મુખ્યમંત્રી વિજય રુપાણીએ છેલ્લા આઠ દિવસોમાં લીધેલા મહત્ત્વના તેમજ ઝડપી નિર્ણયોમાં હવે સહુથી તાજો નિર્ણય રાજ્યના વિકાસમાં મહાનગરો સાથે નાના નગરોને જોડાવાનો નિર્ણય પણ સામેલ થઇ ગયો છે.

ગાંધીનગર: ગુજરાતના દરેક મેટ્રો શહેરોની એક આગવી ડેવલોપમેન્ટ ઓથોરીટી છે જે સતત વિકસી રહેલા મહાનગરોના વિકાસને ગતિ તેમજ માર્ગદર્શન પૂરું પાડે છે. હવે આ જ તર્જ પર ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યના નાના નગરોનો વિકાસ કરવાનો પ્લાન પણ મંજૂર કરી દીધો છે.
ગુજરાત સરકારના આ નિર્ણયના અમલની શરૂઆત સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વિરમગામ તેમજ થાનગઢમાં થશે. આ બંને નગરોના ડેવલોપમેન્ટ પ્લાનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માત્ર બે જ મહિનામાં મંજૂરી આપી દીધી છે.
આ નિર્ણય પાછળ ગુજરાત સરકારનું માનવું છે કે રાજ્યના વિકાસ માટે માત્ર મહાનગરોનો વિકાસ કરવો જ જરૂરી નથી પરંતુ તેની સાથે સાથે નાના નગરોનો વિકાસ કરવો પણ એટલો જ જરૂરી છે. વિરમગામ અને થાનગઢ સાથે રૂપાણી સરકારે આ યોજનામાં વડોદરા જીલ્લાના કરજણનો પણ સમાવેશ કર્યો છે.
આ ઉપરાંત સુરતના નાના વરાછા તેમજ કાપોદ્રાના અન્ય ફેરફારોને પણ મુખ્યમંત્રીની મંજૂરી મળી ગઈ છે. આ સાથે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢના વિકાસ નકશાનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવાને મુખ્યમંત્રી વિજય રુપાણીએ મંજૂરી આપી દીધી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ દિવસોમાં મુખ્યમંત્રીએ કેટલાક મહત્ત્વના નિર્ણયો ઝડપથી લીધા છે. આ નિર્ણયોમાં ચેકપોસ્ટ નાબુદી, ખેડૂતોને રાહત, લર્નિંગ લાઈસન્સની મંજૂરી ITIમાંથી લેવી, છ મહત્ત્વની સેવાઓ ઓનલાઈન કરવી તેમજ ઉત્તર ગુજરાતના આદિવાસીઓ માટે ખાસ યોજનાની જાહેરાત સામેલ છે.
eછાપું