Home ભારત કાશી-વિશ્વનાથ મહાદેવ: ઉંડી આસ્થા અને લોહીયાળ સંઘર્ષની કથા – 1

કાશી-વિશ્વનાથ મહાદેવ: ઉંડી આસ્થા અને લોહીયાળ સંઘર્ષની કથા – 1

0
137
Photo Courtesy: postcard.news

રામ જન્મભૂમિની જેમજ વારાણસી અથવાતો કાશીમાં ભગવાન શંકરના ભવ્ય મંદિર કાશીવિશ્વનાથ મંદિરને તોડીને ઔરંગઝેબ દ્વારા જ્ઞાનવાપી મસ્જીદ બાંધવામાં આવી હતી. આ સ્થળના ઇતિહાસની સિલસિલાબંધ વિગતો જાણીએ.

Photo Courtesy: postcard.news

1889ના શિયાળાની એક ખુશનુમા સવાર.  કઠમંડુના લોકો સવાર સવારમાં ઉઠીને પ્રાત:કાળથી પરવારી શહેરની મુખ્ય સડકો પર ભગવાન પશુપતિનાથના દર્શન માટે નીકળી પડ્યા હતા. એ સમયે કપાળે ત્રિપુંડ, ખુલ્લુ સફેદ બાસ્તા જેવુ બંગાળી ધોતિયુ અને અંગ પર બંગાળી કફની પહેરીને એક બંગાળી સદગૃહસ્થ લાંબા ડગ ભરતો; મોં પર કંઈક અસમંજસ અને નવાઈના એકસામાટા ભાવો સાથે, તણાયેલી ભ્રકુટી સાથે કઠમંડુના ભીડભાડવાળા રસ્તાઓ અને બજારો વટાવીને ચાલ્યો જતો હોય છે. લગભગ 30 મિનીટની સફર પછી એ શહેરની ચહલપહલથી દૂર એક શાંત રમણીય સ્થળે આવે છે. કાઠમંડુના સામાન્ય લોકોને આ સ્થળે ખાસ આવવાનુ નથી થતુ હોતુ. એક બેઠાઘાટના નેપાળી સ્ટાઈલના નાનકડા પણ ભવ્ય મકાનને ઝાંપે આવીને એ દૂરથી જ દરવાજે નજર કરે છે – એમનુ વર્ષોનુ સપનુ સાકાર થવામાં જ છે. એ સ્થળ છે નેપાળના રાજઘરાણાના એક સદસ્ય એવા વિર સમશેર જંગબહાદૂર રાણાનુ એક ગુપ્ત સ્થાન.

સાહિત્ય અને હસ્તપ્રતોના અભ્યાસુ એ રાજપુરુષે અહીં એક નાનકડી લાયબ્રેરી બનાવી હતી. ઝાંપો ખોલીને નાનકડી પગદંડી વટાવી એ બારણે ટકોરા મારે છે. રાણા જાતે જ આવીને દરવાજો ખોલે છે અને શાસ્ત્રીજીને ચરણસ્પર્શ કરીને એમના આશિર્વાદ લે છે. શાસ્ત્રીજી અસ્પષ્ટ ઉદગારે આશીર્વચન બોલીને રાણા સામે પ્રશ્નસૂચક નજરે જૂએ છે. રાણા એમને ઈશારાથી જ હકારમાં માથુ હલાવી પોતાની સાથે આવવાનુ જણાવે છે અને એક નાનકડો કોરિડોર પસાર કર્યા પછી એક પ્રમાણમાં અંધારા ઓરડામાં બંને દાખલ થાય છે.

બારણા પાસે સંચાર થવાથી અંદર બેઠેલ અંગ્રેજ સદગૃહસ્થ એકદમ જ પોતાની ખુરશી પરથી ઉભો થઈને બંનેની પાસે આવે છે અને શાસ્ત્રીજીનું અભિવાદન કરીને એમને પોતાના ડેસ્ક તરફ દોરી જાય છે. પારંપરિક અંગ્રેજ પોષાકમાં સજ્જ આ સદગૃહસ્થ સેસિલ બૅન્ડલ છે. એ બ્રિટીશ મ્યુઝીયમમાં ઑરિયેન્ટલ મેનુસ્ક્રીપ્ટસ ડીપાર્ટમેન્ટના પ્રમુખ તરીકે કામ કરે છે. એમનુ સંસ્કૃત અને બીજી ભારતિય ભાષાઓમાં સારુ એવું પ્રભુત્વ છે એટલે એમની વચ્ચેનો સંવાદ પણ હિંદી-બંગાળી અને સંસ્કૃતમાં જ થતો હોય છે.

શાસ્ત્રીજીની નજર સેસિલના ડેસ્ક પર બિછાવેલા કેળના પત્તા પર લખાયેલ હસ્તપ્રતો પર જાય છે અને એમની આંખોમાં એક ચમક આવી જાય છે. એમની વર્ષોની તમન્ના જે હતી એ “સ્કંદ પુરાણ” ની મૂળ હસ્તપ્રત આજે એમના હાથમાં છે. લગભગ ઈસુની 810મી સદીની આ હસ્તપ્રત સ્કંદ પુરાણનો સૌથી જૂનો નોંધાયેલો દસ્તાવેજ છે.

તમને લાગશે કે જ્ઞાનવાપી મસ્જિદની વાતમાં સ્કંદ પુરાણનુ શું કામ? પણ, એનો ઉલ્લેખ અને આ શાસ્ત્રીજીનો ઉલ્લેખ પણ મહત્વનો છે. એમના દ્વારા અને સેસિલ દ્વારા જ પ્રથમ વાર પ્રતિપાદિત થાય છે કે આજના વારાણસી; જેને આપણે દુનિયાના લગભગ સૌથી જૂનું “જીવંત” શહેર કાશી તરીકે પણ ઓળખીએ છીએ; તે શહેરમાં વિશ્વેશ્વર અથવા વિશ્વનાથ મહાદેવનુ મંદિર હોવાનો સૌપ્રથમ ઉલ્લેખ આ સ્કંદ પુરાણના કાશી ખંડમાં કરવામાં આવ્યો છે. અને શાસ્ત્રીજીની મહેનતથી એ સાબિત પણ થાય છે કે કાશીનું વિશ્વનાથ મંદિર પુરાણકાળમાં પણ વિદ્યમાન હતું. એ મંદિર પછીના હજ્જારો વર્ષોમાં કેટલીય વાર આક્રમણકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યુ અને એટલી જ વાર ફરીથી બાંધવામાં આવ્યુ.

ભારત માટે અને અહીંની હિંદુપ્રજા માટે પ્રમાણમાં જોવા જઈએ તો રામ-જન્મભૂમી મંદિર કરતા પણ વધારે મહત્વ આ કાશી વિશ્વનાથ મંદિરનુ છે. સૌ પ્રથમ તો એ દેવોના દેવ મહાદેવનુ સ્થાન છે (રામ વિષ્ણુના અવતાર હતા અને એ પણ મહાદેવની પૂજા કરતા હતા). તેમાં પણ કાશીમાં જે સ્વયંભૂ શિવલિંગ છે એ ભારતના બાર જ્યોતિર્લિંગમાંના પણ જે ચાર અતિમહત્વના જ્યોતિર્લિંગ છે તેમાંના એકનું સ્થાનક છે. પ્રાચિનકાળમાં વિશ્વેશ્વર અને આજે વિશ્વનાથ તરીકે ઓળખાતા મહાદેવના આ અવતારની ગણના બ્રહ્માંડના સ્વામી તરીકે કરવામાં આવી છે. કાશી દુનિયાનુ સૌથી પુરાણુ શહેર છે; હિંદુઓની સૌથી પવિત્ર નદી ગંગાને કિનારે વસેલું છે.

કાશી ન કેવળ વિશ્વનાથમંદિરને કારણે મહત્વનુ હતું પણ ત્યાં બીજા પણ અગણિત મંદિરો આવેલા છે જેમાં શક્તિમંદિરો પણ છે અને શિવના પણ બીજા અવતારોના મંદિરો છે; તો વિષ્ણુના અને એના અવતારોના પણ મંદિરો આવેલા છે. કાશી હિંદુઓ માટે યાત્રાધામનુ મહત્વ પણ ધરાવે છે તેમજ એ સાંસ્કૃતિક રીતે મધ્યસ્થ સ્થાન પણ શોભાવતું હતું. સંસ્કૃતના જ્ઞાન અને અધ્યયન માટે, હિંદુત્વના શિક્ષણ માટે અને વેદ-પુરાણોના અઘ્યયન માટેનુ પણ મહત્વનુ સ્થાન હતુ અને છે. કાશી આજે પણ દરેક હિંદુના જીવનમાં કર્મકાંડ બાબતે સૌથી અગત્યનુ સ્થાન ધરાવે છે – કહેવાય છે કે કાશીનુ મરણ સૌથી શ્રેષ્ઠ મરણ કહેવાય; માટે જ કેટલાય શબનો હિંદુ વિધી વિધાન મુજબ દરરોજ કાશીમાં ગંગાતટે અગ્નિદાહ કરવામાં આવે છે.

હિંદુઓ માટે જીવનમાં એકવાર કાશીની યાત્રા જરૂરી કહેવાય છે અને એટલે જ ત્યાંના અધિષ્ઠાતા દેવ વિશ્વનાથ મહાદેવનુ મહત્વ પણ વધી જાય છે. કદાચ આ કારણથી જ મુસ્લિમ આક્રાંતા આક્રમણકારીઓ અને શાસકોની નજર કાશીને નષ્ટ કરવા પર હતી. હિંદુસ્તાનના ઈતિહાસના સૌથી ક્રૂર અને કટ્ટર મુસ્લિમ શાસક ઔરંગઝેબે તો કાશીનુ નામ મુહમ્મદાબાદ કરવાની પણ ચેષ્ટા કરી હતી જેમાં એ સફળ નહોતો થયો.

અહીં અગત્યનુ છે કે સ્કંદ પુરાણ જેટલા અતિપુરાણા સાહિત્યમાં એનો ઉલ્લેખ છે અને એ જ બતાવે છે કે કાશી નગરીમાં વિશ્વનાથ (કે વિશ્વેશ્વર) મહાદેવનું એક મંદિર બાંધવામાં આવ્યુ હતુ અને એ પુરાણકાળથી પણ પુરાણુ હોઈ શકે છે.

ભારતમાં મુસ્લિમકાળના ઈતિહાસની જે જાણીતી હકિકતો છે તે પ્રમાણે – ઈ.સ. 1194માં મુહમ્મદ ઘોરીના સેનાનાયક કુત્બુદ્દીન ઐબકે જ્યારે કન્નૌજના રાજાને યુધ્ધમાં પરાજય આપ્યો ત્યારે તેના દ્વારા આ મંદિર તોડી પડાયુ હતુ. ઈ.સ. 1211 – 1266 ના ઈલ્તુત્મિશના શાસનકાળ દરમ્યાન એક ગુજરાતી વેપારી (એ સમયે પણ ગુજરાતીઓ સમૃધ્ધ હોવાની સાથે સાથે સેવાભાવી ધર્મભિરૂ હતા)  દ્વારા આ મંદિર ફરીથી બાંધવામાં આવ્યુ હતુ. જેને ફરી એકવાર આક્રમણકારી મુસ્લિમ શાસક સિકંદર લોદી (1489-1517)ના સમયમાં તોડી પડાયુ. અકબરના શાસનકાળ દરમ્યાન રાજા માનસિંહ દ્વારા આ મંદિર એની જગ્યાએ ફરીથી બાંધવામાં આવ્યુ પણ વારાણસીના બ્રાહ્મણોએ માનસિંહનો અને એના બંધાવેલા મંદિરનો એટલા માટે વિરોધ કર્યો કે એણે અકબર સાથે જોધાબાઈના લગ્ન કરાવ્યા હતા. અકબરના જ શાસનકાળ દરમ્યાન રાજા ટોડરમલ દ્વારા ઈ.સ. 1585માં આ મંદિર ફરી બાંધવામાં આવ્યુ હતું.

આ મંદિરને પણ ઔરંગઝેબ દ્વારા 1669માં તોડી પાડવામાં આવ્યુ અને એને ઠેકાણે મસ્જિદ બાંધવામાં આવી જેને આજે આપણે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખીએ છીએ. આ મસ્જિદ બરાબર મંદિર પર જ બનાવવામાં આવી હતી એની સાબિતી આજે પણ મસ્જિદના પાછલા ભાગની દિવાલ પરથી પ્રતિત થાય છે. આ દિવાલ એ ટોડરમલ દ્વારા બાંધવામાં આવેલ મંદિરનો જ એક ભાગ છે જેને તોડી પાડ્યા વગર એના જ સહારે મસ્જિદ બનાવી દેવામાં આવી છે. તે સમયનો ઈતિહાસ ખૂબ જ રક્તરંજિત છે. જેની વાત આપણે આગળ કરીશુ.

હાલનુ જે વિશ્વનાથ મંદિર છે એ બાંધવામાં હિંદુ મરાઠા શાસકોનો મોટો ફાળો છે. 1742માં મલ્હાર રાવ હોળકર દ્વારા મસ્જિદ તોડીને મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. પણ, એ પ્રદેશના શાસકો એ સમય દરમ્યાન લખનઉના નવાબ હતા એમની દરમ્યાનગીરીને કારણે એ શક્ય ન બન્યુ. ત્યારબાદ 1750માં જયપુરના મહારાજાએ આ ઠેકાણે સર્વે વગેરે કરાવડાવ્યુ અને આ જમીન ખરીદી તે ઠેકાણે ફરીથી મંદિર બાંધવાનો ઈરાદો જાહેર કર્યો પરંતુ તેમની ઈચ્છા પણ પૂરી ન થઈ શકી. છેક 1780માં મ્લ્હાર રાવની પુત્રવધુ અહિલ્યાબાઈ હોળકરે હાલનુ મંદિર જ્ઞાનવાપી મસ્જિદને અડોઅડ બંધાવડાવ્યુ.

ત્યારબાદ 1828માં ગ્વાલિયરના મહારાજા દૌલતરાવ સિંધિયાની વિધવા બાઈઝા બાઈએ જ્ઞાનવાપી પરિસરમાં ૪૦ સ્તંભોનો મંડપ બનાવડાવ્યો. 1833-1840માં પરિસર ફરતે દિવાલ ચણવામાં આવી જેમાં ગંગા-ઘાટની આસપાસના બધા મંદિરો સમાવી લેવામાં આવ્યા. 7 ફૂટની ઉંચાઈવાળી પથ્થરના નંદીની મૂર્તિ નેપાલનરેશ દ્વારા મંદિરને ભેટ કરવામાં આવી જે આજે પણ પરિસરમાં વિદ્યમાન છે. બાકીના પણ ઘણા હિંદુ સજ્જનો-વેપારીઓ અને રાજા-મહારાજાઓ દ્વારા આ મંદિરને સજાવવા; તેને ચલાવવામાં ફાળો આપવામાં આવ્યો છે. જેમાં 1835માં મહારાજા રણજિત સિંહ દ્વારા ભેટ કરાયેલુ 1000 કિલો સોનુ જેના દ્વારા મંદિરના ઘુમ્મટને મઢી લેવામાં આવ્યો છે અને 1841માં નાગપુરના ભોંસલે શાસકો દ્વારા ભેટ ધરવામાં આવેલી ચાંદી મુખ્ય છે.

વધુ આવતીકાલે…

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!