કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં છે પ્રભુ શ્રી રામ…

0
961
Photo Courtesy: youngisthan.in

રામ એટલે કોણ? રામનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં તેમજ આપણા તમામના જીવનમાં કેમ આટલું બધું છે? ચાલો આ તમામ પ્રશ્નોના જવાબ જાણીએ…

જે ઘટઘટમાં રમી રહ્યો છે તે રામ. શ્રીમોટાની આત્મકથાનું નામ છે ‘ભગતમાં ભગવાન’. ભગતમાં રમી રહ્યો, રમણ કરી રહ્યો છે તે રામ. કહે છે, યોગીઓના ચિત્તનું કેન્દ્ર રામ છે. રામ એટલે આત્મા. આત્મા એટલે જ પરમાત્મા. રામ એ જ બ્રહ્મ. તે સનાતન પરમતત્વ પર આખો હિન્દૂ ધર્મ ટકી રહ્યો છે. હિન્દૂ ધર્મ તે શાશ્વત તત્વના કેન્દ્રમાં માને છે. આ ધર્મનું કેન્દ્ર તે નિત્ય અને અવિચળ એવું સતતત્ત્વ રામ છે. તે પરમતત્વ જ વિષ્ણુ છે. વિષ્ણુ એટલે વ્યાપ્ત, વ્યાપક, વિસ્તૃત, અનંત વિસ્તાર. તે અનંત છે અને અચ્યુત છે. અચ્યુતં કેશવં રામનારાયણમ. અને એવું જ રામશંકાર નામ છે. તે પરમતત્વ જ શિવ છે, કલ્યાણકારી છે. શં એટલે કલ્યાણ અને તે કરનાર તે શંકર. શંકરોતીતી શંકર: અને રમી રહ્યો તે રામ. ભારતમાં આજકાલ રામ જ હરિ છે, રામનારાયણ છે અને રામ જ હર છે, રામશંકર છે.

રામકથા મુજબ રામ અયોધ્યા નગરીના રાજા દશરથના પુત્ર હતા. દશરથ રાજાને ત્રણ પત્નીઓ, રાણીઓ હતી. પ્રમુખ પત્ની કૌશલ્યાના પુત્ર રામ હતા. આ ઉપરાંત તેઓની અન્ય બે પત્નીઓ હતી જેઓના નામ સુમિત્રા અને કૈકેયી હતાં. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામના ભાઈઓ હતા. રામની પત્ની સીતા વિદેહરાજ જનકના પુત્રી હતા. સીતાની બહેનો રામના ભાઈઓની પત્નીઓ હતી. તેમનાં નામો ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ હતાં. દશરથ રાજા અજના પુત્ર હતા. અજ એટલે અજન્મા. જે જન્મ્યું નથી તે જ અમર હોઈ શકે. અજન્મા શાશ્વત તત્વ આ ધર્મનું કેન્દ્રબિંદુ છે. ગીતામાં પણ તેને અજો, નિત્યો, શાશ્વતો, પુરાણો કહ્યું છે. અજ, દશરથ અને ત્યાર બાદ રામ જન્મ્યા તે કુલ ઇક્ષ્વાકુ કુલ કહેવાય છે. અયોધ્યા તે કુળનું રાજ્ય હતું. મહાકવિ વાલ્મિકી અનુસાર રામ અયોધ્યાના રાજા હતા.

રામનું નામકરણ મહર્ષિ વશિષ્ઠે કર્યું હતું. વશિષ્ઠ સનાતન હિંદુ તત્વજ્ઞાનને સમજવા માટે મહત્વપૂર્ણ પાત્ર છે. એ તત્વજ્ઞાન વિષ્ણુએ બ્રહ્માને સમજાવ્યું હતું તે છે. વશિષ્ઠ બ્રહ્માના પુત્ર હતા. શક્તિ વશિષ્ઠના પુત્ર હતા, શક્તિના પુત્ર પરાશર હતા અને પરાશરના પુત્ર વ્યાસ તથા વ્યાસના પુત્ર શુકદેવ હતા. વ્યાસ-શુક ક્રમાત ‘મહાભારત’ અને ‘શ્રીમદભાગવતપુરાણ’ થકી પ્રસિદ્ધ છે. તે મહાકાવ્યો અને એની કથાઓ ખુબ પ્રચલિત છે.

વિશ્વામિત્ર રામને વ્યવહારનું તત્વજ્ઞાન સમજાવે છે જ્યારે વશિષ્ઠ રામને પારમાર્થીક તત્વજ્ઞાન સમજાવે છે. તુલસીની રામાયણ, રામચરિત માનસ વાર્તાના રૂપમાં છે, તે કથા છે અને કાવ્ય છે. વાલ્મિકીની રામાયણ સાહિત્ય અને સર્જન છે. આ ઉપરાંત કંબ વગેરેની રામયણ પણ પ્રસિદ્ધ છે. વશિષ્ઠની પણ એક રામાયણ છે, તે મહારામાયણ છે. એનું નામ ”યોગવાશિષ્ઠ રામાયણ” છે. તે સનાતન તત્વજ્ઞાનનો ગુહ્ય ગ્રંથ છે.

યોગવાસિષ્ઠ રામાયણના રામ જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, સાધક છે. મહર્ષિ વશિષ્ઠ તેઓના ગુરુ છે અને રામ આ રામાયણમાં આધ્યાત્મિક જિજ્ઞાસુ અને શિષ્ય છે. વાલ્મિકી આદિના રામાયણમાં વ્યથાની કથા છે. સીતા ભૂમિમાં અને રામ જળમાં સમાઈ જાય છે. આખું જીવન સખત સંઘર્ષ છે. રામાયણમાં વિયોગ અને પીડાનું સાતત્ય છે. રામાયણ ટ્રેજેડી છે. એ ટ્રેજેડીમાં સુખદ છે કેવળ વશિષ્ઠએ રામને આપેલો પારમાર્થીક તત્વજ્ઞાનનો ઉપદેશ જે અજાતવાદ, વિવર્તવાદ અને દ્રષ્ટિસૃષ્ટિવાદ નામે હિન્દૂ તત્વજ્ઞાનના જાણકારોમાં સુવિખ્યાત છે.

ગીતામાં કૃષ્ણ જ્ઞાન આપે છે જ્યારે યોગવાશિષ્ઠમાં રામ જ્ઞાન પામે છે. કૃષ્ણની ગીતા હિન્દૂ ધર્મને સમજવા ઉત્સુક બિગિનર્સ માટે છે, ગહન અધ્યયન કરનાર માટે મહાગિતા છે જેનું મૂળ નામ અષ્ટાવક્ર સંહિતા છે. યોગવાસિષ્ઠ મહારામાયણ મહાગિતા જેવું, માંડુક્ય કારિકા જેવું, ત્રિપુરારહસ્ય જેવું છે. એટલેકે તે ઊંડું, વિશદ અને ગહન છે. ગાંધીજીને કૃષ્ણનો ઉપદેશ ગમે છે પણ ચરિત્ર રામનું ગમે છે. ગાંધીજી રામરાજ્યના મોટા પક્ષધર હતા. ગાંધીજીની પ્રેરણા જ રામ હતા. ગાંધીજીનો મુળમંત્ર જ રામ હતો. ગાંધી પરમ રામભક્ત હતા, તેઓ સ્વાતંત્ર્યસેનાનીઓને રામધૂન ગવડાવતા. રામસ્તવન તથા રામભજન કરતાં કરાવતાં ગાંધીજીએ ચળવળો ચલાવી. ગાંધીજી રામને ભૂતકાળનું કે ઇતિહાસનું પાત્ર નહિ પણ ભવિષ્યનો, મનુષ્યનો આદર્શ માનતા. રામ સે બડા રામ કા નામ, એ ગાંધીજીએ ચરિતાર્થ કર્યું હતું. ગાંધીજી રામથી કન્વીન્સ્ડ હતા. ગાંધીજીના મુખમાં રામનામ હોતું અને તેઓ રામનામસ્મરણ કરતા. રામના નામે પથ્થર તરે એ કથામાં રામનામની શક્તિ સુચવાઈ છે. ગાંધીજીની દ્રષ્ટિએ રામ હિન્દૂ અસ્થાનો વિષય છે અને રામમાં અસ્થાનો તેઓનો અર્થ આત્મવિશ્વાસ હતો. રામ જેવું જીવવાનો પ્રયત્ન એ જ ગાંધીજીનું અધ્યાત્મ કે જીવનસાધના હતા.

હિન્દૂ માન્યતા મુજબ શિવભક્ત કૈલાસ અને વિષ્ણુભક્ત વૈકુંઠને મોક્ષ પામે છે અને કૃષ્ણભક્ત ગોલોકમાં તથા રામભક્ત સાકેતધામમાં મુક્તિનો આનંદ માણે છે. સનાતન ધર્મના કેન્દ્રમાં ત્રિદેવ હતા પરંતુ તેઓના અવતારો અને અંશવતારોના કેન્દ્રમાં અનેક પંથો, સંપ્રદાયો બનતા ગયા. બધામાં આખરે એક જ તત્વજ્ઞાન અભિપ્રેત છે પરન્તુ દરેકના માર્ગ, રીતરિવાજ અલગ છે. તુલસીના રામ સનાતન ધર્મનું મુખ્ય રૂપ છે તો એનાથી ભિન્ન એવો એક આગવો રામાનંદી પંથ પણ છે. અહીં રામ સ્થુળમાંથી સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે. રૈદાસ અને કબીરના રામો જુદાં જ છે. રામનું સ્થાન ગુરુગ્રંથ સાહેબમાં પણ છે અને રામનો વિસ્તાર રહીમ સુધી છે. કબીરપંથના ફિરકાઓમાં એક રામકબીર સંપ્રદાય છે. કબીરે રામરસ પીધો હતો જેની ખુમારી ક્યારેય ઉતરતી નથી. હનુમાન ચાલીસામાં તુલસી રામરસાયણની વાત કરે છે. રામ હિન્દુ ધર્મમાં રસ અને રસાયણ તથા કણકણમાં વસે છે ત્યારે માત્ર મૂંહ મેં રામ, બગલ મેં છુરી જેવી વાતો પણ અહીં પુષ્કળ છે.

એક રામાયણ રામાનંદ સાગરની પણ છે જેણે હિન્દૂ માનસમાં એક નવો રામસંચાર કર્યો. જે રામ રસાયણ, રસ અને તત્વરૂપ હતા અને જે રામ ગ્રંથસ્થ અને હ્રદયસ્થ હતા અને જે રામના ચિત્રો હતા તે રામ હવે ચલચિત્રમાં ઉપસ્થિત થયા. એ જ નિર્માતાની નવી રામાયણ પણ આવી અને એની પ્રસ્તુતિ પણ ઉમદા હતી. પરંતુ લોકમાનસમાં તો રામાનંદ સાગરની રામાયણ અને એના પાત્રો છવાઈ ગયાં હતાં. મંગલ ભવન અમંગલ હારી એ ધૂન રવિવારોની સવારોને એ સમયે એક જુદી જ ચેતનામાં ગરકાવ કરી દેતી.

રામનામ સત્ય હૈ’નો રવ મૃત્યુના ઘંટ જેવો ધ્વનિ કરે છે પણ હિન્દૂ માટે આ એક શબ્દ સત્યનો પર્યાય બની ગયો છે. રામ ગોસ્વામી તુલસીદાસથી લાલકૃષ્ણ અડવાણી અને મહામુનિ વાલ્મિકીથી અશોક સિંઘલ સુધી વ્યાપ્ત છે. રામલલા અને રામમંદિર આજે પુનઃ ભારતની ચેતનાના કેન્દ્રમાં આજના રામને લઇ આવે છે. રામત્ત્વની ઈબાદત અને ભગવાન રામની ભક્તિ એ દ્વંદ્વ અને દ્વૈતમાં રમતા લોકોએ રામને કોર્ટકચેરી સુધી પણ વિસ્તાર્યા છે.

રામ કણકણમાં અને ક્ષણક્ષણમાં છે. રામ આત્મા છે, ચેતના છે, જેના કારણે કાશાકને નિર્જીવથી ભિન્ન એવા સજીવ અસ્તિત્વ તરીકે ઓળખી શકાય એ તત્વને, જીવંતતાને રામ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં જીવન છે ત્યાં રામ છે અને જ્યાં જીવ નથી ત્યાં રામ નથી. જીવરામ અને શિવરામમાં જે મધ્યક છે તે રામ છે. શરીર રામનું મંદિર છે દેહમંદિરનો દેવતા તે રામ છે. સનાતન હિન્દૂ ધર્મ મુજબ રામ અજરામર છે કરણ કે તે અજન્મા છે. રામ મરતો નથી કારણ કે તે જન્મ્યો નથી. રામના દાદાનું નામ અજ હતું. અજ એટલે જે જન્મ્યું નથી તે. જે જન્મે એ મરે. જે શાશ્વત હોય તેનો ના જન્મ છે કે ના મરણ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here