ગુજરાતભરમાં ધૂમ મચાવી રહેલી હેલ્લારો ફિલ્મની ટીમ ફિલ્મમાં બોલવામાં આવેલા એક સંવાદને કારણે તકલીફમાં મુકાઈ ગઈ છે અને અમદાવાદમાં તેમના વિરુદ્ધ FIRનોંધવામાં આવી છે.

અમદાવાદ: તાજેતરમાં રિલીઝ થયેલી નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારો એક તરફ દર્શકોમાં બહોળો સ્વીકાર પામી રહી છે તો બીજી તરફ ફિલ્મના નિર્માતાઓ, નિર્દેશક અને લેખક તકલીફમાં મુકાઈ ગયા છે. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ તમામ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર ફિલ્મના એક સંવાદ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને તેને કારણે આ પ્રકારે ઉપરોક્ત વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે આગળ ઉમેર્યું હતું કે ફિલ્મના એક સંવાદમાં એક પાત્ર પોતાની ઓળખ આપતા પોતાની જાતિનું નામ પણ લે છે જેને શેડ્યુલ્ડ કાસ્ટના લોકોએ પોતાના માટે અપમાનજનક ગણાવ્યો છે.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હેલ્લારો ફિલ્મની ટીમ સામે કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ ફરિયાદ નોંધાવી છે. જમનાબેનનો દાવો છે કે ઈન્ટરવલ બાદ આવતા એક દ્રશ્યમાં એક પાત્ર દ્વારા તેની જાતિ વિષે ઓળખ આપતા શબ્દથી તેમની લાગણી દુભાઈ છે.
કાગડાપીઠ પોલીસ સ્ટેશન અનુસાર ફિલ્મના નિર્માતાઓ આશિષ પટેલ, આયુષ પટેલ, મિત જાની અને પ્રતિક ગુપ્તા, સંવાદ લેખક સૌમ્ય જોશી અને ડિરેક્ટર અભિષેક શાહ વિરુદ્ધ કલમ 3(1) અને 5 અને અન્ય કલમો હેઠળ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.
eછાપું