખંખેર્યા છે. એવા દેશો ઈસ્લામિક બોમ્બનુ વળગણ મૂકીને, ઈસ્લામ ફેલાવવાના જેહાદના ભૂતનુ વળગણ મૂકીને અને એમની ઈસ્લામિક પરંપરા થી વિરોધ્ધ કાફિર એવા હિંદુઓની હારોહાર ન કેવળ ઉભા છે પણ એમ ઉભા રહેવા માટે એમના આશરે બેઠેલા ઈસ્લામિક દેશોને હડધૂત કરી રહ્યા છે. આખુ ચક્ર ૧૮૦ અંશને ખૂણે ફરી ગયુ છે. ગઈ સદીના કટ્ટરો આજે ઉદારવાદી બન્યા છે અને ગઈ સદીના ઉદારવાદીઓ આજે કટ્ટરો બની ગયા છે.

અહીં એક કિસ્સો ખાસ નોંધવો જરૂરી છે – ભારતમાં ઈસ્લામિક કટ્ટરતા ફેલાવીને ભાષણો આપતો ફરતો અને હજ્જારો-લાખ્ખો લોકોને ભડકાવતો ફરતો ઝાકિર નાઈક જ્યારે ડર ભાળી જાય છે ત્યારે ભાગીને સૌથી પહેલા સાઉદી અરેબિયામાં લપાય છે. પણ ત્યાં એને કાયમી આશરો નથી મળતો એટલે એ ભાગીને મલેશિયા જાય છે; ત્યાં એને પ્રજા અને બહુમતિ મંત્રીમંડળના વિરોધ છતાં સાચવીને મહેમાન તરીકે રખાય છે. આ કિસ્સો બહુ જ સૂચક છે અને આગળ ઉપર જ્યારે આપણે વિસ્તૃત વિશ્વેષણ કરશુ ત્યારે આની વધારે વાત કરીશુ.

આજની તૂર્કી અને મલેશિયાની વિચિત્ર વર્તણૂકનુ વિશ્લેષણ કરીએ એ પહેલાં આ બંનેના ઈતિહાસ પર એક અછડતી નજર નાખવી જરૂરી છે.

…..   આવતે અંકે

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here