70 થી 79 વર્ષની ઉંમર – કાળની એ કઠિન કેડી

0
289
Photo Courtesy: aarp.org

આજકાલ 70 વર્ષ સુધી જીવનારા ઘણા મળે છે પરંતુ 70 થી 79 વર્ષનો માર્ગ બહુજ કપરી કેડીએ થી પસાર થાય છે. આવો એ કઠિન તબક્કો પાર કરી લાબું જીવવાની ઇઝરાયેલી વૈજ્ઞાનિકોએ બતાવેલી તરકીબો જોઈએ.

Photo Courtesy: aarp.org

નવાઈની વાત એ છે કે 70-79 વર્ષની ઉંમરે જે આરોગ્યની સમસ્યાઓ વારંવાર ઉભી થાય છે અને ઘણા કિસ્સાઓમાં પ્રાણઘાતક નીવડે છે  એ જ સમસ્યાઓ 80 નો પડાવ પસાર કર્યા પછી શમી જાય છે અને તબિયત 60 થી 69 વર્ષના વયજુથમાં રહેછે તેવી સ્થિર થઈ જાય છે.

70 થી 79 વર્ષ વચ્ચે ઘણા અવયવો તેમનું કાર્ય કરવામાં નિષ્ફળ જવા લાગે છે. શરીરમાં ચરબીનો ભરાવો,  ઊંચું કે નીચું બ્લડપ્રેશર, થાઇરોઇડ, સાંધાઓનો ઘસારો અને ઘડપણને લગતી બીમારીઓ થોડા વખત પહેલાં તંદુરસ્ત દેખાતી વ્યક્તિને ઓચિંતી ઘેરી વળે છે.

તો એ કાળની કઠિન કેડી  કેમ કરી પાર કરવી તે વિશે દસ સોનેરી સૂચનો  જોઈશું.

પાણીનો પ્યાલો કરે જીવ વહાલો

સહુથી સસ્તું સ્વાસ્થ્ય પીણું એટલે પાણી.

નીચેના ત્રણ સમયે તો પાણી પીવું જ જોઈએ.

ઉઠીને તરત ખાલી પેટે

ઊંઘ દરમ્યાન થતા અદ્રશ્ય પરસેવા, મૂત્રનો ભરાવો અને શરીરમાંના પ્રવાહીઓનું સુકાવું, તેથી લોહી ઘટ્ટ થવું.

આ સમસ્યાઓનો હલ એટલે ઉઠીને તરત  એક ગ્લાસ ભરી પાણી પીવું.

કસરત કરીને

એટલે કે કસરત તો જરૂરી છે જ. હળવી કસરત. તે દરમ્યાન શરીરનું પાણી સુકાવા લાગે છે. ત્રોસ પડે કે નહીં, પાણી પી લેવું. યોગ કરીને, ચાલીને કે રમત રમીને.

એ વખતે પાણીમાં સાવ નાની ચપટી મીઠું કે ખાંડ, બની શકે તો સાકર. એક આરોગ્ય વિષયક લેખમાં મધનું ટીપું પણ સુચવેલું. આ બધી ચીજો ગ્લુકોઝ પ્રદાન કરે છે જે મગજના કોષો માટે ઇંધણ નું કામ કરે છે.

રાત્રે સુતા પહેલાં.

ઊંઘ દરમ્યાન પાણી સુકાવાને લીધે લોહીની સ્નિગ્ધતા કે ચીકાશ ઘટી તે જાડું થવા લાગે છે. એ જ કારણે ઘણા હૃદયરોગના હુમલા વહેલી પરોઢે કે સવારે આવે છે.

રાત્રે સૂતા પહેલાં પાણી પીવાથી લોહીની ઘટ્ટતા કાબુમાં રહે છે.

રાત્રે પાણી પીવાની સારી આડ અસર એ છે કે કોષોનો ઘસારો ઓછો થાય છે. કહો કે ઘડપણનું ઘર થોડું મોડું આવે છે. સોજા ઘટે છે અને હૃદયની નસોમાં લોહીનું જામી જવાની પ્રક્રિયા ધીમી રહે છે.

પલાળેલા ધાનનો વાટકો અટકાવે શરીરનો ખોટકો

પલાળેલું અને ઉગાડેલું ધાન્ય શરીર માટે ખૂબ આશીર્વાદરૂપ છે.

હાવર્ડ યુનિ. એ એક લાખ લોકો પર પ્રયોગ કરી એ તારવ્યું કે રોજ 28 ગ્રામ ફણગાવેલું  ધાન્ય  ખાવાથી મૃત્યુની શક્યતા 9 ટકા ઘટે છે. તેનાથી હ્રદય અને રક્તવાહિનીઓના રોગમાં ઘટાડો થાય છે.

આરોગ્ય નિષ્ણાતો રાબ કે ઘેંસ કહીએ તેવી આખા ધાન ની પોરીજની ભલામણ કરે છે.

1984 માં કરેલા પ્રયોગ વખતે શારીરિક સક્ષમ ઉપરોક્ત એક લાખ વ્યક્તિઓ પૈકી  26હજાર  લોકો 2010માં તો ઉપર પહોંચી ગયેલા. કારણ?  હોલ ગ્રેઇન, આખા ધાન્યનો ખોરાકમાં અભાવ, તેથી ઝડપી ઘસારો અને ‘જીવન વન અતિ વેગે વટાવ્યું’!

દૂધનો કપ ઘડપણ ઠપ્પ

રોજના 300 ગ્રામ દૂધ કોઈ પણ સ્વરૂપે લેવાથી શરીરને જરૂરી કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે. દૂધને વિદેશમાં ‘સફેદ લોહી’ પણ કહે છે. તે સંપૂર્ણ ખોરાક કહેવાય છે તેવું વર્ષો પહેલાં ભણવામાં આવતું.

ઇંડાં કોષોમાં પડે છીંડાં

એ જાણવું રસપ્રદ રહેશે કે માનવ શરીર  ઇંડાંનું પ્રોટીન 98 ટકા પચાવી લે છે!

હા. કેટલીક માન્યતાને કારણે ભારત ,ગુજરાતમાં ઈંડાં ઓછાં ખવાય છે. તેની સરભર અન્ય પ્રોટીન યુક્ત પદાર્થોથી થઈ શકે છે.

સફરજન, કઠિન સફરમાં સાથી જન

સફરજન કોલેસ્ટેરોલ ઘટાડે છે,વજન કાબુમાં રાખે છે, કેન્સર સામે રક્ષણ આપે છે, વાર્ધકય ઘટાડે છે, યાદશક્તિ સારી રાખે છે અને ત્વચા  સુંવાળી અને નરમ રાખે છે.

ડુંગળી તબિયત માટે શું મળી

ગરીબની કસ્તુરી ડુંગળી બ્લડ સ્યુગરને તથા કોલેસ્ટરોલને કાબુમાં રાખે છે, બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે, શરદી ફલ્યુ અટકાવે છે અને હાડકાંના કેલ્શિયમને ટકવા માટે સહાય કરે છે. સલાડમાં ડુંગળી જરૂર લેવી. સૌરાષ્ટ્રમાં ખીચડીમાં બાફેલી ડુંગળી ખાવાની પ્રથા છે. ખાસ તો લુ લાગે તેવા ગરમીના સમયે બહારથી આવી ડુંગળીનો કકડો ચાવી જવાથી ફાયદો થાય છે.

ચાલતો રહેજે.. આરોગ્ય મહાલતો રહેજે

રોજ આશરે એક કીમી ચાલવાથી ઉંમરનો ઘસારો અટકે છે, ફેફસાંની તંદુરસ્તી વધે છે, ઘૂંટણનો ઘસારો ધીમો પડે છે. શરીરનું પોસ્ચર સારું રહે છે અને કમરનો ઘેરાવો  ઘટે છે. ચાલવાથી જલ્દી થાક લાગતો નથી, પીઠ અને કમરનો દુખાવો દૂર રહે છે.

રોજ 30.મિનિટ ચાલનારને હૃદય અને મગજના એટેકની સમસ્યા ભાગ્યે જ રહે છે.

શોખ કરાવે શોક

કોઈ પણ શોખ  જેવોકે વાંચન, સંગીત, સુંદર સ્થળોની મુસાફરી, સ્ટેમ્પ એકઠી કરવી, રમવું (બેડમિન્ટન જેવું શારીરિક કે ચેસ જેવું માનસિક કસરત આપતું), ફોટોગ્રાફી, પેઇન્ટિંગ વગેરે મગજને વ્યસ્ત રાખે છે જેથી ભૂતકાળના દુઃખદ બનાવોની યાદમાં સારી પડાતું નથી. મગજ સતેજ રહેતાં બધી ઇન્દ્રિયો પણ સતેજ રહે છે. એ જ તો છે યુવાની નું લક્ષણ!

એકલો જાને રે..

અવસ્થા વધે તેમ સગા વહાલા, સમ વયસ્કો સાથે હળો મળો. સામાજિક રહો, સંપર્કમાં રહો

બદલાયેલી સંસ્કૃતિમાં  આપણે પાડોશીના નામ જાણવાથી વિશેષ કઈં જાણતા હોતા નથી. મિત્રો બનાવો, સરખા શોખો વાળાઓનાં ગ્રુપની પ્રવૃતિઓમાં ભાગ લો. એ રીતે મન આનંદમાં રાખો અને દુનિયાથી વાકેફ રહો. મન ચંગા તો કથરોટમેં  ગંગા.

સકારાત્મક લાગણી વયસ્કની માંગણી

ઘણા વયસ્કો કોઈ ને કોઈ માનસિક આઘાત, હતાશા, કોઈ પર અતિ ગુસ્સો જેવી લાગણીઓને કારણે ઓચિંતા સ્ટ્રોક કે હાર્ટ એટેકનો ભોગ બન્યા છે. સમાજથી એકલતા, માન મેળવવાની લાગણી વય વધે એમ વધે છે. ક્યારેક સ્વભાવ ચીડિયો બની જાય છે.  સંયોગો જેમ ઉંમર વધે તેમ ક્યારેક ન પચાવી શકાય તેવા જરૂર આવે, તેમાંથી બને તેટલું જલ્દી સ્વસ્થ થશો અને નકારાત્મક લાગણીઓ પર કાબુ રાખશો તો બને તેટલું વધુ જીવશો.

ઉંમરનો આંકડો વધશે , સાથે  ઉંમરને હસતાં હસતાં વધાવી લેશો તો જીવન જીવી લેશો. એક એક ક્ષણ માણી લેશો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here