જ્યારે કૌટુંબિક ધંધો હોય ત્યારે તેને પોતાના જીવનમાં જ સંતાનો વચ્ચે વહેંચી દેવો તેમાંજ સમજદારી છે અને આ સમજદારી કરતી વખતે અહીં આપેલા પરિબળોને ધ્યાનમાં રાખવા જરૂરી છે.

“ધંધાનું વિભાજન?” આ શબ્દો સાંભળતા જ સામન્ય માનવીની આંખો ભડકીને પહોળી થઇ જતી હોય છે અને એનાં મનમાં પ્રશ્ન જાગે છે કે આ વ્યક્તિ સંપીને રહેતા પરિવારને તોડવાની વાતો કેમ કરે છે?
પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગના કુટુંબમાં બીજી કે ત્રીજી પેઢીએ માનવ પ્રકૃતિના સ્વભાવ મુજબ વિભાજન અનિવાર્ય બની જતુ હોય છે અને એથી જ જેમ અમીબાના ટુકડા થતાં એક માંથી બે અમીબા બને છે એમ વિભાજનને પણ હકારત્મક દ્રષ્ટિકોણથી જોઈ એને પરિવારના સભ્ય દીઠ વિકાસની તક તરીકે જોવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે.
મારવાડીમાં કહેવત છે ” હવેલી કી ઉમ્ર સાઠ સાલ” તો આ પણ એક વાસ્તવિકતા જ છે એને સ્વીકારીને જો કૌટુંબિક ધંધાનું આયોજન કરવામાં આવે તો તમામ વારસદારો વ્યક્તિગત રીતે પણ સમૃદ્ધિ તરફ જ ગતિ કરશે.
હાલના કાયદાઓ તથા ધંધાની આટીઘુટીઓ ખાસ તો વ્યવસાયિક મેનેજમેન્ટની જરૂરિયાત જોતાં વળી હરીફાઈના જમાનામાં અને ટેકનોલોજીના વિકાસ વગેરે પરિબળો જયારે એક જ ધંધો વ્યક્તિની હયાતી દરમ્યાન પણ ટકી શકશે કે કેમ પ્રશ્ન ઉધ્ભાવતો હોય ત્યારે વિભાજનનું આયોજન ખાસ તો એનાં સંદર્ભમાં સક્શેસન પ્લાનીગ આવશ્યક છે.
સૌ પ્રથમ તો એક વાત સમજી લેવાની છે કે વિભાજન એ રાતોરાત કરવાનું અશક્ય છે જ અને થાય પણ નહી પરંતુ જયારે એમ નક્કી થાય કે વિભાજન કરવું જ પડશે તો એ નક્કી થતાં જ એક બે નહી પરંતુ ત્રણ કે પાંચ વર્ષનું આ આયોજન છે એથી વધુ પણ હોઈ શકે પણ ઓછું નહી.
જો વિભાજનની પ્રક્રિયા સમજીવિચારીને કર્તાની હયાતીમાં જ કરવામાં આવે તો જ એ સુમેળભરી રીતે શક્ય બને છે અને કુટુંબની સમૃદ્ધિમાં વધારો જ થાય છે. પરંતુ જો વિભાજન જ નક્કી કરવામાં ન આવે તો અદાલતના ચક્કરો અને કુસંપનું જ વાવેતર થાય છે જેનો લાભ કુટુંબીજનોને ન મળતા બહારના બળિયા એ પડાવી લેશે.
કૌટુંબિક વિભાજનમાં મુખ્યત્વે નીચેની ત્રણ બાબતોનું વિભાજન થાય છે.
1) રોકડા રૂપિયા એટલેકે ઝરઝવેરાત, શેર, બોન્ડ્સ, FD જેવા જે ઘર કે બેન્કના લોકરમાં રાખવામાં આવે છે એ કિમતી વસ્તુઓ.
2) સ્થાવર મિલકત જેમકે ફ્લેટ બંગલો જમીન જાયદાદ વગેરે.
3) મુખ્ય કૌટુંબિક ધંધો અને એ દ્વારા રળેલ શાખ જેને એકાઉન્ટસની પરિભાષામાં ગુડવિલ કહીએ છીએ.
આ અહીં કર્તા સમક્ષ બે મહત્વના પ્રશ્નો ઉભા કરે છે એક તો પહેલાં શેનું વિભાજન કરવું, ઉપર જણાવેલ ત્રણ વસ્તુમાંથી અને બીજો પશ્ન સૌ પ્રથમ કયા સંતાનને છુટું કરવું? ધ્યાનથી જોતાં આ બંને પ્રશ્નો એકમેકથી ભળેલા છે અને ધંધામાં યોગ્ય વાતાવરણ ખડું કરવામાં આવે તો બંને પ્રશ્નો આસાનીથી ઉકેલી શકાય છે.
આપણે અહીં વિભાજનની વાત કરી રહ્યા છીએ પરંતુ વાસ્તવમાં વિભાજન ન કરતાં કુટુંબનો જે મૂળ ધંધો જ (ફ્લેગશીપ) જે કર્તા પોતે સાંભળતા હોય એને જો વારસદારો માટેના એક મેનેજમેન્ટ ટ્રેઇનિંગ સ્કુલ તરીકે કર્તા જુએ અને એ રીતે ઉપયોગ કરે તો એક પછી એક વારસદારો પોતાની મરજી મુજબ નવા નવા ધંધા વિકસાવી ખાસ તો એમની પેશન મુજબના એને એમાં એમને સેટલ કરતા જવું એ જ વિભાજનની પ્રક્રિયા છે.
અહીં કર્તાને બંને પ્રશ્નોના જવાબ મળે છે જેમાં ઉપર જણાવેલ પહેલી બે બાબતોનું વિભાજન ગમે તે ક્ષણે શક્ય બંને છે. જેમકે જે સંતાન સૌથી નબળું હોય કે જેને કૌટુંબિક જવાબદારીનું ભાન ન હોય એને સૌથી પહેલાં જુદું ઘર લઇ આપી ધંધામાં સાથે રાખી ધંધામાંથી પગાર પેઠે બાંધી આવક ઊભી કરી આપવામાં આવે તો એને આટેદાળ કા ભાવ માલુમ થઇ જાય અને એ પોતાનું ઘર સંચાલન કરવામાં જ પહેલાં શક્તિમાન બને.
જો કોઈ સંતાન નવો ધંધો કે નવું સાહસ કરવા માંગતો હોય તો એને કર્તા એક ચોક્કસ રકમ નક્કી કરી એની મર્યાદા ઠેરવી એ સંતાનને કહે કે આનાથી વધુ એક પૈસો પણ તને આ સાહસ માટે નહી મળે અને નુકસાન થાય તો આટલું મારું અને નફો અને એ પછીની સફળતા તારી અને તું છુટ્ટો. તો આમ એક પછી એક વિભાજન થતું જાય. ઘણીવાર ધંધામાં જોવામાં આવ્યું છે કે કૌટુંબિક ધંધામાં અમુક ભાઈઓ ખાસ મહત્વનું કામ જે ધંધાની દ્રષ્ટિએ જરૂરી હોય એ નથી સાંભળતા હોતા.
દાખલા તરીકે એક ભાઈ માત્ર હિસાબકિતાબ જ જુએ જે વાસ્તવમાં લખાતો હોય કાબેલ CA દ્વારા તો બીજો માત્ર માર્કેટિંગ જ જુએ તો આવા કિસ્સામાં જયારે વિભાજન થાય ત્યારે મૂળ ધંધો તો પડી ભાંગે છે. સાથે સાથે સંતાનો પછી નવીં રીતે ધંધો કરવામાં નિષ્ફળ જતાં હોય છે અને ધંધો બહારનો કોઈ બળીયો પડાવી કે છીનવી લેતો હોય છે કા તેને પાણીના ભાવે વેચી દેવો પડે છે. અને જો કોઈ સક્ષમ વારસદાર એ સંભાળી લે તો એણે બધું છીનવી લીધું એવા આક્ષેપો અન્ય વારસદારો જેમને ઓછું મળે છે એ કરતા થઇ જાય છે અને ભાઈ ભાઈ ના સંબંધો તૂટે છે.
એથી જ કર્તાએ સંતાનો ધંધામાં આવતા થાય એટલે એમેને ડીવીઝન ઓફ લેબરના સિદ્ધાંત આ આધારે મૂળ ધંધાના દરેકેદરેક ક્ષેત્રમાં બે બે વર્ષના અંતરે કામમાં ફેરબદલી કરતાં રહી એ ક્ષેત્રના અનુભવનો લ્હાવો અને જ્ઞાન વારસદારોને આપતા રહેવું જોઈએ આજ સાચી વ્યવસાયિક ટ્રેઇનિંગ થઇ કહેવાય અને જયારે આ પ્રકારે આવી ટ્રેઇનિંગ વારસદારો મેળવે અને એક પછી એક સ્વતંત્ર થતાં જાય તો એ ધંધાની ક્ષિતિજો વિસ્તારશેજ આને શું વિભાજન કહીશું?
બાકી પંખીને પાંખો આવતા એ સ્વૈરવિહારનો પ્રયત્ન તો કરતા જ રહેવાના આને એ આવડી જતાં મોકો મળતા એ ઉડી જ જવાના ખાસ તો વિદેશમાં જ.
આજે કૌટુંબિક ધંધો છોડી તગડા પગારની ગુલામી કરવા શિક્ષિત યુવાનો વિદેશની વાટ પકડે છે એનું કારણ પણ આજ કે જો બાપા સાથે રહી ધંધામાં સ્વૈરવિહાર કરવા ન મળવાનો હોય અને પોતે તમામ મહેનત ગદ્ધાવૈતરું કરે અને છેવટે એનાં ભાગે એની મહેનતનું યોગ્ય વળતર જો ન મળવાનું હોય તો શા માટે બાપા જોડે બાપાના ધંધામાં ચીટકી રહેવું?
બસ આવા જ વિચારે શિક્ષિત કાબેલ યુવાન વિદેશની વાટ પકડે છે અને મલ્ટીનેશનલ કંપનીઓ એમને એમના કોલેજનાં કેમ્પસ માંથી જ તગડા પગાર સામે ધારી એને ઉઠાવી લે છે.
સક્સેસન એન્ડ રીટાયર્ડમેન્ટ પ્લાનિંગ ઇક્વિટીમાં રોકાણ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ માટે તમે મને 9821728704 પર કોલ અથવા વોટ્સઅપ કરી શકો છો – નરેશ વણજારા
eછાપું