इन आँखों की मस्ती के मस्ताने (10): બોલ્ડ, બ્યુટીફૂલ અને એવરગ્રીન ડિવા

0
399
Photo Courtesy: YouTube

ગયા અંકમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર છે – કાજોલ. રેખા અને કાજોલે એક ફોટોશૂટ કરાવેલું જેમાં એક જ ટુવાલમાં બંને સાથે ઊભા છે. મિડીયામાં આ ફોટોશૂટ વખણાયેલું અને વખોડયેલું પણ. ઈન્ટરનેટ પર આ ફોટો ઉપલબ્ધ છે.

Photo Courtesy: YouTube

વાચકમિત્રો, આપણે આ સિરીઝમાં રેખાના જીવન વિશે, ફિલ્મો વિશે અને કારકિર્દી વિશે વાતો કરી છે. પણ રેખાનો સંગીત અને નૃત્ય પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ જગજાહેર. એક વાર પાકિસ્તાની ગાયક અબિદા પરવીનને મુંબઈના કટારલેખિકા માલવિકા સંઘવીએ પોતાના ઘરે બોલાવેલા. અબિદા પરવીને માલવિકાને વિનંતી કરી કે તેઓ રેખાને પણ આ પ્રસંગે આમંત્રિત કરે. ‘એવું કોઈ હોય જે મારા સંગીતને જાણે છે અને તેની કદર કરી પારખે છે, તો તે રેખા છે’ – એવું અબિદાએ કહેલું. રેખાએ આ પ્રસંગે ખુશીથી પોતાની હાજરી આપી અને તે સાંજે પરવીન ફક્ત અને ફક્ત રેખા માટે જ ગાતી હોય તેમ લાગ્યું. રેખા પણ પરવીનના સંગીતમાં એટલી તરબોળ કે તેણીની દરેક કવિતા, દરેક સૂર જાણતી હતી.

રેખા માટે માલવિકા સંઘવીએ લખેલુઃ

Like most successful single women who live on their own, Rekha has the time and freedom to pursue her interests and take care of herself. And she puts her time to good use….she is preternaturally refined. Form, fragrance, tone, colour, texture – Rekha takes it all in…She discovered Ayurveda, yoga, rituals and indigenous customs long before they were current. Her business is herself, and she tends to it extraordinarily well.

રેખા પોતે એવું માને છે કે તે જો પોતાની શરૂઆતની ફિલ્મો જુએ તો પોતાને ઓળખવામાં પણ તકલીફ થાય. રેખા માટે ‘મુકદ્દર કા સિકંદર’ ફિલ્મ એક પરિવર્તન લાવનારી ફિલ્મ બની. એ જ ફિલ્મથી રેખાની કાયાપલટ થઈ. રેખાએ આ ફિલ્મમાં ઝોહરાબાઈ નામની ગણિકાનો રોલ કરેલો પણ બીજી ફિલ્મો કરતાં આ રોલ વધુ ચમક્યો. (રેખાએ કુલ 30 ફિલ્મોમાં ગણિકાનો રોલ કરેલો છે – જેમાંથી ઘણી ફિલ્મોમાં ફક્ત એક ગીત માટે જ).

રેખા પોતાના જીવનમાં બે નારીઓને ખૂબ જ સન્માનીય ગણતી – મીનાકુમારી અને હોલીવુડ લેજેન્ડ સોફિયા લોરેન (Sophia Loren).

મીનાકુમારી સાથે તો રેખાએ ઘણો સમય પણ વ્યતિત કરેલો. મીનાકુમારીના દેહાંત બાદ રેખાએ તેણીના મેક-અપ આર્ટીસ્ટને પોતે ભાડેથી રાખેલો. રેખા અને તેણીની એક સમયની મિત્ર યોગીતા બાલી – બંને મીનાકુમારીના ઘરે અવારનવાર મળવા જતાં. એક વાર તો રેખાએ પૂછેલું પણ કે યોગીતા અને રેખા – આ બંનેમાંથી તમે કોને વધુ પસંદ કરો છો? ત્યારે મીનાકુમારીએ કહ્યુંઃ योगीता है ना, वो मीठी है, और तुम हो ना, नमकीन हो। और नमकीन का झायका हमेशा ज्यादा देर याद रहेता है।

સોફિયા લોરેન પણ રેખાની એક આરાધ્ય વ્યક્તિઓમાંની એક હતી. બંનેમાં ઘણી બાબતો સામાન્ય હતી – બંને પોતાના જીવનમાં એક નાટકીય શારિરીક પરિવર્તન અને કાયાપલટમાં સફળ રહેલી, બંનેને પોતપોતાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભાષા ન આવડતી હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો, અને બંને ફિલ્મજગતની સેક્સ સિમ્બોલ બની. બંનેને ગ્લેમર અને ખ્યાતિ મળી છતાં પોતાના મૂળિયાં સાચવી રાખેલા. લોરેન ઈટાલિયન ફિલ્મો કરતી રહી અને પોતાની બોલવાની ઢબ છોડી નહીં. રેખા પણ પોતાની કાંજીવરમ સાડી, સોનાના ઘરેણાં અને વાળમાં ગજરો છોડ્યાં નથી. લોરેનના જીવનમાં કાર્લો પોન્ટી હતો તો રેખાના જીવનમાં અમિતાભ બચ્ચન – જેના કારણે જીવન બદલાઈ ગયું.

***

રેખાને પોતાની ફિલ્મી કારકીર્દીમાં અનેક પુરસ્કારો મળ્યા છે. 4 ફિલ્મફેરના એવોર્ડ, ‘યશ ચોપડા’ મેમોરિયલ એવોર્ડ, દુબઈ ફિલ્મ ફેસ્ટીવલ – લાઈફ ટાઈમ અચિવમેન્ટ, સૌ પ્રથમ ‘સ્મિતા પાટીલ’ મેમોરિયલ એવોર્ડ, હિંદુસ્તાન ટાઈમ્સ – મોસ્ટ સ્ટાઈલિસ્ટ એવોર્ડ, આઈફા દ્વારા 2003માં સેમસંગ ડિવા એવોર્ડ, 2010માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ એવોર્ડ અને 2012માં આઉટસ્ટેન્ડીંગ અચિવમેન્ટ ઈન ઈન્ડિયન સિનેમાનો એવોર્ડ વગેરે વગેરે.

2002માં રેખાને ફિલ્મફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો ત્યારે તેણી ચાર પાના ભરીને લોકોનું લીસ્ટ લઈ આવેલી જેમનો આભાર વ્યક્ત કરવા માંગતી હતી. તે લીસ્ટમાં ફિલ્મનિર્માતાઓ, નિર્દેશકો, ડાન્સગુરુઓ, મિત્રો દરેકના નામ હતા, પરંતુ આશ્ચર્ય એ વાતનું હતું કે તેમાં અમિતાભ બચ્ચનનું નામ જ નહોતું. આ બનાવનો વિડીયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે (લીંકઃ https://www.youtube.com/watch?v=hcNSWXP-eS4)

એ સિવાય 1998માં લચ્છુ મહારાજ એવોર્ડ ફોર બેસ્ટ કથ્થક ડાન્સર, 2006માં દિનાનાથ મંગેશકર એવોર્ડ, 2009માં રાજકપૂર પ્રતિભા ગૌરવ પુરસ્કાર મળ્યા છે.

***

રેખાએ અગણિત ઈન્ટરવ્યુ આપ્યા છે, અનેક પ્રેસ કોન્ફરન્સ, અનેક મિડીયા લેખો લખાયા છે પણ 2004નો Rendezvous with Simi Garewal શો દરમિયાન તેણીએ આપેલો ઈન્ટરવ્યુ એક અલગ જ લેવલનો અને યાદગાર હતો. અહીં એ ઈન્ટરવ્યુના ત્રણેય ભાગની યુટ્યુબ લીંક મૂકું છું:

1) https://www.youtube.com/watch?v=PfmXm6ucyOM

2) https://www.youtube.com/watch?v=6L1MbL_azrc

3) https://www.youtube.com/watch?v=dGt1HON0iRk

1986માં લંડનમાં રેખાએ BBCને પણ એક ઈન્ટરવ્યુ આપેલો જેની લિંક છેઃ https://www.youtube.com/watch?v=jJAEsw44uCo

‘રેખા કે રાઝ’ નામનો એક હિન્દી ઈન્ટરવ્યુ પણ માણવા લાયક છેઃ https://www.youtube.com/watch?v=MITml3d8hms

***

રેખા અને અમિતાભ, બોલીવુડની એક અવિસ્મરણીય જોડી છે. એક સાથે ન હોવા છતાં બંનેની કંટ્રોવર્સી મિડીયા માટે ભરપૂર મસાલો મેળવી આપે છે. 2009માં 54મા ફિલ્મફેર એવોર્ડ વખતે ફરી રેખા અને અમિતાભ મિડીયામાં હેડલાઈન બન્યા. અમિતાભ પોતાના પુત્ર અભિષેક અને પુત્રવધુ ઐશ્વર્યા સાથે એવોર્ડ પ્રસંગે હાજર થયા અને થોડી જ વારમાં રેખાની એન્ટ્રી થઈ. રેખાએ અભિષેક અને ઐશ્વર્યા સાથે હસ્તધૂનન કર્યું અને થોડી વાતચીત કરી. પણ અમિતાભ આ જોઈને તરત જ બીજી તરફ નજર કરી ત્યાંથી નીકળી ગયા.

‘કૂલી’ ફિલ્મના શૂટીંગ વખતે અમિતાભને થયેલી ઈજા વિશે આપણે વાત કરેલી. એ ઘટના પછી પુનિત ઈસ્સાર રાષ્ટ્રીય વિલન તરીકે ઓળખાવા લાગ્યો. ‘કૂલી’ પછી આજ સુધી અમિતાભે અને પુનિતે કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી. પણ એક અજીબ બનાવ વચ્ચે જરૂર બન્યો. ‘કૂલી’ની ઘટનાના 32 વર્ષ પછી 2014માં રેખા પોતાની ફિલ્મ ‘સુપર નાની’ને પ્રમોટ કરવા સલમાન ખાનના શો ‘બિગ બોસ’ (સીઝન – 8)માં આવેલી. એ જ સીઝનમાં પુનિત ઈસ્સાર એક સ્પર્ધક હતો. શો દરમ્યાન રેખાએ બધાં સ્પર્ધકો સાથે વાત કરી પણ પુનિત સાથે ન કરી. ઘરના બધાં જ સભ્યો સાથે રેખા ગળે મળી પણ પુનિત સાથે ફક્ત હાથ જ મિલાવ્યો.

શોમાં છેવટે પુનિતે રેખાને કહ્યું – रेखाजी, मुझे आपको देखके बहुत थोट्स (thoughts) आ रहे है। जिसकी सजा तु हो मुझे ऐसा ही गुनाह करना है।

રેખાએ જવાબ આપ્યો – अभी किया नहीं की और करना है? कितने गुनाह करेंगे, आप?

(યુટ્યુબ વિડીયો લીંકઃ  https://www.youtube.com/watch?v=TkEaDbroVw8)

અમિતાભની ઈજા તો એક કારણ હોઈ શકે પણ કૂલી વાળી ઘટના પછી અમિતાભ અને રેખા હંમેશા માટે જુદા થઈ ગયા, એ વાત રેખાને હજી ખટકતી હશે?

***

8 જાન્યુઆરી 2016. સ્ટાર સ્ક્રીન એવોર્ડની એ રાત. મુંબઈમાં આખું બોલીવુડ ઊમટી પડેલું. ગ્લેમરથી ભરપૂર એ રાત્રી એવું કંઈક બન્યું કે કોઈને સપનેય ખ્યાલ ન હોય. રેખા, રણવીર સિંઘ, દિપીકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન જેવાં અનેક કલાકારોની હાજરી હતી. રેખા અને ફરઝાના આગળની હરોળમાં સાથે બેસેલા. કાંજીવરમ સાડી અને માથામાં સિંદૂર લઈને જાજરમાન રેખા શોભતી હતી. એ જ હરોળમાં 8-10 બેઠકો છોડીને અમિતાભ અને જયા બચ્ચન પણ બેસેલા.

બેસ્ટ હીરોના નોમિનેશન રજૂ થયાં અને બે કલાકારોને આ એવોર્ડ મળ્યો – અમિતાભ બચ્ચનને ‘પીકુ’ માટે અને રણવીર સિંઘને ‘બાજીરાવ મસ્તાની’ માટે. અમિતાભ જેવો પોતાનું નામ સાંભળીને સ્ટેજ પર ગયો, તરત જ રેખા જયા પાસે આવી અને તેણીનું અભિવાદન કર્યું. જયા અચંબિત તો થઈ પણ બધાં કેમેરા જ્યારે રેખા-જયાની તરફ હોય ત્યારે કેવી રીતે વર્તવું એ આ ‘ગુડ્ડી’ને સમજાવાની જરૂર નહોતી. બંને એકમેકને ગળે મળ્યાં અને થોડો ગણગણાટ પણ કર્યો. રેખા આવીને અમિતાભની સીટ પર બેસી ગઈ. અમિતાભને પ્રેક્ષકો તરફથી ‘સ્ટેન્ડીંગ ઓવેશન’ મળ્યું. રેખા અને જયા પણ ઊભા થયા.

બંનેના મુખ પર સ્મિત હતું. બંનેના જીવનનો એક એવો પુરુષ આજે લગભગ 74 વર્ષની ઉંમરે પણ એવોર્ડ લઈને જુવાનિયાઓને હંફાવી જાણે છે, એકને એ વાતની ખુશી અને બીજીને એ જ વાતનું દુઃખ. દશકાઓ સુધી આ બંનેના જીવનનો એક અનન્ય ભાગ બની ગયેલા એ પુરુષને બંને જોતાં જ રહ્યાં. (યુટ્યુબ વિડીયો લીંકઃ https://www.youtube.com/watch?v=aBXH7wzME4o)

2017ના ફિલ્મફેર સ્ટાઈલ એન્ડ ગ્લેમર એવોર્ડમાં ફરી રેખા અને અમિતાભનો એકમેક સાથે ‘વર્ચ્યુઅલ’ સંપર્ક થયો. અમિતાભને Timeless Glamour and Style Icon award (Male) અને રેખા એ જ એવોર્ડ ફંક્શનમાં શ્રીદેવીને Timeless Glamour and Style Icon award (Female) એવોર્ડ આપવા માટે હાજર હતી. અમિતાભ ગેરહાજર હોવાનો કારણે તેનો એક રેકોર્ડેડ મેસેજ વિડીયો તરીકે લોકો સમક્ષ રજૂ થાય છે અને રેખાના હાવભાવ જોવા જેવા છે. (યુટ્યુબ વિડીયો લીંકઃ https://www.youtube.com/watch?v=AGyuD38L39I)

તાજેતરમાં મુકેશ અંબાણીના ઘરે 2019ના વર્ષની ગણેશ ચતુર્થીના અવસરે રેખા અને અમિતાભ એક જ છત નીચે હાજર હતા જેની નોંધ મિડીયા દ્વારા લેવાઈ હતી.

***

રેખા! રેખા!! રેખા!!! જેના પિતાએ હંમેશા ધુત્કારી, માતાની જુગારની આદતથી ફિલ્મોમાં ધકેલાઈ, ભરાવદાર શ્યામ રંગની એક 14 વર્ષની રેખા. જે સમયે બોલીવુડ તૈયાર નહોતું, તે સમયે લોકોના ભવાં ઊંચા કરી દેનાર, પોતાની એક પણ ફિલ્મ રિલીઝ કરવા પહેલાં આંતરરાષ્ટ્રીય મેગેઝીન માટે ચુંબનના ફોટા આપનાર એ રેખા. જેના દેખાવની લોકોએ ક્રૂરતાપૂર્વક મજાક કરી છતાં ફિલ્મ જગતની એક મોહક ‘સેક્સ સિમ્બોલ’ બની, એ રેખા. પરિણીત અને અપરિણીત પુરુષો સાથેના કથિત લવ-અફેર્સ જેના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયેલા, એ રેખા.

વાચકમિત્રો, રેખા વિશેની આ 10 ભાગની સિરીઝમાં તેણીનું જાજરમાન વ્યક્તિત્વ સમાવવું લગભગ અશક્ય છે. પણ હવે વિરમું છું. આ સિરીઝ લખવામાં વાચકમિત્રોનો ઘણો સાથ મળ્યો. ઘણાં મિત્રોએ તેમના પોતાના અનુભવો પણ શેઅર કર્યા. દરેકનો ખૂબ ખૂબ આભાર.

e-છાપું ટીમ અને એડીટર સિદ્ધાર્થ છાયાએ મને આ સિરીઝ લખવામાં ખૂબ જ સાથ આપ્યો છે, આ સિરીઝનું શીર્ષક ‘इन आँखों की मस्ती के मस्ताने’ પણ સિદ્ધાર્થભાઈએ જ આપ્યું છે. Thank you Sidbhai!

આજે આ શ્રેણીને અહીં વિરામ આપું છું. આ શ્રેણી લખતી વખતે ઘણો અભ્યાસ કર્યો. આ વિશે મેં વાંચેલા સંદર્ભો અહીં વાચકમિત્રો માટે મૂકું છું, જે વાચકમિત્રોને ગમશે એ વાતની મને ખાત્રી છે.

Rekha: The Untold Story (Yasser Usman) આ પુસ્તક એક ખૂબ જ સારુ સ્ત્રોત બની રહ્યું.

રેખા વિશે વધુ જાણવા – https://wikibio.in/rekha-actress/

રેખાની બધી જ ફિલ્મોના પોસ્ટર એક સાથે એક જ વિડીયોમાં જોવા આ લીંક ક્લિક કરોઃ https://www.youtube.com/watch?v=EUr1Xk8L_Mc

વિકીપિડીયાની આ ત્રણ લિંક પણ સારી માહિતી આપે છેઃ

https://en.wikipedia.org/wiki/Rekha

https://en.wikipedia.org/wiki/Rekha_filmography

https://en.wikipedia.org/wiki/List_of_awards_and_nominations_received_by_Rekha

બીજી કોઈ શ્રેણી સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારા અભિપ્રાય મોકલતાં રહેજો. આભાર!

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here