મહારાષ્ટ્ર: પોતાના મુખ્યમંત્રી માટે વિચારધારાને કોરાણે મુકશે શિવસેના

0
243
Photo Courtesy: news18.com

મહારાષ્ટ્રમાં પોતાનો મુખ્યમંત્રી બને તેવી જીદને કારણે શિવસેનાએ તેની વિચારધારાથી વિરુદ્ધ બે મુદ્દાઓ પર સમાધાન કર્યું છે.

Photo Courtesy: news18.com

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયા બાદ શિવસેના, NCP અને કોંગ્રેસ વચ્ચે સત્તાના સમીકરણો બનાવવા માટે બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ગઈકાલે આ ત્રણેય પક્ષોએ 40 મુદ્દાના કોમન મિનીમમ પ્રોગ્રામ (CMP) પર સહમતી વ્યક્ત કરી હતી.

હવે આ CMPને ત્રણેય પક્ષોના અધ્યક્ષોને મંજૂરી માટે મોકલવામાં આવશે. આ CMP અંગે જે માહિતી મળી રહી છે તે જોતા તેમાં સહુથી મોટું સમાધાન શિવસેનાએ કરવાનું આવ્યું છે. શિવસેનાએ સત્તા માટે તેની વિચારધારાની ઓળખ એવા બે ખાસ મુદ્દાઓને પડતા મુકવાની હા પાડી દીધી છે.

આ CMP અનુસાર મહારાષ્ટ્રમાં જ્યારે શિવસેના, NCP અને કોંગ્રેસની સરકાર રચાશે ત્યારે તે રાજ્યમાં મુસ્લિમો માટે 5% અનામત લાગુ કરશે. આ અનામત 2014માં જ્યારે શિવસેનાએ ભાજપ સાથે મળીને સત્તા હાંસલ કરી હતી ત્યારે અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શિવસેના હવે વીર સાવરકરને ભારતરત્ન આપવાની માંગ પણ નહીં કરે. નોંધવાપાત્ર હકીકત એ છે કે શિવસેનાની સ્થાપના જ વીર સાવરકરની વિચારધારા પર આધારિત હતી.

હજી બે મહિના અગાઉ જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગણી કરી હતી. આ ઉપરાંત 2015માં શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વીર સાવરકરને ભારત રત્ન આપીને અગાઉ કરેલી ભૂલ સુધારવાની અપીલ પણ કરી હતી.

આ ઉપરાંત આ CMPમાં એક વ્યાપક સરવે કર્યા બાદ ખેડૂતોની લોનની સંપૂર્ણ માફી, ખેત ઉત્પાદક સમિતિ તેમજ બજાર સમિતિ વગેરેને મજબૂત બનાવવાનો મુદ્દો પણ ઉમેરવામાં આવ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here