BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી એક એપના બ્રાંડ એમ્બેસેડર હોવાના નાતે IPLને સ્પોન્સર કરતી એજ પ્રકારની એપ માટે તકલીફ ઉભી કરી શકવાના મામલે મુશ્કેલીમાં આવી શકે તેમ છે.

મુંબઈ: હજી થોડા મહિના અગાઉ જ કોન્ફ્લીક્ટ ઓફ ઈન્ટરેસ્ટનો ભોગ બનેલા નવા BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી ફરીથી એ જ વિવાદમાં ઘસડાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. જો કે આ વખતે તેમનો કેસ મજબૂત હોવાનું પણ મનાઈ રહ્યું છે.
સૌરવ ગાંગુલી My11Cricket ફેન્ટસી ગેમ એપના બ્રાંડ એમ્બેસેડર છે જેમાં ભાગ લેનાર સ્પર્ધકોને રોકડ રકમ ઉપરાંત અન્ય ઘણું બધું ઇનામ તરીકે આપવામાં આવે છે. તો આ જ ગેમના પ્રતિસ્પર્ધી Dream11 IPLના મુખ્ય સ્પોન્સર છે આમ અહીં કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઉભો થાય તેવી શક્યતાઓ છે.
BCCIના ખજાનચી અરુણ ઠાકુરે જણાવ્યું હતું,
આવું પ્રથમ વખત બની રહ્યું છે કે BCCIના પ્રમુખ સેલીબ્રીટી પણ હોય. તમે તેમને અગાઉના પ્રમુખો સાથે સરખાવી ન શકો. ક્રિકેટ છોડ્યા બાદ તેઓ વિવિધ બ્રાન્ડ્સની જાહેરાત કરે છે અને કમાણી કરે છે. અમે તેમને તેમ કરતા રોકી શકીએ નહીં.
જો કે ઠાકુરે ઉમેર્યું હતું કે તેઓ આ મામલે જરૂર આગળ તપાસ કરશે પરંતુ જ્યારે સૌરવ ગાંગુલીએ ઉપરોક્ત કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હશે ત્યારે તેમને ખબર નહીં હોય કે તેઓ એક દિવસ BCCI પ્રમુખ બનશે.
જ્યારે BCCIના પૂર્વ સેક્રેટરી રત્નાકર શેટ્ટીનું કહેવું છે કે આ પ્રકારની શરત માત્ર ખેલાડીઓ પર લાગુ પડે છે નહીં કે અધિકારીઓ પર. તેમણે ઉદાહરણ આપ્યું હતું કે નાઈકી વર્ષો સુધી ભારતીય ટીમના સ્પોન્સર રહ્યા હતા પરંતુ સચિન તેંદુલકર અડીડાસના શૂઝ પહેરતા હતા. પરંતુ તેંદુલકરે અડીડાસ સાથેનો પોતાનો કોન્ટ્રેક્ટ BCCIને દેખાડ્યો હતો આથી અહીં કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ લાગુ પડ્યો ન હતો.
જો કે સોમવારે ખુદ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે તેમને નથી લાગતું કે અહીં કોન્ફ્લીક્ટ ઓફ ઈન્ટરેસ્ટ લાગુ પડે છે.
eછાપું