ગુજરાતી લઘુકથા – બોલતું બુશશર્ટ

0
360

દિવાળીના ફટાકડા મોડે સુધી ફોડ્યા. મઝા આવી. લોકો ભલે પ્રદુષણ કહે, એનાથી જીવાત મરી જાય છે એમ કહે  છે. મમ્મી મોટું ચોરસ ગેરુથી લીપી ફૂલ પાંદડીની ડિઝાઇન બનાવતી હતી. પપ્પા મારી સાથે ફટાકડા ફોડી કાલ માટે નવાં કપડાં ગોઠવતા હતા. કાલે વહેલું ઉઠવાનુ હોઈ મેં આંખ મીંચી. હજુ આસપાસ ફટાકડા ફૂટતા હતા. દિવાળીએ નહીં ફોડીએ તો ક્યારે? ઊંઘ આવતી ન હતી. મેં બારી તરફ જોયું. કૈંક હાલતું ચાલતુ લાગ્યું.

ઓહ! આ તો મારું નવું રેશમી બુશ શર્ટ. મને કહે, “હાય, કેમ છે?” મેં કહ્યું, “મઝામાં. કાલથી આપણે લાંબા સમયના દોસ્ત.” શર્ટ એ બાંય હલાવી, મેં એની સાથે હાથ મિલાવ્યા.

મેં કહયુ “તું ખૂબ સુવાળું,  ચમકતું છે. ધન્ય છે તને બનાવનાર ને.”

શર્ટ કહે “ તને ખબર છે કેટકેટલી મહેનત અને કેટલા જીવના નાશ પછી હું બન્યું છું?”

“ના? ખૂબ મહેનત?” મેં કહ્યું, “મને સમજાવ તારી ઉત્પત્તિની વાત.”

શર્ટ કહે “હું બનું છું રેશમના લાંબા તારમાંથી. આ વળી તાર એટલે શું? શર્ટે સમજાવ્યું કે લાંબા દોરા , વાયર માટે તાંબાના તાર, મમ્મીના મંગળસૂત્રમાં સોનાના તાર એમ એનામાં  રેશમના તાર.

હવે એ તાર ક્યાંથી આવ્યા?  એ જીવતા કીડાઓમાંથી. આ કીડાઓ શેતુરના ઝાડના પાન ખાઈ જીવે છે અને 6 કે 7 અઠવાડિયામાં જન્મ થઈ 10 હજાર ગણું વજન પ્રાપ્ત કરે છે. રેશમના કીડાઓ પોતાની લાળમાંથી પોતાની આસપાસ લંબગોળ કવચ રચે છે. અંગેજી આઠડા ની જેમ ફરતા 3 લાખ ચક્કર મારે એટલે એક કિલોમીટર એટલે કે તારા ઘર થી 15 મિનિટ ચાલીને થાય એટલું અંતર. આ તાર બે ની જોડીમાં કીડાના મુખમાંથી નીકળે છે અને હવાના સંપર્કમાં આવતાં જ સખત બની જાય છે. લોખંડ જેવા સખત નહીં પણ જેમાંથી તાર બની શકે એવા ઘન પદાર્થ. એક બદામ કે ખારી શીંગ જેવા આકારનું.

“હા, હું સમજ્યો. સંક્રાંતિ પર દોરાનું ફિન્ડલુ વાળું છું એવું લગભગ. “

“પણ એ લાંબા વખતે અને થોડું થોડું જ બને. એમાંથી કાપડના તાર માટે અનેક કીડા ખાસ ઉછેરવા પડે.  અર્ધો કિલો વજન થાય એટલા રેશમ માટે 2500 કીડા મારવા પડે છે. એટલામાં મમ્મીની બે સાડી, અથવા બે ત્રણ ઝબ્બા કે તારા બે ત્રણ શર્ટ, બસ એટલું જ કાપડ મળે.

આ ઉછરેલા કીડા  ખૂબ ભેગા થાય એટલે એને જીવતા ગરમ પાણીમાં નાખે. કીડા મરી જાય એટલે કોશેટા માંથી તાર ખેંચવામાં આવે. કિડાને મારવાને બદલે ગરમ હવા ફૂંકી રેશમ ખેંચી લેવાની શોધ થઈ છે ખરી પણ એમાં રેશમ ખૂબ ઓછું નીકળે છે.

હવે આ તાર  તો ભીના હોય. સમય લેતી પ્રક્રિયાથી એને સુકવે. હવે તારને છુટા પાડે. એક એક લાંબા તાર ને વીંટે વિશાલ ફિંડલા પર.

એ પછી એને વણવા પડે. એ માટે હાથશાળ, કબીર વણતા એ શાળનું ચિત્ર  જોયું હશે. શાળનો હાથો નીચે લઈ ઉપર કરતા તાર એક સાથે થઈ જાય પછી આડો હાથો ફેરવતા ઝીણી જાળીની જેમ વણાઈ જાય. લે જો આ નાના ચોરસ. “

મેં કાપડના તાર વચ્ચેથી ઝીણા ચોરસ જોયા.

શર્ટ કહે, “હા, અહીં એ નજીક હતા. યુનિફોર્મના કોટન શર્ટમાં સહેજ દૂર હોય એટલેજ તું. રમત માં કોઈને શાહી છાંટે તો એના ગંજી ઉપર પણ એ ઝીણા કાણાઓ માંથી ઉતરે. અહીં કાંઈ પણ ઢોળાય તો ઉપર જ ડાઘ રહે.

રેશમને ગરમ પાણીથી ધોવાય નહી. બારીક તાર તૂટી જાય. ઠંડા પાણીમાં જ ધોવાય.

મારો મૂળ રંગ શાળ પરથી ઉતરે ત્યારે સફેદ હોય. પછી ડિઝાઇન પડે.”

મેં કુતુહલથી પૂછ્યું કઇ રીતે?

શર્ટ કહે “તારને કલર કરી એટલે કે કલરના પાણીમાં ઝબોળી રાખી ગરમ સુકવ્યા હોય એ કલરવાળા તાર અને સફેદ તારને આડા ઉભા વણે એટલે તૈયાર થાય તારા ચેકસની ડીઝાઇન.  મમ્મીની સાડીની નિત નવી ડિઝાઇન માટે લાકડાંના બ્લોક બનાવે, એને ડાય કહેવાતી શાહીમાં ઝબોળે અને તમારા સર રિપોર્ટમાં સિક્કો મારે એમ ડિઝાઇનનો સિક્કો સાડી પર મારે. એવા ચોક્કસ અંતરે મારેલા સિક્કાથી સાડી ડિઝાઇન વાળી બને. એને પટોળા પણ કહે છે.  એવી જ રીતે મહારાજના પીતાંબર બને.

તને મારી ચેકસ ગમી?”

મેં કહ્યું, “હા, બહુ જ. એટલેજ દુકાનના શોકેસમાંથી કઢાવ્યું.”

શર્ટ કહે “હવે મને કરે ઈસ્ત્રી એટલે હું પહેરવા તૈયાર.”

પણ મને ઈસ્ત્રી પણ બહુ ગરમ ન ફેરવાય.

આજ કાલ કૃત્રિમ રેશમ પણ પોલિસ્ટરનું બને છે એ રેશમ જેવું ચમકતું હોય પણ એવું ટકાઉ નહીં. એ રેશમ કરતા સસ્તું પણ હોય.

મેં કહ્યું તેમ તાણાવાણા એટલે કે પેલા ઝીણા ચોરસ બહુ નજીક હોય એટલે અત્તર મારી પર લગાવો અને કૃત્રિમ રેશમ પર લગાવો.. મારુ દૂર થી પણ સુગંધ આપશે, રહેશે પણ બહુ વાર સુધી.”

હું ખુશ થઈ ગયો મારા નવા મિત્રની વાતો પર. ફરી એની સાથે હાથ મિલાવ્યો, એને ભેટવા ગયો ત્યાં કાને અવાજ પડ્યો “ શુકનનું સબરસ..”

લો. સવાર પડવા આવી. મારી આંખ ખુલી ગઈ. સામે  મારુ નાનકડું પેન્ટ અને ઉપર હસતું રેશમી શર્ટ પડેલાં. બહારથી તોરણની લાઈટ પડી અને શર્ટ એ સામી લાઈટ ફેંકી.. લાઈટ  સ્કૂલમાં કહે છે એમ ‘પરાવર્તિત ‘ થઈ.

મેં નવા મિત્રને પહેરવા ઉતાવળથી બ્રશ કરવા બાથરૂમ તરફ ડગ માંડ્યા. સાથે પોતાનો જાન આપી આપણને સુંદર વસ્ત્ર આપતા કીડાઓનો મનોમન આભાર માન્યો. હા એ જીવની હત્યા જરૂર છે. કોઈને મારી નાખવા તો મને પણ ન ગમે પણ એનો જન્મ એ કામ માટે જ થયો હશે જેમ રેશમી પીતાંબર પહેરતા કૃષ્ણ નો જન્મ અધર્મ નો નાશ કરવા થયેલો એમ સર કહેતા હતા.

મેં નજીક આવી શર્ટ ને એક ફ્લાઈંગ કિસ કરી, પહેરવા એની ગડી ખોલી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here