કાશી-વિશ્વનાથ મહાદેવ: ઉંડી આસ્થા અને લોહીયાળ સંઘર્ષની કથા – 2

0
77
Photo Courtesy: postcard.news

રામ જન્મભૂમિની જેમજ વારાણસી અથવાતો કાશીમાં ભગવાન શંકરના ભવ્ય મંદિર કાશીવિશ્વનાથ મંદિરને તોડીને ઔરંગઝેબ દ્વારા જ્ઞાનવાપી મસ્જીદ બાંધવામાં આવી હતી. આ સ્થળના ઇતિહાસની સિલસિલાબંધ વિગતો જાણીએ.

Photo Courtesy: postcard.news

વિશ્વનાથ મહાદેવ મંદિરના વિધ્વંસ અને પુનઃનિર્માણના કદાચ આનાથી પણ વધારે પ્રસંગો હોઈ શકે. પણ જાણિતા ઈતિહાસમાં નોંધાયેલા પ્રસંગો મેં ઉપર જણાવ્યા એ મુજબ છે. એમાંય ઔરંગઝેબ દ્વારા જે જુલ્મ અને સિતમ તે સમયે ભારતના હિંદુઓ પર કરવામાં આવ્યા હતા એ સૌથી બર્બર અને અકલ્પનિય હતા. એણે હજ્જારો હિંદુ ધર્મસ્થાનો જમીનદોસ્ત કર્યા હતા; એનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો કે ભારત આખુ ઈસ્લામિક ઝંડા હેઠળ આવી જાય. પરંતુ, ભારતમાં હિંદુત્વના અને ભારતિયતાના મૂળ એટલા ઉંડા હતા કે પ્રજા મરવાનુ પસંદ કરતી હતી પણ ઈસ્લામ કબૂલ નહોતી કરતી. ક્રૂરતાની હદ સુધી ઔરંગઝેબે કત્લેઆમ ચલાવી હતી, લાખ્ખો હિંદુઓની લાશો ઢાળી દીધી હતી; એના શાસન હેઠળના હિંદુસ્તાનનુ કોઈ હિંદુ ધર્મસ્થાન એવુ નહોતુ કે જ્યાં જજિયાવેરો ન લેવાતો હોય. હિંદુઓના ધંધા-પાણી પર મોટો કરવેરો લેવાતો પરંતુ પારાવાર અત્યાચારો થતા હોવા છતાં હિંદની પ્રજા ઈસ્લામને શરણે આવવા તૈયાર નહોતી. હિંદુઓની આસ્થાની જડને તોડી પાડવા માટે ઔરંગઝેબે પહેલીવાર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પર 1664માં આક્રમણ કર્યુ પણ એ આક્રમણને નાગા સાધુઓ દ્વારા ખાળવામાં આવ્યુ અને એમાં ઔરંગઝેબની મુસ્લિમ સેનાની જોરદાર હાર થઈ હતી. આ હકિકત દેશના બધા જ ઈતિહાસકારો દ્વારા છુપાવવામાં આવી છે. આ સંઘર્ષ ખતરનાક રીતે લોહિયાળ સંઘર્ષ હતો. પણ એની વાત કરીએ એ પહેલા નાગા સાધુઓ વિષે થોડું જાણી લઈએ.

નાગા સાધુઓ માટે વિરતા અને ધર્મ એક જ સિક્કાની બે બાજુઓ છે. ગુરુ દત્તાત્રેય – જે બ્રહ્મા-વિષ્ણુ-મહેશની ત્રિપુટીનો અવતાર કહેવાય છે એમણે નાગાસાધુઓની પરંપરા ચાલુ કરી હતી એવી કથા છે. જ્યારે આદીશંકરાચાર્યએ ભારતની સનાતન હિંદુ પરંપરામાં વ્યવસ્થિતતા આણી અને સાધુઓના જુદા જુદા અખાડાઓની સ્થાપના કરી ત્યારે એમણે એક અખાડો આ સાધુઓની સેનાનો પણ બનાવ્યો હતો. આ સાધુઓ અસ્ત્ર-શસ્ત્ર સંચાલનમાં પ્રવિણ હતા અને એમનુ કામ સનાતન ધર્મની રક્ષા કાજે સશસ્ત્ર લડાઈઓ લડવી પડે તો એમ કરીને પણ સનાતની વ્યવસ્થાનો બચાવ કરવાનુ હતુ. સમય જતાં આ સાધુઓ નાગા સાધુઓ કહેવાયા અને આજે પણ આ સાધુઓની સેના આગળ કોઈ ટકી ન શકે એમ કહેવાય છે. પરંતુ આજના જમાનામાં નાગા સાધુઓ જાહેરમાં માત્ર કુંભસ્નાન વખતે જ જોવા મળે છે. આખા શરીરે ભભૂત ચોળેલા અને લાંબી જટા ધરાવતા, ગાંજો પીધેલી લાલઘૂમ આંખો વાળા આ સાધુઓ તલવાર; લાઠી અને ત્રિશૂળ જેવા શસ્ત્રો સાથે હંમેશા સજ્જ હોય છે.

16મી સદીમાં બંગાળી સાધુ મધુસુદન સરસ્વતિ દ્વારા નાગાસાધુઓના એક સમુદાયનુ પુનર્ગઠન કરવામાં આવ્યુ. એમનુ કામ મુસ્લિમ આક્રમણખોરો સામે હિંદુઓની અને સનાતન ધર્મની રક્ષા કરવાનુ હતુ. મધુસુદન સરસ્વતિ અકબરના સમકાલિન હતા, એમણે જ્યારે નોંધ્યુ કે મુસ્લિમો દ્વારા હિંદુઓની વધારે પડતી કનડગત કરવામાં આવે છે ત્યારે એમણે આગ્રામાં અકબરના દરબારમાં એને માટે ધા નાખી હતી. પરંતુ, એમની વિનંતિને જોઈએ એવો પ્રતિસાદ નહોતો સાંપડ્યો અને હિંદુઓની કનડગત ચાલુ રહી હતી. એટલે એણે એકઠા કરેલા સાધુઓને સાબદા કર્યા અને આગ્રહ કર્યો કે હવે હિંદુઓની અને સનાતન ધર્મની રક્ષા આપણે જાતે જ કરવાની છે. મોટાભાગના ઈતિહાસકારો આ વાતનુ સમર્થન નથી કરતા પણ વિલિયમ પિંચના પુસ્તક – Soldier Monks and Militant Sadhusમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એ જે હોય તે પણ એ વાત તો સાચી છે જ કે મધુસુદન સરસ્વતિ આગ્રાથી પાછા આવ્યા ત્યારબાદ જ નાગા સાધુઓની વારાણસીમાં સભા થઈ હતી અને એમણે એ સભામાં સનાતન ધર્મની રક્ષાનુ પ્રણ લીધુ હતુ.

અકબર કે એના અનુગામી દ્વારા જો કે હિંદુઓની સીધી કનડગત ઓછી થઈ હતી. પણ, અકબરના પૌત્ર ઔરંગઝેબની સેનાએ સૌપ્રથમવાર 1664માં કાશીના વિશ્વનાથ મહાદેવ મંદિર પર આક્રમણ કર્યુ. પરંતુ, નાગા સાધુઓની ત્રિશુળ ધારી સેનાને લીધે મુઘલસેના તે સમયે વિશ્વનાથ મંદિર સુધી પણ નહોતી પહોંચી શકી. અંગ્રેજ ઈતિહાસકાર જેમ્સ લોચ્તફેલ્ડના પુસ્તક The Illustrated Encyclopedia of Hinduism, Volume 1 માં આલેખ્યા મુજબ મહાનિર્વાણી અખાડાના નાગા સાધુઓએ મુઘલ સેનાને ટક્કર આપી અને તેને મંદિર પરિસરમાંથી મારી હઠાવી હતી. આ હાર એટલી જોરદાર હતી કે આવતા ચાર વર્ષ સુધી મુઘલ સેના ફરી હુમલો કરવાનુ વિચારી નહોતી શકી. (જો કે, 1669માં ઔરંગઝેબની સેનાએ ફરી હુમલો કર્યો અને મંદિરને જમીનદોસ્ત કર્યુ.) જેમ્સ લોચ્તફેલ્ડના કહેવા મુજબ એમને આ હકિકતની જાણ મહાનિર્વાણી અખાડાના હસ્ત-લિખિત ઈતિહાસની એક પ્રતિ પરથી થઈ હતી; એમના પુસ્તકમાં આ લડાઈને “જ્ઞાન વાપીની લડાઈ” તરીકે આલેખાઈ છે. આપણા ઈતિહાસકારોએ ક્યારેય આપણને મુઘલોની નાગા સાધુઓ સામેની આ હાર વિષે નથી જણાવ્યુ. એમણે એ પણ નોંધ્યુ છે કે ઈતિહાસકારોએ કેટલીક જગ્યાએ હારેલ સુલ્તાન ઔરંગઝેબ હોઈ શકે એવો તર્ક કર્યો છે; મતલબ આ લડાઈ અને હારનો ઉલ્લેખ ઈતિહાસમાં અન્ય ઠેકાણે પણ છે પરંતુ ઔરંગઝેબને મહિમામંડિત કરવા માટે થઈને કોઈ જ સ્પષ્ટતા નથી કરવામાં આવતી. અહીં આપેલ જેમ્સના પુસ્તકના એ પેઈજની કોપી પ્રમાણે એમણે નાગા સાધુઓની ઔરંગઝેબની સેના સાથેની આ લડાઈને “મહાન” ગણાવી છે. આપણે સમજી શકીએ કે એ સંઘર્ષ ખરેખર બહુ જ જોરદાર અને લોહીયાળ બની રહ્યો હોવો જોઈએ.

ઈતિહાસકાર જદુનાથ સરકારના પુસ્તક A History Of Dashnami Naga Sanyasis માં પણ આ લડાઈનો અછડતો ઉલ્લેખ છે. એમના કહેવા પ્રમાણે નાગા સાધુઓએ સંવત 1721 (ઈ.સ.1664)માં સુલ્તાન (ઔરંગઝેબ) સાથેની લડાઈમાં ભવ્ય વિજય મેળવ્યો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જબરદસ્ત લડાઈ થઈ હતી અને નાગાસાધુઓ તેમાં વિજયી બન્યા હતા; એમણે વિશ્વનાથ મહાદેવના ગૌરવને જાળવી રાખ્યુ હતુ. એમણે મિર્ઝા અલી, તુરંગ ખાન અને અબ્દુલ અલી જેવા મુસ્લિમોને પરાજય આપ્યો હતો. (જુઓ ચિત્ર)

હિંદુઓના મંદિર કે અન્ય ધર્મસ્થાનોને બચાવતા વિજયી થયા હોય એવા બહુ જ જૂજ કિસ્સા ઈતિહાસમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે આવા જે કોઈ લિખિત રેકોર્ડ હતા એ બધા બ્રિટિશરોએ લૂંટી અને બાળી નાખ્યા છે. જેથી હિંદુ અને હિંદુસ્તાનના વિજયી હોવાના કોઈ પુરાવા ન બચે. જે કંઈ તે સમયે બચ્યુ હતુ એ લોકકથાઓ સ્વરૂપે, મૌખિક ઈતિહાસ સ્વરૂપે જ બચ્યું હતુ. ચાર વર્ષ બાદ 1669માં ઔરંગેઝેબે ફરીથી વિશ્વનાથ મંદિર પરિસર પર હુમલો કર્યો. આ વખતનો હુમલો બદલો લેવાની ભાવનાથી અને વધારે તૈયારી સાથે હતો. તે સમયે પણ પરિસરમાં અને પરિસરને બહાર નાગા સાધુઓએ હિંદુત્વ અને સનાતન ધર્મની રક્ષા માટે; જ્યોતિર્લિંગની સુરક્ષા કરવા માટે જબરજસ્ત યુધ્ધ ખેલ્યુ હતુ. પરંતુ, એમાં એમની હાર થઈ. કિંવદંતી મુજબ લગભગ 40,000 નાગા સાધુઓએ આ ધર્મયુધ્ધમાં શહીદી વહોરી હતી. મુસ્લિમો યુધ્ધમાં ચાલાકી અને અન્યાયી કપટી ચાલબાજી કરતા એને લીધે કદાચ નાગાસાધુઓ આ યુધ્ધ હારી ગયા હતા. તે સ્થળે ત્યારબાદ ઔરંગઝેબે જ્ઞાનવાપી મસ્જિદ બનાવી દીધી જે આજે પણ મોજૂદ છે.

કાશી-વિશ્વનાથ મહાદેવ: ઉંડી આસ્થા અને લોહીયાળ સંઘર્ષની કથા – 2

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here