મહારાષ્ટ્ર: શિવસેના અને NCP સરકાર રચશે, કોંગ્રેસનું બહારથી સમર્થન

0
272
Photo Courtesy: madhyamam.com

બે અઠવાડિયાની ખેંચતાણ બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો સાફ થયો છે. અત્યારસુધીના જાની દુશ્મન એવા શિવસેના અને NCP,કોંગ્રેસ હવે ભેગા મળીને સરકાર બનાવશે.

Photo Courtesy: madhyamam.com

મુંબઈ/નવી દિલ્હી: છેવટે મહારાષ્ટ્રમાં સરકાર બનશે. આજે દિવસભર ચાલેલી પ્રવૃત્તિઓ બાદ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ભેગા મળીને સરકાર બનશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોંગ્રેસ આ ગઠબંધનને બહારથી સમર્થન આપશે. આજે સવારે કેન્દ્ર સરકારમાં શિવસેનાના એકમાત્ર મંત્રી અરવિંદ સાવંતે રાજીનામું આપીને શિવસેના NDA સાથે છેડો ફાડે છે તેવો સંકેત આપ્યો હતો. ત્યારબાદ બપોરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે NCP પ્રમુખ શરદ પવારને મળ્યા હતા અને તેમનું સમર્થન માંગ્યું હતું.

સવારે અને સાંજે એમ બે રાઉન્ડમાં કોંગ્રસ કાર્યસમિતિની બેઠક મળી હતી જેમાં છેવટે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેના-NCP સરકારને બહારથી સમર્થન આપશે તેવો નિર્ણય લીધો હતો. જાણવા મળ્યા અનુસાર આ બંને બેઠકોની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધીને ફોનકોલ કર્યો હતો અને કોંગ્રેસ સમર્થન આપશે તે માટે બાદમાં સોનિયા ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને ફોનકોલ કર્યો હતો.

તો બીજી તરફ NCPએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને ફેક્સ કરીને પોતે શિવસેનાને સમર્થન આપશે તેમ જણાવ્યું હતું. રાજ્યપાલે શિવસેનાને આજે સાંજે 7.30 સુધીમાં પોતે સરકાર રચશે કે નહીં તે જણાવી દેવા કહ્યું હતું.

થોડીવાર અગાઉ શિવસેનાના આદિત્ય ઠાકરે મુંબઈમાં આવેલા રાજભવન પહોંચ્યા હતા જ્યાં તેમણે NCP સાથે મળીને સરકાર રચવાનો દાવો પ્રસ્તુત કર્યો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ ભાજપ અને શિવસેના મહાયુતી રચીને લડ્યા હતા પરંતુ ચૂંટણી પરિણામો આવ્યા બાદ શિવસેનાએ મન બદલ્યું હતું અને 50-50 ફોર્મ્યુલાનો આગ્રહ રાખીને પ્રથમ અઢી વર્ષ પોતાનો મુખ્યમંત્રી બનાવવાની જીદ પકડી હતી. ગઈકાલે ભાજપે મહારાષ્ટ્રના રાજ્યપાલને પોતાની પાસે પૂરતી સંખ્યા ન હોવાથી તે સરકાર રચવા માટે અસમર્થ છે તેમ જણાવી દીધું હતું.

મહારાષ્ટ્ર વિધાનસભામાં પક્ષવાર પરિસ્થિતિ આ મુજબ છે: ભાજપ – 105, શિવસેના 56, NCP 54 અને કોંગ્રેસ 44

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here