Home મનોરંજન બોલિવુડ इन आँखों की मस्ती के मस्ताने (9): બીજી ઈનીંગ અને ફરઝાના સાથે...

इन आँखों की मस्ती के मस्ताने (9): બીજી ઈનીંગ અને ફરઝાના સાથે બહેનપણા

0
158
Photo Courtesy: amarujala.com

એક સમય બાદ રેખાએ અચાનક જ ચર્ચાસ્પદ બનવાનું બંધ કરી દીધું અને ફરીથી અમુક પ્રકારના ફોટો સેશન કરીને ચર્ચા જગાવી. તેની સમગ્ર કારકિર્દી દરમ્યાન તેની સેક્રેટરી ફરઝાના સાથે તેના સંબંધો પણ ખાસ્સી ચર્ચા જગાવી ગયા હતા. 

Photo Courtesy: amarujala.com

કે.સી.બોકાડીયાની ફિલ્મનું શીર્ષક બદલીને ‘ફૂલ બને અંગારે’ કરવામાં આવ્યું. આ ફિલ્મ રેખા માટે એક સુપરડુપર હીટ સાબિત થઈ પરંતુ ફિલ્મ રિલીઝ થઈ પછી રેખાનો સ્વભાવ તદ્દન બદલાઈ ગયો. જે રેખા કોઈ પણ પ્રેસ કોન્ફરન્સમાં મિડીયાની ફેવરીટ બનીને ફટાફટ જવાબ દેતી, તે જ રેખાએ ‘ફૂલ બને અંગારે’ પછીની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં પહેલું વાક્ય કહ્યું: ‘હેલો, કોઈ વ્યક્તિગત સવાલ નહીં. હું ફક્ત ફિલ્મ વિશે જ વાત કરીશ. બીજી કોઈ વાત નહીં.’ મિડીયાની ‘ડાર્લિંગ’ રેખા હવે શાંત થઈ ગઈ હતી.

1991માં મદ્રાસમાં લાંબી માંદગી બાદ રેખાની માતા પુષ્પાવલ્લી મૃત્યુ પામી. રેખાના જીવનની દરેક ઘટમાળમાં તેની માતા સાથે હતી. રેખા અને પુષ્પાવલ્લી બંનેએ એકમેક સાથે રેખાના બંગલામાં ઘણો સમય વીતાવેલો અને એટલા માટે જ રેખાએ પોતાના બંગલાનું નામ પણ ‘પુષ્પાવલ્લી’ રાખેલું. પુષ્પાવલ્લીના ગયા પછી રેખાનું એકાંત અને ખાલીપો વધી ગયો. પહેલાં મુકેશ અને પછી પુષ્પાવલ્લી – રેખા હવે એકલવાયું જીવન જીવવા લાગી. મિડીયા સાથે તેણે સંબંધો સાવ ઓછા કરી નાખ્યાં. ઈન્ટરવ્યુ આપવાના પણ બંધ!

પુષ્પાવલ્લી જીવતી હતી ત્યાં સુધી તેને અને રેખાને બંનેને પિતા જેમિનીનો પ્રેમ મળ્યો નહીં. 1994 માં જ્યારે ફિલ્મફેરે જેમિની ગણેશનનું સન્માન કરવાનું નક્કી કર્યું ત્યારે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપવા રેખાને બોલાવવામાં આવી. મદ્રાસના એક મોટા ફંક્શનમાં રેખાએ પિતાના ચરણસ્પર્શ કરીને એવોર્ડ પ્રદાન કર્યો. રેખા માટે એ દિવસ ગર્વનો હતો કે આખી જિંદગી પિતાથી દૂર રહી પણ લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ માટે તેને સૌભાગ્ય સાંપડ્યું. જેમિનીએ આખા ફિલ્મજગતની સામે રેખાને દીકરી તરીકે સ્વીકારી પણ આ અવસર જોવા પુષ્પાવલ્લી હાજર નહોતી.

આ સમયગાળામાં રાખી અને હેમા માલિની જેવી હીરોઈનોએ ફિલ્મોમાં સાઈડ રોલ (હીરોની બહેનના અને માતાના) કરવાનું શરૂ કરી દીધેલું પણ રેખા હજી પણ થાકી નહોતી. તેણીએ મુખ્ય હીરોઈન તરીકે ફિલ્મો કરવાનું ચાલુ રાખ્યું – ‘ઈન્સાફ કી દેવી’ (1992), ‘ગીતાંજલી’ (1993), ‘મેડમ એક્સ’ (1994), ‘અબ ઈન્સાફ હોગા’ (1995) અને ‘ઉડાન’ (1996) – બધી જ ફિલ્મો ફ્લોપ.

***

રેખાની ફિલ્મી કારકિર્દી હવે અંતિમ ચરણમાં હતી ત્યારે રેખાએ કંઈક એવું કર્યું જે કરવામાં અત્યાર સુધી એક પણ હીરોઈન સફળ નહોતી થઈ.

રેખાએ હવે વિચિત્ર અને શૃંગારિક ફોટોશૂટ કરવાનું શરૂ કર્યું. બોલીવુડમાં આવા વ્યક્તિગત અને સેક્સી ફોટોશૂટ મુખ્ય હીરોઈનો કરાવતી નહીં. રેખાએ નવો ચીલો ચાતર્યો. રેખા કેમેરાને પ્રેમ કરતી અને કેમેરો રેખાને. રેખા પોતાનો મેક-અપ પોતે કરતી. નીતનવા કપડાં, સ્ટાઈલ, હેરસ્ટાઈલ – બધામાં રેખા પ્રયોગો કરતી. આખા શરીરે કપડાં પહેરેલાં હોય છતાં રેખા પોતાના હાવભાવ અને અભિવ્યક્તિથી લોકોને મોહી લેતી.

રેખાના ફોટોશૂટ કરનાર ગૌતમ રાજાધ્યક્ષે એકવાર કહેલું

Rekha is India’s ultimate cover girl. She is extremely hard-working, and takes a lot of pain over every single picture. No photograph of her is a mistake. I think stars like her, who take so much trouble to be in the public eye, deserve to be loved and treated like legends.

લગભગ 12 વર્ષ સુધી રેખાએ દરેક મહિને એક ફોટોશૂટ કરાવ્યું. તેમાં ઘણાં કન્ટ્રોવર્શીયલ ફોટોશૂટ પણ હતા. 1990-2000 આ દશકામાં રેખા મોટા પડદા કરતાં ફિલ્મ મેગેઝીનોના કવર પર વધુ ચમકી.

***

એક મોહક ડિવાની ઈમેજ નીખારવામાં રેખાની 1995 પછીની ફિલ્મો સફળ થઈ. 1996માં ઉમેશ મહેરાની ‘ખિલાડીયોં કા ખિલાડી’માં અક્ષય કુમાર સાથે રેખાએ એક મોહક વેમ્પનો રોલ કરેલો. તે બંનેએ એક શૃંગારિક ગીત ‘ईन ध नाईट, नो कंट्रोल…’નું શૂટીંગ કીચડમાં કરેલું. આ ફિલ્મ માટે રેખાને બેસ્ટ સપોર્ટીંગ હીરોઈનનો ફિલ્મફેર મળેલો અને રેખા-અક્ષયના અફેરની અફવા પણ ઊડેલી.

1996માં મીરા નાયરની ફિલ્મ ‘કામ સૂત્ર’માં રેખાએ કામસૂત્ર પ્રશિક્ષકની ભૂમિકા ભજવી. 1997માં બાસુ ભટ્ટાચાર્યની ફિલ્મ ‘આસ્થા’માં રેખાએ એક ગૃહિણીની ભૂમિકા ભજવી જે કંટાળીને ગણિકા બની જાય છે. આ બંને ફિલ્મમાં રેખાના શૃંગારિક દ્રશ્યો ખૂબ જ ચર્ચામાં રહ્યાં.

1998માં ‘કિલા’ અને 1999માં ‘મધર’ જેવી ફ્લોપ ફિલ્મો પછી રેખાએ 2001માં શ્યામ બેનેગલની ફિલ્મ ‘ઝૂબેદા’માં અદભૂત અભિનય આપ્યો.

એકવીસમી સદી્માં રેખાએ ઓછી ફિલ્મો કરી છે. 2001 થી 2019 સુધીમાં રેખાની ફક્ત 18 ફિલ્મો આવી. ઘણી ફિલ્મોમાં તો ફક્ત કેમિયો રોલ કરેલો. સારા નિર્દેશકોએ રેખા પાસે આ વર્ષોમાં યાદગાર રોલ પણ કરાવ્યા છે. જેમ કે, 2001માં રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘લજ્જા’માં રેખાએ રામદુલારીનો રોલ કરેલો જેને બેસ્ટ સપોર્ટીંગ રોલ માટેનું ફિલ્મફેરનું નોમિનેશન મળેલું. એ પછી 2002 માં ‘દિલ હૈ તુમ્હારા’, 2003માં ‘ભૂત’, 2005માં ‘બચકે રહેના રે બાબા’, 2006માં ‘કુડીયોં કા હૈ ઝમાના’, 2014માં ‘સુપરનાની’ (જે ગુજરાતી નાટક ‘બાએ મારી બાઉન્ડ્રી’ પરથી બનેલી) જેવી ફિલ્મો રેખાએ કરી. આ દરમિયાન રાકેશ રોશન સાથે રેખાએ ત્રણ ફિલ્મો કરીઃ ‘કોઈ મિલ ગયા’ (2003), ‘ક્રિશ’ (2006) અને ‘ક્રિશ-3’ (2007). આમાંથી બે ફિલ્મો માટે રેખાને ફરીથી બેસ્ટ સપોર્ટીંગ રોલ માટેના ફિલ્મફેરના નોમિનેશન મળેલા. સન 2005માં રેખાએ ‘પરિણીતા’ ફિલ્મ માટે એક આઈટમ ગીત કરેલું – ‘कैसी पहेली जिंदगानी…’ જે ઘણું લોકપ્રિય થયેલું.

એકવીસમી સદીમાં રેખા ભલે મોટા પડદે ઓછી દેખાઈ પણ નાના પડદે લગભગ દરેક એવોર્ડ ફંક્શનમાં રેખા હોય હોય ને હોય જ! અને ફક્ત તેની હાજરી જ ન હોય, તેણીને કોઈ મોટો એવોર્ડ આપવા માટે સ્ટેજ પર પણ બોલાવવામાં આવે.

***

અધૂરામાં પૂરું, 2012માં કોંગ્રેસે રેખાને રાજ્યસભાની સીટ આપી. આ એક આશ્ચર્યજનક વાત હતી કારણ કે રેખાએ ક્યારેય રાજકારણમાં રસ ધરાવ્યો જ નહોતો. સિનીયર પત્રકાર રશીદ કિડવાઈએ એક વાર કહેલું: ‘રેખા એક એવી સ્ત્રી છે જેણે રોજના અખબાર વાંચવાના બંધ કરેલા કારણ કે તેણીને રાજકારણમાં જારાય રસ નહોતો. તેણી એવું પણ કહેતી કે આ રાજનેતાઓના ગંદા ચહેરા અને કામ મને દીઠા ય નથી ગમતાં.’

રેખાનું રાજકારણમાં આવવું એ કોંગ્રેસની ચાલ હતી. જેમ રાજેશ ખન્નાને કોંગ્રેસે અમિતાભની વિરુદ્ધ રાજકારણમાં ખેંચેલા તેમ જ રેખાને જયા બચ્ચન વિરુદ્ધ રાજકારણમાં લાવવામાં આવી. 15 મે 2012ના દિવસે જ્યારે રેખાએ રાજ્યસભામાં શપથ લીધી ત્યારે જયા ત્યાં હાજર હતી. રેખાની શપશવિધિ વખતે કેમેરા ઘણી વાર જયા તરફ ગયેલા, અને જયાનો ચહેરો બધી જ વાત કહી દેતો હતો. રેખાની સીટનો નંબર 99 હતો અને જયાની સીટનો નંબર 91. રેખાના આવ્યા પછી જયાએ પોતાની સીટનો નંબર 143 કરવા કહેલું, એવા અહેવાલ છે. (યુટ્યુબ વિડીયો લીંકઃ https://www.youtube.com/watch?v=-dy7Ozw6pts)

બદલાયેલી રેખાએ આ વિશે કોઈ જ ટિપ્પણી ક્યારેય કરી નહીં. ઊલટું તેણી રાજ્યસભામાં પણ ખૂબ જ ઓછી જતી. મિડીયાએ અને જનતાએ રેખાની 6% હાજરી જોઈને ટીકા કરેલી.

***

અમિતાભ વિશે અને મુકેશ અગ્રવાલ વિશે આપણે આ શ્રેણીમાં વાત કરી છે, પણ ઘણી વાર એવું પણ બન્યું કે રેખાની સેક્રેટરી ફરઝાનાને પણ રેખાના પતિ સાથે સરખાવવામાં આવી છે. ફરઝાના રેખાની આજીવન મિત્ર અને સેક્રેટરી છે. કટારલેખક માલવિકા સંઘવીએ તો ફરઝાનાને ‘અનાથ દ્વિલિંગી વ્યક્તિ’ કહી છે. ફરઝાના હંમેશા પેન્ટ-શર્ટ પહેરે અને શર્ટ પર એક કાળું જાકેટ, તેણીના વાળ હંમેશા એક પુરુષ જેવા નાના હોય, રેખા જ્યાં પણ જાય ત્યાં ફરઝાના તેની સાથે જ હોય.

મુકેશ અગ્રવાલની આત્મહત્યા થઈ ત્યારે રેખા અને ફરઝાનાના વિચિત્ર સંબંધ ચર્ચામાં હતાં. તે સમયે એવી પણ અફવા મિડીયામાં ફેલાયેલી કે રેખા બાયસેક્શ્યુઅલ (bisexual) છે. મુકેશના પરિવારે મુકેશની આત્મહત્યા માટે ફરઝાનાને જવાબદાર ઠરાવેલી. તેઓએ નિવેદન આપેલું કે રેખાને મુકેશ વિરુદ્ધ ભડકાવવામાં ફરઝાનાનો મોટો ફાળો હતો. મુકેશની ભાભીએ મુકેશના મૃત્યુ પછી કહેલું: उन दोनों के बिच में अलग ही बिहेवियर चल रहा था। मित्र अलग होते है, बहेनें अलग होती है, यह दोनों वैसे नहीं थे।

મુકેશના ભાઈએ પણ કહેલું: ‘રેખા અને ફરઝાનાનો સંબંધ સાધારણ નહોતો. મુકેશને પણ તે દેખાતું હતું. મુકેશને ફરઝાના તરફથી સૂચનો મળતાં. કયો પતિ આવા સૂચનો જાળવી શકે? રેખા સાથે જ્યારે પણ મુકેશ ફરઝાના વિષયે બોલતો, રેખા ગુસ્સે થઈ જતી અને ત્યાંથી ચાલી જતી. આને તમે નોર્મલ કહેશો? રેખા અને ફરઝાના પતિ-પત્નીની જેમ રહેતા હતાં.’

સાચી વાત જે હોય તે, પરંતુ રેખાની સફળતા અને મોહક છબી બનાવવામાં ફરઝાનાનો અઢળક ફાળો છે. પોતાના દરેક કામ, પ્રોજેક્ટ કે પસંદમાં ફરઝાનાને પૂછ્યા વગર રેખા આગળ ન વધે. ફરઝાના રેખાની સલાહકાર, સહાયક, પ્રતિરોધક અને ઢાલ છે. રેખા માટે ફરઝાના વિશ્વાસ રાખનારી પણ છે અને ષડયંત્ર રચનારી પણ છે. ફરઝાના વગર રેખા કંઈ જ નથી. ફિલ્મ જગતમાં દરેક કલાકાર જાણે છે કે ફરઝાના રેખાના પડછાયાની જેમ તેની સાથે જ રહેતી હોય છે. રેખા સુધી પહોંચવું હોય તેને ફરઝાના થકી જ જવું પડે.

પણ રેખા અને ફરઝાનાનો સંબંધ એકતરફી નથી. જેટલું સન્માન અને આદર એક સેક્રેટરી તરીકે ફરઝાના રેખાને આપે છે તેટલું જ આદરભાવ રેખા પણ આપે છે. રેખા પોતાના ઘરે ફરઝાનાની સાથે જ જમે છે અથવા તો ફરઝાના જમી લે પછી જ જમે છે. ફરઝાના રેખાને રોજ અખબાર વાંચીને સંભળાવે અને જીવનમાં વાંચેલા બધાં જ પુસ્તકો રેખાએ પોતે નથી વાંચ્યા, ફરઝાનાએ વાંચીને સંભળાવ્યા છે.

ક્યા જવાબ હૈ આપકા?

રેખા જ્યારે પોતાના ફોટોશૂટ કરાવતી તે દરમિયાન ઘણાં ફોટોશૂટ કંટ્રોવર્શિયલ હતાં. એક હીરોઈને રેખા સાથે મળીને એક જ ટુવાલમાં ફિલ્મફેર મેગેઝીન માટે ફોટોશૂટ કરેલું, જેની મિડીયામાં ઘણી ચર્ચા થયેલી. તે હીરોઈન કોણ?

જવાબ આવતાં અંકે…

इन आँखों की मस्ती के मस्ताने: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!