મહારાષ્ટ્રની મડાગાંઠ: સોનિયા-પવારે ઉદ્ધવની કેહ કર લે લી!

0
335
Photo Courtesy: maharashtratoday.co.in

મહારાષ્ટ્રમાં ગઈકાલે જે કશું પણ બન્યું તે અભૂતપૂર્વ અને આશ્ચર્યજનક તો હતું જ પરંતુ તેણે અગાઉથી જ ફિટ થઇ ગયેલી મડાગાંઠને વધુ ફિટ બનાવી છે જેમાં શિવસેનાનું ગળું બરોબરનું ફસાઈ ગયું છે. – એક વિશ્લેષણ.

Photo Courtesy: maharashtratoday.co.in

ક્રિકેટને ‘અનિશ્ચિતતાઓની ભવ્ય રમત’ કહેવાય છે. પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં જે ગઈકાલે બન્યું તેનાથી લાગે છે કે હવે ક્રિકેટ પાસેથી એ બિરુદ છીનવી લઈને તેને ભારતીય રાજકારણને આપવું પડશે. ગઈકાલે આખો દિવસ એવું લાગતું હતું કે સાંજે સાડાસાત સુધીમાં શિવસેના NCP અને કોંગ્રેસના સમર્થન પત્રો રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને આપીને આજે પોતાનો મુખ્યમંત્રી બનાવી જ લેશે.

પ્રકાંડ રાજકીય વિશ્લેષકો શરદ પવાર જેવા માંધાતા રાજકારણીને ઓળખવામાં ફરીથી થાપ ખાઈ ગયા ત્યારે પુત્રમોહમાં અંધ બનેલા ઉત્સાહી ઉદ્ધવ ઠાકરેની તો શી વિસાત? વિવિધ ન્યૂઝ ચેનલો પર આવતા સમાચારોથી કોઈને પણ એમ ન લાગ્યું કે શરદ પવારે ઉદ્ધવને ખાલી હાથે પરત કર્યા છે. ઇવન સાંજે લગભગ સાડાછની આસપાસ સમાચાર વહેતા થયા કે NCPએ રાજ્યપાલને સમર્થનનો પત્ર ફેક્સ કરી દીધો છે અને સોનિયા ગાંધીએ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને પોતાનું બહારથી સમર્થન આપ્યું છે.

પરંતુ આદિત્ય ઠાકરે જ્યારે નિયત સમયે રાજભવન તરફ ચાલી નીકળ્યા ત્યારે ખબર આવ્યા કે કોંગ્રેસે તો હજી એક દિવસ વધુ ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. આટલું જ નહીં પરંતુ શરદ પવારે પણ રાજ્યપાલને કોઈજ ફેક્સ કર્યો નથી કે ઉદ્ધવ ઠાકરેને કોઈજ વચન આપ્યું નથી. બસ આ સમાચાર આવતાની સાથેજ ભારતીય રાજકારણની ‘ભવ્ય અનિશ્ચિતતાઓ’ આપણી સમક્ષ આવીને નૃત્ય કરવા લાગી ગઈ. આ લખનારની જેમ જે કોઇપણ ભારતીય રાજકારણનો ફેન હશે તેના માટે ગઈકાલની સાંજ યાદગાર સાંજ બની રહી હશે એમાં શંકાને કોઈજ સ્થાન નથી.

અહીં ઘડો લાડવો શિવસેનાનો થયો છે. એક તો શરદ પવારની પૂર્વશરત કે અમારો ટેકો લેવો હશે તો NDA સાથે છેડો ફાડો તેના પર ઉત્સાહમાં આવી જઈને અમલ કરી દેતા તેણે મોદી સરકારમાં પોતાના મંત્રી અરવિંદ સાવંતને રાજીનામું આપી દેવાનું કહ્યું. પવારનું કામ તો ચપટી વગાડતા થઇ ગયું પણ તેમણે ઉદ્ધવનું કામ જરાય ન કર્યું. કદાચ પવાર અને સોનિયા ગાંધીએ ભાજપના સરકાર બનાવવાની ના પાડ્યા બાદ તુરંતજ ખાનગીમાં જ નક્કી કરી દીધું હશે કે “સાત-સાડાસાત સુધી શિવસેનાનો ટાઈમ અને પછી આપણો ટાઈમ.”

પવારે પોતાના પત્તાં બરોબર ઉતર્યા અને શિવસેનાની ‘ગેમ’ થઇ ગઈ! હવે રાજ્યપાલે ત્રીજા સહુથી મોટા પક્ષ તરીકે NCPને સરકાર બનાવી શકશે કે કેમ એ કહેવા માટે આજે સાંજે સાડાઆઠ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. શિવસેનાના આગેવાનો તો એમ જ વિચારતા હશે કે ભગવાન કરે અને પવારના મનમાં ‘રામ’ વસે અને આજે સાંજે રાજ્યપાલને તેમના નેતાઓ એમ કહે કે અમે શિવસેનાને સમર્થન આપીને સરકાર બનાવવા માંગીએ છીએ.

પરંતુ જો એમ ન થયું તો? મહારાષ્ટ્રનું ગણિત સ્પષ્ટ છે. જો શિવસેના+NCP+કોંગ્રેસની સરકાર ન બને તો કોઈની પણ સરકાર બનવી શક્ય નથી. ગઈકાલે છેલ્લા સમય સુધી પોતાને લટકાવી રાખનાર પવારની NCP જો હવે પોતે સરકાર બનાવવા માટે તૈયાર છે અને શિવસેના તેની સાથે જોડાય એમ કહે તો દાદાગીરી અને એક્સ્ટ્રા ઈગો માટે જાણીતી શિવસેના એમ કરશે ખરી? અને જો શિવસેના NCPની સરકારમાં નહીં જોડાય તો પછી મહારાષ્ટ્રમાં કોઈની પણ સરકાર નહીં બની શકે. આથી NCP પાસે અત્યારે તો એક જ રસ્તો છે કે તે હાલપૂરતો શિવસેનાનો ઈગો સંતોષે અને તેનો મુખ્યમંત્રી બનવા દે. પણ એ માટે કોંગ્રેસનું સમર્થન જરૂરી છે.

કોંગ્રેસની અવઢવ પણ સમજી શકાય તેવી છે. તેને લઘુમતીના મતની ચિંતા હોય જ. મહારાષ્ટ્રમાં AIMIM એક તાકાત તરીકે ભલે ધીમે ધીમે પરંતુ ઉભરી જરૂર રહી છે. હવે જો અચાનક જ તે ગઈકાલ સુધી જેને કોમવાદી કહેતા હતા એ શિવસેનાની NCP સાથેની સરકારને બહારથી પણ સમર્થન આપે તો લઘુમતીમાં ચોક્કસ ખોટો સંદેશ જાય જ. તો બીજી તરફ જયપુરમાં અઠ્ઠે દ્વારકા કરીને બેસેલા તેના 44માંથી 40 ધારાસભ્યોએ કોંગ્રેસે શિવસેનાના નેતૃત્ત્વ હેઠળની સરકારમાં જોડાવું જોઈએ એવું લેખિતમાં કહ્યું છે.

હવે જો કોંગ્રેસ પોતાના જ ધારાસભ્યોનું ન માને અને બહારથી સમર્થન આપવાનું નક્કી કરે તો સમય જતાં જેમ ગુજરાત અને કર્ણાટકમાં થયું તેમ તેનો એક પછી એક ધારાસભ્ય ભાજપની વાટ પકડી શકે છે, અથવાતો શિવસેના જો સરકારમાં હશે તો તેમાં પણ જોડાઈ શકે તેમ છે. અને જો શિવસેનાને બહારથી પણ ટેકો આપે તો તેને લઘુમતીના મત ગુમાવવા પડે. કદાચ આથીજ કોંગ્રેસ વેઇટ એન્ડ વોચ કરી રહી છે. કોંગ્રેસ માટે શ્રેષ્ઠ પરિસ્થિતિ એ છે કે તેને કોઈજ નિર્ણય ન લેવો પડે અને આજે તેના વતી NCP આખો મામલો સ્પષ્ટ કરી આપે.

NCPના બંને હાથમાં લાડુ છે. જો શિવસેનાને સમર્થન આપીને તે સરકારમાં જોડાય તો સરકાર ચલાવવાની તક મળે અને જો ન જોડાય તો શિવસેનાનો ઘડો લાડવો કરી નાખવાનો શ્રેય પણ તેને જ મળે. મહારાષ્ટ્રમાં આમ પણ NCP કોંગ્રેસ કરતા દિવસેને દિવસે વધારે મજબૂત થતી જાય છે આથી બંને સંજોગોમાં તેની મજબૂતી તો વધવાની જ છે. મહારાષ્ટ્રમાં કોઈની પણ સરકાર ન બને અને રાષ્ટ્રપતિ શાસન લાગી જાય તો પણ તેને પોતાના અન્ય વિકલ્પો (વાંચો: ભાજપ સાથે મળીને સરકાર બનાવવી) પર વિચાર કરવાની તક મળે.

ભાજપ માટે કશું ગુમાવવાનું નથી કારણકે તે ઓલરેડી પોતાને ફરીથી મળેલા સ્પષ્ટ જનમત ધરાવતી સરકારને શિવસેનાની સત્તાભૂખને કારણે ગુમાવી ચૂકી છે. આથી તેણે હાલપૂરતો તો ફક્ત તાલ જોવાનો છે અને થોડા થોડા સમયે થોડા થોડા આંસુઓ સારવાના છે જેથી જનમત મેળવ્યા હોવા છતાં સરકાર ન  બનાવી શકવા માટે મરાઠી માણુસની લાગણી તેને મળતી રહે.

તકલીફ તો શિવસેનાને છે. ગાલીબના પ્રખ્યાત શેરની જેમ “ન ખુદા હી મિલા ન વિસાલે સનમ, ન ઇધર કે રહે ન ઉધર કે!” જેવી તેની હાલત થઇ છે. શિવસેનાને ખરેખર બાળાસાહેબની ખોટ પડી રહી છે. આજે બાળાસાહેબ જીવતા હોત તો ઉદ્ધવનો કાન પકડીને જુનિયર પાર્ટનર તરીકે ભાજપ સાથે સરકારમાં એમને બેસાડી દેત. પણ અહીં ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના વરિષ્ઠ નેતાઓ શરદ પવારને ઓળખવામાં સદંતર નિષ્ફળ રહ્યા. પોતાની શરતે સરકારમાં જોડાવા પવાર અને સોનિયા એમ તરતજ રાજી થઇ જશે એવું આ તમામે વિચારી પણ કેમ લીધું એ મોટો સવાલ છે.

શિવસેનાની તકલીફ એ છે કે હવે કેન્દ્રમાં પણ તેમનો મંત્રી રહ્યો નથી, મહારાષ્ટ્રમાં એમનો મુખ્યમંત્રી બને તે હવે NCPની મુનસફી પર આધારિત છે. આટલું ઓછું હોય તેમ જેમ દેવેન્દ્ર ફડણવિસે કહ્યું હતું તેમ શિવસેનાના સંજય રાઉતે છેલ્લા પંદર દિવસમાં ભાજપ અને અમિત શાહ વિષે એટલું બધું ઝેર ઓક્યું છે કે હવે ભાજપ પણ તેમને સ્વીકારે તેમ નથી. બીજું, ભાજપ સાથે સરકાર બનાવવાથી કદાચ નાયબ મુખ્યમંત્રીનું પદ સાથે 50:50 મંત્રીપદ તો મળી જ જાત પરંતુ જો હવે NCPના પાર્ટનર તરીકે અને એમાંય જો કોંગ્રેસ પણ જોડાય તો 33:33:33 થી સંતોષ માનવો પડે અને પોતાનો મુખ્યમંત્રી આ વખતે બનશે એ જીદ તો તેણે પાછી ચાટવી જ પડશે.

નોંધવા જેવી વાત એવી પણ છે કે ગઈકાલે જેવી રાજ્યપાલની ડેડલાઈન નજીક આવી તેમ સંજય રાઉતે હોસ્પિટલ પકડવાનું જ મુનાસીબ માન્યું. આપણે ઈચ્છીએ કે તેઓ જલ્દીથી સાજા થઇ જાય પરંતુ તેમણે છેલ્લા 17 દિવસોમાં એટલા બેફામ નિવેદનો કર્યા છે કે તેમને હવે મિડિયાથી જ નહીં પરંતુ કદાચ ઉદ્ધવ અને શિવ સૈનિકોથી પણ ક્યાંક છુપાવું જ પડે એવી પરિસ્થિતિ આવીને ઉભી થઇ ગઈ છે. હા, જો આજે NCP શિવસેનાના મુખ્યમંત્રી સાથે સરકાર બનાવવાનું રાજ્યપાલને કહેશે તો રાઉતભાઉ કદાચ અચાનક જ બહાર આવી જાય તો નવાઈ પામશો નહીં.

છેલ્લે આ બધામાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની પ્રશંસા જરૂર કરવી જોઈએ. છેલ્લા ઘણા સમયથી એટલે ગોવાની ઘટનાથી શરુ કરીએ તો રાજ્યપાલોની ભૂમિકા પર સવાલ ઉઠ્યા હતા. ક્યાંક રાજ્યપાલ સહુથી મોટા પક્ષને સરકાર રચવા પ્રથમ આમંત્રણ આપતા જોવા મળ્યા તો ક્યાંક પરિણામ પછીની તડજોડ કરતા પક્ષોને બોલાવી રહેલા જોવા મળ્યા હતા. પરંતુ ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની સમયસીમા પસાર થયા પછી અત્યંત ઠંડક સાથે કામ કર્યું છે.

તેમણે પહેલા સહુથી મોટા પક્ષને પૂછ્યું, આમંત્રણ નહોતું આપ્યું, કે તે સરકાર બનાવી શકશે કે કેમ? ભાજપે ના પાડતા બીજા મોટા પક્ષ શિવસેનાને અને તેના જવાબથી પણ સંતોષ ન પામતા હવે ત્રીજા મોટા પક્ષ NCPને પણ સરકાર બનાવવાની શક્યતાઓ તપાસી જવા કહ્યું છે. પરંતુ જેમણે વિવાદ ઉભો કરવો જ છે એ તો આ અંગે પણ વિવાદ ઉભો કરી રહ્યા છે. આ લોકો પ્રશ્ન પૂછે છે કે ભાજપને 48 કલાક તો શિવસેના અને NCPને 24-24 કલાકની મુદત કેમ?

તો વાત સિમ્પલ છે જેની પાસે વધુ વિધાનસભ્યો હોય તેની સરકાર બનાવવાની શક્યતા હંમેશા વધુ હોય છે જેથી તેને વધુ સમય અપાયો, જેની પાસે બહુ ઓછા હોય તે ક્યાંક આપેલા વધુ સમયમાં તડજોડ કે ખરીદ વેચાણ કરીને સમર્થન હાંસલ કરીને સરકારનો દાવો રજુ ન કરે એવો ભય રહેતો હોય છે અને આથીજ શિવસેના અને NCPને માત્ર 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે.

સોશિયલ મિડીયામાં ગઈકાલ સાંજથી મહારાષ્ટ્રના રાજ્યપાલ વિષે મશ્કરી પણ કરવામાં આવે છે કે ક્યાંક તેઓ આમ કરતા કરતા એક સભ્યો ધરાવતા પક્ષોને કે પછી અપક્ષોને પણ સરકાર રચવાનું આમંત્રણ ન આપી દે. પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે રાજ્યપાલ મોટેભાગે રાજકારણના અઠંગ ખેલાડીઓ હોય છે અને તેમની પાસે બંધારણના નિષ્ણાતોની ફોજ હોય છે જે તેમને આવા સમયે સલાહ આપતા હોય છે આથી તેઓ સામાન્ય માણસોની સમજ અનુસાર નિર્ણય નથી લેતા હોતા. બંધારણના જાણીતા નિષ્ણાત સુભાષ કશ્યપે ગઈકાલે એક ટીવી ચેનલ સાથે વાત કરતા ભગતસિંહ કોશિયારી જે કરી રહ્યા છે તે યોગ્ય જ કરી રહ્યા છે અને બંધારણની ભાવનાને અનુરૂપ કરી રહ્યા છે એવું સોય ઝાટકીને કહ્યું છે.

એવું લાગે છે કે આજે સાંજે સાડાઆઠ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રનું ભવિષ્ય સ્પષ્ટ થઇ જશે કારણકે NCPએ કોંગ્રેસ સાથે મળીને હવે તો નિર્ણય લેવો જ પડશે. જો NCP કોંગ્રેસ મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે તો શિવસેના તેમાં જોડાશે કે બહારથી સમર્થન આપશે એ બરોબર નક્કી કરીને જ રાજ્યપાલ તેમને આમંત્રણ અપાશે. જો NCP શિવસેનાના મુખ્યમંત્રીને સમર્થન આપવાનું નક્કી કરશે તો કોંગ્રેસ તેમને સમર્થન આપશે કે નહીં એ પણ રાજ્યપાલે પાક્કું કરવું પડશે. હવે આમાંથી કોઇપણ શક્યતા નહીં દેખાય તો આજે રાત્રી સુધીમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન જરૂરથી લાગુ પડી જશે.

૧૨ નવેમ્બર ૨૦૧૯, મંગળવાર (કાર્તિકી પૂર્ણિમા, ગુરુ નાનક પ્રકાશ પર્વ)

અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here