પિંક બોલ: ભારતની પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં શું શું થશે?

0
146
Photo Courtesy: hindustantimes.com

ભારતીય ક્રિકેટ આવતીકાલે નવો ઈતિહાસ રચશે જ્યારે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર તેની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમશે. ચાલો જાણીએ આ ટેસ્ટ મેચમાં આપણે નવું નવું શું જોઈશું?

Photo Courtesy: hindustantimes.com

કોલકાતા: આવતીકાલે ટીમ ઇન્ડિયા કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે તેની સર્વપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ બાંગ્લાદેશ સામે રમશે. આ ટેસ્ટ મેચ ગુલાબી એટલેકે પિંક બોલ સાથે રમવામાં આવશે. ભારત અન્ય ક્રિકેટ દેશોની જેમ જ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમે તે માટે BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી તેમની નિમણુંક થયાના પહેલા જ દિવસથી અત્યંત હકારાત્મક વલણ હતા અને તેમણે આ માટે કેપ્ટન વિરાટ કોહલીને માત્ર ત્રણ જ સેકન્ડમાં રાજી કરી દીધા હોવાનું જાણવા મળે છે.

જ્યારે રમતના મેદાનમાં ઇતિહાસનું સર્જન થતું હોય છે ત્યારે દરેક વ્યક્તિ તેનો ભાગ બનવાની ઈચ્છા ધરાવતો હોય છે. આ ટેસ્ટ મેચ રમનાર તમામ 22 ક્રિકેટર્સ તો ઇતિહાસનો ભાગ બનવાના જ છે પરંતુ તેની સાથે કોલકાતાવાસીઓમાં પણ આ અંગે જબરો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે.

મેચના પ્રથમ ચાર દિવસની તમામ ટીકીટો વેંચાઈ ગઈ છે. આ ટેસ્ટ મેચનું આયોજન સફળ રહે તે માટે સૌરવ ગાંગુલીએ સંપૂર્ણ જવાબદારી લીધી છે.

સૌરવ ગાંગુલીએ જાતે ઈડન ગાર્ડન્સની પીચનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કોલકાતાના કેટલાક મહત્ત્વના બિલ્ડીંગો પર ગુલાબી રંગની રોશની પણ કરવામાં આવી છે.

ટીમ ઇન્ડિયા તેમજ બાંગ્લાદેશની ટીમે ગઈકાલે ઈડન ગાર્ડન્સ પર ફ્લડ લાઈટ્સ હેઠળ પ્રેક્ટીસ કરી હતી. જાણવા મળ્યા અનુસાર આ ટેસ્ટ મેચમાં સાઈટ સ્ક્રિન સામાન્ય રીતે ટેસ્ટ મેચમાં હોય છે તે જ રીતે સફેદ રાખવામાં આવ્યો છે.

મેચની શરૂઆત ભારતીય સેનાના સૈનિકો દ્વારા હેલીકોપ્ટર દ્વારા મેદાન પર ઉતરીને બંને ટીમના ક્પ્તાનોને ગુલાબી બોલ સોંપીને કરવામાં આવશે. ત્યારબાદ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સ્ટેડીયમમાં રાખવામાં આવેલા ઘંટને વગાડીને ટેસ્ટ મેચ શરુ કરાવશે.

ટી ટાઈમની વીસ મિનીટ દરમ્યાન ભારતના મહાન ક્રિકેટરો સુનિલ ગાવસ્કર, સચિન તેંદુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, સૌરવ ગાંગુલી ખુદ તેમજ દિગ્ગજ ખેલાડીઓ અભિનવ બિન્દ્રા, સાનિયા મિર્ઝા, પીવી સિંધુ અને મેરી કોમને સન્માનિત કરવામાં આવશે અને તેઓ એક જીપમાં ઉભા રહીને સમગ્ર મેદાનનું ચક્કર લગાવશે.

ડીનર ટાઈમ દરમ્યાન સુનિલ ગાવસ્કર સિવાય ઉપરોક્ત ક્રિકેટરો આ જ મેદાન પર ભારતે 2001માં ઓસ્ટ્રેલીયા સામે મેળવેલા ઐતિહાસિક અને યાદગાર વિજયની યાદ તાજી કરશે. ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગોલ (CAB) બાંગ્લાદેશની સર્વ પ્રથમ ટેસ્ટ ટીમ જે ભારત સામે રમી હતી તેનું સન્માન કરશે, આ જ ટેસ્ટમાં સૌરવ ગાંગુલીએ કપ્તાન તરીકે પદાર્પણ કર્યું હતું.

સૌરવ ગાંગુલીએ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટની થઇ રહેલી તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મને યાદ નથી કે છેલ્લે એવું ક્યારે બન્યું હોય જ્યારે ભારતમાં કોઈ ટેસ્ટ મેચના પ્રથમ ચાર દિવસની ટીકીટો વેંચાઈ ગઈ હોય.

આવતે વર્ષે જ્યારે ઓસ્ટ્રેલીયા ભારતનો પ્રવાસ કરશે ત્યારે શું ભારત તેની વિરુદ્ધ પણ ડે-નાઈટ ટેસ્ટ રમશે? એ સવાલના જવાબમાં સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે તેઓ એ અંગે વિચાર કરશે. આવતીકાલે ઈડન ગાર્ડન્સ પર પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ ભારતીય સમય અનુસાર બપોરે એક વાગ્યે શરુ થશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here